Daily Archives: જૂન 4, 2021

માંગણસંહિતા-પરેશ વ્યાસ

માંગણસંહિતા સૂદ એટલે લાભ, વ્યાજ. પણ આ સૂદને પોતાનાં લાભની ચિંતા નથી. એ તો લોકોને મદદ કરે છે. કોવિડ-૧૯નાં લોકડાઉનમાં ફસાયેલા અનેક ગરીબ પરપ્રાંતીય લોકોને વતન પહોંચાડવાનું કર્મ સોનુ સૂદે કર્યું છે. આ એક વીરલ કામ છે. આવા તારણહારને, આવા મદદગારને સામાન્ય રીતે ત્રણ પ્રકારનાં અનુભવ થાય છે. એક તો માંગનારાઓની સંખ્યા વધતી જાય છે. સોનુ સૂદે પછી સાચા જૂઠાંની પરખ કરવી પડે. બીજું એ થાય કે કેટલાંક વિઘ્નસંતોષીઓ મદદગાર ઉપર જ શંકા કરે, કહે કે સોનુ સૂદ ફ્રોડ છે. અને ત્રીજી વાત એવી કે કેટલાંક લોકો મસ્તી કરે. ગયા અઠવાડિયાનાં સમાચાર અનુસાર એક ભાઈએ ટ્વીટ્યું કે ‘સર, મુઝે માલદિવ્સ જાના હૈ, પહોંચાકે દો ના?’ લો બોલો! આને માલદિવ્સનાં દરિયે ફરવા જાવું છે અને સોનુ પાસે મદદ માંગે છે. પણ ખરેખર જરૂર હોય તો મદદ માંગવી જ જોઈએ. કેવી રીતે? ‘સાયકોલોજી ટૂડે’ માંગવાની રીત સમજાવે છે. ૧. મદદ માંગતા પહેલાં મેં પોતે ખરા દિલથી શુદ્ધ ભાવે આ માટે કોશિશ કરી છે. પણ મારો પનો ટૂંકો પડ્યો એટલે મદદ જોઈએ છે. અને આ વાત ટૂંકમાં કહેવી. આપનારને સમજાઈ જશે કે હું સાચો માંગણહાર છું. અહીં ‘ટૂંકમાં’ શબ્દ ખૂબ અગત્યનો છે. મારી લાંબી કથા વ્યથા કોઈ સાંભળશે નહીં કારણ કે લેનારાઓની લાઇન લાંબી છે. ૨. મદદ મળે પણ પછી હું મારી મરજી પ્રમાણે કાંઈક અલગ જ કરું. કોઈ મને ખેતી કરવા ટ્રેક્ટર આપે તો એ વેચીને હું રોકડી કરી લઉં તો? મદદ એ દાનમાં મળેલા પેલા લોટા જેવી છે. શરત એ જ હોય કે પૂજા કથામાં ઉપયોગ કરવો પણ એનો ઉપયોગ હું કુદરતી હાજત પછી ગુદા પ્રક્ષાલન માટે માટે કરું તો એ ઠીક નથી. અને હા, જો હું બીજી વખત મદદ લેવા ગયો હોઉં તો અગાઉ મેં પેલો લોટો પૂજામાં યુઝ કર્યો છે એનો ઉલ્લેખ જરૂર કરવો. દેનારને ખાતરી થશે કે હવે પછીની મદદનો પણ દુરુપયોગ નહીં થાય. ૩. મદદ સમયસર માંગવી પણ દેનારાનો સમય પણ જોવો. કટાણે મદદ માંગવી ઠીક નથી. આજકાલ લોકો બોલતા નથી, ટેક્સ્ટ કરે છે. એટલે કે મેસેજ કરે છે. એ સારું છે. દેનારો પોતાને અનુકૂળ સમયે મેસેજ વાંચીને પોતાની પ્રતિક્રિયા આપે. સમયસર માગવું પણ સમય જોઈને માંગવુ હિતાવહ છે. ૪. થોડું માંગવું કે ઘણું માંગવું? ક્યાંક ક્યાંક એવું થાય કે તેલ જુઓ અને તેલની ધાર જુઓ-ની નીતિ કારગત નીવડે. પહેલાં થોડું માંગીએ અને દેનારાની પ્રતિક્રિયા શું છે?- એ જોઈએ. જો પોઝિટિવ રીસ્પોન્સ હોય તો બધી વાત પેટછૂટી કરી દેવી. એનાથી ઊલટું, મોતને વળગો તો તાવ આવે જેવું! ઝાઝું માંગી લેવું. ના પાડે તો પછી કહેવાય કે એમાંથી આટલું તો દ્યો. પણ આ બંને રીત સારી નથી. અરે ભાઈ, જોઈએ એટલું જ માંગીએ તો સારું. ૫. અને દેનારો અંતર્યામી નથી. માટે એને એમ ન કહેવું કે તમે ધારી લો કે મને શું જોઈએ છે? આ લેતીદેતી કોઈ કોયડો નથી કે જેને ઉકેલવાનો હોય. માંગવું છે તો શરમાવું નહીં. માંગી લેવું. દોણી સંતાડવી નહીં, જો છાશ લેવી હોય. ૬. એક સાથે ઘણી જગ્યાએ મદદ માંગી શકાય. કોને ખબર ક્યાં તીર લાગી જાય. પણ એક વાર મદદ મળી જાય પછી બીજે ના પાડી દેવી. બીજાનો ય નંબર આવવા દેવો. ૭. અને આપણે અન્યને મદદ કરવી. મેં કોઇની મદદ લીધી, પછી મારી ક્ષમતા વધી તો હું અન્ય કોઈ જરૂરિયાતમંદને મદદ જરૂર કરું. આમ બધું લઈએ જ રાખીએ, લઈએ જ રાખીએ અને કોઈને દઈએ જ નહીં, એ નહીં ચાલે. અમેરિકન ગાયક રિક ઓકાસેક એવું કહેતા કે જ્યારે તમને ખરેખર જરૂર હોય ત્યારે પણ તમે માંગો જ નહીં તો કોઈ તારણહાર માટે તમને મદદ કરવાની એમની તક તમે છીનવી લો છો. મદદ માંગવી ગુનો નથી. માંગો પણ માંગણસંહિતા અનુસાર. હેં ને?

Leave a comment

Filed under Uncategorized