Daily Archives: જૂન 1, 2021

સ્પેસ

સ્પેસ

“વાહ દીદી, આ ચશ્મિસ સ્કોલર તને પસંદ પડી ગયો!” ધીરે રહીને પરીશા બોલી, “કેમ, કેમ?”“લવ એટ ફર્સ્ટ સાઈટ?”“ના, એવું નહીં.” તેણે થોડું શરમાઈને જવાબ આપ્યો. “તો શું ગમ્યું? કિસન કે એની વાતો?”“સાચું કહું? એની વાતો. કોઈ કોમન ટિપિકલ વાતો નહીં. ખલિલ જિબ્રાનની વાતનું ઉદાહરણ આપીને કહ્યું કે ઈમારત બુલંદ રીતે ટકાવવી હોય તો તેના પિલ્લર્સ વચ્ચે જગ્યા હોવી જરૂરી છે. એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે..ને..દરેકને..”“અચ્છા જી, વાહ! તો તમે સ્પેસમાં રહેશો!” વચ્ચે ટીખળ કરતા રિયા બોલી.”યસ, સ્પેસમાં, તોય કહેવાય છે ને કે શરીર અલગ પણ હૃદય એક.” બંને મસ્તી કરતી કરતી એકબીજાને વળગી પડી. પરીશા અને રિયા બંને બહેનો. પરીશા બે વર્ષ મોટી, પણ પાકી બહેનપણી જેવી દોસ્તી. પરીશા અને કિસનના ધામધૂમથી લગ્ન થયાં. બન્નેના ગમતા સ્થળે હનીમૂન પર જઈ આવ્યાં. અદેખાઈની પણ આંખ ફૂટે એવું મીઠું જોડું. જિંદગીનો આ ખુશહાલ સોનેરી સમય તેઓ જીવનભર જીવવા માંગતાં હતાં. બંન્નેની નોકરી અને સમય અલગ અલગ હતાં. કિસનને આમ તો ઓફિસ કામે કોઈવાર બેત્રણ દિવસ અથવા તો અઠવાડિયા સુધી બહાર જવાનું થતું. પરીશાનો પણ કામકાજનો સમય ઘણીવાર બદલાતો કે લંબાતો છતાં એકબીજાનું ધ્યાન રાખતાં, સાચવી લેતાં, સમજતાં. એકબીજાના મિત્રો કે સાથી કર્મચારીઓ માટે પણ માન હતું. તેઓને ઘરે પણ મિત્રોની અવરજવર રહેતી. બંને એકબીજાને દરેક વાતે રિસ્પેક્ટ આપતાં. પરીશાને ગાર્ડનિંગનો શોખ હતો. ઘરે ફૂલો અને શાકભાજી ઉગાડતી, જ્યારે કિસનને કોઈ ફૂલ ઓળખતા પણ ન આવડતું. એવી જ રીતે કિસનને સંગીતનો શોખ. તેણે તાલીમ પણ લીધી હતી પરંતુ પરીશા એક રાગ પણ ઓળખી ન શકતી. છતાં, તેઓ રુચિ લેતાં. પરીશા વહેલી ઊઠીને મેડિટેશન કરતી જ્યારે કિસનથી વહેલાં ઉઠાતું ન હતું. એ મોડે સુધી નોવેલ વાંચતો. પરીશાને આગળ ભણવું હતું તો બાકીના સમયમાં કે રવિવારે તેના ઓનલાઈન ક્લાસીસ કરતી. તે દરમિયાન કિસન ટીવી જોતો અથવા પોતાનું કોઈ કામ કરતો. સાંજે પાંખમાં પાંખ પરોવીને આ જોડું ઊડવા નીકળી પડતું. તેમનું લગ્નજીવન ખૂબ આનંદથી પસાર થતું હતું. કિસનના મમ્મીપપ્પા પણ વતનથી આવતાં અને ખૂબ ખુશ થતાં. રિયા અને તેનાં મમ્મીપપ્પા આવતાં અને તેઓનું લગ્નજીવન જોઈને આનંદ પામતાં. જોકે બન્ને વચ્ચે તુંતુંમેંમેં ન થતી એવું તો ન કહેવાય પરંતુ તે બહુ લાંબુ ન ચાલતું. રીસામણા મનામણામાં વાત પતી જતી. એ જીવનનો ભાગ હતો અને તેને લીધે વધુ સ્નેહ વધે એવું તેઓ માનતાં હતાં.બેડ પર ભીના ટોવેલને જોઈ પરીશા કહેતી, “તું જીમમાં રોજ લટકે છે એમ આને દોરી પર લટકવું ગમે છે.” કિસન હસતો. કિસનને ખાવામાં વાળ આવે તેની સખત ચીડ હતી, છતાં ધીરે રહીને કહેતો, “ પરી, તું વાયરલેસ રસોઈ બનાવતી હોય તો!” અને કોઈકવાર મીઠું વધારે પડી ગયું હોય તો કહેતો, “પરી, આજે દરિયામાં ભરતી વધારે આવી લાગે છે!” પરીશા સમજી જતી. કિસન વહાલથી પરી કહીને બોલાવતો એથી એ એના પર વારી જતી અને વળગીને કહેતી, “તું મને પરી કહે છે. તેં મારા નામનો છેલ્લો અક્ષર કાઢી નાંખ્યો છે એમ હું પણ તને છેલ્લો અક્ષર કાઢીને બોલાવું તો?” અને બંને ધોધમાર હસી પડતાં. ભલે પરીશા વહેલી ઊઠતી હોય, મેડિટેશન કરતી હોય પરંતુ સવારે ઊઠીને ચા બનાવવાનો કાર્યક્રમ કિસન જ કરતો. બંનેએ ઘરનાં કામ પણ વહેંચી લીધાં હતાં. પરીશા બીઝી હોય અથવા તો માંદી હોય તો એને પૂછ્યાકહ્યા વગર કિસન ખાવાનાનો ઓર્ડર આપી મંગાવી દેતો. એવી જ રીતે કિસનના કામના કલાકો, એનું ટેન્શન, એની વ્યસ્તતા બાબત પરીશાને જાણ રહેતી અને સાચવીસંભાળી પણ લેતી. હમણાંથી પરીશા રોજ કંઈક લખતી હતી. કિસનને ખબર કે તે ડાયરી લખે છે પણ તેમાં તે શું લખે છે તે નહોતી ખબર. કિસન એ જાણવા પણ ખાસ રસ નહોતો લેતો. એકવાર પરીશા લખવા બેઠી અને બહાર બેલ વાગ્યો. કિસન લેપટોપ પર કામ કરતો હતો અને પરીશા લખતી હતી. જ્યારે પણ ઘરનો બેલ વાગતો ત્યારે બેમાંથી કોની વ્યસ્તતા વધારે અગત્યની છે એ મપાતું અને એ સિવાયનું જણ બારણું ખોલવા જતું. અત્યારે ખોલવા જવાનો વારો પરીશાનો હતો. હા, ઈસ્ત્રીવાળો કપડાં આપવા આપ્યો હતો અને મહિનાનું બિલ પણ આપવાનું હતું. પરીશાએ એ પતાવ્યું અને પાછી આવી. કિસનનું કામ પૂરું થઈ ગયું હતું. એણે બેડ પર લંબાવ્યું ને ડાયરી વચમાં આવી. તેણે ખસેડી. પવનથી પાનું ફર્યું અને તેને વંચાઈ ગયું. શરૂઆત કરી હતી ‘પ્રિયે, કાલે કિસન વિશેની વાત અધૂરી રહી હતી….’ હજુ આગળ વાંચવા જાય ત્યાં તો પરીશા આવી ગઈ. અને શું, ક્યાં, કોણ હતું એવી બીજી વાતોમાં જ રાત પૂરી થઈ ગઈ. હવે કિસનને થયું – પ્રિયે? તેં પણ.. મારી વાત? એવું તે કોણ હશે જેને ‘પ્રિયે’ સંબોધન કરવું પડે? કોઈ છે જેને પરી મારી વાત કરવા માંગે છે. કોણ હશે? શું હશે? આ ડાયરી હશે કે કોઈ ટ્રાયેન્ગલ નવલકથા? ના, ના, એવું નહીં હોય. એનું મન જાણવા ઉત્સુક રહેતું. ફરી એને સ્પેસની વાત યાદ આવતી અને ભૂલી જવા પ્રયત્ન કરતો. ફરી પાછો પોતાના કામમાં વ્યસ્ત થઈ જતો અને ભુલાઈ જતું, પણ જ્યારે પરીશા એ ડાયરી લઈને બેસતી અને એના મનમાં વિચાર આવતો. એ કહેતો, “પરિ, મૂકી દે આ બધું. સૂઈ જા.” પણ પરીશા એ પૂરું કર્યા વગર સૂએ જ નહીં. તેને થયું કે આ ખરેખર શું હશે? યાર, મારે પણ લખવું જોઈએ. આ લેખકોને કેવું સારું! કંઈ લખતા હોય અને પકડાઈ જાય તો કહેવા થાય કે આ મારી કૃતિનો ભાગ છે. ના, ના, આ બધાં મારું મન મનાવવાનાં બહાનાં છે પણ ‘પ્રિયે’ સંબોધન કોને હોઈ શકે? ધીરેધીરે આ શબ્દે એના મનને વ્યસ્ત અને વ્યથિત કરી દીધું. આમ તો પૂછવું હોત તો પૂછી પણ શકાત પરંતુ તેની હિંમત નહોતી ચાલતી. હવે કરવું શું? એણે પરીશાના સાથી પુરુષ કર્મચારીઓ, એના મિત્રો, પરીશાની બહેનપણીઓના પતિઓ, આજુબાજુના પાડોશીઓ વિશે વિચાર્યું. કેટલુંય વિચારી નાંખ્યું. પછી તો રિયાને પણ તે ફોન કરતો. રિયાને નવાઈ લાગતી કે જીજુ એકલા? મને વારેવારે કેમ ફોન કરે છે? પણ એ પરીશાની બાળપણની વાતો, તેના મિત્રો, તેની કોલેજલાઈફ વિશે જાણવાનો પ્રયત્ન કરતો. રિયા અને તેના માતાપિતા ખુશ થતાં કે ચાલો, જમાઈરાજને અમારી ઘણી ફિકર છે. કિસન કેટલોય ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરતો રહ્યો પરંતુ ‘પ્રિયે’ સંબોધન પરીશા કોને કરી શકે તે ઉકેલી ન શક્યો. એના મનની કોરી નોટબુકનાં પાનાં ફરતાં જ રહ્યાં. એ દરેક ફરતાં પાનાં પર તેને ‘પ્રિયે… પ્રિયે… પ્રિયે…’ વંચાતું રહ્યું. આગલા શબ્દો વાંચવાની તેની ઈન્તેજારી વધતી ગઈ. થયું કે આજે પરી ન હોય ત્યારે અથવા તો રાત્રે સૂઈ જાય ત્યારે તેની ડાયરી લઈને હું વાંચીશ જ. સવારે ઊઠ્યો અને પૂછ્યું, “ચાલ, આજે હું તને મૂકી જાઉં જોબ પર.”“કેમ? આજે તારે જવાનું નથી?” પરીશાએ પૂછ્યું. “ના, આજે મને ઓફ છે.” પરીશા ખુશ થઈ ગઈ. “ઓહો! એવું છે?” કિસને પરીશાને કોઈને ફોન કરતા સાંભળી અને નજીક ગયો. ફોન પતી ગયો અને પરીશા એ કહ્યું, “હા, મેં પણ રજા મૂકી દીધી છે. ચાલ, તને પણ રજા છે તો આપણે સાથે મળીને ફિલ્મ જોવા જઈએ, ફરવા જઈએ, મોજ કરીએ.”કિસનને થયું કે આવું ઘણી ફિલ્મોમાં કે નવલકથાઓમાં આવે છે એવી જ રીતે જ્યારે લગ્નેતર સંબંધ હોય ત્યારે પોતાના પતિ કે પત્ની સાથે તેઓ ખૂબ સારો વ્યવહાર કરતા થઈ જાય છે. પરીશા મને આટલું બધું કેમ વહાલ કરે છે? કદાચ તે તેનો જ ભાગ નહીં હોય? જેમ જેમ એ વિચારતો હતો તેમ તેમ એના મનમાં પરીશા વિશે જુદા જુદા ખયાલો આવતા હતા. એકવાર તેણે સાચવીને પરીશાનો મોબાઈલ પણ ચેક કર્યો પરંતુ તે લોક હતો. કેમેય કરીને ખૂલ્યો નહીં. તેની શંકાની તીવ્રતા વધતી ગઈ. હવે એની અવરજવર, તેની નોકરીનો સમય, તેની ખરીદી કરવાનો સમય, તેની સહેલીઓ સાથેની વાતચીત પર ધ્યાન આપવા લાગ્યો. નોકરીમાંથી ટૂર ટાળતો. ઘરે વહેલો પણ આવી જતો. કિસન તેની ડાયરી શોધવા ખાસ પ્રયત્ન કરતો કે હવે હું જોઈ જ લઉં. પરંતુ કોણ જાણે પરીશા ડાયરી એવી છુપાવતી હતી કે તેને હાથ જ નહોતી લાગતી પણ એનાથી પૂછાતું નહીં. આ રીતે કિસનને માટે અતિ ભારે કહી શકાય તેવા દિવસો વીતતા હતા. અને થયું પણ કેવું કે કોરોના આવ્યો. બંને વર્ક-ફ્રોમ-હોમ કરવાં લાગ્યાં. પરીશાને કોઈકવાર જોબ પર જવું પડતું પણ એટલા કલાક કિસન સતત ટેન્શનમાં રહેતો. ડાયરી શોધતો. તેને થતું કે પરીશા ડાયરી લઈને જતી હશે કે શું? મળતી કેમ નથી? એકવાર તો તેણે પરીશાનું આખું કબાટ ફંફોળી નાંખ્યું. પરીશાએ આવીને જોયું, “આ શું?” કિસને કહ્યું, “ફ્રી હતો એટલે ટાઈમ પાસ કરવા ગોઠવવા જતો હતો પરંતુ મારાથી ગોઠવાયું નહીં. તમારા છોકરીઓના કપડાં કેવાં હોય છે! ગડી પણ નથી થતી.” પરીશાએ હસતાં હસતાં કહ્યું, “તો શું કામ આ ઢગલો કર્યો? હે ભગવાન! આમાંથી કંઈ સામું હોય તોય ના જડે?” કહી પહેલી જ ડાયરી મળી એ ગોઠવી. દુપટ્ટો ખોસતાં એ બોલી, “ને જે કામ થાય નહીં એમાં શું કામ ડહાપણ કરે છે? અરે! ટાઈમ પાસ કરવા કોઈ જોડે ગપ્પા મારીએ, ખબર પૂછીએ, કોરોનામાં બધા ઘરે ફ્રી જ હોય. અરે ભાઈ! કોઈ જૂની ગર્લફ્રેન્ડને યાદ કરાય!” મસ્તી કરતી પરીશાએ કબાટ ગોઠવ્યો. ફરી રાત્રે ડાયરી લઈને બેઠી. કિસન ત્રાંસી આંખે અફસોસ સાથે જોઈ રહ્યો કે ડાયરી અહીં જ હતી તો પણ કેમ મળી નહીં?” એ બાલ્કનીમાં ગયો. થોડીવારે આવ્યો ત્યારે પરીશા ડાયરી છુપાવી સૂઈ ગઈ હતી. “ઓહો! પરીશાએ પરેશાન કરી દીધો, કાલે તો પૂછી જ લઉં.”બીજે દિવસે જોયું તો પરીશાને તાવ, ડોક્ટરને બતાવ્યું, ટેસ્ટ કરાવ્યો. પરીશાને કોરોના પોઝિટીવ. ઘરે જ ક્વૉરન્ટીન થવાનું સૂચવાયું. કિસનનો રિપોર્ટ નેગેટીવ હતો પણ પરીશા માટે ખૂબ ટેન્શનમાં આવી ગયો. ડાયરીની વાત ભુલાઈ ગઈ. એક જ રૂમમાં રહેવાય તેમ હતું નહીં આથી પરીશાને બીજા રૂમમાં આઈસોલેઇટ કરવામાં આવી. કિસન પરીશા માટે ખૂબ ચિંતીત હતો તેની સારવારમાં ખૂબ ધ્યાન રાખતો. તે તેને ખૂબ ચાહતો હતો. કિસનની થોડી થોડી વારે ફોન પર વહાલભરી વાતો ને સારવારથી પરીશાને હવે ઠીક હતું.તેર દિવસ થઈ ગયા હતા. કિસનને હાશ થઈ પણ ડાયરીનો ડંખ જતો નહોતો. તેને થયું કે હવે આ રૂમમાં તે શોધી શકશે. પરીશા બીજા રૂમમાં હતી ત્યારે તેણે રાતદિવસ એક કરીને આખા રૂમમાં ડાયરી શોધી પરંતુ મળી નહીં. બીજા દિવસે ખાવાનું આપવા માટે એ રૂમની બહાર ઊભો હતો ત્યારે તેણે જોયું કે પરીશાના ઓશિકા પાસે ડાયરી પડી હતી. હવે થાય શું? અંદર સુધી તો જવાય તેમ ન હતું. છતાય, તેને થયું કે હવે હું ગમે તે રીતે આ ડાયરી મેળવીને જ રહીશ અને આખરે એ રાતે પરીશા દવા લઈ ઊંઘી ગઈ ત્યારે તેણે હેન્ડ ગ્લવ્ઝ પહેર્યા અને ત્રણચાર માસ્ક પહેર્યાં અને ડાયરી લેવા માટે ગયો. પરંતુ ડાયરી હતી ક્યાં? ડાયરી તો તે ઓશિકા નીચે દબાવીને ઊંઘી હતી. કિસને નક્કી કર્યું હતું કે આજે ડાયરી લઈને જ જંપીશ પણ મેળ ન પડ્યો. થાકીને તે ટીવી જોવા બેઠો. તેને ક્રાઈમ પેટ્રોલ જોવાનું શરૂ કર્યું. તેણે જોયું કે પત્નીનો પ્રેમી અને પત્નીએ મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું. તે સીન જોઈને ખૂબ અકળાયો. ફરી રૂમમાં ગયો. મનમાં થયું કે ભલે પરી ઊઠી જાય પરંતુ ડાયરી મેળવીને જ જંપીશ. ફરીથી તેણે ઓશિકા નીચે હાથ નાંખ્યો અને પરીશા ચીસ પાડી ઊઠી. આછા અંધારામાં માસ્કવાળો ચહેરો જોઈને ગભરાઈ ગઈ. તેણે તરત લાઈટ કરીને જોયું તો કિસન હતો. તેના હાથમાં ડાયરી હતી. પરીશા જાણે એક પળમાં જ બધું પામી ગઈ અને કહ્યું, “મારી અધુરી ડાયરી તું પૂરી કરશે એમ?” તે કાંઈ બોલ્યો નહીં. પરીશા બોલી, “તું માત્ર પહેલું પાનું તો ખોલ.” કિસને ખોલ્યું. પહેલા પાના પર નહીં બધાં જ પાને ‘પ્રિયે..’ સંબોધન હતું. તેણે કહ્યું, “આગળ વાંચ.” કિસન ડાયરી વાંચતો ગયો. તેની આંખમાંથી દડદડ આંસુ વહેતાં ગયાં. પરીશાએ કહ્યું, ‘પ્રિયે’ આત્મસંબોધન છે. હું મારી જાતને ચાહું છું. હું મારી જાતને પ્રિય છું તો પ્રિયે જ કહુંને! હું રોજ મારા પર લખું છું. હા, તારો ઉલ્લેખ હશે પણ તે મને સ્પેસ આપી એ ખુશીની જ વાત હશે.તું મને પૂછી શક્યો હોત. બોલ, આટલી બધી સ્પેસ? જોજે હવે શૂન્યાવકાશ ના સર્જાઈ જાય!”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized