Daily Archives: જૂન 6, 2021

વેજની વેજા

વેજની વેજા ઉર્ફે ફાડ, ફાંસ કે ફાચરની આફત

– શબ્દસંહિતા- પરેશ વ્યાસ

– ‘વેજ’ શબ્દનું મૂળ આમ તો અજાણ્યું છે પણ કહે છે વેજ શબ્દ લેટિન શબ્દ ‘વોમર’ પરથી આવ્યો છે. વોમર એટલે ખેતરમાં ચાલે હળની કોશ અથવા હળપૂણી

એક શબ્દમાં, બીજો ગુપચુપ,

મારામાં બે ફાડ પડી છે. 

ખુલ્લા ખેતર જેવું જીવન,

આખેઆખી વાડ પડી છે.

– હરદ્વાર ગોસ્વામી

વે જ  એટલે આમ તો વેજીટેરિયન શબ્દનું ટૂંકું રૂપ. વેજ એટલે ભાજીપાલો અથવા તો શાકાહાર. અને નોન-વેજ એટલે માંસાહાર એવું આપણે જાણીએ છીએ. પણ આજે જે વેજ (Wedge)ની વાત કરવી છે એનો ગુજરાતી લેક્સિકોન અનુસાર અર્થ થાય છે : ફાચર અથવા તો શંકુના આકારનો લાકડાનો કે ધાતુનો ટુકડો, ફાચરના આકારની વસ્તુ. મઝાની વાત એ છે કે ફાચર બે  સ્થૂળ પદાર્થને જોડી ય શકે અને તોડી ય શકે. દાખલા તરીકે લાકડાની તડમાં કે કુહાડી પાવડો વગેરેના હાથામાં ભરવામાં આવતી ફાડ, ફાંસ કે ફાચર મારો તો એ વધારે મજબૂત થાય. કુહાડી કે પાવડો હાથામાંથી છટકે નહીં. પણ હથોડાનાં મારથી જો એ ફાચર છીણીની જેમ વધારે અંદર ઘૂસે તો તોડી ય શકે. અને ગુજરાતી શબ્દ ‘વેજા’ તો આપણે જાણીએ છીએ. વેજા એટલે વિપત્તિ. વેજા એટલે આફત. વેજાનો એક અર્થ જો કે ‘પ્રજા’ એવો પણ થાય છે. તો ચાલો આજે વેજની વેજા વિષે જાણીએ. 

‘વેજ’ શબ્દ અમે ક્યાં વાંચ્યો?  આ લખાય છે ત્યાં સુધી તો અમેરિકાની ચૂંટણીનું પરિણામ ઠેબે ચઢયું છે. કોર્ટ કચેરીનો મામલો ય થયો છે. બાઈડન જીતે એવી શક્યતા છે પણ તમને યાદ હશે કે મત ગણતરી હજી ચાલુ હતી ત્યાં તો ડોનાલ્ડ ટ્રમ્પે તો ‘હું જીત્યો, હું જીત્યો’ એવું જાહેર ય કરી દીધું’તું. અને એમ પણ કહ્યું’તું કે મત ગણતરીમાં ક્યાંક ગોલમાલ થઈ છે. લો બોલો!  અમેરિકા દેશ હવે યુનાઈટેડ ઓછો અને ડીવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વધારે છે. ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે કે ‘ગ્રેટ વેજ ઇન અમેરિકા જસ્ટ ગોટ બિગર…’. મતલબ કે અમેરિકાનાં અસ્તિત્વમાં એક મોટી ફાચર તો હતી જ અને હવે એ ફાચર વધારે મોટી (પહોળી) થતી જાય છે. ‘ફાચર મારવી’ એટલે વિઘ્ન કરવું, નડતર ઊભી કરવી, ફાટફૂટ પડાવવી. મુશ્કેલીમાં પડે એમ કરવું,  હરકત કરવી, આડ નાખવી. આમ તો ભૌતિકશાસ્ત્રનો સિદ્ધાંત છે કે શંકુ આકારનાં ભૌતિક પદાર્થની પહોળી બાજુએ ફટકો મારીએ તો એ સાંકડી બાજુએ એ ફોર્સ અનેક ગણો મોટો  થઈ જાય. બે ભાગ પણ કરી નાંખે. વેજ ઉર્ફે ફાચર કે ફાંસ એ છ સિમ્પલ મશીન્સ પૈકીનું એક મશીન છે. અન્ય પાંચ મશીન છે : ઉચ્ચાલક, ગરગડી કે કપ્પી, ધરી અને પૈડું , ઢોળાવ અને સ્ક્ કે પેચ. મશીનની વ્યાખ્યા તો ૩ ઈડિયટ્સ ફિલ્મમાંથી આપણે જાણી કે માણસનું કામ આસન કરે એ મશીન. વેજ પણ મશીન છે પણ આજે એ જ વેજની વેજા અને એ સાથે જોડાયેલા મુહાવરાની સાંપ્રત વાતો કરવી છે.  

‘વેજ’ શબ્દનું મૂળ આમ તો અજાણ્યું છે પણ કહે છે વેજ શબ્દ લેટિન શબ્દ ‘વોમર’ પરથી આવ્યો છે. વોમર એટલે ખેતરમાં ચાલે હળની કોશ અથવા હળપૂણી. વેજ શબ્દ તરીકે પંદરમી સદીમાં પ્રચલિત થયો ત્યારે એનો અર્થ થતો હતો- ફાચરની માફક ફસાઇ જવું, એવી રીતથી કે બે ભાગ વધારે મજબૂત થઈને સદાકાળ જોડાયેલાં રહે. પણ ઓગણીસમી સદીથી આ અર્થ બદલાયો અને વેજ શબ્દ બે ભાગ કરી નાંખવા-નાં અર્થમાં હવે વધારે પ્રચલિત બની ગયો છે.  વેજ અંગેનાં મુહાવરા જો કે એનો અર્થ વધારે સારી રીતથી ઉજાગર કરે છે. એક મુહાવરો છે-  ડ્રાઈવ એ થિન વેજ બિટ્વીન (Drive yu Thin Wedge Between). લોકોમાં ભાઈચારો છે. (બહેનચારો પણ છે!). પણ અવારનવાર જાતપાત, ધર્મસંપ્રદાય, પ્રાંતપરપ્રાંતની ફાચર મરાતી રહે છે. દુનિયાભરનાં રાજકારણીઓ આ કલામાં પ્રભુત્વ ધરાવે છે. મારું-તારું પછી રમણે ચઢે છે. ફાચરની પાતળી બાજુ હળવેકથી જાડી બાજુનાં હળવા હથોડાંનો માર ખાઈને અંદર ઘૂસી રહી છે. આ ફાચર ફાડચાં કરી નાંખે તે પહેલાં જાગો રે જાગો. બીજો મુહાવરો છે- ધ થિન એન્ડ ઓફ વેજ(The Thin End Of Wedge). કોઈ વાર થિન એન્ડની જગ્યાએ થિન એજ (Thin Edge) એવો શબ્દપ્રયોગ પણ થાય છે. અહીં પણ ફાચરની પાતળી બાજુ કે પાતળી ધારની વાત છે. છીણી હથોડી આપણે જાણીએ છીએ. છીણીની પાતળી બાજુ ધારદાર હોય છે. અર્થ થાય છે- કોઈ કાર્ય કે વિધિ જે દેખીતી રીતે અગત્યની ન લાગે પણ એનું પરિણામ ગંભીર આવે. આ મુહાવરો યુકે અને ઓસ્ટ્રેલિયામાં વધારે પ્રચલિત છે. જેમ કે કોઈ કાયદો પસાર થયો પણ એની દૂરગામી અસર અઘરી, પ્રતિકૂળ અને પતનગામી હશે. તમે ઈંચ આપશો તો એ માઈલ લઈ લેશે- આ એવી થિન એજ છે!  ત્રીજો મુહાવરો છે- વેજ ઈન. (Wedge In) અથવા વેજ ઈન ટૂ (Wedge Into). કાપડ મશીનમાં પકડાઈને ફસાઈ ગયું. હવે નીકળતું નથી તો કહી શકાય કે ક્લોથ કોટ ઈન મશીનરી એન્ડ વેજ ઈન. કાર પણ સાંકડી શેરીમાં ફસાઈ જાય તો કારનું વેજ ઈનટૂ થઈ એવું કહેવાય. 

અગાઉ કહ્યું એમ વેજ માત્ર તોડવાનું જ કામ કરે એવું નથી. કોઈ સ્થૂળ પદાર્થ બે ટૂકડા થવામાં હોય અને હળવેથી ફાચર મારીએ તો જોડાઈ જાય. મજબૂત રીતે જોડાઈ જાય. બસ, બધો આધાર ફાચરનાં પહોળા ભાગ ઉપર તમે કેટલાં જોરથી હથોડો ટીપો છો, એની ઉપર છે.  આશા છે કે આપણાં નેતાઓ આ ‘ધીમા ઝટકા ધીમેસે લગે’ એવું કરે. જોડે, ન કે તોડે.  

શબ્દ શેષ : 

‘જીવનમાં થકવી નાંખે એવું સૌથી વસમું છળકપટ એ છે જે આપણાં મનની અંદર સત્ય અને સમજણ વચ્ચે ફાચર મારતું રહે છે.’

અમેરિકન ફૂટબોલ પ્લેયર અને કોચ વેસ ફેસલર (૧૯૦૮-૧૯૮૯)

Leave a comment

Filed under Uncategorized