‘મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો,’ મૂર્ધન્ય કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન
કવિ-પત્રકાર, શાયર અને જીંદાદીલ ઇન્સાન જનાબ ખલીલ ધનતેજવીનું આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર લઈ રહ્યા દરમિયાન શ્વાસની તકલીફ થતા 82 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ખલીલ ધનતેજવીની અનેક ગઝલો, કવિતાઓ, શાયરી રાજ્યની કેટલીય પેઢીને કંઠસ્થ છે. આજે તેમના નિધનના પગલે સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે.
મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ સાબ વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
અહીંયા તેમની કેટલીક સુપ્રસિદ્ધ રચનાઓ તેમના ચાહકો માટે પ્રસ્તતુ છે
મારી નથી…
ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.
કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.
જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.
ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે…
ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.
હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.
કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.
ચોર ચોકીદાર ભેગા થઈ ગા…
ચોર – ચોકીદાર ભેગા થઈ ગયા..
બે અલગ સંસ્કાર ભેગા થઇ ગયા.
કાફલો રઝળે છે રસ્તામા હજી..
રાહબર ઘરબાર ભેગા થઇ ગયા.
આંગળી ને આંગળી અડકી ગઇ..
વીજળીના તાર ભેગા થઇ ગયા.
આપણે ઘરના રહ્યા ન ઘાટ ના..
સાધુઓ સંસાર ભેગા થઇ ગયા.
મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું…
તું ડગ ભરવાની હિમ્મત કર, ઊતરતા ઢાળ જેવો છું,
મનાવી લે મને, હું સાવ નાના બાળ,જેવો છું.
આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,
તું મારામાં ઊતર,હું સાતમા પાતાળ જેવો છું.
મને માણીજો પારાવાર શીતળતાના સંદર્ભે,
હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું.
ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.
હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.
એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.
બીજી શું
ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?
માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?
પાછી પડી
ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી,
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી.
ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા,
રણ વિષેની ધારણા હમેશ ક્યાં સાચી પડી?
જિન્દગી! સીધા ચઢાણ તારી સાથે હું રહ્યો,
મારે સાથે તું ઊતરતા ઢાળમાં થાકી પડી.
अब मैं राशन की कतारों में नज़र आता हूँ,
अब मैं राशन की कतारों में नज़र आता हूँ,
अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ।
इतनी महंगाई की बाज़ार से कुछ लाता हूँ,
લે આ મારી જાત ઓઢાડું તને…
લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.
તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !
ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !
– ખલીલ ધનતેજવી
હવાનો હાથ ઝાલીને..
હવાનો હાથ જાલીને રખડતા આવડી ગ્યુ છે,
મને ખુશ્બૂની દુખતી રગ પકડતા આવડી ગ્યુ છે.
હવે આનાથી નાજૂક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી,
મને પાણીના પરપોટાને અડતા આવડી ગ્યુ છે.
બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગ્યુ છે.
હવે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતા આવડી ગ્યું છે.
– ખલીલ ધનતેજવી
અમે અમારી રીત પ્રમામે રાતોને અજવાળી છે..
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.
તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.
છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલીલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.
– ખલીલ ધનતેજવી

મૈસુરનો વાઘ: ટીપુ સુલતાન મૈસુરના રાજા ટીપુ સુલતાનનો ૨૭૦ વર્ષ પહેલાં ૨૦ નવેમ્બર, ૧૭૫૦ના રોજ દેવનાહલ્લી (આજના બેંગલોર)માં જન્મ થયો હતો. તેઓ ફતેહ અલી રૂપે પણ જાણીતા હતા. એક દાતરડાથી તેમણે વાઘ માર્યો હતો તેથી તેઓ ‘મૈસુરનો વાઘ’ કહેવાયા. એક રાજા રૂપે તેમણે નવું સંવત (કેલેન્ડર) અને નવી નાણા પદ્ધતિ શરુ કરી હતી. તેમની જમીન મહેસૂલ પદ્ધતિને કારણે મૈસુરના સિલ્ક ઉદ્યોગના વિકાસનો આરંભ થયો હતો. અંગ્રેજોના તેઓ જાની દુશ્મન હતા. વર્ષો સુધી તેઓ એંગ્લો-મૈસુર યુદ્ધ લડતા રહ્યા હતા. રોકેટ આધારિત શસ્ત્રો તેમણે વિકસાવ્યાં હતાં. ફ્રેંચ કમાન્ડર નેપોલિયન બોનાપાર્ટે ટીપુ સાથે જોડાણ માંગ્યું હતું. ટીપુ સુલતાનનું યાદગાર વિધાન એ છે ‘સો વર્ષ શિયાળ રૂપે જીવવા કરતાં એક દિવસ સિંહની જેમ જીવવું જોઈએ.’ (પ્રસ્તુતિ સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)