તમે મારા દેવના…
‘ઓહો! અહીં સૂર્યોદયના સમયે પણ પૂર્ણ ચંદ્રદર્શન થાય એ આજે જ જાણ્યું!વહેલા ઊઠવાનો આ પણ એક ફાયદો હોય શકે.’ બાલ્કનીમાં ઊભેલો અમન બોલ્યો.’ રોજ અમન આઠથી વહેલો ક્યારેય ઊઠતો નહીં પરંતુ આજે મોટીબેનને વહેલી સવારે સ્ટેશને મુકવા જવાનું હોવાથી ઊઠવું પડ્યુ હતું.
સામેના ઘરની પૂર્વ તરફ પડતી બાલ્કનીમાં અમૃતા ઊભી હતી. ફૂટું ફૂટું થતાં રવિકિરણો એના ચહેરા પર લાલાશ પાથરતાં હતાં.ગમે એટલી મોડી સૂતી હોય તો પણ વહેલી ઊઠી જ જતી એને સૂર્યોદય જોવો ખૂબ જ ગમતો.વળી આજે તો એની બર્થડે. ‘આજનો મસ્ત મજાનો સૂર્યોદય મનના કેમેરામાં મઢી લઉં’ એ બોલી.હાથની બનાવેલી ફ્રેમમાં સૂરજ નહીં પણ અમન ઝડપાયો.એ સફાળી ચોંકી ને નજર એક થતાં શરમાઈને ઘરમાં આવી.
બીજા દિવસથી એ નવા સૂર્યોદયની રાહ જોવા લાગી.બે દિવસ તો કોઈ ના દેખાયું પણ ત્રીજા દિવસે અમન દેખાયો.અમન પણ ટ્રાય કરતો પણ ટેવ ન હોવાથી ઊઠાતું નહોતું, ત્રીજે દિવસે સફળ રહ્યો.પ્રથમ સ્માઈલ,પછી હેલો,હાય અને પછી આંગળીના ઈશારાથી ફોન નમ્બર અપાયા.પછી શરૂ થઈ તો ફોન પર મુલાકાતો.પરિચય,અભ્યાસ, શોખ વિશે જાણ્યું,જણાવ્યું.પછી રૂબરૂ મુલાકાતો, ગાર્ડન, લાયબ્રેરી, રેસ્ટોરાં..
પ્રેમના રંગની લાલાશ સાથે હવે બન્ને સૂર્યોદય અને સૂર્યાસ્ત અચૂક સાથે જોતા.બીજા કોઈ વાત કરે એ પહેલાં બન્નેએ પોતપોતાને ઘરે વાત કરી.જ્ઞાતિબાધ હોવાથી થોડી ‘હા.. ના,’ ‘ના..હા,’અને પછી ‘હા..હા’ થઈ.
અમન પ્રતિષ્ઠિત કંપનીમાં જોડાયો અને અમૃતા નોકરીની શોધમાં. બંને ખુશ હતા. અમૃતા નોકરી શોધે એ પહેલા તો આખા ઘરની ખુશી બેવડાઈ. એણે માતૃત્વ ધારણ કર્યું. પુરા મહિને બે સુંદર જોડીયા પુત્રોને જન્મ આપ્યો પરંતુ થોડા જ કલાકોમાં ખબર પડી કે તેમાંથી એક અપંગ અને મંદબુદ્ધિનો હોઈ શકે બીજો એકદમ નોર્મલ છે.
અમનના માતા-પિતાને આધાત લાગ્યો કારણ અમનનો આવો જ જોડીયો ભાઈ હતો, આરવ. દસ વર્ષ જીવેલો. ‘શું એનું પુનરાવર્તન થશે?’ ‘ના, ના, હવે સાયન્સ ખૂબ આગળ છે.’ અમનનો ખભો પસવારતા એના પપ્પાજી બોલ્યા.બધા કરતાં અમૃતાનું મન મક્કમ હતું. તેણે પોતાના બંને બાળકોને પ્રેમથી સ્વીકારી લીધા.
માંડ પ્રતિક્રિયા દર્શાવતા બાળકનું નામ સાર્થક અને વધુ ચપળ એવા બાળકનું નામ સોહમ રાખ્યું. બંને મોટા થતા ગયા. અમૃતાને સાર્થકનું વધુ ધ્યાન રાખવું પડતું.સોહમ સમજણો થતા થોડી અદેખાઈ અને થોડા અણગમા સાથે સાર્થક વિશે પૂછતો. અમૃતા ખૂબ પ્રેમથી સમજાવતી કે, ‘ભગવાને બીજાને ત્યાં નહીં ને આપણે ત્યાં જ સાર્થકને કેમ મોકલ્યો? એ જાણે છે કે તારા જેવો ભાઈ મળે તો જ સાર્થક ખુશીથી જીવી શકે.તમે બન્ને મારા દેવના દીધેલ છો.’ સોહમ સમજી ગયો હોય તેમ સાર્થકને ખૂબ વહાલ કરતો.આખું પરિવાર ફરવા સાથે જતું ત્યારે પણ સોહમ સાર્થકને સાચવતો અને સામાજિક પ્રસંગે અમૃતા-અમનને જવું પડે ત્યારે પણ એ ઘરે ખૂબ ધ્યાન રાખતો.
સાર્થક ક્યાંક પણ અચાનક અવાજ આવે તો ડરીને મોટેથી ચીસ પાડતો,તોફાન કરતો.એને ગળે વળગાડી શાંત પાડવો પડતો. એ મમ્મી,પપ્પા કે શ્વાસની ગેરહાજરીથી ખૂબ ગભરાતો.સતત એ ત્રણમાંથી કોઈની હાજરી જરૂરી હતી.
આમ બન્ને મોટા થતા ગયા.સોહમે અમૃતા પાસેથી ઘણી જવાબદારી લઈ લીધી.એના કપડાં બદલાવવા,નવડાવવા કે માલિશ કરવા જેવા કામો એ મસ્તીથી કરતો અને સાર્થકને ખડખડાટ હસાવતો.સાર્થક પણ રોજ સોહમ સ્કૂલેથી ક્યારે આવે એની રાહ જોઈ બેઠો જ હોય.
અઢાર વર્ષનો સોહમ બાર સાયન્સની તૈયારી કરતો હોય ત્યારે માંડ આઠ-દસ વર્ષનો દેખાતો સાર્થક બાજુમાં જ ચૂપચાપ બેઠો હોય. સોહમ વાંચે ત્યારે ચૂપ રહેવાનું એવી સમજ અમૃતાએ એને આપી હતી. સોહમના બારમામાં 89% માર્કસ આવ્યા. રીઝલ્ટના દિવસે તે સાર્થકને વળગી પડયો એને ઊંચકી લીધો. બધાની ઈચ્છા હતી કે પપ્પાની જેમ એ એન્જિનિયર બને પરંતુ સોહમ જેનું નામ! સાર્થકને સારું કરવા એણે ફિઝિયોથેરાપીમાં જવાનું પસંદ કર્યું બીજા શહેરમાં એડમિશન મળ્યું હતું એટલે સાર્થકથી દૂર રહેવું પડતું. સાર્થક ખૂબ હિજરાતો. બે-ત્રણ દિવસની રજા પડતી તો પણ સોહમ ઘરે દોડી આવતો. એમ ને એમ ભણવાનું પૂરું થયું.આ વખતે એ ઘરે આવ્યો ત્યારે એની સાથે ભણતી અવનીને પણ સાથે લેતો આવ્યો. પહેલા જ વર્ષથી પરિચય હતો. એ સમયે અંતરે મિત્ર, પ્રિયતમા અને હવે પત્ની બનવા થનગની રહી હતી. સાર્થકના કેસથી પૂરેપૂરી વાકેફ હતી છતાં સોહમે એને કહ્યું હતું કે, ‘સાર્થક મારો જીવ છે અમે એકબીજા વગર જીવી ન શકીએ.’ અવની ખૂબ સમજદાર,ઉચ્ચ ખાનદાનની સંસ્કારી દીકરી હતી. બંનેનાં ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા.બન્નેના પરિવારો પણ ખુશ હતા.
અવની પણ સાર્થકભાઈ, સાર્થકભાઈ કહી લાગણીપૂર્વક એનું ધ્યાન રાખતી.અમૃતા -અમનને પણ હાશ હતી.સોહમ -અવનીએ પોતાનું ફિઝિઓથેરાપી ક્લિનિક ચાલુ કર્યું પણ અવની મોટે ભાગે ઘરે રહી સાર્થકને સારવાર આપતી. સાર્થક કસરત માટે આનાકાની કરતો તો સમજાવતી ને કેડબરી આપતી.’પેટપરી…પેટપરી..’બોલતો સાર્થક હરખાતો.
એક દિવસ અમૃતા- અમનને કોઇના મૃત્યુ પ્રસંગે બહારગામ જવાનું થયું. સોહમે કહ્યું,”તું આજે ક્લિનિક સંભાળ,હું સાર્થકને સંભાળીશ’ પણ અવનીએ પ્રેમથી કહ્યું,તું જા, હું સાર્થકભાઈને સાચવી લઈશ.’
સરળતાથી આખો દિવસ એ સાર્થકની સાથે રહી.થાકી હતી.સાંજે સોહમને મોડું થયું એ રાહ જોતી ઝોકે ચડી.સોહમે ડોરબેલ વગાડ્યો. બારણું નહીં ખુલતા ઉપરછાપરી વગાડ્યો. સાર્થક ગભરાયો.ચીસ પાડી પણ અવની ઊઠી નહીં. એ ઘસડાતો અવની પાસે ગયો ને એનો દુપટ્ટો ખેંચ્યો.અવની સફાળી જાગી. ગભરાઈ.એ દુપટ્ટો લેવા વાંકી વળી,તો સાર્થક વધુ ને વધુ એની પાસે ખસી એનો ડ્રેસ ખેંચી નજીક આવવાનો પ્રયત્ન કરતો.અવની એને હડસેલી બારણું ખોલવા દોડી.સાર્થક ચીસાચીસ કરવા લાગ્યો.સોહમ તો આ દ્રશ્ય જોતા જ બેબાકળો બની ગયો.સાર્થકને વળગી પડ્યો.સાર્થક શાંત થઈ ગયો.
પણ અવની હલબલી ઊઠી. એણે સાર્થકની ગેરવર્તણૂક વિશે વાત કરી. અને રડતાં રડતાં ઘણું અઘટિત થઈ શકતે એ વાત કરી.છતાં સોહમ સાર્થકનો જ પક્ષ લે છે એ જોતાં અકળાઈ ઊઠી. સોહમે સમજાવ્યું કે,’એ અબુધ બાળક જેવો છે.તને તો ખબર છે,અવાજોથી એ ડરે છે,એટલે કોઈની હૂંફ શોધે.’ પણ અવની એકની બે ન થઈ. ગુસ્સે થઈ પિયરની વાટ પકડી.
બીજે દિવસે અમૃતા-અમને આવી વાત જાણી.ખૂબ દુઃખી થયા.વેવાઈને વાત કરી,પણ અવનીની જીદથી એઓ પણ લાચાર હતા.
હસતું ખેલતું ઘર સૂનું પડી ગયું.સાર્થક પણ અવની ઘર છોડી ગઈ એ ઘટનાથી હેતબાઈ ગયો હતો. સોહમે અવનીને ફોન કરી કરી આ ગેરસમજ વિશે સમજાવી પણ એ સાર્થક સાથે રહેવા તૈયાર નહોતી. અમૃતા-અમને એને અવની સાથે અલગ રહેવા ખૂબ સમજાવ્યો.પણ એ સાર્થકને છોડી શકે એમ નહોતો.
સમય એનું કામ કર્યે જતો હતો.અચાનક અવનીના પપ્પાનો સોહમ પર ફોન આવ્યો.અવનીની પ્રેગનન્સી વિશે ખુશખબર આપી.સોહમ એના ઘરે ગયો.સોહમ આવ્યો એ ગમ્યું પણ જીદ પર અડી હતી. અવનીના મમ્મી પપ્પાએ એને ખૂબ સમજાવી.’બસ એક જ વાર આ ઘરે જઈ આવ.પછી અલગ રહેવા અમે વાત કરીશું.. બસ.’
એ શરત પર એ આવી.સાવ સૂનમૂન થઈ ગયેલા સાર્થકને એણે જોયો. અવનીને જોતા જ એ અમૃતા પાસે વધુ સરકયો.સોહમ અવનીને સાર્થકની વધુ નજીક લઈ ગયો,’જો અવની તું પણ જાણે છે,કે આવા બાળકોનું આયુષ્ય આમ પણ ટૂંકું હોય છે. એક વાર મળી લે.પછી નિર્ણય કરી.એના ભોળા નિર્દોષ ચહેરાને જોતા જ અવનીને એની ભૂલ સમજાઈ.’ના.સો વર્ષના થાય સાર્થકભાઈ’ એણે પર્સમાંથી કેડબરી કાઢી. ‘પેટપરી…’ બોલતો એ પહેલાની માફક હસવા લાગ્યો.દિવસો પછી એનો ચહેરો મલકાયો.
અવનીએ માફી માગી અહીં જ રહેવાનો ને ફરી કદી ન જવાનો નિર્ણય જણાવ્યો.ફરી ઘર હસતું થયું.
ચેકઅપ બાદ અવનીને ગર્ભમાં જોડિયા બાળકો છે જણાતાં સર્વે એ ડરે ચિંતિત હતાં કે ફરી પેઢી દર પેઢી થતું પુનરાવર્તન ન થાય!પણ એ બાબત અવનીએ મક્કમતાથી કહ્યું,’એક શું,મારા બન્ને બાળકો સાર્થકભાઈ જેવા હશે તો પણ હું સ્વીકારીશ.’
ફરીથી સાર્થકની તમામ જવાબદારીઓ એણે લઈ લીધી.એના દરેક પ્રશ્નોનોનો ખૂબ શાંતિથી જવાબ આપતી . તેથી સાર્થકમાં પણ વધુ સુધારો થયો ગયો.થોડું બોલતા શીખ્યો, થોડું જાતે ખાતા પીતા શીખ્યો. અવની ધીરજપૂર્વક કામ લેતી.એના આ પરિવર્તનથી બધા જ અને ખાસ અમૃતા ખુશ હતી.
એ સાર્થકને સમજાવતી, ‘સાર્થકભાઈ તમે, હું કહું એમ બધું કરશો તો એકદમ ઓકે થઈ જશો પછી કોને લાવીશું?’ ‘દુલ્લનન..’ સાર્થક તાળી પાડી તરત જ બોલતો. સાર્થકને સાજો કરી પરણાવવા સુધીની વાતો કરતી. ‘સાર્થક સારો થાય કે નહીં એ ખબર નહોતી પણ સપના જોવા શું ખોટા છ?’એવું એ બધાને સમજાવતી
અવનીની ટ્રેઈનિંગથી સાર્થક બધાના નામ બોલતા શીખી ગયો હતો.સોહમને ફોન કરતા પણ આવડી ગયું હતું.અવનીએ સોહમ માટે વન ડાયલ કરવું એવું શીખવ્યું હતું.
સાર્થકે એક દિવસ અવનીનો અર્થ પૂછ્યો, અવની સ્ટડીરૂમમાં મુકેલો પૃથ્વીનો ગોળો લઈ આવી અને એને ફેરવતા ફેરવતા બોલી અવની એટલે પૃથ્વી. સાર્થકને તો ગોળો ફેરવવાની મજા પડી. એના પર દોરેલી લાઈન વિશે એ અવનીને પૂછવા લાગ્યો. અવની કહે અક્ષાંશ-રેખાંશ. સાર્થકભાઈને તો આ બે નામ ગમી ગયા અકસા.. રેકઅસા. સતત રટણ કરતો. ખાતા-પીતા, હરતા-ફરતા, કસરત કરતા કરતા આ નામ મોઢે રહી ગયા. અમૃતા ઢીંગલો ઢીંગલી બતાવી સમજાવતી, તારા ભત્રીજા કે ભત્રીજી આવશે એને કહેજે.નાનકડાં ભત્રીજા ભત્રીજીનું ઘરે આગમન થશે એવી સમજ પડતા સાર્થક પાગલ થઇ ગયો. ઇશારાથી ઢીંગલા ઢીંગલી બતાવી જુઓ તો ‘અક્સા. રેક્સઆ..’ રટણ ચાલુ જ હતું.
એક દિવસ બપોરે અચાનક અવનીને દુખાવો ઉપડ્યો. ઘરે ફક્ત સાર્થક જ હતો. અવનીની પીડાથી પરેશાન હતો. સાર્થકને શું કરવું સમજાયું નહીં.એણે વન ડાયલ કરી સોહમને બોલાવ્યો.સોહમે આવીને કહ્યું,તારા અકસા રેક્સઆને લેવા જઈએ છીએ.ગભરાતો નહીં. મમ્મી પપ્પા આવે જ છે.
એ પણ ડાહ્યો થઈ શાંત રહ્યો.ને અકસા રેક્સઆની રાહ જોવા માંડ્યો.ઘરે એકલોજ છે સમાચાર મળતા અમૃતા-અમન દોડતા ઘરે આવ્યા.સાર્થક અકસા.. રેક્સઆ બોલતો બોલતો ખુશીથી રાહ જોતો હતો. ત્યાં જ અચાનક એને ખૂબ જોરથી ખેંચ આવી. મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું.અમૃતા-અમને એને પકડી સુવડાવ્યો.અને અમન ડોક્ટરને ફોન કરવા ગયો ત્યાંજ અમૃતાએ ચીસ પાડી.જુઓતો એ હાલતો નથી જલ્દી ડોક્ટરને બોલાવો.પણ અમને જોયું, સાર્થકના શ્વાસ ચાલતાં નહોતા.ફોન ડાયલ કરવા ઉપાડે ને સોહમનો અવાજ સંભળાયો, ‘હેલો પપ્પા, મમ્મી સાર્થકની બે ભત્રીજીઓ જન્મી છે.કોઈમાં ખોડ નથી.બન્ને એકદમ તંદુરસ્ત.જલદી સાર્થકને ફોન આપો, એના અકસા રેક્સઆ આવી ગયા છે..હેલો સાર્થક..સાર્થક….મારા ભઈલા…કેમ બોલતો નથી???
યામિની વ્યાસ