એટ ટુ : દોસ્ત બન બનકે મિલે, મુઝકો મિટાનેવાલે
મિત્રતામાં કાંઈ કિંતુ પરંતુ થોડું હોય ? મિત્ર ગમે તેવો નાલાયક હોય એને તો નિભાવવો જ પડે
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
– હેમેન શાહ
વાત જાણે એમ છે કે આમ તો એ મારો મિત્ર, ખાસ જિગરી, મારો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. હવે હું સફળ હોઉં એટલે સ્વાભાવિક રીતે મારા દુશ્મનો તો હોય જ. મને પાડી દેવા માટે, મારી સત્તા છીનવી લેવા માટે તત્પર લોકો તો હોય જ. હું એનાથી ચેતીને ચાલુ. પણ છતાં એક ગાફેલ ક્ષણે તેઓ એક સોચી સમજી સાજીશ તહદ મને મારી નાંખે, મારું ખૂન કરી નાખે. હા, એ તો સમજી શકાય કારણ કે તેઓ તો મારા વિરોધીઓ હતા. પણ મને ખબર પડે કે મને ખંજર હૂલાવી દેનારાં કાતિલોની ટોળીમાં મારો ખાસ મિત્ર પણ શામેલ છે તો મરતા મરતા મને આશ્ચર્યની સાથે ખેદ થાય, ઉદ્વેગ થાય, મન ખિન્ન થઈ જાય અને મારા મુખમાંથી શબ્દો સરી પડે, ‘એટ ટુ’ (Et Tu…) જેનો ગુજરાતીમાં અર્થ થાય, ‘તું પણ…’
હમણાં જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે આ શબ્દો કર્ણાટકને ઉદ્દેશીને ટ્વીટ કર્યા. હવે ક્યાં જમ્મુ એન્ડ કાશ્મીર અને ક્યાં કર્ણાટક ? લિટરલી, ઉત્તર અને દક્ષિણનો ભેદ. પણ ગયા અઠવાડિયે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણના ચાલી રહી હતી, ભાજપ પૂર્ણ બહુમત પ્રાપ્ત કરે એવી એક શક્યતા જણાતી હતી ત્યારે ઓમર અબ્દુલ્લાહે ટ્વીટયુ કે એટ ટૂ, કર્ણાટકા… વાત જાણે એમ છે કે ભારત હવે કમળ છાપ થતું જાય છે. એક પછી એક, દરેક રાજ્યમાં કેસરિયો લહેરાતો જાય છે. એમાં વિરોધ પક્ષોને વાંધો હોય એ સમજી શકાય. કર્ણાટકમાં કોંગ્રેસનું પૂર્ણ બહુમત રાજ હતું. લોકોએ હવે અધકચરો તો અધકચરો પણ ભાજપને આવકાર્યો. ઓમર અબ્દુલ્લાહને લાગ્યું કે કર્ણાટકે કોંગ્રેસ જેવા સેક્યુલર પક્ષ સાથે દગો કર્યો છે. કર્ણાટકે કોંગ્રેસના પેટમાં ખંજર હૂલાવ્યું છે. હે કર્ણાટકની જનતા, તમે પણ… એટ ટુ, કર્ણાટકા… !
આમ તો આ ખૂબ જાણીતો જુમલો છે. મહાન નાટયકાર વિલિયમ શેક્સપિયર ઈંગ્લિશ ભાષાનાં અનેક શબ્દો અને મુહાવરાનાં જન્મદાતા છે. ગ્રીક શબ્દો ‘એટ ટુ’ પછીનો શબ્દ છે ‘બુ્રટ.’ ઈંગ્લિશમાં આ મુહાવરો ‘યૂ ટૂ, બુ્રટસ’ કહેવાય છે. રોમનો રાજકારણી અને લશ્કરી સેનાધિપતિ જુલિયસ સીઝર ઘણાં યુદ્ધોમાં ફતેહ કરે છે. રોમ તો પ્રજાસત્તાક દેશ હતો. પણ સીઝરની વધતા પ્રભાવ નીચે એ રાજાશાહીમાં તબદીલ થઈ રહ્યો હતો.
ઘણાને આ ગમ્યું નહોતું. એને મારવા માટે અન્ય રાજકારણીઓ કાવતરું રચે છે. બુ્રટસ તો સીઝરનો મિત્ર છે. એ આ કાવતરામાં જોડાવા માટે અસમંજસમાં હતો. પણ લોકોનાં હિતમાં આમ કરવું જરૃરી છે એવી પટ્ટી પઢાવીને એને તૈયાર કરવામાં આવ્યો. ભર્યા દરબારમાં સીઝરને એનાં જ દરબારીઓએ ખંજર હૂલાવ્યા. બુ્રટસને પણ ખંજર હૂલવતા જોઈને સીઝરને નવાઈ લાગી. એનાં મુખમાંથી શબ્દો સરી પડયાં, ‘તું પણ, બુ્રટસ…’ કોઈ મિત્ર સોચી સમજી સાજીસ હેઠળ દગો કરે તો એને ‘એટ ટુ, બુ્રટ’ કહેવાય. પણ આ તો સીઝરનાં પોઈન્ટ ઓફ વ્યૂથી વાત થઈ.
શેક્સપિયરનાં નાટકનું નામ ભલે જુલિયસ સીઝર હોય પણ એમાં બુ્રટસનાં સંવાદ સીઝરનાં સંવાદ કરતાં ચાર ગણા વધારે છે. દર અસલ આખું નાટક બુ્રટસનાં મનમાં ચાલી રહેલા દંગલનું નિરૃપણ છે. સીઝરને મારી નાંખવા માટેનાં કાવતરામાં શામેલ થવું કે નહીં ? એ નિર્ણય બુ્રટસ માટે સરળ નથી.
એનું આત્મગૌરવ કહે છે કે આમ છળકપટથી કોઈને મારી નંખાય નહીં. પણ એને લાગે છે કે સીઝરની સરમુખત્યારશાહી જતે દહાડે રોમને નુકસાન કરી રહી છે. સીઝર એક આંતરવિગ્રહમાં એનાં જ એક સમયનાં સાથી પોમ્પીને મારીને આવ્યો હોય છે. સીઝર સત્તાનો ભૂખ્યો છે એવું બુ્રટસને લાગ્યા કરે છે. એની દેશભક્તિ કહે છે સીઝરની વધતી એકહથ્થુ સત્તા યોગ્ય નથી. પણ સીઝર તો મિત્ર છે. કંઈ કેટલાં યુદ્ધ તેઓ સાથે લડયાં છે.
મિત્રતામાં કાંઈ કિંતુ પરંતુ થોડું હોય ? મિત્ર ગમે તેવો નાલાયક હોય એને તો નિભાવવો જ પડે. કાવતરાખોરો બુ્રટસને પોતાની તરફ લઈ લેવા દલીલ કરે છે. કહે છે કે સીઝર ભગવાન થઈ ગયો હોય એમ વર્તી રહ્યો છે. આ મનોમંથનની ઘડીમાં, લોકો સીઝર વિરુદ્ધ છે, એવો ખોટો કાગળ બુ્રટસને મળે એવો ખેલ કાવતરાખોરો ખેલે છે. અને અંતે બુ્રટસ એનાં જ મિત્રને સામી છાતીએ ખંજર હૂલવવા તૈયાર થઈ જાય છે. સીઝરની હત્યા ભરી સભામાં થાય છે. સીઝરને નવાઈ લાગે છે જ્યારે એ બુ્રટસને ખંજર સાથે જુએ છે.
સીઝરને દો દોસ્તી પર વિશ્વાસ હતો. પણ એ પણ કાતિલ નીકળ્યો, એનું એને આશ્ચર્ય છે. ઘરનો જ ઘાતકી નીકળે, એમ પણ બને, સાહેબ… તે પછી બુ્રટસ સભામાં હાજર લોકોને સમજાવે છે કે સીઝરને કેમ મારી નાખવામાં આવ્યો ? એ કહે છે કે હું સીઝરને ચાહું છું. પણ રોમને એનાથી વધારે ચાહું છું. બુ્રટસ સીઝરને સાપનું ઈંડુંની ઉપમા આપે છે. સર્પદંશ જેનો સ્વભાવ છે એવી વ્યક્તિ લોકો માટે હિતકારી નથી.
કર્ણાટકનાં લોકો કોંગ્રેસને અલબત્ત જાકારો આપે છે. પણ અધૂરા મને ભાજપને આવકારે છે. ઓમર અબ્દુલ્લા જ્યારે ‘એટ ટુ, કર્ણાટકા…’ ટ્વીટે છે, એ સંદર્ભ સદંતર ખોટો છે. એ કર્ણાટકનાં લોકોનું અપમાન છે. શું કર્ણાટક બુ્રટસ છે જેણે કોંગ્રેસની છાતીમાં ખંજર હૂલાવ્યું છે ? એ જ તર્ક લંબાવીએ તો શું કોંગ્રેસ જુલિયસ સીઝર છે જેને બુ્રટસ સાપનું ઈંડું તરીકે નવાજે છે ? શું કોંગ્રેસ જુલિયસ સીઝર જેવી આપખુદ થઈ ચૂકી છે ? અને શું કોંગ્રેસ લોકોની દોસ્તી ઉર્ફે લોકોનાં મત ટેઇકન ફોર ગ્રાન્ટેડ માને છે ?
શું કોંગ્રેસને નવાઈ લાગે છે કે લોકો બુ્રટસવાળી કેમ કરી ? હે શ્રી શ્રી ઓમર અબ્દુલ્લા, આપ શાણા અને સમજુ છો. આપ કોઈ શબ્દ કે શબ્દસમૂહ સાથે ટ્વીટરી ટિપ્પણી કરો ત્યારે સંદર્ભ સમજીને કરો તો ઠીક લાગે. અત્યારે તો અમને લાગી રહ્યું છે કે એટ ટુ, ઓમર અબ્દુલ્લાહ… ! અને લોકો તો બિચારા બાપડાં છે. એ શું કોઈ રાજકારણીની છાતીમાં ખંજર હૂલાવવાના હતા ? ઈ કરીને, આ રાજકારણીઓ તો ખંજર પણ ખરીદી લેવામાં માહેર છે સાહેબ… રાજકારણ સૌથી મોટો ખરીદ વેચાણ સંઘ છે સાહેબ… હેં ને ?
શબ્દ શેષ:
દુ:ખની વાત એ છે કે દુશ્મન ક્યારે પણ દગો કરતો નથી. – અજ્ઞાાત (શીર્ષક પંક્તિ: સઈદ રાહી)