સ્ટાઇલમેં રેહનેકા, ફેશનમેં નહીં..
– અર્વાચિંતનમ્- પરેશ વ્યાસ
– કહે છે કે ફેશન ત્યારે સારી લાગે જ્યારે તમને અંદરથી ફીલ ગૂડ થાય. અને જ્યારે અંદરથી તમે પોતે તમને પોતાને ગમો ત્યારે બીજાનો ગમો અણગમો શીદને ગણવો?

પછી મંકોડે લીધા ભૈ વરણાગી વેશ,એને જોઈને રાફડામાં ફેશન બદલાયત
અને લટકામાં કાતર્યા કરકરીયા કેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!
– ડો.ફિરદૌસ દેખૈયા
ઈ ઝરાયેલી ફેશન ડીઝાઇનર આલ્બર એલ્બાઝ કહે છે કે- મને પરફેક્શન પસંદ નથી. મને લાગે છે કે એ ડેન્જરસ છે. પરફેક્શન પછી કશું ય હોતું નથી. પરફેક્શન એટલે? પરફેક્શન એટલે પૂર્ણ અવસ્થા, પરાકાા, સૂરની ઊંચામાં ઊંચી માત્રા, ક્ષતિહીનતા, સંપૂર્ણતા નજીક પહોંચતી સર્વોેત્કૃષ્ટતા. ફેશન એટલે જ તો પરફેક્ટ હોતી નથી. જુઓને, ઇટાલિયન ફેશન બ્રાન્ડ ગુચ્ચીએ ચશ્માં કાઢયાં એ ય ઊંધાં.
ટ્વીટર ઉપર એની ટીકા થઈ રહી છે, એની ઉપર જોક્સ થઈ રહ્યા છે. ખાસ કરીને એની કિંમતની ટીકા તો વ્યાજબી જ છે. ૫૬૦૦૦ રૂપિયાનાં ચશ્માં. લો બોલો! અમેરિકન ઈરાનિયન નવલકથા લેખિકા પોરિસ્તાએ લખ્યું કે ‘આવું શું કામ કરો છો?’ પછી બીજા ટ્વીટમાં લખ્યું કે ‘આ આખું વર્ષ જ આકરું ગયું છે, હું હવે સમજી.’ સઘળું ઊંધું જ થયું છે આ આખા વર્ષમાં, અને એને જોવું હોય તો ચશ્માં ઊંધાં પહેરવા પડે. બાય ધ વે, ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઊંધાં ચશ્મા’ એટલે ખોટી દ્રષ્ટિ, ભ્રમ.
ફેશન કાયમી નથી. કાયમી હોય એ ફેશન હોતી નથી. ગુજરાતી લેક્સિકોનમાં ફેશનનો એક અર્થ આપ્યો છે : પ્રચલિત રૂઢિ, રિવાજ કે શૈલી. પણ અમારી દ્રષ્ટિએ એ સાચો અર્થ નથી. ‘પ્રચલિત’ અને ‘રૂઢિ’ બે વિરુધ્ધાર્થી શબ્દો છે. ફેશન એ એવી અભિવ્યક્તિ છે જેમાં સૌંદર્યની કદર કરવામાં આવે છે.
વસ્ત્રો, પગરખાં, કેશકલા, લાલીલિપસ્ટિક કે પછી ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં.. પણ એ સાંપ્રત અભિવ્યક્તિ છે, આજની વાત છે. આપણે ‘ફેશન’ બોલીએ ત્યારે આગળ ‘લેટેસ્ટ’ વિશેષણ લગાડવાની જરૂર નથી. ફેશન એટલે જ લેટેસ્ટ. જે રૂઢિગત છે એમાં થયેલો લેટેસ્ટ ફેરફાર એટલે ફેશન.
ફેશન વિષે હવે જો કે લોકો સજાગ છે. કોઈ પણ ગાંડાં જેવી ફેશન પ્રત્યે ગાંડાં કાઢતા નથી. હવે આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃત છીએ. ‘અત્યારે ખર્ચી નાંખો, વિચારો પછી’ એવું હવે કરતાં નથી. વર્ષ ભૂંડું ગયું છે. ભલે છપ્પનિયો દુકાળ નથી પણ તોય છપ્પન હજારનાં ચશ્માં થોડા પહેરાય? એ ય ઊંધા. ચરક ષિ કહી ગયા હતા કે દેવું કરીને પણ ઘી પીઓ. કારણ કે ઘી શરીર માટે જરૂરી છે. એમણે એવું કયાં કહ્યું કે દેવું કરીને ફેશન કરો. હેં ને? એવી ફેશન શું કામની, જે ખતમ થાય એટલે ફેંકી દેવી પડે. એક ડચ કંપની લેટેસ્ટ ફેશનનાં જીન્સ ભાડે આપે છે. એકદમ અપટૂડેટ જીન્સ. વર્ષે પાછા દઈ દેવાનાં. પછી બીજા લઈ લેવાનાં. વાહ!
ફેશન અને સ્ટાઈલ શબ્દો એક સાથે વપરાતા હોય છે પણ એમાં તાત્વિક ભેદ છે. ફેશન બહારથી આવે છે. સ્ટાઈલ તમારી પોતીકી હોય છે. એવું પણ કહે છે કે ફેશન ભલે પોતાની સંપત્તિનો, પોતાનાં પૈસાનો દેખાડો હોય પણ સ્ટાઈલનું એવું નથી. સ્ટાઈલ એ તમારી કલ્પનાશક્તિની અભિવ્યક્તિ છે. સ્ટાઈલ એટલે તમારી પોતાની વિશિષ્ટ શૈલી. ફેશનને કાળનાં બંધન હોય છે, સ્ટાઈલ એ કાલાતીત છે. પોતાની સ્ટાઈલ, પોતાની શૈલી એવી હોય કે બીજા માટે એ ફેશન બની જાય. બીજા તમને અનુસરે. સાદા અને સીધા ચશ્માં ય તમારી સ્ટાઈલ બની જાય.
અમને અભિનેતા રણવીર સિંઘનાં કપડાં, ચશ્માં અને રૂપસજ્જા હમેશા વિચિત્ર જ લાગ્યા છે. એ એવું કેમ કરે છે? ખબર નથી. પણ એ મને ગમે તો ય મારે એને અનુસરવાની જરૂર નથી. કારણ મારી સ્ટાઈલ નોખી છે, મારી પોતાની છે. સ્ટાઈલ એ ધર્મ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ, સમાજ, હવામાન, વ્યવસાય વગેરે ઉપર આધારિત છે. ફેશન સીઝનલ છે. એ આવે ને જાય. અને હા, ફેશન મોંઘી હોય છે. પણ જરૂરી નથી કે સ્ટાઈલ મોંઘી હોય.
કહે છે કે ફેશન ત્યારે સારી લાગે જ્યારે તમને અંદરથી ફીલ ગૂડ થાય. અને જ્યારે અંદરથી તમે પોતે તમને પોતાને ગમો ત્યારે બીજાનો ગમો અણગમો શીદને ગણવો? બસ, લઘરવઘર ન રહેવું, સ્વચ્છ રહેવું, હસતાં રહેવું. ફેશનબેશન છોડો. સ્ટાઇલમાં રહેવું. ઊંધાં ચશ્માં પહેરવા નહીં. ભ્રમમાં રહેવું નહીં. ઈતિ.