Daily Archives: મે 29, 2021

વસૂલ


વસૂલ
પ્રિયા પર રોજ કોઈ ને કોઈનો ફોન હોય જ. કઈ કંપનીમાં, કઇ શોપમાં, કઈ બ્રાન્ડમાં કેટલું સેલ ચાલે છે, કેટલા પર્સન્ટેજ છે, એક પર એક ફ્રી ક્યાં છે, ક્યાં વધુ લાભ થાય, કયા સ્ટોકમાં સિલેક્શન છે, કઈ જગ્યાએ કઈ સ્કીમ ચાલી રહી છે, ઓનલાઈન કે ઓફલાઈન, શોપિંગમાં ડિસ્કાઉન્ટ કે કુપન મેળવવાની વગેરે સઘળી જાણકારી પ્રિયા પાસે હોય. બસ ડિસ્કાઉન્ટ જોયું નથી ને એવું બન્યું જ ન હોય કે તેણે ખરીદી ન હોય. આટલામાં જ આ વસ્તુ આવી એમ કહીને એ બધાને બતાવીને હરખાતી. કોઈને કંઈપણ માહિતી જોઈતી હોય તો પ્રિયાને પૂછી લેતું. પોતાની સોસાયટીમાં, કિટીમાં, ફંક્શનમાં, પાર્ટીમાં હંમેશા કોઈપણ કોમ્પિટિશન કે હાઉઝી રમવાનું એ કહેતી અને એ જીતતી. ખૂબ ધ્યાનપૂર્વક એ રમતી. એ કહેતી કે એ એની કમાણી છે.
પ્રિયા સ્મિતાબેનની એકની એક લાડકી વહુ. વળી, સ્મિતાબેનની સહેલીની દીકરી. પ્રિયા નાની હતી ત્યારથી ખૂબ ચબરાક, ખૂબ વાતોડિયણ અને ખૂબ મીઠડી હતી એટલે સ્મિતાબેનને પહેલેથી જ ગમતી. સામેથી જ એણે દીકરા પ્રિયંક માટે પ્રિયાનો હાથ માંગ્યો હતો. સ્મિતાબહેન પણ રૂપાળી અને હોશિયાર વહુ માટે હરખાતાં હતાં. એની સાથે શોપિંગમાં પણ જતા અને પછી એમને પણ થતું કે આ વધારે પડતું થઈ રહ્યું છે.
પ્રિયંક ડૉક્ટર હતો. એને પ્રિયા ગમતી પણ આ વધુ પડતું એને પણ નહોતું ગમતું. એ હસતા હસતા કહેતો, “પ્રિયા, તે પહેલાં મમ્મીને ફસાવી અને પછી મને. ચાલ, હવે બહુ થયું. હવે કેટલા વોર્ડરોબ ભરવા છે તારે?”
પ્રિયા પણ હસીને કહેતી, “બસ બહુ થયું, બે દિવસ હોસ્પિટલ ન જાય તો કેટલા પેશન્ટને એકઠા કરવા છે? પ્રિયા ટીવી પર પણ દરેક શોમાં કોઇને કોઇ ક્વિઝ, કોઈ સવાલ હોય તો તે હંમેશા જવાબ આપતી અને તે જીતતી પણ ખરી. ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ જઈ આવી હતી પણ ‘ફસ્ટેસ્ટ ફિન્ગર ફર્સ્ટ’માં જરાક માટે રહી ગઈ હતી. તે છતાં પણ હાર્યા વગર તેના ઘણી જગ્યાએ પ્રયત્નો ચાલુ જ રાખતી. જીતતી અને હરખાતી. ઘરે કામવાળી, માળી, ધોબી વગેરે કોઈપણ હોય તેની પાસે એવું ઇચ્છતી કે તે એક્સ્ટ્રા કામ કરી દે. કામવાળીને પણ કહી દે કે આ પેટીકોટમાં નાડું નાખતી જા. મમ્મીના પગ દુખે છે તો માલીશ કરતી જા. ધોબી સાથે પણ કપડા માટે કચકચ કરતી. શોપિંગ કરવા જતી ત્યારે પણ વટ મારતી કે હું બાર્ગેનિંગ વગર પાછી ફરતી જ નથી. જ્યાં બાર્ગેનિંગ શક્ય જ ન હોય ત્યાં પણ તે ચેલેન્જ લગાવતી કે અને જ્યારે બિલ પે કરતી ત્યારે પણ કહેતી કે એક રૂપિયો ઓછો છે બીજી વાર તમે દસ લઈ લેજો. એમ કહીને સખીઓ આગળ રોફ મારતી. એવી જ રીતે બ્યૂટીપાર્લરના બહેન ઘરે સર્વિસ આપતાં એનું પણ એણે પેકેજ લઈ લીધું હતું. પાંચ સર્વિસના રૂપીઆ પહેલા આપી દેવાય તો એક ફ્રી સર્વિસ અપાય તેવું તેનું પેકેજ હતું. ઉપરાંત, આવા દસ કસ્ટમરને ઊભા કરી આપે તો એનું પેકેજ ફ્રી. એ સ્કીમ મુજબ એણે તો ફ્રીમાં જ આખું પેકેજ મેળવ્યું હતું. પાંચ મહિના તો તેણે સરસ સર્વિસ કરાવી. એમાં એના નખરા રહેતા કે આ નખ સરખો ફાઇલ કરી આપો, મોઢે વધારે મસાજ કરી આપો. હવે એક પેકેજ બાકી હતું ત્યાં કોરોના આવી ગયો.પતિ તો ડૉક્ટર. એને સ્ટ્રીકટલી કહ્યું હતું કે,” ઘરમાં કોઈને પણ અલાવ કરતી નહીં અને બ્યુટી ટ્રીટમેન્ટમેન્ટ વગર ચલાવી લે કારણ કે ઘરે ઉંમરવાળા મમ્મીપપ્પા છે.” એ વાત તો પ્રિયા એ માનવી જ પડી પરંતુ પ્રિયંક ગયો પછી તેણે સ્મિતાબેન પાસે જિદ્દ કરી કે મારે પાર્લરવાળીનું એક પેકેજ બાકી છે એ મારે વસૂલ કરવાનું છે. તો હું આપણી સોસાયટીના બહારના સ્પોર્ટ્સરૂમમાં બેસીને ફક્ત પેડીક્યોર કરાવી લઈશ એટલે ઇન્ફેક્શનનો કોઈ ચાન્સ ન રહે અને માસ્ક પણ પહેરી જ રાખીશ. જરા પગે વધારે મસાજ કરાવી લઈશ એટલે વસૂલ એમ કહી એણે પાર્લરવાળીને ફોન કર્યો.
પાર્લર વાળી બેને કહ્યું કે,” અત્યારે બહુ તકલીફમાં છું. હસબન્ડનો કેટરિંગનો બિઝનેસ બંધ થઈ ગયો છે,એઓને પગે ફ્રેક્ચર થયું છે.એમની સેવામાં હોવાથી હું બહાર જતી નથી. હું જ્યારે ફરી ચાલુ કરીશ ત્યારે તમને ડબલ વાર આ પેકેજનો લાભ આપીશ. અત્યારે આવવું શક્ય નથી.”પરંતુ માને તો પ્રિયા શેની? તેણે જીદ કરી કે આ સોસાયટીના બહારના સ્પોર્ટ્સ રૂમમાં મને પેડીક્યોર કરી જ આપ.”
તેની જીદ આગળ તે પાર્લરવાળી બેન આવી અને બેગમાંથી સાધનો કાઢવા માંડી.રહેવા દે, કહી પ્રિયાએ એક કવર પકડાવ્યું. પેલા બહેને જોયું તો તેમાં પાંચ હજાર હતા. તેણે પૂછ્યું, “આ નવા પેકેજના છે?”
“આજે તારી બર્થ ડે છેને?”
વાતોડિયણ પ્રિયાએ વાતવાતમાં તેની બર્થ ડે ક્યારે છે કે જાણી લીધું હતું. બ્યૂટી પાર્લરવાળી બહેનને ના સમજાયું,કહ્યું,” સારું થયું એડવાન્સમાં આપ્યા,મેડમ જરૂરજ હતી.”
પ્રિયાએ સ્મિત સાથે કહ્યું કે આ ગીફ્ટ છે અને એને હું વસૂલ કરતી નથી.
-યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized