‘ હું,પણ ‘
કેટલાયે દિવસોથી શેમ્પૂ અને કંડિશનર વગરના વિરાજના ગૂંચવાયેલા કડક થઈ ગયેલા લાંબા વાળ સફેદ બોગનવેલના ઝૂંડમાં ભેરવાયા. જ્યારે એ વાડની ફરતે કરેલ ઈંટની કાચી અડધી તૂટેલી દિવાલો પર બાઝેલ લીલ પર આંગળીઓ ફેરવવા ગઈ ત્યારે લીલી ડાળીઓ વચ્ચે ફસાયેલું મુખ જોઈ એમ જ લાગે કે સફેદ બોગનવેલનો ઝૂમખો લટકે છે. વર્ષોથી બંધ પડેલું વતનનું ઘર એણે લગભગ પંદર સત્તર દિવસો પહેલાં જ ખોલ્યું હતું. ખૂલેલું તાળુ અંદર લટકતી ચાવી સાથે બારણાંની અંદરની બાજુના નકૂચામાં એ રીતે લટકતું હતું જાણે હમણાં જ બારણું બંધ કરવા હાથવગું રાખવાનું હોય! બધી જ ચીજવસ્તુઓ પર જામેલી ધૂળ, ખૂણેખાંચરે બાઝેલાં જાળાં અંદરોઅંદર સ્પર્ધા કરતી ઊધઈની હાર તથા બંધ ઘરની વિશિષ્ટ ગંધ હજુ એણે અકબંધ રાખી હતી. છત ગળવાથી જામી ગયેલો ક્ષાર અને ખરી પડેલ પોપડા હજુ પણ લટકતા હતા. મમ્મી, પપ્પા ને દાદીના ફોટાઓ તથા તેણે મેળવેલી ટ્રોફીઓની હારમાળા પર કરોળિયાએ બનાવેલ તોરણ ડોલતાં હતાં. વિરાજ જરૂર પૂરતા જ ઘરના કમાડ ખોલતી. બાકી મોટાભાગનો સમય વાડામાં જ સવારથી સાંજ સુધી જૂની ઘંટીના પડ પર બેસી રહેતી ને કુંભારવાડ પાછળ આથમતા સૂર્યને જોયાં કરતી. બુઝાતો કેસરી રંગને.
કૉલેજ ગોઇંગ ગર્લના ચહેરાને ચંચળ દેખાડતી કાનની મોટી એરિંગ, દાદીની જૂની ચૂનીમાંથી બનાવેલી સિંગલ ડાયમંડ ડેલિકેટ રિંગ તથા જીગરજાન દોસ્ત વૈભવે બર્થ ડે પર આપેલા અમેરિકન ડાયમંડ જડિત બ્રેસલેટ એણે ફગાવી દીધાં હતાં. નખ પરથી વ્હાઈટશાઇન મેજિક નેઇલ પોલિશ અડધું ઊખડી ગયું હતું. એની ઓળખ સમા ગાલ પર પડતાં માનીતાં ખંજનોની તો તેણે કુંડળી જ બદલી નાંખી હતી. સ્ટ્રેઇટ કરાવેલ કમર સુધી ઝૂલતા સ્ટેપ કટ વાળ સ્ટેપ બાય સ્ટેપ ડાળખીઓમાં ભેરવાયા.
ડાળખીઓમાંથી વાળ ખેંચીને એ જેવી ઘંટીના પડ પર બેસવા ગઈ કે એને ચાંદરણાએ ઘેરી દીધી. સામેની ઊંચી દીવાલમાંની જાળીમાંથી કિરણો ટેવવશ રંગોળીનાં મીંડાં પૂરવાં પથરાયાં. કેટલાક વિરાજના હાથ પર પડ્યાં. હજુ એ કોઈક ખૂણે જીવંત રહેલા વિરાજના બાળપણે બંને હાથની હથેળીઓ ધરી દીધી. અરે! આ શું? હથેળીમાં કંઈ જ નહીં? જાણે કે એક પણ હસ્તરેખા ન હતી! માઈક્રોસોફ્ટ યુઝર્સને સ્ક્રીન પર સરખું ન દેખાય તો ઇઝી વે ફરી ઓન-ઓફ કરી જુએ, એ જ રીતે વિરાજે બે હાથ જોડીને ફરી ખોલ્યા. જવા દો હવે, ક્યાં આભાસી કિસ્મતની જરૂર હતી? ઈનફેક્ટ, બાળપણમાં પણ કિસ્મતની કોને પડી હતી કારણ કે ત્યારે મા હતી, મિત્ર હતો અને મહત્વાકાંક્ષા હતી. ત્યારે પણ આ જ રીતે પડતા ચાંદરણાં પર સ્કૂલના સીવણના વિષયમાં આપેલ હોમવર્કનું કાળા રંગનું ટેબલક્લોથનું કપડું ધરી દીધું હતું ને ચોકથી ચીતરી લઈને, રાત જાગીને સિલ્વર ટીક્કીઓથી ભરતકામ કરેલું. ‘ચાંદરણાં’ શીર્ષક હેઠળ ક્લાસમાં સૌથી વધુ માર્ક મેળવેલા. જોકે, ચાંદરણાવાળો મેજિકલ આઈડિયા વૈભવનો હતો. સામેની સ્કૂલમાં ભણતો ને બિલકુલ બાજુના ઘરમાં રહેતો મારો દોસ્ત. એને હું પહેલો સગો માનતી, કારણ કે દાદીએ કહેલું, ‘પહેલો સગો પાડોશી.’ જોકે, એ અને એનું ફેમિલી અમને સગાં કરતાંય વધારે વ્હાલું હતું. ત્યારે હમણાં છે એવી બે વાડા વચ્ચે વંડી ન હતી. નખ કાપવા, બ્રશ કરવું, કોગળા કરી પાણી દૂર સુધી ઉડાડવું, દોરડા કૂદવા ને ઇવન હોમ વર્ક અને ગીત ગાવાની પ્રેક્ટિસ પણ વાડામાં જ. વૈભવ એનો સાક્ષી. આવી કંઈ કેટલીય પ્રક્રિયામાં સ્કૂલનો સમય થઈ જતો અને મમ્મી ઝટ તેલ નાંખી માથું ઓળવા બેસાડતી. મારે હાથમાં અરીસો પકડી રાખવો પડતો. હા, ખરેખર પકડવો પડતો કારણ કે મમ્મી બે ચોટલા વાળવા આગળથી ડાબી બાજુ સેંથી લઈ સરસ ઓળે પણ પાછળથી વાળ વિભાજનમાં શું કરે ખબર નહીં, પણ એક ચોટલો જાડો ને એક પાતળો થાય. મારે મોડું થાય તો ય કચકચ કરવી જ પડતી. પણ મમ્મીની મદદે હંમેશા વૈભવ આવતો ને અરીસો મારા હાથમાંથી ખેંચી જતો.
‘લે, અરીસામાં તારું મોઢું તો જો. આજે વૈભવે આવીને તેની સામે અરીસો ધરી દીધો. વિરાજને એક સાથે બે આશ્ચર્યનો સામનો કરવાનો આવ્યો; એક તો અરીસામાં પહેલી નજરે પોતાને ઓળખી જ ન શકી ને બીજું, વૈભવ કેરાલાથી સાક્ષાત એની સમક્ષ અચાનક હાજર થઈ ગયો તે. વિરાજે ફટ દઈને અરીસો ખસેડ્યો. કદાચ વધુ વખત સામે રાખી એ અરીસાને અપમાનિત કરવા નહોતી ઈચ્છતી.
“શોક લાગ્યોને, પોતાનો ચહેરો જોઈને? કેમ આવી હાલત કરી છે? કોઈને પણ કહ્યા વગર, કોઈની કશી પરવા કર્યા વગર, બેજવાબદાર રીતે આમ એકાએક કેમ કેરાલાથી અહીં?..” આ સવાલોના ટોળાનો જવાબ વિરાજ પાસે ન હોવાથી વૈભવના હોઠો પર હાથ મૂકી બોલતો અટકાવ્યો. હળવેથી હાથ ખસેડી વૈભવ એક પછી એક અણીયાળા પ્રશ્નો તાકતો જ રહ્યો. વર્ષોથી બંધ ઘરના બારીબારણાં ખૂલતાં જ ઘેરાયેલ હવા બહાર ધસી જઈ હાશકારો મેળવે એ જ રીતે વાડામાં ગૂંગળાતી શાંતિએ વૈભવના આગમનથી ખુલ્લો શ્વાસ લીધો. નિસ્તેજ થઈ ગયેલી વિરાજની સફેદ આંગળીઓ થપથપાવતા વૈભવે કહેવું જ પડ્યું, “વિરાજ બોલ, કંઇક તો બોલ. તારી ખામોશી મારો જીવ લઈ લેશે.”
કેટલા પ્રયત્ને વિરાજના હોઠ બોલવા માટે વંકાયા.
“ના, નહિ બોલીશ, નહિ બોલીશ પ્લીઝ, જસ્ટ અ મિનિટ, આ હોઠના વળાંકને રાખ એઝ ઇટ ઇઝ. મોબાઈલથી ક્લિક કરતાં જ હું જાણી લઈશ, વિરાજ. નાનપણથી તારા બદલાતા હોઠના વળાંક મને જણાવી દે છે તારો મૂડ, તારા મનની વાતો.”
“ ‘વૈભવ, વૈભવ,’ હરખભેર ચિચિયારી પાડીને ટ્રોફી લઈને બતાવતા દોડતા ખુશમિજાજ હોઠ, દાદીની મનાઈ છતાં ગોરમાની છાબમાં ફૂટેલા પહેલા ફણગાને છાનામાના બતાવવા આવતા અચરજભર્યા હોઠ, અવાજ બેસી જાય એટલી પ્રેક્ટિસ કરી હતી છતાં દેશભક્તિ ગીત સ્પર્ધામાં હારેલ કરમાયેલા હોઠ, જેના વિશે મને ઝાઝી સમજ નહતી એ ફર્સ્ટ મેન્સિસ વખતે અચાનક મોટા થઈ ગયેલ ઠાવકા સંકોચશીલ હોઠ, વહાલી દાદીના અવસાનથી મને વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા હોઠ…”
“વિરાજ, હું તને તારાં કરતાં વધારે ઓળખું છું. એટલું યાદ રાખવાની કાળજી રાખી હોત તો માંડ એક બાળમુઠ્ઠી ઝાકળ સમાઈ જાય એવડા ગાલોના ખંજનની જગ્યાએ દરિયો સમાઈ જાય એટલા ખાડા પડી ગયા હોત. હું શું પચીસ સત્યાવીસ દિવસ સેમિનારમાં ચેન્નઈ ગયો અને તું અહીં… નહીં મેસેજ, નહીં ફોન, નહીં મેઈલ, નહીં ચિઠ્ઠી, નહીં કહેણ… ને તારે માટે મેં કોને નહીં પૂછ્યું હોય? ડોરકીપરથી માંડીને ડીન સુધી પૂછાપૂછ, ઊલટુ જેને પૂછું એ મને સામે પૂછતાં.”
એક વખત ગામમાં જ્યોતિષબાબા આવેલા. હાથ જોતા જોતા રાશિ જાણવા નામ પૂછેલું. વિરાજ જવાબ આપે એ પહેલાં ‘’હું,પણ”કહીને વૈભવે હાથ વિરાજના હાથ પર કરી દીધેલો. નામની રાશી એક હતી. એટલું જ નહીં, બન્નેને રમવા, લડવાઝઘડવા, ખાવાપીવાની એકબીજા વગર મજા ન આવતી. “ચાલ, હવે હું આઠમામાં આવી. તારી બધી નોટબુકસ, ગાઈડ, મટિરિયલ હવે મારાં.” પોતાનાથી એક વર્ષ આગળ ભણતા વૈભવ સામે વિરાજ ટહુકી.
“જા, જા, કામ કર, કામ કર. આ વર્ષથી તને નહીં મળે. બીજા કોઈના શોધી લેજે, નહીં તો નવા લઈ લેજે.” વૈભવની આ વાતે વિરાજે રડવાનું જ બાકી રાખેલું પણ એ આંખોને ઢોળાથી રોકવા વૈભવ બોલી ઊઠેલો. “હું,પણ યાર, તારો ક્લાસમેટ થવા માટે મેં પરીક્ષામાં એક પેપર જ નથી આપ્યું. ધોરણ આઠથી તો ગર્લ્સબોય્સ સ્કૂલ એક જ છેને.
“ઓહ માય ગોડ!” વૈભવના બલિદાનથી નવાઈ પામી ફરી વિરાજના હોઠોએ અવનવો વળાંક લીધેલો.
આ બંનેની પાક્કી દોસ્તી પર ખુશીને અદેખાઈ આવી. “વિરાજ, બેડ ન્યૂઝ. પપ્પાને મુંબઈમાં મોટી કંપનીમાં જોબ મળી છે. મુંબઈ જવું પડશે.” હાંફતો વૈભવ આવેલો.
“તો મારા ઘરે રહી જા, તને નહીં જવા દઉં.”
“હું, પણ, યાર, મારે પણ નથી જવું”થી અટકેલું દ્દશ્ય આંસુ સાથે હાથ હલાવતા બાય બાય પર પૂરું થયું. પછી તો ફોન, ઈમેલ, અને વેકેશન ઘણું સાચવ્યું. ત્યાં સુધી કે એસ.એસ.સી, એચ.એસ.સી અને ગ્રેજ્યુએશન માટે પણ બંનેએ એક જ વિષય પસંદ કર્યો, માઇક્રોબાયોલોજી. અલબત્ત, જુદી જુદી યુનિવર્સિટી ને જુદા જુદા શહેરોમાં રહીને વિરાજે સમગ્ર ચિત્ત ભણવામાં પરોવ્યું. વૈભવ મુંબઈની ફાસ્ટ લાઈફમાં વૈભવી થઈ ગયો.
આમ પણ વૈભવને “હું પણ”બોલીને નવું માણી લેવાની, જાણી લેવાની, પામી લેવાની, ચાખી લેવાની આદત તો હતી જને? વળી, મોહમયી નગરી, નવા વાતાવરણમાં નવા મિત્રો મળ્યા, ભળ્યા, ખાન-પાન, રહનસહન, શહેરી ટેસ્ટ જચી ગયો ને પચી ગયો.
વિરાજ તેની રોજીંદી નાનામાં નાની વાત પણ વૈભવને જણાવતી પણ વૈભવ તરફથી ખાસ મેસેજ આવતા નહિ. ભણવાનું ને વળી મુંબઈની બિઝી લાઈફ એટલે ટાઈમ ન મળતો હોય વિચારી વિરાજ આગ્રહ ન રાખતી. ભણવામાં ગળાડૂબ વિરાજે સંગીતનો શોખ અપનાવ્યો હતો. એની તાલબધ્ધ શિસ્તબદ્ધ નિયમિત સખત મહેનતના અંતે ગોલ્ડમેડલની સિદ્ધિ પ્રાપ્ત કરી પણ આ ગૌરવભરી ઘટનાને પોંખવા મમ્મીપપ્પા હાજર ન રહી શક્યાં. એક જીવલેણ અકસ્માતે બંનેનો જીવ લીધો. નિરાધાર વિરાજને દિલાસો આપવા વૈભવે ખુદ દોડી આવવું જોઈતું હતું પણ ફોનથી દિલાસો પાઠવી પતાવ્યું ત્યારે વિરાજે કદાચ ત્રણેયને ગુમાવ્યાં; મમ્મી, પપ્પા અને મિત્રને પણ….
લીલાછમ કેરાલાની ખૂબસૂરત ભૂમિ પરની એ.સી.આર. ડી.આઈ. (ઓલ કેર રીસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક ઇન્સ્ટિટયૂટ) રિસર્ચ વર્કનું ફોર્મ સબમીટ કરતી વિરાજનો બ્લ્યૂ જીન્સ અને લાઈટ ઓરેન્જ કુર્તી પર ક્રોસમાં ઝૂલતો કચ્છી ભરતકામવાળો આકર્ષક બગલથેલો ક્યાંક ભેરવાયો. વિરાજને ખબર હોવા છતાં ફોર્મ સબમીટ કરી રસીદ લઈને પાછળ ફરી. ‘’હું, પણ” બોલતો વૈભવ વિરાજની પાછળ ફોર્મ ભરવા ઊભો હતો.
“ઓહ માય ગોડ! કેટલો બધો ચેઇન્જ થઈ ગયો છે. (અટકીને) પણ આપણી વચ્ચે હવે ક્યાં….?”
“આઇ એમ રીયલી સૉરી, દોસ્તી રિચાર્જ કરવા જ આવ્યો છું.” વૈભવ આમ પણ વિરાજને મનાવી લેવાનો જ હતો. કોલર ટયૂનથી કી-ચેઇન સુધી ને ગ્લાસથી શૂઝ સુધી વૈભવના ચેઇન્જની વિરાજ સ્માઈલિંગ ફેસ સાથે નોંધ લેતી રહી. બાહ્ય ફેરફારની સાથે આંતરિક ફેરફારની કોઈક ઝલક નિહાળવા એ ઉત્સુક હતી.
આખરે બંને HIV-AIDSના રિસર્ચ વર્કમાં સાથે જોડાયાં અને સાથે ઘેરાયા. ગ્લવ્ઝ, એપ્રન, ટેસ્ટટયૂબ, બ્લડ, સિરમ, સેન્ટ્રિફ્યૂઝ, માઇક્રોસ્કોપ, પિપેટ્સ, ઇન્ક્યૂબેટર, ઓટોઇન્સ્ટ્રુમેન્ટ ને વાયરસની વચ્ચે ને ફસાયા. એન્ટિજન, એન્ટિબોડી, રિએક્શન, ટ્રાયડોટ્સ, એચ.ડી., ઈમ્યૂનોકોમ્બ કે વેસ્ટર્ન બ્લોટ જેવી ટેસ્ટની માયાજાળમાં ગુંથાયા. વિન્ડો, પિરિયડ, સી.ડી. ફોર કાઉન્ટ્સના ડિસ્કશનમાં ફરી બંનેની સાથે ભણવાગણવા, ખાવાપીવા, લડવાઝઘડવા ને વાદવિવાદમાં યુવાની પ્રવેશી. વિરાજને વહેલી સવારના આકાશના તરોતાજા સ્વચ્છ લોભામણા રંગો આકર્ષતા. વૈભવથી વહેલાં ઉઠાતું જ નહીં. એને સાંજનો માદક દરિયો માફક આવતો. વિરાજ ટ્રેડિશનલ ફૂડ પર પસંદગી ઉતારતી તો વૈભવ ફાસ્ટ ફૂડ પર. એકને ક્લાસિક તો બીજાને વેસ્ટર્ન મ્યુઝિક. વિરાજને રિસર્ચ વર્ક ખૂબ ગમતું ત્યારે વૈભવને એ બાબતે વારેવારે તાવ આવી જતો. છતાંય એકબીજાને ખૂબ ગમતાં હતાં. ખાસ કરીને સાથે ગાળેલા બાળપણે બંનેને જકડી રાખ્યાં હતાં.
રોમાન્સનો રંગ નિખરે એવા વાતાવરણમાં એક રવિવારે નૌકાવિહાર કરતા કરતા ઉષ્માભર્યા અવાજે, “વિરાજ, તને શું ગમે? પ્રેમીઓનો કોમન પ્રશ્ન.
“મને ઊગતો સૂરજ ગમે, વહેતાં ઝરણાં અને દોડતાં હરણાં ગમે, વરસાદનાં ફોરાં ગમે, શીતળ ચાંદની ગમે, તને?” પ્રેમિકાનો કોમન ઉત્તર.
“તને ગમે તે મને ગમે, પણ હું કેમ માનું?” લાડથી પાણી ઉડાડતી વિરાજે પૂછ્યું.
“આપણા પ્રેમના સોગંદ.” વૈભવે હાથમાં તેનો હાથ લેતા કહ્યું.
“એમ? પણ મેં એવું વાંચ્યુ છે કે પુરુષો લગ્ન પહેલાં પ્રેમ કરવાની સોગંદ ખાય છે અને પછી સોગંદ ખાવા જેટલો પણ પ્રેમ નથી કરતા.”
વૈભવ (સ્વગત), “તારી સાથે પરણવાનું છે કોણ? (પ્રગટ) ઓઓ… આમાં લગ્નની વાત ક્યાં આવી?” તે સફાળો ઊભો થઈ ગયો. “જા જા જા, પહેલાં કોવલમ બિચ પર જઈને તારું મોઢું ધોઈ આવ. આ ઉંમરે આવા મસ્તીતોફાન ન થાય તો જ નવાઈ પણ જે લગ્નની વિરાજને ખાતરી હતી એ જ લગ્નની બાબતમાં વૈભવ મક્કમ હતો કે દોસ્તી પાકી પણ લગ્ન તો નહીં જ. વિરાજે વૈભવનો હાથ પકડ્યો. “એય, તારો હાથ કેમ ગરમ છે? મને એમ કે મારા પાણીવાળા ઠંડા હાથ છે પણ ખરેખર જો તારી આંખ પણ સહેજ લાલ છે. ચાલ, જલદી ડૉક્ટરને બતાવી દે. હું ટેસ્ટ માટે તારું બ્લડ લઈ લઉં.”
વૈભવે હાથ ખેંચી લેતાં કહ્યું, “ના, ગરમ નથી, લોખંડી વ્યક્તિત્વ ધરાવું છું એટલે તારી જેમ નહીં. કૂલ, બેબી કૂલ.” બીજે દિવસે સવારે વૈભવની ચિંતા થતા વિરાજ એને લેબોરેટરીમાં શોધવા જતી હતી ત્યારે પર હાડકાનો ઢગલો થઈને આવેલા યુવાનને જોઈને છળી મરી, “માય ગોડ! આટલી સ્પીડની શું જરૂર છે? ધીમી બાઈક ચલાવી હોત તો આ એક્સિડન્ટ….”
“ના, હજુ થોડી વધારે સ્પીડમાં હોત તો નીકળી જાત. ટ્રક જોડે અથડાત જ નહીં.” વૈભવ પાછળથી આવી બોલ્યો.
“લ્યો, આ વાત પણ વિચારવા જેવી છે. આમ પણ તને સ્પીડ વધારે પસંદ છે અને એય, ક્યાં જાય છે? આ તારા હાથમાં કોનો રિપોર્ટ છે? હવે તાવ કેમ છે? હું તારી પાસે જ આવતી હતી.”
“હું પણ, પ્રશ્ન દેવી! આઇ એમ ઓકે.” વૈભવ કદી એચઆઇવી પોઝિટિવ પેશન્ટની હિસ્ટરી કે કૉઝ ઓફ ઇન્ફેકશન કે સિમપ્ટમ્સ વગેરેમાં પડતો જ નહીં. રિપોર્ટ સાથે કામ. જયારે વિરાજ બધા કેસના મૂળ સુધી પહોંચી ડેવલપમેન્ટથી લઈને કાઉન્સિલિંગ સુધીની જવાબદારી એ પોતાની સમજથી અને પૂરી નિષ્ઠાથી કરતી, પોતાને સોંપાયેલા સેમ્પલ્સ માટે અને વૈભવના પણ. આમ પણ વૈભવ થાકી જતો, કંટાળી જતો.
“વૈભવ, તને ખાસ રસ નહોતો તો શું કામ રિસર્ચમાં જોડાયો? તારી આ સીટ બીજાને મળી હોત તો…”
“ઓ મેડમ, મુરબ્બીની જેમ હોઠ ના હલાવો. મને AIDSમાં સમૂળગો રસ નથી પણ એમાં રસ ધરાવનારમાં રસ છે.”
“માય ગોડ! શું કરીશ આનું? મારી સાથે થોડો તાલ મિલાવ, બેસૂરી જિંદગી તો હજી પણ જીવી લેવાય પણ બેતાલી જિંદગી સાથે કેમ ભવિષ્ય કાઢીશ?”
“ભવિષ્ય તો મારે તારું વિચારવાનું છે. કોઈ સુરતાલવાળા સાથે તને પરણાવવાની છે, વિદાય કરવાની, આંસુડા પાડવાના. તારાં મમ્મીપપ્પા નથી તો મિત્ર તરીકે આ ફરજ મારે અદા કરવાની ને!”
“મજાક? કાયમ મજાક? જો વૈભવ, તું મને એકવાર છોડીને જતો રહ્યો હતો. હવે મજાકમાં પણ એવું નહીં સાંભળું.”
વૈભવ (સ્વગત), “ઓ વિરાજ, તને કેવી રીતે સમજાવું? હવે મને તારી સાથે નહીં ફાવે.” વૈભવને વધુ ચિંતાએ ધેરી લીધો પણ વિરાજે એ જોયું નહીં. રાતદિવસ જોયા વગર વિરાજ ઊંડે ને ઊંડે કામમાં ખૂંપી જતી. વૈભવને બદલે એના સિનિયર્સ, ડીન કે પેશન્ટના રિલેટિવ સાથે ચર્ચામાં સમય વધારે જતો. વૈભવે વિરાજનો છેલ્લો સમય ખેંચી ખેંચીને મોટો કરવો પડતો ત્યારે થોડી પળો ગુજારી શકે, તેમ છતાં અદેખાઈને આંખો ફૂટે એવી આ જોડીને મેડ ફોર ઈચઅધર તરીકે આખી ઇન્સ્ટિટ્યૂટ કે આખું દેવલપુર ઓળખતું.
એ.સી.આર.ડી.આઈના સ્થાપના દિને દર વર્ષે કેમ્પ યોજાતો. હજારોની સંખ્યામાં ઊમટી પડતા દરેક પેશન્ટની દરેક ટેસ્ટ તદ્દન ફ્રીમાં કરવામાં આવતી. હંમેશની જેમ આ વખતે પણ વૈભવ ત્રાસી ગયેલો પણ વિરાજ જેનું નામ! રાતદિવસ સમય સંજોગ જોયા વગર કે ખાધાપીધા વગર મંડી પડી હતી. સખત કામ, ઉજાગરો, થાક અને ભૂખથી ચક્કર આવતાં હાથમાં પકડેલ બધાં જ સેમ્પલ સાથે કાચની ટ્યૂબ્સ ભરેલું રૅક પડ્યું. વિરાજને પણ ઇજા થઈ. કાચ શરીરમાં ઘૂસી ગયા. વિરાજ અને પેશન્ટનું લોહી એક થઈ ગયું. જિંદગીમાં પહેલીવાર વૈભવે શાબ્દિક તમાચો માર્યો. “ના પાડી હતીને, ઓવરટાઈમ કરવાની?”
જોકે, પછી ખૂબ વહાલથી કરેલ વૈભવની કાળજીથી વિરાજ જલદી બેઠી થઈ ગઈ. “વૈભવ, હું વળી ક્યાં હરતીફરતી થઈ ગઈ?” તારે હાથે ખાવાપીવાનો, લાડ કરીને દવા લેવાનો ચાર્મ જતો રહ્યો. નેપકીનથી સ્પંજ કરતો ને માથું ઓળી દેતો, ઢંગધડા વગરનું.”
“એમ? ઢંગધડા વગરનું? અને આ શેમ્પૂ શું તારા ડીને કરી આપેલું? કોઈ આવેલું મદદ કરવા? તારા ડીન, ડૉક્ટર, બટરફ્લાય જેવી ફ્રેન્ડ્સ એટસેટરા…. હવે તારો એટસેટરા જ કામ લાગ્યો.”
“નો, માય એક્સટ્રા ઓર્ડિનરી ડિયર ફ્રેન્ડ. ટેલ મી વન થિંગ સિરિઅસ્લી એન્ડ ટ્રૂલિ. પહેલા દિવસે મારા બ્લડવાળા કપડાં કોણે ચેઇન્જ કરાવેલાં?”
વૈભવની સ્પીડ બોલી, “નર્સે.”
વિરાજની શરમ બોલી, “નર્સ? મેઈલ કે ફિમેલ?”
“નો, નો, તમારી નર્સ એમ કહી ગયેલી આઇ એમ એટ હર સર્વિસ ને મેં જવાબ આપેલો ‘હું, પણ.’
બેમાંથી એકેય બદલાયું નહીં અને દોઢ વર્ષ પસાર થઈ ગયું. ભારે સરપ્રાઈઝ વચ્ચે વૈભવનું રિસર્ચ પેપર સિલેક્ટ થઈ ગયું, ચેન્નઈ માટે અને ત્યારબાદ યુએસ માટે. એણે સતાવીસ દિવસ ચાલનારા સેમિનારમાં ચેન્નઈ જવાનું હતું. કદાચ બધાને ખબર હતી કે આ કામ વિરાજનું જ હતું. સબમિશન વખતે વૈભવ બીમાર હતો એટલે વિરાજે પોતાની મહેનતની મૂડી વૈભવના નામે જમા કરાવી હતી. એને નામ સાથે કામ ન હતું, કામ સાથે કામ હતું. આમ પણ બંને ક્યાં જુદાં હતાં.
“વિરાજ, મને ખબર પડ્યા વગર તે આ શું કર્યું?”
“વૈભવ, આપણે ટૂંક સમયમાં એક થઈ જઈશું પછી આપણી રેડ રિબન એકસપ્રેસને વેગ આપી એવું કામ કરીશું કે ફક્ત કેરાલાની જ નહીં, પણ દેશભરની એચઆઇવી પોઝિટિવ ટકાવારી સાવ ઘટી જાય. જો ને પરમદિવસે જોયેલી પેલી નાની બાળકીનો ચહેરો મારી નજર સામેથી ખસતો નથી. ફાઈનલ સ્ટેજમાં છે. જન્મથી માના શરીરમાંથી એને એઇડ્ઝ મળ્યો.”
“વિરાજ, એ બાળકીનો શો દોષ? એની મધરને… કે પછી એના ફાધર….”
“વૈભવ, હું તેનો પતિ હરગીઝ પસંદ નહીં કરું. જે કોઈની પણ પૂરી જાણકારી વગર ચારિત્ર અંગેનું દોષારોપણ કરી દે. ઇન્ફેકશન લાગવાનાં ઘણાં કારણો છે.”
“વૈભવ (સ્વગત) પણ હું ક્યાં તને મારી પત્ની બનાવવા તૈયાર છું? મહાફ્લોપ પાર્ટનર!”
વૈભવને ચેન્નાઈ જતાં પહેલાં વિરાજે એને આખું રિહર્સલ કરાવ્યું. “બાકીની પૂરક માહિતી હું મેઇલ કરી દઈશ, ઓકે? ગુડ લક.
“થેન્ક્સ.” વૈભવે એની બેગ બંધ કરતા સ્વાભાવિક ઉત્તર વાળ્યો.
“ફોર વ્હોટ?” વિરાજે તિતલીની જેમ પાંખ વીંઝી.
“યાર, તું મને પતિ તરીકે સ્વીકારવાની નથી એ માટે.” આખરે હૈયાની વાત હોઠ પર…
“સ્ટોપ ઈટ અને સ્ટેપ આઉટ.” વિરાજે લાઈટ મૂડમાં વિદાય કર્યો. વિરાજને વૈભવનો વિરહ વસમો લાગ્યો. એવું બંનેને ઓળખતું દરેક જણ વાગોળતું કારણ વૈભવ ગયો એ દિવસથી વિરાજને તાવ આવવા લાગ્યો, શરીર પર રેસિસ થયાં, ડાયેરિયા થયો. ખાસ કોઈને તેણે જણાવ્યું નહીં. ડીને કહ્યું છતાં એડમિટ ન થઈ તે ન જ થઈ. સામાન્ય દવા લેતી રહી. પોતાનું સેમ્પલ લઈને ટેસ્ટ કર્યો, જોયું, “માય ગોડ!” એની અનુભવી ટેવાયેલી આંખ ટેસ્ટ પૂરો પરફોર્મ થાય એ પહેલાં તો રિપોર્ટ વાંચી શકી અને સીધી વાટ પકડી પોતાની વતનની.
“મારી વિરાજ, એટલે જ કહું છું કે નહિ બોલીશ. હું બધી વાત જાણી ગયો છું તારા હોઠ પરથી. યાર, છોડ આ કાંટાળાનું કારખાનું. મને બધી ખબર છે.” વૈભવે એની હડપચી ઊંચી કરી. “નથી ખબર, કંઈ નથી ખબર તને વૈભવ, હવે તું મારી સાથે લગ્ન નહીં કરી શકે.” દરેક પેશન્ટને પ્રેમથી સલાહ આપતી વિરાજ વૈભવના ખભા પર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. “આઈ એમ એચ.આઇ.વી. પોઝિટિવ.”
રડતી વિરાજને જોઈ ખડખડાટ હસતો વૈભવ બોલ્યો, “હું, પણ યાર, હવે હું તારી સાથે જ લગ્ન કરી શકીશ.” વિરાજના અવાચક હોઠ કોઈપણ વળાંક લે તે પહેલાં વૈભવે આંખથી કહી જ દીધું, “ઇન્ફેકશન લાગવાના ઘણા પ્રકાર છે.”
છતાં પેશન્ટ હિસ્ટરી અને કૉઝ ઓફ ઇન્ફેકશન જાણવા ટેવાયેલ વિરાજે પૂછી જ લીધું. જવાબમાં વૈભવે કહ્યું, “હું મુંબઈમાં એક સમયે ડ્રગ એડિક્ટ થઈ ગયો હતો. એટલે જ મમ્મી પપ્પાના ડેથ વખતે આવી નહોતો શક્યો.હવે નિયમિત દવાઓ લઉં છું. હેલ્થ સારી રહે છે. નાવ અનિથિંગ એલ્સ? અલબત્ત, મારે તારા વિશે કંઈ જ નથી જાણવું. તું….”
“હું, પણ.” કહીને વિરાજ વળગી પડી.
યામિની વ્યાસ