Daily Archives: મે 25, 2021

પ્રાણવાયુ-પરેશ વ્યાસ

પ્રાણવાયુ પર પ્રાણ ટક્યા હોય છે

– અર્વાચિંતનમ્- પરેશ વ્યાસ

– જે ખાવાનું ખાઓ એ એન્ટિ-ઓક્સિડન્ટ હોય તો સારું. એન્ટિ-ઓક્સિડન્ટ એટલે? શરીરમાં કેટલાક મુક્ત અણુઓ હોય છે જેની સંખ્યા વધે તો શરીરને નુકસાન થાય

કામના શતાયુની!                                                                                                               

તને તો રક્તમાં પડી જરૂર પ્રાણવાયુની!                                                                                            

 -યામિની વ્યાસ

પ્રા ણવાયુ…. કેવું સરસ નામ છે. પ્રાણ જેની ઉપર ટક્યા છે એ પ્રાણવાયુ. ઓક્સિજન શબ્દનું મૂળ ખોટું છે. ગ્રીક શબ્દ ‘ઓક્સિ’ એટલે તીવ્ર અથવા તો એસિડ અને ‘જન’ એટલે જે એસિડ પેદા કરવામાં જરૂરી છે તે. વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ ખોટી માન્યતા હતી એ. એસિડ પેદા કરવા માટે ઓક્સિજન જરૂરી નથી. પણ સત્તરમી સદીનું આ ખોટું નામ ઓક્સિજન એક શબ્દ તરીકે ટકી ગયું.  અમને અલબત્ત આપણો દેશી પ્રાણવાયુ શબ્દ ગમે છે. આ એક સાચૂકલો શબ્દ છે. વાત જાણે એમ બની કે ગત અઠવાડિયે અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રાણવાયુ ઘટી ગયો. ડોક્ટર્સ સતત દેખરેખ રાખી રહ્યા છે. તેઓ સાજા જરૂર થશે. પણ હાલની કોવિડ-૧૯ બીમારી જન જનને પ્રાણવાયુની અગત્યતા સમજાવી રહી છે. ઘણી એવી ચીજો છે જે આપણી ચોતરફ હોય જ છે. પણ એની કિમત આપણે સમજતા નથી. જેમ કે હવા અથવા હવામાં રહેલો પ્રાણવાયુ. એની બહાર કે અંદર ઉણપ સર્જાય તો મુશ્કેલી પડે છે. આજકાલ કોઈ પણ બહારી લક્ષણ વિનાનાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આવા કોવિડ પોઝિટિવ કિસ્સાઓમાં પોતાના ઘરે જ  એકાંતવાસમાં રહીને સારવાર કરાવવાની સલાહ સરકાર આપે છે. સારવારમાં ખાસ કરીને ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર ઉપર સતત ધ્યાન આપવું જરૂરી છે. જો ઓક્સિજન લેવલ ૯૫% થી ઘટે કે ટેમ્પરેચર ૧૦૦ ડીગ્રી ફે.થી વધે તો હોસ્પિટલ ભેગા થઈ જવું જોઈએ. જે હજી કોવિડ-૧૯માં સપડાયા નથી એમને અભિનંદન. પણ આવા લોકોએ લોહીમાં ઓક્સિજન લેવલ જાળવી રાખવા શું કરવું જોઈએ? 

૧. જીવનશૈલી: બધા જ વારંવાર પોકારી પોકારીને કહે કે સાત્વિક ખાવાનું અને કસરત કરવાની… મઝાની લાઈફ! પણ આપણે આળસ પ્રધાન માનવી છીએ. આડા પડીને ફોનને મચેડ મચેડ કરવા સિવાય કશું કરતાં નથી. શરીર માટે શુદ્ધ હવા જરૂરી છે. શરીરને શ્રમ મળે એ જરૂરી છે. પણ.. સુધરી જાવ, હજીય મોડું થયું નથી.

૨. ખાણીપીણી: જે ખાવાનું ખાઓ એ એન્ટિ-ઓક્સિડન્ટ હોય તો સારું. એન્ટિ-ઓક્સિડન્ટ  એટલે? શરીરમાં કેટલાક મુક્ત અણુઓ હોય છે જેની સંખ્યા વધે તો શરીરને નુકસાન થાય. એન્ટિ-ઓક્સિડન્ટ ખોરાક આવા નુકસાન કરે એવા મુક્ત અણુઓને વશમાં રાખે છે. ટામેટાં, તડબૂચ, ગાજર, પપૈયાં, પાંદડાવાળા શાક જેવા કે કોબી અને ભાજી જેવી કે પાલક વગેરે સારા. ગ્રીન ટી પણ એન્ટિ-ઓક્સિડન્ટ  ગણાય છે. 

૩. શરીર મુદ્રા: જીવન બેઠાડું કે સૂતાડું થઈ જતું હોય છે. ટીવી અને સ્માર્ટ ફોનનું  વ્યસન એવું કે વ્યક્તિ આડીઅવળી વિચિત્ર રીતે વળેલી મુદ્રામાં ઢગલો થઈને બેઠી કે સૂતી હોય છે. જ્યારે બેસો તો ત્યારે ટટાર બેસવું. ચાલતી વખતે પણ છાતી કાઢીને ચાલવું. હવા ફેફસામાં જાય તો પ્રાણવાયુ વધે ને? ગરદન અને કમર સીધી રાખવાનું આપણે ભૂલી જઈએ ત્યારે મુશ્કેલી થતી હોય છે.  

૪. પ્રદૂષણ નિવારણ: હવા પ્રદૂષિત હોય છે. ખાસ કરીને શહેરની હવા. આપણે એ વિષે ખાસ કરી શકતા નથી. પણ એવી હવા જરૂર લઈએ કે જેથી પ્રદૂષિત માત્રા ઘટે. નદી કાંઠે કે બાગબગીચામાં ચાલવું કે દોડવું સારું. ખુલ્લી હવા અને ઝાડપાન પ્રાણવાયુ માટે જરૂરી છે.

૫. વ્યસન મુક્તિ: વ્યસન નડે છે. ખાસ કરીને તમાકુ, ગાંજો વગેરે. દારૂ પણ આંતરિક ઓક્સિજન લેવલ ઘટાડે છે. વ્યસનથી ઘણી બરબાદી થતી હોય છે. એમાં ઓક્સિજન લેવલમાં જો ઘટાડો થાય તો એ સાંપ્રત સમયમાં ઘાતક નીવડી શકે છે. 

આ લ્લે લે! આમ તો આમાં કાંઇ પણ નવું નથી. આ બધા મુદ્દાઓ સદા સર્વદા સાચા જ છે. એમને અપનાવી લઈએ તો સર્વ સારા વાના થઈ જાય. ઊંડા ઊંડા શ્વાસ લો. લોહીમાં ઓક્સિજન લેવલ   વધારો. હેં ને?

કોઇકે કહ્યું છે કે માણસ પ્રેમ વિના જીવી શકતો નથી, પણ મને લાગે છે કે ઓક્સિજન વધારે જરૂરી છે! પ્રાણવાયુ વધારો, પ્રાણ બચાવો. ઈતિ.

Leave a comment

Filed under Uncategorized