સ્વીકાર્યતા આમ તો સારી પણ ….
– અર્વાચિંતનમ્- પરેશ વ્યાસ
– સ્વીકાર્યતાની એક મર્યાદા હોય, એ પછી તડાફડી થાય તો ભલે થાય. કોઈ શિશુપાળ મર્યાદા વળોટે તો સુદર્શન ચક્ર જ જોઈએ. પછી સ્વીકાર્યતાનો અવકાશ નથી. પછી તો યુદ્ધ એ જ કલ્યાણ

અ ભિપ્રાય પ્રાય: સરખા નથી હોતા. એકનાં અનેક વિશે. અનેકનાં એક વિશે. આપણે એકમેકથી અલગ છીએ. ઓશો કહેતા કે કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી પણ કોઈ સરખા ય નથી. સૌ કોઈ પોતે અજોડ છે. માણસની જોડ સખી નહીં જડે રે લોલ! જગતકાજી દેશ અમેરિકામાં ચૂંટણી વખતે જો કે આપણાં વિદેશ મંત્રી એસ. જયશંકરને જ્યારે કોઈએ પૂછયું કે આ પૈકી ભારત માટે બહેતર કોણ? તો મંત્રીશ્રીએ કહ્યું કે ભારતને કોઈ ફરક પડતો નથી.
ભારતનાં ફૂટપ્રિંટ (પાદચિહ્ન) વિશાળ છે. ભારતની અક્સેપ્ટિબિલિટી (સ્વીકાર્યતા) પણ વિસ્તીર્ણ છે. બંને ઉમેદવારોની નીતિ, રીતિ, મતિ અને ગતિ સાવ ઉત્તર દક્ષિણ ભલે હોય પણ ભારતનું નામ આવે એટલે બંને ઉમેદવારો બે દેશનાં આપસી સંબંધને એક નવી ઊંચાઈએ લઈ જવા અનુબદ્ધ છે. અમને થયું કે આ સ્વીકાર્યતા એટલે?
ગુજરાતી લેક્સિકોન અનુસાર અક્સેપ્ટિબિલિટી એટલે સ્વીકારવા યોગ્યતા, સ્વાગતાર્હ, પસંદગી યોગ્યતા, ચાલે તેવું હોવાપણું. કોઈ કોઈને સ્વીકાર્ય ક્યારે હોઈ શકે? અમે વિચાર્યું તો અમને લાગ્યું કે આપણે તો મૂળથી સારા માણસ છીએ. આપણે છીએ ડાહ્યાંડમરાં, ભલાભોળાં, લોકશાહીને વરેલા. આપણે ધર્મ નિરપેક્ષ. આપણે જાતિ, જ્ઞાાતિ કે પ્રાંત નિર…. (બસ હં.. હવે બઉ થયું!) કોઈ એક ગાલે તમાચો મારે તો આપણે બીજો ગાલ ધરનારા છીએ.
પણ કોઈ એથી ય આગળ મેથી મારે તો એની ચટણી ય કરી નાંખનારા આપણે છીએ. આપણી સ્વીકાર્યતા એટલે પણ ખરી કે અમેરિકામાં ૧૨ લાખ ભારતીય મૂળનાં મતદારો છે. ચૂંટણીમાં હારજીત પાતળી હોય ત્યારે ભારતને રાજી રાખવું જરૂરી છે. અને ભારત એક મોટું બજાર પણ તો છે.
આપણી સાથે વ્યાપારિક સંબંધો અમેરિકા માટે પણ હિતકારી છે. સ્વીકાર્યતા આમ તો માપતોલની બાબત છે. જ્યારે આપણે ભાવતાલ કરીએ ત્યારે આપણી એક મર્યાદા બાંધી દઈએ. અહીં સુધી બરાબર. એનાથી ઓછું અમને ન ખપે. થોડું તમે જતું કરો, થોડું અમે જતું કરીએ અને જે બચે તે સ્વીકાર્ય બને. બંને માટે. સ્વીકારમાં આવકાર છે.
તિરસ્કાર નથી. સ્વીકાર નિરાકાર પણ નથી. તમે એ જોઈ શકો. તમે એ ફીલિંગને અનુભવી શકો. સ્વીકારમાં -યે દોસ્તી હમ નહીં છોડેંગે-નો ભાવ છે. સ્વીકાર્યતા હોય તે સંબંધ શ્રેષ્ઠ અથવા તો આદર્શ જ હોય એવું જરૂરી નથી. અહીં બધો જ ફાયદો મને જ થાય, એવું નથી. બેઉ હાથમાં લાડવો અહીં હોતો નથી. એક હાથ દે, એક હાથ લે- જેવી સ્થિતિ સૌનો સાથ સૌનો વિકાસ સાધવામાં મદદ કરે છે.
સ્વીકાર્યતાનો એક શબ્દકોશી અર્થ છે: ચાલે તેવું હોવાપણું. ફાધર વાલેસ એવું લખી ગયા હતા કે ‘ચાલશે’ જેવો ઘાતક શબ્દ આપણાં શબ્દકોશમાં બીજો કોઈ નથી. જ્યારે માણસની સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ આવી ચાલુ સ્વીકાર્યતા યથાર્થ નથી. બાંધછોડ કરીએ તો માણસોનાં જીવ પડીકે બંધાઈ જાય. અગ્નિશામક સાધનો વિના તમતમારે ટયુશન ક્લાસ કે હોસ્પિટલ ઠઠાર્યે જાવ તો ચાલે- એવી સ્વીકાર્યતા ઘાતક નીવડે.
માસ્ક પહેર્યા વિના નીકળો, જ્યાં ત્યાં થૂંકો, જાહેરમાં ટોળટપ્પાં કરો, સોશિયલ ડિસ્ટન્સિંગની મધરનાં મેરેજ કરી નાંખો- એ સ્વીકાર્ય નથી. આરોગ્ય અને સુરક્ષાની વાતમાં કોઈ પણ નીંભરતા ‘ને નફ્ફટાઈને આપણે સ્વીકારી ન જ શકીએ. એ તો બધું એવું જ ચાલે- એવી ચૂપકીદી પણ ઘાતક છે. સ્વીકાર્યતાની એક મર્યાદા હોય, એ પછી તડાફડી થાય તો ભલે થાય. કોઈ શિશુપાળ મર્યાદા વળોટે તો સુદર્શન ચક્ર જ જોઈએ. પછી સ્વીકાર્યતાનો અવકાશ નથી. પછી તો યુદ્ધ એ જ કલ્યાણ.
પણ મર્યાદામાં રહીને સ્વીકાર્યતા વધે એવો સ્વભાવ કેળવવો સારો. ઘાયલ સાહેબે તો કહ્યું જ છે કે ‘જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’, હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.’ ત્યાગ હોય તો સ્વીકાર્યતા સહજ બને. હેં ને?