
ખુબસુરત અને પ્રતિભાશાળી ઝીનત અમાનહિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી, મોડેલ અને બ્યુટી ક્વિન ઝીનત અમાનનો ૧૯ નવેમ્બરે ૬૯ મો જન્મ દિવસ. તેઓ સિત્તેર અને એંશીના દાયકાના જાણીતા સ્ટાર હતાં. તેઓ મીસ એશિયા પેસિફિક ટાઈટલ ૧૯૭૦માં જીત્યાં હતાં. આ ટાઈટલ જીતનારા ઝીનત પહેલાં સાઉથ એશિયન મહિલા હતાં. હિન્દી ફિલ્મોમાં ઝીનત અમાનને નાયિકાના આધુનિક સ્વરૂપ માટે યાદ કરવા જોઈએ. ૧૯ નવેમ્બર, ૧૯૫૧ના રોજ મુંબઈમાં ભોપાલ સ્ટેટના શાસક પરિવારના સભ્ય અમાનુલ્લાહ ખાનને ત્યાં તેમનો જન્મ. અમાનુલ્લાહ ‘મુઘલ-એ-આઝમ’ અને ‘પાકીઝા’ જેવી ફિલ્મોના લેખન સાથે સંકળાયા હતાં. તેઓ ‘અમાન’ નામે લખતા, માટે ઝીનતે મોટા થઈને પોતાની અટક રૂપે ‘અમાન’ અપનાવી લીધું. ઝીનત ૧૩ વર્ષના હતાં ત્યારે પિતાજીનું નિધન થયું હતું. તેમના માતા સ્કીંડિયા વર્ધીનીએ હેઇન્સ નામના જર્મન પુરુષ સાથે લગ્ન કર્યા હતાં. ઝીનત રઝા મુરાદની પિતરાઈ બહેન અને અભિનેતા મુરાદના ભત્રીજી થાય. ઝીનત પંચગીનીની સ્કૂલમાં ભણ્યા અને લોસ એન્જિલસની યુનિવર્સીટી ઓફ સર્ધન કેલિફોર્નિયામાં વિદ્યાર્થીની રૂપે ગયેલા પણ સ્નાતક થઇ શક્યા નહોતાં. ભારત પરત થઈને તેમણે ફેમિના સામયિકમાં કામ કરવું શરૂ કર્યું અને પછી મોડેલિંગ તરફ વળ્યાં. ૧૯૬૬માં તેમણે તાજમહાલ ટી માટે મોડેલિંગ કર્યું હતું. મીસ ઇન્ડિયા સ્પર્ધામાં તેઓ સેકંડ રનર-અપ બન્યા અને ૧૯૭૦માં મીસ એશિયા પેસિફિક ટાઈટલ જીત્યાં હતાં. ૧૯૭૧માં ઓ.પી. રાલ્હનની ‘હલચલ’માં ઝીનતે નાની ભૂમિકા કરીને શરૂઆત કરી હતી. કિશોર કુમાર અભિનીત ‘હંગામા’માં તેઓ સાઈડ હિરોઈન બન્યા. બંને ફિલ્મો નિષ્ફળ જતાં તેઓ બેગ-બિસ્તરા બાંધીને માતા અને સાવકા પિતા સાથે ભારત છોડી માલ્ટા જવા તૈયાર થઇ ગયાં હતાં. દેવ આનંદે તેમની ફિલ્મ ‘હરે રામ હરે ક્રિષ્ણ’ માટે ઝાહિદાને પોતાની બેનની ભૂમિકા ઓફર કરી હતી પણ તેમણે તે ન સ્વીકારતા છેલ્લી ઘડીએ ઝીનત અમાનને તે તક મળી હતી. એ ફિલ્મના ‘દમ મારો દમ’ ગીતે ધૂમ મચાવી. ઝીનતને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી એવોર્ડ મળ્યો. પછી તો દેવ-ઝીનત જોડીએ અડધો ડઝન ફિલ્મો આપી. ‘હીરા પન્ના’, ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’, ‘પ્રેમ શાસ્ત્ર’, ‘વોરંટ’, ‘ડાર્લિંગ ડાર્લિંગ’ અને ‘કલાબાઝ’. જેમાંથી ‘વોરંટ’ને ખુબ સફળતા મળી. એજ રીતે હાથમાં ગિટાર લઇને ‘ચુરા લિયા હૈ તુમને’ ગાતા ઝીનતને લાખો લોકોએ વખાણ્યા. દરેક હિન્દી ફિલ્મ મેગેઝીનના કવર પેજ પર ઝીનત છવાયા, ‘સિને બ્લિટ્ઝ’ સામયિકનો પહેલો અંક જ ઝીનતના કવરપેજ ફોટોથી આવ્યો. ઝીનતને દેવ આનંદ ઉપરાંત બી.આર. ચોપ્રા, રાજ કપૂર, મનમોહન દેસાઈ, ફિરોઝ ખાન, નાસીર હુસૈન, મનોજ કુમાર, પ્રકાશ મેહરા, રાજ ખોસલા કે શક્તિ સામંત જેવાં નિર્દેશકોએ લીધાં. રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુન્દરમ’માં ઝીનતની સેક્સ અપીલનો ભરપુર ઉપયોગ થયો. એ માટે ઝીનતની ખુબ ટીકા પણ થઇ. જોકે એને કલાના કાર્ય તરીકે જોવામાં આવ્યું. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું ફિલ્મફેર નામાંકન મળ્યું. ક્રિશ્ના શાહે ધર્મેન્દ્ર અને રેક્સ હેરીસન સહિતના દેશી-વિદેશી કલાકારો સાથેની ‘શાલીમાર’માં ઝીનતને લીધાં. ફિલ્મ નિષ્ફળ ગઈ. જોકે ‘હિરાલાલ પન્નાલાલ’, ‘ચોર કે ઘર ચોર’ જેવી ફિલ્મો આવી પણ ‘ડોન’ની સફળતાએ ફરી બધું બદલી નાંખ્યું. તેના નિર્માતા નરીમાન ઈરાની ‘ડોન’ બનતી હતી ત્યારે ગુજરી ગયા અને ઝીનતે તે ફિલ્મ માટે કોઈ ફી લીધી નહોતી. પછી ‘ધરમ વીર’, ‘છૈલા બાબુ’ અને ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ની સફળતા આવી. એંશીના દાયકામાં મલ્ટી સ્ટારર ફિલ્મો આવી, તેમાં હીરો-ઓરીએન્ટેડ ફિલ્મોમાં સેક્સ અપીલ માટે ઝીનતનો ઉપયોગ થયો. પણ તેનાથી વિપરીત દુષ્કર્મ પીડિતા રૂપે બી.આર. ચોપરાની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝું’માં ઝીનતનો અભિનય ખીલી ઊઠ્યો. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું ફિલ્મફેર નામાંકન મળ્યું. પછી ‘કુરબાની’, ‘અલીબાબા ઔર ૪૦ ચોર’, ‘દોસ્તાના’ કે ‘લાવારીસ’ની સફળતા આવી. ૧૯૮૯માં નાયિકા રૂપે છેલ્લીવાર ઝીનત ‘ગવાહી’માં જોવા મળ્યાં. એકાદ દસકા બાદ ઝીનત ‘ભોપાલ એક્સપ્રેસ’માં નાની ભૂમિકામાં આવ્યાં. પછી ‘બૂમ’થી ‘સ્ટ્રિંગ્સ ઓફ પેશન’ (૨૦૧૨) સુધી તેઓ દેખાતા રહ્યાં છે. ક્યારેક તેઓ ટીવી પર ઇન્ટરવ્યું આપતાં જોવા મળ્યાં. ૨૦૦૮માં ઝીનતનું તેમના સીનેપ્રદાન માટે ઝી સિને એવોર્ડ કાર્યક્રમમાં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન થયું. ૨૦૧૦માં કોલંબોમાં આઈફા એવોર્ડથી સન્માન થયું, જે એવોર્ડ ઝીનતે તેમના માતાજીને અર્પણ કર્યો.ઝીનત અમાને ૧૯૮૫ના મઝહર ખાન સાથે લગ્ન કર્યા અને તેમણે આઝાન અને ઝહાન નામના બે દીકરા છે. ૧૯૯૮માં પતિ મઝહર ખાનનું નિધન થયું. આજે ઝીનત તેમના બે દીકરાઓ સાથે રહે છે. સામાજિક અને એવોર્ડ ફંક્શનમાં તેઓ દેખા દે છે. ઝીનત અમાનના જાણીતા ગીતો: દમ મારો દમ (હરે રામ કરે ક્રિષ્ણ), પન્ના કી તમન્ના હૈ (હીરા પન્ના), ચુરા લિયા હૈ (યાદોં કી બારાત), આપ જૈસા કોઈ મેરી ઝીંદગી મેં આયે, ક્યા દેખતે હો, લૈલા ઓ લૈલા (કુરબાની), હમ દોનોં દો પ્રેમી (અજનબી), સત્યમ શિવમ સુન્દરમ, ભોર ભયે પનઘટ પર, ચંચલ શીતલ નિરમલ કોમલ (સત્યમ શિવમ સુંદરમ), જીસકા મુઝે થા ઇન્તઝાર (ડોન), કબકે બિછડે હુએ હમ આજ (લાવારીસ), હાય હાય યે મજબુરી, મૈ ના ભુલુંગા (રોટી કપડાં ઔર મકાન).નવેમ્બરના સિતારા: નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ..