Daily Archives: માર્ચ 31, 2021

તિબેટના ભીતરમાં સંપાદક : મહેન્દ્ર મેઘાણી

હજારો માઈલ દૂર દેશના એક જુવાને આવીને આપણી હિમાલયી સરહદને ઓતરાદે પડખે જે સાહસો ખેડર્યાં, અને આપણી પુરાતન પાડોશી તિબેટી પ્રજાના જીવનનું જે દર્શન કર્યું, તેનું બયાન ‘સેવન યિઅર્સ ઇન તિબેટ’ નામના પુસ્તકમાં તેણે આપ્યું. મૂળ જર્મન ભાષાની એ ચોપડીના અંગ્રેજી ભાષાંતર ઉપરથી ટૂંકાવેલો આ અનુવાદ છે.

એ યુરોપીઅન જુવાનનું નામ હેનરિક હેરર. વતન એનું ઓસ્ટ્રીઆ. સત્યાવીસમે વરસે હિમાલયના નંગા પરબત શિખર પરની ચઢાઈમાં શામેલ બનતાં પહેલાં તો યુરોપના અનેક પહાડો એણે ખૂંદી નાખેલા. નિશાળની રજાઓ પૂરી થાય, ને ડુંગરાઓની વિશાળ ગોદ છોડીને શાળાના સાંકડા ખંડમાં પાછા ફરવું પડે, એ તો એને માથાના ઘા જેવું થઈ પડતું.
ઓછું ભણેલા, ને ભણતરમાં એથી યે ઓછો રસ ધરાવનારા, એ જુવાનની તિબેટી આપવીતી આ દાયકાની સહુથી વધુ ફેલાવો પામેલી ને જગતભરમાં લોકપ્રિય બનેલી ચોપડીઓમાં સ્થાન પામી. એનું એક કારણ, અલબત્ત, તિબેટનાં હિમ-વેરાનો વીંધતાં જોખમોની જે વર્ષાઝડી એણે (ને એના સાથી પીટર ઓફશ્નાઇતરે) ઝીલી તે. ઉપરાંત, બહારની દુનિયાથી હજી આજે પણ ઠીક ઠીક અજાણ એવી એક પ્રાચીન પ્રજાના અંગત જીવનનો અનુભવ વરસો સુધી એ મેળવી શક્યા. તિબેટના લોક-જીવનનું આવું સમતોલ ને સમભાવી આલેખન જગતને અગાઉ ભાગ્યે જ સાંપડયું હશે.

17,000 ફૂટની ઊંચાઈએ તોપો ઢસડતા બ્રિટિશ સેનાપતિ યંગહસબંડ 1904ની સાલમાં તિબેટના પાટનગર લ્હાસા સુધી હિંમતભરી ને કપરી ચઢાઈ લઈ ગયા, ત્યારે તેમની સાથે છાપાંના ગણ્યાગાંઠયા ખબરપત્રીઓ ગયેલા, ને તિબેટની રહસ્યભૂમિ ઉપરથી ગાઢા ધુમ્મસ-શો પડદો જરા હઠેલો — ને વળી પાછો પૂર્વવત્ પડી ગયેલો. બાકીના જગતથી સદંતર અલિપ્ત રહેવાના તિબેટી દૃઢ આગ્રહના આવરણને છેલ્લાં પચાસ વરસમાં બહુ ઓછા માનવીઓ ભેદી શક્યા છે; ને તેમાંયે, લ્હાસામાં પાંચ વરસનો વાસ કરીને છેક એ દેશના ‟દૈવી” બાળરાજા દલાઈ લામાના વિશ્વાસુ મિત્રપદે પહોંચી શકનાર, આ પુસ્તકના લેખકની સિદ્ધિ અજોડ ગણાય છે.

વાંસના તરાપા ઉપર વિશાળ પેસિફિક મહાસાગર પાર કરનારા છ યુરોપી જવાંમર્દાેએ દરિયાઈ સાહસકથાઓમાં જે શોભીતું સ્થાન ‘કોન-ટિકિ’ને અપાવ્યું, તે પહાડી સાહસકથાઓના સમૂહમાં આ પુસ્તકને મળ્યું છે. તે ઉપરાંત, તિબેટી પ્રજા-જીવનના સહાનુભૂતિ- ને સમજણ-ભરેલા આલેખનને કારણે આ પુસ્તક ભારતીય વાચકો માટે સવિશેષ મહત્ત્વનું બને છે.

તિબેટ અને ભારત વચ્ચેના સંબંધો ઘણા પ્રાચીન છે. ઈસુની છઠ્ઠી સદીના અંતમાં સ્રોંગ-ત્સેન નામના તિબેટી રાજા મોટી ફોજ લઈને હાલના બિહાર અને આસામ સુધી ધસી આવેલા એમ કહેવાય છે. તેના પુત્ર સ્રોંગ-ત્સેન ગામ્પો તે સમ્રાટ હર્ષવર્ધનના સમકાલીન હતા, ને તિબેટના એ સહુથી મહાન રાજા ગણાયા છે. એ રાજાએ ચીનની રાજકુંવરી સાથે લગ્ન કર્યાં તેને પરિણામે બૌદ્ધ ધર્મનો તિબેટમાં પ્રવેશ થયો, એવી આ આ પુસ્તકમાં આપેલી હકીકતને ભારતીય વિદ્વાનોનું સમર્થન પણ મળેલું છે. તિબેટી ભાષા માટે કોઈ લિપિની ખોજમાં એ રાજાએ એક મંડળીને કાશ્મીર સુધી મોકલેલી. સાતમી સદીથી તો અવારનવાર ભારતના, ખાસ કરીને બંગાળના, પંડિતોને તિબેટનાં નિમંત્રણો મળતાં. એ બધાંની અસર તિબેટી કલા ઉપર પડેલી તે આજે પણ જોઈ શકાય છે.

પણ ભૂતકાળના એ સંબંધોના કરતાં પણ યાદગાર ને ગૌરવશાળી સંબંધ ભારતના પ્રજાસત્તાક અને નૂતન તિબેટ વચ્ચેનો છે. હિંદુસ્તાનની બ્રિટિશ સરકારે શસ્ત્રબળના જોરે તિબેટની ભૂમિ ઉપર જે વિશિષ્ટ અધિકારો મેળવેલા તેનો સ્વતંત્ર ભારતે સામે ચાલીને ત્યાગ કર્યાે, અને જગતભરમાં સન્માન પામેલા પંચશીલ સિધ્ધાંતોની પ્રથમ ઘોશણા પણ તે અવસરે થઈ.

1951ના માર્ચમાં આ પુસ્તકના લેખકે તિબેટ છોડેલું. તે પછીનાં વરસો દરમિયાન, ચીનના પ્રજાસત્તાકના એક ભાગરૂપે, તિબેટની ઘણી કાયાપલટ થઈ છે. એ રીતે, આ ચોપડીમાં વર્ણવાયેલી અમુક હકીકતો હવે ભૂતકાળની બની ચૂકી હશે. તે છતાં, મોજીલી ને ભક્તિભાવભરી, શાણી ને વહેમીલી તિબેટી પ્રજાની હજી તો ગઈ કાલની જ તસવીર તરીકે આમાંની ઘણી વિગતો રસિક નીવડશે.

પોતાના પુસ્તકના સંક્ષિપ્ત અનુવાદની પરવાનગી આપવા બદલ શ્રી હેનરિક હેરરનો આભારી છું.

મહેન્દ્ર મેઘાણી

Leave a comment

Filed under Uncategorized