Daily Archives: મે 7, 2021

હવે અહીં જ…

હવે અહીં જ

“સાતમા ફ્લોર પર કેટલો કચરો છે?” “કોઈ નીચે નાંખવા નહીં જતું હોય?”
“પણ તે તો આખું ફેમિલી ક્વોરેન્ટાઈન છે કેવી રીતે જાય?”
“ઓહ! હા, એ પણ ખરું.”
“હવે આમ પણ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. દાદર અને પેસેજ પણ કેટલાં ગંદા છે?”
“હાસ્તો.”
શુભમ એપાર્ટમેન્ટના વોટ્સએપ ગ્રુપમાં આ ચર્ચા ચાલતી હતી. ઘણા રહીશો કોરોનાગ્રસ્ત થયા ત્યારથી બહારથી કોઈપણ વ્યક્તિને આવવાની મનાઈ કરવામાં આવી હતી. ન્યુઝપેપર, કુરિયર, ઓનલાઇન શોપિંગ સર્વિસ, ફૂડ ડિલીવરી કરનાર, દૂધવાળા વગેરે મેઇન ગેટ પર વસ્તુ આપી દે ત્યાંથી સૌ પોતપોતાની વસ્તુઓ જઈને લઈ આવે. કામવાળા, કચરાવાળા કે કોઈને પણ બોલાવી શકાતા ન હતા. બધા જ પરેશાન હતાં પરંતુ તેને અનુસરવું પડે તેમ જ હતું. કામવાળીના કામ તો જાતે કરી લેતાં પરંતુ ફ્લેટની બહારની સફાઈ અને કચરાનો નિકાલ કરવાનું અઘરૂં હતું. ભીનો ને સૂકો કચરો છૂટો પાડી નીચે મૂકી આવવાનો જે કચરા ગાડી આવે ત્યારે લઇ જાય.
આમ તો એ કામ રાધા કરતી. સવારે આઠ સાડા આઠે બેલ મારીને ‘કચરો..’ એવું મીઠું બોલતી કે કચરો પણ ટહુકો બની જતો. સવારે નહાઈધોઈ, તૈયાર થઈ, શુભમ લખેલો ભૂરો એપ્રોન પહેરીને આવતી. વારતહેવારે સરસ સાડી અને ઘરેણાં પહેરીને આવતી. બીજા માળે રહેતા ઈન્દુબા કાયમ કહેતાં, ‘જો તો… કેવી રૂપાળી લાગે છે! મોટા ઘરની વહુ લાગે છે.’ બધા એને બોણી અને ચીજવસ્તુઓ આપતાં. કદી કોઈની કામવાળી ન આવી હોય તો એ કામ કરી આપતી. દિવાળીની સફાઈ માટે પણ એને જ બોલાવવામાં આવતી. ઘણીવાર એક દિવાળીએ અમુક ચીજવસ્તુઓની સફાઈ કરી હોય તો બીજા વર્ષે રાધાને હાથે જ થતી. કેટલુંયે કામ હોય એનો ચહેરો હંમેશા હસતો જ હોય અને ત્યારે તે વધુ સુંદર લાગતી. પતિ પ્રભાત પણ અહીં સવારથી કામે લાગી જતો. ફ્લેટના રહીશોની ગાડી, સ્કૂટર વગેરે સાફ કરી આપતો ઉપરાંત, રાધાને પાર્કિંગ અને અન્ય સફાઈમાં મદદ કરતો. ફ્લેટમાં કોઈને ત્યાં નળ ગળતો હોય કે ફ્યૂઝ ઊડી ગયો હોય કે કબાટનું હેન્ડલ તૂટી ગયું હોય વગેરે જેવાં નાનાં નાનાં કામોમાં એ એક્સપર્ટ હતો. આમ, સામાન્ય પલમ્બરનું કે મિસ્ત્રી કામ કે ઈલેક્ટ્રીકનું કામ કરી આપતો. આ સઘળું કામ આટોપતાં એઓને બારેક વાગી જતાં. નાનાં ત્રણચાર વર્ષનાં બે બાળકો હતાં. તેમને પણ તે સાથે લઈને આવતાં જે નીચે રમતાં. પછી કામ પતાવીને એઓ ઘરે જતાં. રાધા ફરીથી નાહીધોઈને રસોઈ કરવામાં અને બાળકોમાં વ્યસ્ત થતી. અને પ્રભાત તેનું સિલાઈ મશીન લઈને બેસી જતો. તે કપડાં રીપેરીંગનું કામ કરતો. ફોલ સ્ટિચ જેવું ઘણું બધું કામ તેને રહેતું.
શુભમના રહીશોએ ફરી ગ્રુપમાં ચર્ચા શરૂ કરી. કોઈએ કહ્યું, “રાધા અને પ્રભાતને અહીં બોલાવી લઇએ. એમનો કોરોના ટેસ્ટ કરાવી જોઈએ. જો નેગેટિવ આવે તો પછી અહીં જ રાખીએ તો બીજો કોઈ પ્રશ્ન નહીં રહે.”
“પરંતુ તેમને રાખવા ક્યાં? પાર્કિંગમાં?
“ના, ના, નાના બાળકો સાથે આવી રીતે ખુલ્લામાં ન રખાય.”
“તો કેવી રીતે? કોઈના ઘરમાં તો રખાય નહીં.
એમાં કોઈને સૂઝ્યું,” સેક્રેટરી ભરતભાઈના ફ્લેટની સામે અમિતભાઈનો ફ્લેટ છે. તેઓ અમેરિકા જ રહે છે. તેઓ બે ચાર વર્ષે અહીં કોઈ વાર આવે ત્યારે ઘર ખોલીને રહે છે ને ચાવી પણ ભરતભાઈ પાસે જ રહે છે. એમના ચાર બી.એચ.કેના ફ્લેટમાં મોટી ગેલેરીની જગ્યા એમણે નોકર માટે ફાળવેલી છે. એ અહીં આવે ત્યારે એમના ગામથી પસાકાકાનો દીકરો માધો અહીંયા આવીને એમની સાથે જ રહે છે ને સઘળું કામ કરે. તેના માટેની જે જગ્યા બનાવી છે ત્યાં રાખીએ તો?”
ભરતભાઈએ કહ્યું, “હા, એમ ચાલે પરંતુ અમિતભાઈને પૂછવું પડે કારણ કે તેઓ બહુ કંજૂસ અને ટિપિકલ સ્વભાવના છે.વળી એમને બધું પરફેક્ટ જોઈએ.તેઓ રજા આપે કે ન પણ આપે.”
છતાં, બધાના કહેવાથી એમણે કહ્યું, “સારું, અમિતભાઈને ફોન કરી જોઈશ. આમ પણ ભરતભાઈ અને અમિતભાઈ વચ્ચે ફોન કૉલ્સ થતા રહેતા. તે દિવસે રાત્રે જ્યારે અમિતભાઈએ અમેરિકાથી વીડિયોકૉલ પર અહીંની પરિસ્થિતિ પૂછી ત્યારે ભરતભાઈએ કહ્યું, “આ અહીં જુઓ, આ દાદર, પેસેજ અને અપાર્ટમેન્ટનું બધે સ્વચ્છતા મેન્ટેઇન નથી થતી કારણ કે અત્યારે બધાને અંદર આવવાની મનાઈ છે. અમે વિચારીએ છીએ કે રાધા અને પ્રભાતને અહીં રાખીએ પરંતુ રાખીએ ક્યાં?”
અમિતભાઈએ જવાબ આપ્યો, “હા, એ સવાલ છે.”
ભરતભાઈએ ધીરે રહીને પૂછ્યું, “માધો રહેતો હતો,તે જગ્યાએ તમે મોટી બાલ્કનીમાં નોકર માટેનો એક પેસેજ બનાવ્યો છે ત્યાં રાખી શકાય?”
એમને ખબર જ હતી કે અમિતભાઈ શું જવાબ આપશે, પરંતુ આ વાત અમિતભાઈના પત્ની સાંભળતાં હતાં. એમણે કહ્યું, “અમે બંને કોરોનામાંથી પસાર થયાં હતાં. ખૂબ કપરી પરિસ્થિતિ હતી, વેન્ટિલેટર પર હતાં અને સારાં થઈને આવ્યાં છીએ. મૃત્યુને હાથતાળી દઈને આવ્યાં છીએ એમ જ સમજોને. હવે છે શું અને લઈને પણ શું જવાનાં? તો ભલેને આ લોકો ત્યાં રહે. આપણું ઘર પણ સચવાશે.”
અમિતભાઈએ કહ્યું, “ભલે બેડરૂમને લોક કરી દઈશું પણ એ પેસેજમાં જવા માટે ડ્રોઈંગરૂમ અને રસોડું તો ખુલ્લું જ હોયને?”
ભરતભાઈએ પ્રોમિસ આપ્યું, “ના, એવું કંઈ જ નહીં થાય. રાધા અને પ્રભાતને અમે સમજાવીશું. તમે પણ એમને ઓળખો જ છો. તેઓ બંને ખૂબ સારા છે. તે લોકો પેસેજમાં સારી રીતે રહેશે.”
ભારતીબેનના આગ્રહથી અમિતભાઈ તૈયાર થયા. એમણે ભરતભાઈને કહ્યું, “રોજ વિડીયોકૉલથી મારું ઘર બતાવજો. સફાઈ થયેલો આખો એપાર્ટમેન્ટ પણ બતાવજો.” ત્યાં બેઠા બેઠા પણ અમિતભાઈ એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ માટે ખાસ જાગૃત રહેતા હતા.એ બાબત સૌની સાથે વાત પણ કરતા રહેતા.
બસ પછી તો રાધા અને પ્રભાત બાળકોને લઈને આવી ગયાં અને ફરીથી શુભમ એપાર્ટમેન્ટ ચોખ્ખુંચણાક થઈ ગયું. તેઓ પોતાનું કાર્ય ખૂબ દિલ દઈને કરતાં. તેઓ આખો દિવસ અહીં જ હતાં તેથી ઘણું બધું કામ કરી લેતાં. કોઈના ઘરનું કામ, સફાઈનું કામ કે ગાર્ડનનું કામ કરી લેતાં. અમિતભાઈના ઘરમાં આ કપલ નોકરની જગ્યા હતી ત્યાં જ રહેતું હતું. રસોઈ કરવાનો કોઈ સવાલ ન હતો કારણ કે એપાર્ટમેન્ટના લોકો તેમને ખાવાનું, ચા બાળકો માટે નાસ્તો પૂરો પાડતા હતા.બચેલા સમયમાં પ્રભાત માસ્ક સીવતો.
શુભમ એપાર્ટમેન્ટના રહીશોને કામ બાબતે થોડી હાશ થઇ. બહાર કોરોનાના કેસો વધતા જાય છે એ સમાચારથી ગભરાટ તો છે પણ અહીં સૌ સલામત છે એની ખુશી પણ છે. ભરતભાઈ પણ નિયમિત અમિતભાઈને અહીંની ખબર પહોંચાડતા રહે છે. અચાનક અમિતભાઈ એક દિવસ એમના ઘરમાં જુએ છે કે રાધા શેમ્પૂ કરી શાવર લઈ બાથરૂમમાંથી નીકળી છે. પ્રભાત ડાઇનિંગ ટેબલ પર બેસીને બિસ્કિટ સાથે કોફી પી રહ્યો છે. એમનાં બંને બાળકો સોફા પર બેસીને કૂદાકૂદ કરે છે. નાનાં બાળકે તો સોફા પર પેશાબ પણ કર્યો છે. એક તો ગાદીમાંથી સ્પંજ કાઢીને એનાથી રમે છે. ટીવી,ફ્રીજ અને એસી પણ ચાલુ છે.રાધા હજુ વધુ કંઈ પણ જોઈ શકે તે પહેલાં તેમણે ચીસ પાડી. ભારતીબહેન દોડી આવ્યાં. તેમણે તરત જ ભરતભાઇને ફોન લગાવ્યો.
ભરતભાઈએ વિડીયોકૉલ પર બતાવ્યું, “જુઓ, એવું કશું જ નથી. તમારું ઘર તો ચોખ્ખુંચણાક છે. દિવાળીમાં સફાઈ કરીએ તેનાથી પણ વધારે સાફ કર્યું છે. તમે જોયેલું સપનું એ તમારો ભ્રમ છે. અહીંયા રાધા અને પ્રભાત ખૂબ જ કાળજીથી રહે છે. માત્ર સૂવા માટે જ ત્યાં જાય છે. આખો દિવસ તો કામમાં હોય. ને બાળકો પણ નીચે રમતાં હોય. જુઓ, તમારો ડ્રોઈંગરૂમ અને રસોડું. જેટલો ફ્લેટ ખુલ્લો છે તેટલો તેમણે સાફ કરીને ચોખ્ખોચણાક રાખ્યો છે. નહીંતર, પહેલાં અહીં કેટલાં જાળાં હતાં અને ધૂળ હતી. જુઓ, બાળકો તેમની જગ્યાએ જ નીચે સૂતા છે. આ લોકો આટલી ગરમીમાં તમારો પંખો પણ નથી વાપરતાં. તમારું લાઈટ બિલ ન આવે એટલે આ પૂંઠા વડે બાળકોને પંખો નાંખે છે. ખાવાનું બનાવવાનો પ્રશ્ન જ નથી કારણ કે સૌ એપાર્ટમેન્ટવાળા તેમને પહોંચાડે છે. તમે આવાં કામગરાં કપલ માટે આ રીતે ન વિચારો. બસ, હવે થોડી પરિસ્થિતિ સુધરી છે એટલે બેચાર દિવસ પછી તેઓ તેમના ઘરે ચાલ્યાં જશે.”
અને તરત જ અમિતભાઈએ ભારતીબેનના હાથમાંથી ફોન ખેંચી લીધો ને ભરતભાઈને કહ્યું, “ના, હવે એમને અહીં જ રહેવા દો. તેઓ અહીં જ રહેશે.” પણ આ સાંભળી રાધા અને પ્રભાત…

લેખિકા : યામિની વ્યાસ

Private luxury apartment in Guangdong, China -

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized