વર્ષ જે હતું જ નહીં.નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ? પણ ઉશનસ્બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે!– ઉશનસ્કેવું વર્ષ? વાઇરસે તો ભાઈ માઠી કરી. મહામારી માર માર આવી અને અમે હવાતિયાં માર્યા. ડરી ડરીને ચાલ્યા. દંડા ખાધા. દંડ ભર્યા. માસ્ક પહેર્યા, સેનેટાઇઝર છાંટ્યા અને સોશિયલ ડિસ્ટન્સ પાળ્યા. અને જીવ ઊકળે ત્યાં લગ ઉકાળા પીધા. ઇમ્યુનિટી વધી? માય ફૂટ… મન ઉચાટમાં રહ્યું સતત. પૈસાની કમી નડતી રહી, કનડતી રહી. ઇન્ટરનેટ હતું તો સંપર્ક રહ્યો. કેટલીય વેબસીરીઝ જોઈ પણ એની અભદ્ર ભાષા, ગંદી ગાળો અમને એઝ યુઝવલ, માનસિક સાંત્વના આપવામાં નિષ્ફળ રહી. દ્ર્શ્યશ્રાવ્ય શારીરિક સંબંધો ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનાં કર્મોથી ખદબદતી આ વેબસીરીઝમાં શું સારું હતું?- તે તો યાદ રહ્યું જ નહીં. સમય સારો ન હોય ત્યારે અમથી ય સારી વાત ક્યાં યાદ રહે છે? આખું વર્ષ અમે મોબાઈલ કે લેપટોપમાં તાગી તાગીને જોતાં રહ્યા. ટ્રોલ થતાં રહ્યા. અન્યને ટ્રોલ કરતાં રહ્યા. રોજ કોઈની ને કોઇની વર્ષગાંઠ હોય, લગ્નગાંઠ હોય. એકના એક સંદેશ રોજ અમે યંત્રવત લખતા રહ્યા. અને રોજ રોજ વેબિનાર કે વર્ચ્યુયલ મીટિંગમાં અમે કૂચે મરતા રહ્યા. સાલું, થાકી જવાય છે, હોં. આ બધી જદ્દોજિહાદ….. જદ્દોજિહાદ એટલે? ભગવદ્ગોમંડલ અનુસાર જદ્દોજિહાદ એટલે કોશિશ, પ્રયત્ન. હવે કહો, તમે જ કહો કે આ જીવવાની ય કોઈ જદ્દોજિહાદ હોય? આઈ મીન, શ્વાસ જેવા શ્વાસ જો ચાલે તો ચાલે નહીંતર એ ય ઊડન છૂ.. ઓળખીતા પાળખીતામાં કેટલાં ય જણ માંદગીમાં મર્યા. અમે ટેલિફોનિક બેસણુંમાં સહભાગી બન્યા. અથવા ૐ શાંતિનાં સ્ટીરિયોટાઈપ મેસેજ મોકલ્યા કર્યા. મરનારને જાણતા ન હોઈએ તો પણ આમ ૐ શાંતિ લખવામાં આપણું શું જાય? કોઈએ અમથું ય ક્યાં વાંચે છે? અને લાખો નિરાશામાં એક આશાનું કિરણ તો અલબત્ત હતું જ નહીં અથવા હતું તો અમે નજરઅંદાજ કીધું. અળસિયાની જેમ જીવ્યા આખું વર્ષ. કેટલાંય ધંધા પડી ભાંગ્યા. અથવા ભાંગી પડ્યા. આફત સાગમટે આવી અને હવે જવાનું નામ લેતી નથી. એ તો લાંબો વીઝા લઈને આવી છે. પરમેનન્ટ રેસિડન્સી લઈને આવી હોય એ ક્યાંથી જાય? વારે વારે ‘યા’ ‘યા’ બોલતાં યાયાવરો ય ડીસેમ્બરમાં ઈન્ડિયા આવતા હતા. હવે આવતા નથી. સારું થયું નથી આવતા. મીનરલ વોટરનો ખર્ચો બચ્યો. આપણાં કવિઓ લેખકો ગજબ કરતાં રહ્યા. તેઓ તો હકારની વાતો કરતાં રહ્યા. અરે સાહેબો! ક્યાં સુધી દુનિયાને ઊંધા ચશ્માં પહેરાવશો? પોઝિટિવ વાતો કરો, પોઝિટિવ વાતો કરો… હાલી નીકળ્યા, મોટાં. અમે તો ઓણ સાલ ‘પોઝિટિવ’ શબ્દથી જ ડરતા રહ્યા છીએ અને તમે આ વર્ષે શું સારું થયું? –એનાં સંદેશ વાઇરલ કરતાં રહો છો? સૌ સારાવાનાં થશે એવી સાંત્વના દેતા રહો છો? અરે સાહેબ, એવું ક્યાં થાય છે? એ બધી ખોખલી વાતો છે. અને ઉપરથી ચૂંટણી, આંદોલન અને રાજકારણનાં આટાપાટા. એમને સભા, સરઘસ કે મેળાવડાંનાં કોઈ બંધન નડતાં નથી. ખોટા માણસો અને એમની ખોટી વાતો. ખોરી વાતો. દોગ્લી વાતો. તળ સમજવાની ત્રેવડ નહીં. અહીં તો સઘળું ઉપરછલ્લું. કોમિક સ્ટ્રીપ પીનટ્સનું મુખ્ય પાત્ર ચાર્લી બ્રાઉન કહે છે કે આખું વર્ષ દહેશતભર્યું વીત્યું. હવે આગામી વર્ષમાં એવું કરવું નથી. આવતા વર્ષે સાગમટું ડરવું નથી. હવે એક એક દિવસને હું વારાફરતી ડરી ડરીને ગુજારીશ. નવાં વર્ષે આપને એ ગુજારિશ છે આપ પણ એવું જ કરતાં રહો. આપણે રહ્યા દુ:ખનાં દહાડી કામદાર. અને પછી તો આપણો એ જ દેશી ચિરંજીવ મુહાવરો. દુ:ખનું ઓસડ દહાડાં. પણ એટલું પાકકું કે રોજ રોજ, એક પછી એક દિવસ વ્રારફરતી દહેશતમાં ગુજારવો. હેં ને? જુઓને આ આખાય લેખમાં અમે કોઈ પણ સારી વાત લખી નહીં. માત્ર કકળાટ કાઢ્યો. હવે અમને ખરેખર સારું લાગે છે. દુ:ખનાં રોદણાં રડવાથી અમને એક્ચ્યુલી સારું લાગ્યું. જેમ દેરાણી જેઠાણી મળે અને સાસુની ખાનગીમાં નિંદા કરીને જે સુખ પામે, આ તો એવું થયું. અને પછી… ભૂલી જવું. આવું વર્ષ જે હતું જ નહીં.
47You, Yamini Vyas, Gaurang Vyas and 44 others9 CommentsLikeCommentShare