મિલીના ઘર તરફ
ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફૂર્તિ અનુભવતી પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતું. બંને કિડની કામ ના કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો.
સેવ લાઈફ ઈન્સ્ટિટ્યૂટના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડૉનર ડૉ. મિલીના ઇન્ટરવ્યૂ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડૉનેટ કરી રહી હતી?એને પૈસાની કોઈ મોટી જરૂરિયાત હશે કે માનવીય લાગણી?’ શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો.ડૉ. મિલી દોઢેક મહિના પહેલા જ એમ.બી.બી.એસ થઈને ઈન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી.વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એકના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડૉનરની શોધ ચાલી રહી હતી. આમ પણ મોટા બિઝનેસમેન સૌરભને પત્નીની જિંદગી બચાવવા ગમે તેટલા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું.આ બાજુ ખૂબ જ સાધારણ ફેમિલીની ડૉ. મિલી પોતાની માની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેક્ટ મેચ થતા હતા.શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ. મિલી વસી ગઈ હતી.શુભાંગીએ પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી એબોર્શન, કરાવ્યું હતું, એનો એને ભારોભાર રંજ થયો. ‘પોતાની દીકરી હોત તો કદાચ આવડી જ હોત!’
મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડૉનેશનની વાત કરી ન હતી, પરંતુ બાપુને સોગંદ આપીને સમજાવી લીધા હતા. એજ હોસ્પિટલના બાજુના યુનિટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એકની એક દીકરી હતી. હોસ્પિટલના કેમ્પસમાં જ નાચી કૂદી મોટી થઈ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડૉક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. માથુર ખૂબ મહેનત, ધગશ અને લાગણીથી બધાંનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતું. હોસ્પિટલ સ્ટાફના ઘણા ડોકટર્સે મિલીને ભણવામાં મદદ કરી હતી. ઓછું ભણેલા માથુરને દીકરી પર અતૂટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું અને સારું જ હોય એમ એ માનતો.માની હાર્ટ સર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટમેન્ટમાં ખૂબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી.
નિયત તારીખે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી.એને જલદી રજા મળી ગઈ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો.શુભાંગીના શરીરે પણ નવી કિડની સ્વીકારી લીધી હતી. તબિયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી.કોણ જાણે કેમ માથુરની ભોળી આંખમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી.થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી,અંકોડી થી ગુંથેલી સફેદ થેલીમાં કેસુડાનાં બે ફૂલ ગુંથ્યા હતાં. આવી થેલી એણે પણ જાતે ડીઝાઈન કરી ગુંથી હતી,ત્યારે સૌરભે ટકોર પણ કરેલી, ‘તને તો કેસરી ભગવો રંગ બહુ ગમે!’ ‘હા બહુ ગમે. આમ તો કામણગારો છતાં ત્યાગ, બલિદાનનો રંગ. વળી કેસુડાને આનાથી વધુ કયો રંગ સોહે?..’ આ વિચારકડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીનીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય,’કિડનીની માફક થેલી પણ નજરે ચડે તો વેચાતી ના લઈ લે! પૈસાદરનું શું કહેવું?’
શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની છતાં સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બન્નેની નજરમાં ક્લિક થઈ ગઈ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ, ખૂબ સંઘર્ષ કરી,એકલે હાથે બિઝનેસ સંભાળતાં હતાં. એમણે શુભાંગીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીનાં હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એકનો એક પુત્ર સૌરભ જ હતો.એની ખુશી માટે અમીર ગરીબના ભેદભાવ વિના, વગર આનાકાનીએ દુર્ગાદેવીએ સૌરભ- શુભાંગીના લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઈચ્છતી,કહો કે, એની પ્રબળ ઇચ્છા હતી એકના એક પુત્રની દાદી બનવાની. વંશવેલો વધારવનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઈની પણ ભાગીદારી વગર એકનો એક પૌત્ર ભવિષ્યમાં બિઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય.વળી દીકરીનાં વડીલોએ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજુર નહોતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી સૌરભને કહી દીધું હતું કે, ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં’ અને એની ઈચ્છા વિરુદ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવા કે વર્તવાનું હતું જ નહીં.
શુભાંગીને પ્રથમ પ્રેગનન્સી દરમિયાન ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી દોઢ મહિનામાં જ અબોર્શન કરાવવું પડ્યું હતું.થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્રપ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે,’ વગર પરીક્ષણે કહી આપું કે, ‘દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટું પડતું જ નથી.’ દુર્ગાદેવી આ વખતે શુભાંગીની ખૂબ જ કાળજી રાખતી અને દરરોજ શુભાંગીને મંદિરે લઈ જઈ જ્યોતિષે કહ્યા મુજબની પૂજા કરાવતી. આ ક્રમ છેલ્લા મહિના સુધી જળવાયો. એવામાં જ એક દિવસ પૂજા કરીને સાસુ વહુ મંદિરનાં પગથિયાં ઊતરતા હતાં, ને સાડીનો છેડો પગમાં ભેરવાતા શુભાંગીનો પગ લપસ્યો અને પછી.. દોડાદોડ.. હોસ્પિટલન ને ઇમરજન્સી..દોઢ દિવસ શુભાંગી કોમામાં રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુભાંગી ઉગરી ગઈ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દિવસો આવ્યા. સાસુમાની ઈચ્છા પૂરી થઈ. દીકરો જન્મ્યો. આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ પણ જળવાઈ રહી.
ફરી નજર પેલી થેલી તરફ ગઈ ને યાદ આવ્યું કે,’ એ એણે પોતે ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઈ રોજ મંદિરે જતી પરંતુ તે દિવસે પગ લપસતાં સીધા હોસ્પિટલ ભેગા થવું પડયું ત્યારે થેલી મંદિર પાસે જ પડી ગઈ હશે, તે આ થેલી તો ન હોય?’ એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’ માથુર એક ઝાટકે બોલી ઊઠ્યો, ‘ચામડી કહો તો ઉતારી આપું, આ થેલી ન આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની માના ગીરવી રાખેલા ઘરેણાં લેવા જાઉં છું.’શુભાંગીએ ફરી કહ્યું,’ તારી દીકરીએ તો કિડની આપી, તું એક થેલી ન આપી શકે?’ માથુરે થેલીને હૈયા સરસી ચાંપી આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી, એ બાળકને જન્મ આપી શકે એમ ન હતી, મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી હતી, એટલે જ તો એનું નામ મિલી છે.’ છેલ્લું વાક્ય બોલાતું હતું ને ત્યાં જ દુર્ગા ને સૌરભની રુમમાં એન્ટ્રી થઈ. બંને ચોંકીને એકબીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઊઠ્યો, શુભાંગીના પગ પાસે ફસડાઈ પડ્યો. દુર્ગાદેવીના મોઢામાંથી આહ નીકળી ગઈ,’મિલી, મારી જ કૂળદીવડી!’ માથુર કાંઈ ના સમજ્યો પરંતુ શુભાંગીનાં મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક, કચરાપેટી.. ઓહ..ઓહ..!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કિડનીના રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી,’દીકરી! તેં તો જન્મ આપનાર અને પાલક મા, બંને માને જીવતદાન આપ્યું.ધન્ય છે તને!’ ત્યાંજ દુર્ગાદેવીના ઉદગાર સંભળાયા,’ માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું ને એણે દોટ મૂકી, મિલીના ઘર તરફ.
યામિની વ્યાસ