શબ્દસંહિતા – પરેશ વ્યાસ
ડેલીશન : જલા દો, ઇસે ફૂંક ડાલો યે સોશિયલ મીડિયા

આજનો શબ્દ ‘ડેલીશન’ (Deletion) તો આપણે જાણીએ છીએ.
એ કાંઈ નવો શબ્દ નથી. પણ બીબીસી જ્યારે આજની સ્થિતિ, સાંપ્રત પરિસ્થિતિને બયાન કરતા ૧૪ શબ્દોની યાદી બનાવે છે ત્યારે એ યાદીમાં ‘ડેલીશન’ એટલે કે છેકવું, ભૂંસવું કે મિટાવવું પણ શામેલ છે.
આપણે આઝાદ નથી. એક આઈડેન્ટીટીથી બંધાયા છે આપણે. આપણી પ્રોફાઈલ છે. આપણા નંબર છે. આપણી ઈમેજ છે. એકધારું કશુંક અપલોડ કરવાની આપણી નીતિ છે, રીતિ છે.
આ આપણી વર્ચ્યુઅલ દુનિયા વરદાન નથી. એ તો બંધન છે. લખેલું ભૂંસી નાખવું, એ થૂંકેલું ચાટવા જેવી નામોશીભરેલું કૃત્ય કદાચ લાગે. પણ સાહેબ, ભૂંસતા રહો. આજે જ સઘળું ડીલીટ કરી નાંખો. પછી જુઓ કેવા હળવાફૂલ જેવા થઇ જાઓ છો તમે…
પ્રાચીન ગ્રીક કથા છે. સ્પાર્ટાની રાણી હેલનની ખૂબસૂરતી અનન્ય છે.
ટ્રોયનો રાજકુમાર પારિસ હેલનને ભગાડી જાય છે. ગ્રીક સૈન્ય પોતાની રાણીને મુક્ત કરવા યુદ્ધે ચઢે છે. ટ્રોજન વોર તરીકે ઓળખાતું આ યુદ્ધ દસ વર્ષ ચાલે છે અને ગ્રીક સૈન્ય આખરે જીતે છે. એ યુદ્ધ પછીની એક કથા છે.
એ વિષય લઈને ઈસા પૂર્વ આઠમી શતાબ્દીમાં કવિ હોમર પોતાનાં મહાકાવ્ય ‘ઓડિસી’ની રચના કરે છે, જેમાં નાયક આડિસ્યુસ ટ્રોજન યુદ્ધ બાદ મહાસાગર પાર કરીને પોતાનાં વતન પાછો ફરે છે.
એની આ રીટર્ન જર્નીનો સમયગાળો પણ દસ વર્ષ છે. ઘણાં અનુભવો એને થાય છે.
ઘણી તકલીફો પડે છે. એમાં એક ટાપુની વાત છે, જ્યાં સુંદરીઓ કાંઠે ઊભી રહીને પોતાનાં મધુર અવાજમાં ગીતો ગાઈને ખલાસીઓને આકર્ષે છે. ખલાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય. જહાજનું ધ્યાન ન રહે.
જહાજ ખડક સાથે અથડાઈને તૂટી જાય. ખલાસીઓ માર્યા જાય. આડિસ્યુસને આ ખબર છે. પણ એ ઉત્સુક છે. એણે એ સુંદરી ઓનું ગીત સાંભળવું છે. આડિસ્યુસ એક યુક્તિ કરે છે. પોતાનાં ખલાસીઓને પોતપોતાનાં કાનમાં મીણ ભરી દેવા આદેશ કરે છે.
એટલું જ નહીં પણ એમને એમ પણ કહે છે કે મને તૂતક સાથે કસીને બાંધી દો અને હું ગમે એટલું કહું, આજીજી કરું, ગુસ્સો કરું પણ મારું આ બંધન છોડશો નહીં. જહાજ ટાપુ પાસે જાય છે.
સુંદરી ઓનાં ગીત સંભળાય છે. આ ગીત સંગીત માદક છે. એ ીઓ આડિસ્યુસને તેમની તરફ આવવા ખેંચે છે. એનાથી આકર્ષાઈને આડિસ્યુસ પણ બંધનમુક્ત થવા ઘણાં ધમપછાડા કરે છે પણ એણે પહેલાં આપેલાં આદેશને અનુસરીને, એનાં ખલાસીઓને એને બંધનમુક્ત કરતાં નથી.
આખરે એનું જહાજ ટાપુને પાર કરી આગળ વધી જાય છે. આડિસ્યુસ અને એનાં ખલાસીઓ આ રીતે એક જાનલેવા આકર્ષણથી બચી જાય છે. આ સુંદરીઓ સાયરન (Siren) કહેવાય છે.
ગુજરાતી લેક્સિકોન અનુસાર સાયરનનો અર્થ થાય છે: (ગ્રીક પૌરાણિક કથાની) વહાણવટીઓને મધુર સંગીત વડે લલચાવીને ખડક પર અથડાવીને તેમનો નાશ કરનારી અથવા પાંખવાળું પ્રાણી, ભયંકર મોહકી , મોહિની, ભય ઇ.ની સૂચના આપવાનું ભૂંગળું કે બ્યૂગલ.
આ તો અલબત્ત પૌરાણિક કથા છે. આજે પણ આ સાયરન મૌજુદ છે. આજે શેની મોહિની છે? કોના ગીત સાંભળવા આપણા કાન આતુર છે? કોણ છે જેનાં સૌંદર્યથી અંજાઈને આપણે આપણા જીવનનાં જહાજને ખડક સાથે અથડાવીને છિન્નભિન્ન કરી નાંખવા તત્પર છીએ? યસ, એ છે સોશિયલ મીડિયા. આ ફેસબૂક, વોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગરે… ડિજિટલ ક્રાંતિ થઇ ચૂકી છે. એમાં મોખરાનું સ્થાન ધરાવે છે એ અન્વેષક જેરોન લેનિયર પોતાની જ શોધ સામે ચેતવણી આપે છે. એનું પુસ્તક ‘ટેન આર્ગ્યુમેન્ટ્સ ફોર ડીલિટિંગ યોર સોશિયલ મીડિયા એકાઉન્ટસ રાઈટ નાઉ’ વાંચવા જેવું પુસ્તક છે.
ડિજિટલ ક્રાંતિમાં જેની મુખ્ય ભૂમિકા છે એ જ માણસ એને છોડી દેવા, આજે જ છોડી દેવા માટે ટિપ આપે છે. કારણ કે સોશિયલ મીડિયા તટસ્થ નથી. એની ઉપર કરવામાં આવતો વ્યવહાર નિષ્પક્ષ રહેતો નથી. આ એવું ચીકણું કાગળ છે જ્યાં આપણા અંગત ડેટા કાયમ માટે ચોંટી જાય છે.
આ વેબસાઈટ્સ હાથે કરીને એવી બનાવી છે કે આપણને એની લત પડી જાય છે. પછી ધીમે ધીમે એ આપણી વિચારવાની શક્તિને ચાલાકીથી હસ્તગત કરી લે છે. અજબનું વશીકરણ યંત્ર છે આ સોશિયલ મીડિયા વેબસાઈટ્સ. પછી તો એ કહે તે આપણે માનીએ, એ કહે તેમ આપણે ચાલીએ. આ બધી વેબસાઇટ્સ સાયરન છે, મોહિની છે, ભયંકર છે.
જેરોન લેનિયર કહે છે કે એમનું બીઝનેસ મોડેલ ક્લાઈન્ટ સર્વર (ગ્રાહક સહાયક) નથી.
આ બીઝનેસ મોડેલ ‘સાયરન સર્વર’ છે.
આજે જ છોડો. આ ગુલામી છે. આપણે આઝાદ થયા છીએ એ વાત ભ્રામક છે. સોશિયલ મીડિયાની નાગચૂડમાંથી છટકો. સોશિયલ મીડિયાને મિટાવી દો, ભૂંસી કાઢો, છેકી નાંખો. આજે જ.
શબ્દશેષ :
‘એક તો તમે તમારા રોજના બધા નાટકો ફેસબુક પર અપલોડ કરો… પછી તમે અપસેટ થઇ જાઓ જો કોઈ પોતાનો અભિપ્રાય આપે… તમે કોઈ સ્પશ્યલ પ્રકારનાં સ્ટુપિડ છો?’
-પ્રખ્યાત કોમેડિયન બિલ કોસ્બી