Daily Archives: એપ્રિલ 21, 2021

દીવડી બની દીવાદાંડી

આજના ગાંધીનગર મેટ્રોમાં
દીવડી બની દીવાદાંડીમાં
આભાર શ્રી સંગીતા ચૌહાણ

યામિની વ્યાસ! નામ જ પોતાની સાથે સફળતા, પ્રભાવકતા અને અૈશ્વર્ય લઇને આવ્યું છે! શબ્દ અૈશ્વર્ય, રૂપ અૈશ્વર્ય, અને ભાવ માધુર્યનાં ઝરમરિયાં અેટલે યામિની મેડમ! હું યામિની વ્યાસનો સંક્ષિપ્ત પરિચય આપતાં ખૂબ આનંદ અનુભવું છું.

પહેલા વરસાદના વાવડનો પ્રથમ દિવસ ૧૦મી જૂનની આસપાસ જ હોય છે. એવી જ એક૧૦ મી જૂને મારી મેઘધનુષ સાથે અગાઉથી દોસ્તી પાક્કી થઈ ગયેલી,ટપટપ ફોરાં સાથે રમવાની મારી એપોઇન્ટમેન્ટ હતી,ઝરમર સાથે મારો દાવ આવી ગયો હતો.વાદળ છવાયાં અને વરસાદ વરસવાનું શરૂ થયું એ જ દિવસ મારો જન્મદિવસ. વળી સાલ ૧૯૬૦ એટલે ગુજરાતનો પણ જન્મ દિવસ, ઉંમરમાં અમે સરખા એટલે ગુજરાત વ્હાલું પણ ખૂબ.
દુનિયામાં આવવાની કેટલી ઉતાવળ! મારી મા તો ઉનાઈથી નવસારી હોસ્પિટલમાં બતાવવા ગઈ હતી ને ડૉક્ટર બામજી બોલ્યા, “અરે! હવે ઘરે નઈ જવાશે. હમણે મજજેનું બેબી આવી જશે.” એમ, હું પ્રિમેચ્યોર જન્મી. એ પ્રિમેચ્યોરિટી હજી મારામાં ક્યાંય જળવાયેલી છે.
હોસ્પિટલમાં જન્મી ત્યારે મમ્મી સાથે આવેલ નર્સ પરિનઆન્ટીએ, ત્યારે ફોનની સુવિધા ન હોવાથી, રેલવે સ્ટેશને જઈ પપ્પાને ઉનાઈ મેસેજ મોકલ્યો. ત્યાં ગાડી કે અન્ય વાહનની વ્યવસ્થા ન થઈ શકી, એટલે પપ્પા કચરાગાડી સાફ કરાવીને એમાં લેવા આવ્યા. ઘરે પહોંચ્યા ત્યારે દાદી બોલ્યાં, “કચરાપેટીમાં સોનુ આવ્યું.”
મમ્મીપપ્પાની હથેળીમાં મારું શૈશવ દોડતું રહયું.પપ્પા ડૉક્ટર.જ્ઞાનનું તેજસ્વી આકાશ અને મમ્મી ભાવવાહી વાણીનું સરોવર. રોજ રાત્રે જમ્યા પછી પપ્પા રામાયણ, મહાભારતના પ્રસંગો, વિવિધ વાર્તાઓ સંભળાવે ને મમ્મી મધુર કંઠે ગીતો,ભજનો. ત્યાર બાદ તારાદર્શન કરી સુઈ જવાનું.વાર્તા ક્રમશઃ રાખતા એટલે બીજા દિવસની સાંજની રાહ સપનામાં પણ આવતી.સવારે શાળાએ જતાં પહેલાં કંઈ પણ જોઈને કે મોઢે સરસ અક્ષરમાં પેન્સિલથી લખવું, એવું પપ્પાએ શીખવ્યું હતું,અને એમ પણ કહેતા,’બને એટલો રબરનો ઉપયોગ ન કરવો પડે તે જોવું, કાગળમાં જીવનમાં પણ.’ કદાચ એ બચપણનું ઘડતર મને લખવા તરફ લઈ ગયું હશે.
પપ્પાની ટ્રાન્સફરને લીધે વિવિધ ગ્રામ્ય રંગો માણ્યા.ગામ બદલતાની સાથે લોક, દૂધ, પાણી, પડદા પગલૂછણિયાં, યુનિફોર્મ, સ્કૂલ, સહેલીઓ પણ બદલાતી રહી. લાઈટ નહીં, પાણીના નળ નહીં, નહીં સરખું બજાર કે નહીં સરખો વાહન વ્યવહાર, છતાં ઊડતી ધૂળમાં, લીલા ખેતરોમાં, કૂવાના પાણીમાં કે ગાડાની સવારીમાં જેટલો આનંદ આવતો એ વર્ણવવો શક્ય નથી.ઘોર અંધારી રાતે ભર વરસાદમાં, છાતીસમાણાં પાણીમાં ભેંસ પર ખાટલી મૂકી દર્દીના સગા સાથે પપ્પાને વિઝિટ જતા જોયા છે.
એક રસપ્રદ વાત વહેંચવી છે. અમે કુદીયાણા ગામ રહેતા હતા ત્યારે હિન્દી-પહેલીની પરીક્ષા આપવા સરસ ગામ જવાનું હતું. હું સખીઓ સાથે ચાલતી જ ગઈ. પાછા વળતા ખૂબ તરસ લાગી. તે વખતે વૉટર બોટલ નહોતી. રસ્તાની બાજુમાં ભરાયેલા ખાબોચિયામાંથી અમે પાણી પી લીધું. ઘરે આવીને વાત કરી તો પપ્પા ખિજાયા. પણ, પ્રભુકૃપાથી કંઈ જ થયું ન હતું.
જુદા ગામે ઘણું બધું બદલાતું રહેતું. લીંપણવાળી નિશાળોમાં જાતે લીંપતા. સીવણ, ભરત, કાંતણ વગેરે પણ શીખવા મળ્યું. સ્કૂલના હાયર સ્ટાન્ડર્ડ દરમ્યાન બારડોલીમાં નાનાનાની પાસે રહી. નાનાની કડક શિસ્ત અને નાનીની કોઠાસૂઝથી ઘડાઈ. નાની પાસેથી સાંબેલાથી પાપડનો લોટ ગૂંદતા, ઘંટીથી દળતા, ચીપિયા વગર રોટલી ફૂલાવતા કે સીધી તવી પર ચાનકી થાપતા શીખી છું. ડામચિયો, અબળચોકો એવા તો કંઈ કેટલાય શબ્દો એમની પાસેથી શીખી છું.
ગડત ગામમાં રહેતા હતા ત્યારે બસમાં વ્યારા સ્કૂલે જતા. ગામમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી ખરીદી, લોટ દળાવવો, ગેસ સિલિન્ડર બદલાવવો એવા તો કંઈ કેટલાંયે કામો સ્કૂલે જતાં ત્યારે અમે જ કરતા. એક દિવસ વરસાદ બહુ પડ્યો અને અમારી છ વાગ્યાની બસ બંધ રહી. અમે ભીના થઈ ગયેલા એટલે સખત ઠંડી ચઢી હતી. હું અને મારી બહેન વ્યારા સ્ટેશન પર ઠુંઠવાતાં બેઠાં હતાં. કોઈ બસની વ્યવસ્થા પછી ન હતી. ત્યાં જ એક સજ્જને મોટરસાઇકલ પરથી તમને જોયા. એમણે ઊતરીને કહ્યું કે તમને ગડત મૂકી જાઉં? અમે ખચકાયા એટલે એમણે કહ્યું કે તમારા પપ્પાને હું ઓળખું છું.પપ્પાનું નામ પણ કહ્યું.ત્યારે ફોન તો હતા જ નહીં.જવું કે ન જવું નિર્ણય અમારે કરવાનો હતો. આખરે હિંમત કરી અને બંને બહેનો બેસી ગઈ. આખે રસ્તે બેસુમાર વરસાદ અને ગાઢ અંધારૂં. અંદરથી ખૂબ ડર લાગતો હતો પણ ખૂબ સાચવીને પેલા અંકલ અમને ઘરે મૂકી ગયા. મમ્મી બહાર ફાનસ હાથમાં લટકાવીને હાથમાં છત્રી લઈ ક્યારની રાહ જોતી ઊભી જ હતી.
હવે કૉલેજની વાત. મારે જવું હતું મેડિકલમાં પણ ટકા ઓછા આવવાથી નવસારીમાં માઇક્રોબાયોલોજીમાં એડમિશન લીધું. હોસ્ટેલમાં રહેવાનું થયું.વોલીબોલ,બાસ્કેટબોલ જેવી ટુર્નામેન્ટ રમતી થઈ.ત્યાં ઘણું બધું શીખવા મળ્યું. ઘરેથી દૂર એટલે પોસ્ટકાર્ડ લગભગ રોજ લખાતું.એમાં દાદાજી સાથે ચિંતનાત્મક વાતો ઘણી થતી. વેકેશનમાં પપ્પા અમને સાપુતારા પૂર્ણિમાબેન પકવાસાના શિબિરમાં મોકલતા. સવારે પાંચથી રાત્રે દસ સુધી શિસ્તબદ્ધતા,નિયમિતતા,તન અને મન મજબૂત કરવાની તાલીમ અપાતી એટલે મને જ્યૂડો, કરાટે, યોગા, ધ્યાન, રાઇફલ ટ્રેનિંગ,ટ્રેકિંગ તથા ગ્રામ્ય કન્યાઓ સાથે સમૂહ જીવન જીવતાં આવડી ગયું.
કૉલેજ દરમ્યાન નાનીનાની કવિતાઓ અને લેખો લખતી, જે કૉલેજ મેગેઝીનોમાં કે જ્ઞાતિ મુખપત્રોમાં છપાતાં. મુંબઈ ડી.એમ.એલ.ટી કરવા ગઈ ત્યારે શહેરી જીવનનો અને ફાસ્ટ લાઈફનો ખાસ્સો પરિચય થયો. એ પૂરું કરી બારડોલી સરદાર હોસ્પિટલમાં નોકરી લીધી. ત્યાં ઇમર્જન્સી કે નાઈટ ડ્યૂટીમાં નવા નવા અનુભવો થતા રહ્યા. ફુરસદના સમયમાં ગરબા, નાટક, રંગોળી, રસોઈ એવી વિવિધ પ્રવૃતિઓ કરતી રહેતી.
લગ્ન થયા એટલે અમદાવાદ આવી. જ્યાં પાર્ટ ટાઈમ નોકરી સાથે એમ્બ્રોઇડરી ડિપ્લોમા કર્યું અને સિતાર તેમજ સંગીતની તાલીમ પણ લીધી. બાળકોના આગમનની પગલીઓથી ઘરનું આંગણું નીખર્યું. થોડાં વર્ષો બાળઉછેરમાં ગયાં. તે વખતે ફ્રી સમયમાં ખૂબ વાંચન કર્યું.
સુરત આવ્યા બાદ બાળકોના સ્કૂલે જતાં થયાં પછી થોડી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી, ખાસ કરીને ગરબા. સુરતની ‘ગોપુરમ’, ‘મલ્હાર’ તથા ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર’ જેવી સંસ્થામાં ગરબા કરવાનો અને દિગ્દર્શન કરવાનો પણ લહાવો મળ્યો. રાજ્યકક્ષાએથી લઈ દૂરદર્શન સુધી આ પ્રવૃત્તિ કરી અને અનેકવાર વિજેતા થયા. સાથે સાથે નાટ્ય પ્રવૃત્તિ પણ શરૂ કરી. રિહર્સલને કારણે ખૂબ સમય જતો પણ નોકરી, બાળકો, ઘર, પરિવાર સહિત એ સઘળું સંભાળતા આવડી ગયું હતું.
એક કિસ્સો યાદ આવે છે; અમે ગુજરાત રાજ્ય ગરબા સ્પર્ધામાં ભરૂચ ગયેલા. ઘણી એન્ટ્રીઓના કારણે અમારો નંબર મોડી રાત્રે ત્રણ વાગ્યે આવ્યો. સવારે ચાર વાગ્યે રિઝલ્ટ જાહેર થયું. અમારી ટીમ પ્રથમ વિજેતા થઈ અને ખુશખુશાલ મૂડમાં સવારે છ વાગ્યે સુરત આવી, ઘરે પહોંચી, રસોઈ કરીને આઠ વાગ્યે નોકરીએ ગઈ.
પરિવારનો ખૂબ સારો સહકાર હોવા છતાં મને શોખ અને જવાબદારી વચ્ચે સમતોલન સાધતાં આવડી ગયું હતું. બાળકો બોર્ડમાં આવ્યાં ત્યારે તેઓનાં વાંચન સાથે હું લેખન કરવા લાગી. કવિતા, વાર્તા, લેખ લખવાનું શરૂ કર્યું. કવિશ્રી નયનભાઈ દેસાઈ પાસેથી છંદ જ્ઞાન મેળવ્યું.ગઝલ,ગીત લખતી થઈ. નવલિકા, નાટકો, સ્ક્રિપ્ટ પર પણ હાથ અજમાવ્યો. સુરતના કેટલાયે સમર્થ કવિઓ ને લેખકોએ સહકાર માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી. મનોમંથન, ઉજાગરા, આંતરકલહ સાથે હૃદયની ઉષ્મા અને સુષ્માથી કૃતિઓ સર્જાતી ગઈ. હું મંજાતી ગઈ. મનના મિજાજની ગલીઓમાં રઝળપાટ કરી નવું નવું શોધતી ગઈ અને આલેખતી ગઈ.
નારી વેદનાને વાચા આપવાનું વધુ સ્પર્શતું. સ્ત્રીભૃણ હત્યા વિરોધી ‘જરા થોભો’ નાટિકા લખાઈ. અહીં ખાસ યાદ આવે છે કે એ દિવસે મારી નાઈટ ડ્યૂટી હતી.દિવસે ઘરે જ હતી,બુટ ચપ્પલનું ખાનું ગોઠવતી હતી અને ફોન આવ્યો કે ‘મહિલાદિન માટે આ વિષય પર સ્ક્રીપ્ટ છે? અથવા તો રાત સુધીમાં લખી શકાય?’મેં કહ્યું,’નક્કી ન કહી શકું,ટ્રાય કરું.’ આ વિષય પર મારી બે કવિતાઓ હતી,એ વિચારતાં વિચારતાં શુ રેક પાસે બેસીને જ ત્યાં બાજુમાં પસ્તીનું ખાનું હતું એમાંથી જૂની ડાયરી કાઢી એક જ લસરકે સ્ક્રીપ્ટ લખી.ખ્યાલ નહોતો કેવી લખાઈ પણ બેજ દિવસના રિહર્સલમાં ભજવાઈ અને મહિલાદિને તો ચાર ચાર પ્રયોગ.પછી તો ગુજરાતભરમાં અને મુંબઈમાં ૩૫૦થી વધુ પ્રયોગો થયા છે. અમે કેટલાય નવાં નવાં સ્થળોએ; ચોક, પાર્ટીપ્લોટ, હોલ, મેળાવડા, કેમ્પ,તહેવાર ઉજવણી, સંસ્થા કે સમારંભ જેવી કોઇપણ જગ્યા હોય કે કોઈપણ પ્રહરમાં સવારે છ વાગ્યે અને રાત્રે એક વાગ્યે પણ અમે નાટિકા ભજવી છે. આ રીતે હોસ્પિટલની રાઉન્ડ ધ કલોક નોકરી,ઘર પરિવાર, સમાજ, સંગાથે મારી સર્જનની ગાડી દોડતી રહી.જોકે આજ હોસ્પિટલનની નોકરીએ મને કેટલીયે કવિતાઓ, કેટલીય વાર્તા,નાટકના કેટલાય સંવાદો આપ્યા.
એવામાં મને ભારે અકસ્માત નડ્યો પણ તે મને ફળ્યો. છ મહિના ઘરે રહી એ દરમિયાન છૂટીછવાઈ ગઝલો ભેગી કરીને અકાદમી પર સંગ્રહ મોકલ્યો, ગ્રાન્ટ મળી અને મારો પ્રથમ ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળના પત્રો’ પ્રગટ થયો. કવિશ્રી કિરણસિંહ ચૌહાણે ‘મિલીના ઘર તરફ’ દ્વિઅંકી નાટક જોયું, તેમને પસંદ પડયું અને આ નાટક એમણે છાપ્યું, જે ખૂબ પોંખાયું અને અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા.
વળી બીજા અકસ્માતે ફરી સમય મળ્યો. ગીતસંગ્રહ ‘પાંપણને પડછાયે’ તૈયાર થયો. તે પણ સાનિધ્ય પ્રકાશનમાં પ્રસિદ્ધ થયો. એ વખતે હું હળવાશથી કહેતી કે ‘એક પ્રકાશન માટે એક હાડકું તોડાવવું પડે!’
બાળકો અભ્યાસ અને નોકરીમાં સેટ થતાં ગયાં. મારી પણ હોસ્પિટલની નોકરીમાંથી સમય કાઢીને લેખન, નાટકો, ગુજરાતી ફિલ્મ વગેરેમાં કામ કરતી ગઈ.લેખન અને અભિનય માટે પારિતોષિકો મળતાં જે પ્રોત્સાહિત કરતા,ચાલકબળ બની રહેતા.ઘણીવાર નોકરીમાં રજા ન હોય કે ઇમરજન્સી ડ્યુટી હોય, કે પારિવારિક કે અન્ય સામાજિક કામ હોય, તો કવિસંમેલન, નાટક કે અન્યમાં ભાગ ન યે લઈ શકી હોઉં પણ એનો જરાય વસવસો નથી. આખરે નોકરીમાં પણ રિટાયરમેન્ટ આવ્યું પછી તો લેખન પ્રવૃત્તિનો વેગ વધ્યો. મને અવકાશ અને ખુલ્લુ આકાશ બંને મળ્યાં. અછાંદસ કાવ્યસંગ્રહ ‘સૂરજગીરી’ની ઈબુક તૈયાર થઈ.પ્રિય કવયિત્રી એષા દાદાવાળાએ ઈબુક બનાવવાની જવાબદારી સંભાળી. મને ખરા અર્થમાં લોકડાઉન ફળ્યું. બે રજતજયંતી નાટકો ‘વહાલના વારસદાર’ અને ‘રણમાં ખિલ્યું પારિજાત’નાં પુસ્તકો પ્રકાશિત થયાં. મમ્મીપપ્પાના હાથે ઓનલાઇન વિમોચન પણ થઈ થયું.
હજુ ઘણું શીખવું છે, વાંચવું છે, લખવું છે, ભજવવું છે.એક વાતે હું નસીબદાર છું કે મને હંમેશા અત્યંત હૂંફાળો માહોલ મળ્યો છે. એ સુરત શહેર હોય, સાહિત્યિક મિત્રો કે મારો પરિવાર. બધાની હૂંફ મળી છે અને મેં એ પણ ધ્યાન રાખ્યું છે કે જ્યાં જ્યાં, જે સમયે મારી ફરજનો ભાગ હોય ત્યાં એને જ સાથ આપ્યો છે. દરેક ક્ષેત્રમાં પ્રેક્ટિસ-રિહર્સલ-રિયાઝ કરું છું પણ આ રસોઈના ભોગે તો નહીં જ. દ્રઢનિશ્ચય,સાફ હૃદય અને પૂર્ણ ઉત્સાહથી કામ કરીએ તો અવશ્ય મંજિલે પહોંચી શકાય છે.
મેં મારી આંતરિક આભા જેવી કે કુતૂહલવૃત્તિ, લાગણી-ભાવનાની ભીનાશ, ઝીણવટપૂર્વકનો અભ્યાસ, સ્વયંસ્ફૂરણા, બાળસહજ વૃત્તિ, જે કામ લીધું તેના પર સંપૂર્ણ ધગશથી મંડી પડવું એ જાળવી રાખ્યું છે. એક વાત નક્કી છે કે આપણે પાણી જેવા રહેવાનું; જ્યાં જ્યારે જેમ રસ્તો મળે એ રીતે વહીને આગળ વધવાનું અને ભીંજવતા રહેવાનું.આ શરૂઆત જ છે,હજુ ઘણું બાકી…
છેલ્લે રોબર્ટ ફ્રોસ્ટના શબ્દોમાં’..And Miles to go before I sleep…’
== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized