Daily Archives: મે 15, 2021

અદભુત નર્તકી- હેલેન

May be an image of 1 person and hair

અદભુત નર્તકી-અભિનેત્રી નામે હેલેનજેમનું નામ પડતાં જ અનેક નૃત્યો મનમાં ડોલવા માંડે તે હેલેન કહેતાં હેલેન એન રીચાર્ડસનનો આજે ૮૨મો જન્મ દિવસ. બર્માના રંગૂનમાં ૨૧ નવેમ્બર, ૧૯૩૮ના રોજ તેમનો જન્મ થયો હતો. સાતસોથી વધુ ફિલ્મોમાં અભિનેત્રી-નર્તકી રૂપે હેલેન રજૂ થયાં છે. તેમના નાચને મળી છે એટલી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈને મળી હશે. લેખક સલીમ ખાનના તેઓ બીજા પત્ની છે. સ્ટાર સલમાન ખાનના તેઓ સાવકા માતા છે.રંગૂનના એંગ્લો ઇન્ડિયન પરિવારમાં ભારતીય પિતા અને બર્મીઝ માતાના તેઓ સંતાન છે. પિતાજીનું બીજા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ થયું અને જાપાનીઓએ કબજે લીધેલા બર્મામાંથી હેલેનની પાંચ વર્ષની ઉમરે ૧૯૪૩માં તેમનું પરિવાર ભાગીને અનેક મુસીબતો સહન કરીને દિબ્રુગઢ થઇ કોલકાતા અને પછી મુંબઈ આવ્યું હતું. માતાનો નર્સ રૂપે ટૂંકો પગાર હતો. હેલેને ફરજીયાત કામ કરવું પડ્યું. ‘આવારા’માં તેઓ ગ્રુપ ડાન્સર હતાં. ‘અલીફ લૈલા’ અને ‘હૂર-એ-આરબ’ (૧૯૫૫)માં સોલો ડાન્સર બન્યાં. ૧૯ વર્ષની ઉમરે તેમને મોટો બ્રેક ‘હાવરા બ્રીજ’માં મળ્યો, જયારે તેઓ પડદા પર ‘મેરા નામ ચીનચીન ચું’ પર નૃત્ય કરતાં હતાં. પછી તો સાંઠ અને સિત્તેરના દાયકામાં તેઓ નાચતા રહ્યાં. પહેલાં ગીતા દત્ત અને પછી આશા ભોંસલે તેમને માટે ગાતા રહ્યાં. તેમણે અનેક પ્રકારની ભૂમિકાઓ પણ ભજવી, મોટે ભાગે નકારાત્મક અને ક્યારેક સકારાત્મક. ‘ગુમનામ’ માટે તેમને સહાયક અભિનેત્રીના એવોર્ડનું નામાંકન મળ્યું. ‘પગલા કહીં કા’માં તેમનું પાત્ર દુષ્કર્મ પીડિતાનું હતું. લેખક બેલડી સલીમ-જાવેદના સલીમે તેમને પોતાની સ્ક્રિપ્ટમાં કામ અપાવ્યું અને ‘શોલે’, ‘ડોન’, ‘દોસ્તાના’, ‘ઈમાન ધરમ’માં હેલેન જામ્યાં. મહેશ ભટ્ટની ‘લહુ કે દો રંગ’ની ભૂમિકા માટે હેલેનને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આમ તો હેલેન ૧૯૮૩થી નિવૃત્ત થયાં, પણ ક્યારેક મહેમાન રૂપે ‘ખામોશી- ધ મ્યુઝીકલ’ કે ‘મોહબ્બતે’માં આવ્યાં. હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ કેબ્રે હેલેન પર ચિત્રિત થયાં છે. ‘મેરા નામ ચીનચીન’ ગીતા દત્તે, ‘પિયા તું અબ તો આજા’ આશા ભોસલેએ અને ‘આ જાને જા’ લતા મંગેશકરે ગાયા છે. તેમના સાવકા દીકરા સલમાન ખાનના માતા રૂપે તેઓ ‘હમ દિલ દે ચુકે સનમ’માં દેખાયા. જાણીતા લેખક સલીમ ખાનના પત્ની સુશીલા (સલમા ખાન) અને ચાર સંતાનોના પરિવાર સાથે હેલેન સલીમના બીજા પત્ની રૂપે ૧૯૮૧માં જોડાયા. એ પરિવારને એકજુટ રાખવામાં હેલેને મોટી ભૂમિકા નિભાવી છે. લગ્નના થોડા વર્ષો બાદ હેલેને અર્પિતા નામની દીકરીને દત્તક પણ લીધી હતી. અર્પિતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી બેઘર માતાની નિરાધાર બાળકી હતી, જે મુંબઈ-લંડનમાં ભણી ઇન્ટીરીયર ડીઝાઈનર બની, હિમાચલ સરકારના કોંગ્રેસ પ્રધાન અનીલ શર્માના દિલ્હી રહેતા વેપારી દીકરા સાથે ૨૦૧૪માં પરણ્યા. એ દિવસ સલીમ-સુશીલાના લગ્નની ૫૦મી જયંતિ હતી. એ દંપતીનું સંતાન એ હેલેનની છઠ્ઠી પૌત્રી ગણાય. ૧૯૭૩માં મર્ચન્ટ આઇવરી ફિલ્મ્સ દ્વારા ‘હેલેન, ક્વિન ઓફ નાચ ગર્લ્સ’ નામની દસ્તાવેજી ફિલ્મ મળી. લંડન, પેરીસ અને હોંગ કોંગમાં હેલેને સ્ટેજ શો કર્યાં. તેમના જીવન પર ૨૦૦૬માં ‘લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ એચ-બોમ્બ’ પુસ્તક બન્યું, જેને નેશનલ એવોર્ડ મળ્યો. ટીવી શ્રેણી ‘ડાન્સિંગ ક્વિન’ (૨૦૦૯)ની સેમીફાઈનલ-ફાઈનલમાં હેલેન જજ રૂપે પણ દેખાયાં.૧૯૯૯માં હેલેનને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો. ૨૦૦૯માં ઐશ્વર્યા રાય અને અક્ષય કુમાર સાથે હેલેનને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં.હેલેનના જાણીતા ગીતો: મેરા નામ ચીનચીન ચુ – હાવરા બ્રીજ, નાઈન્ટી ફીફ્ટી સિક્સ – શ્રી ૪૨૦, પિયા તું અબ તો આજા – કારવાં, આ જાને જા – ઇન્તકામ, મૂંગડા – ઇનકાર, યે મેરા દિલ – ડોન, મેરી જા મૈને કહા – ધ ટ્રેન, ઓ હસીના જુલ્ફોવાલી – તીસરી મંઝીલ, મેહબૂબા ઓ મેહબૂબા – શોલે, ઇસ દુનિયામેં જીના હો તો – ગુમનામ, મુકાબલા હમસે ના કરો – પ્રિન્સ, યે જુલ્ફ અગર ખુલકે – કાજલ, આઓના ગલે લાગાઓના – મેરે જીવન સાથી, ઉઈ મા ઉઈ મા યે ક્યા હો ગયા – પારસમણી, ઓ તુમકો પિયા દિલ દિયા – શિકારી, કર લે પ્યાર કર લે – તલાશ, તુમ મુઝે યું – પગલા કહીં કા.‘નવેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ.

Leave a comment

Filed under Uncategorized