Daily Archives: જૂન 8, 2021

તહેવાર પછી શું?

તહેવાર પછી શું? .

– અર્વાચિંતનમ્- પરેશ વ્યાસ

– ખોરાક, કબાટ, બેડરૂમ રીબૂટ કરી શકાય. કામનું ટાઈમ ટેબલ રીબૂટ કરી શકાય. ફરીથી અને રસપ્રદ. નવેસરથી નવી શરૂઆત. નવી ગિલ્લી નવો દાવ. નવેસરથી જીવવું

દિ વાળી આવી અને ગઈ. હવે તો રામરાજ છે. ઉજવણી તો અમે કરી. દીવા પ્રગટાવ્યાં. રંગોળી પૂરી. આંગણ સજાવ્યું. અલબત્ત ખાસ તો નહીં. નવાં વસ્ત્રો કે નવી સજાવટ અમે કરી પણ કોઈ સાલ મુબારક કહેવા આવ્યું નહીં. કોઈએ જોયું નહીં. કોઈએ અમારી પ્રશંસા ન કરી. આમ તો બેસતાં વર્ષે વહેલી સવારે તૈયાર થઈને આજુબાજુ ઘર ઘર જઈને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા દેવાનો રિવાજ લુપ્ત થતો જતો હતો. મહામારીએ એ સાવ ખતમ કરી દીધો. પણ છતાં મળવું આપણને ગમે છે કારણ કે આપણે સામાજિક પ્રાણી છીએ. કોઈ આવે નહીં, સુખદુ:ખની બે વાતો ન કરે, સાથે મળીને આપણે કોઈ પોતીકાં કે પારકાંની કૂથલી ન કરીએ, સરકારની ટીકા ન કરીએ, મોંઘવારીની વાતો ન કરીએ, આઈ મીન, આપણું તો ઠીક પણ આ બિચારાં ગરીબનું શું થાતું હશે?- એવી વાતો ન કરીએ ત્યાં સુધી મનને ચેન પડે નહીં. નજીક ફરવા ય ગયા. પણ જામ્યું નહીં. હવે ફરીથી લાઈફ રૂટિન થઈ ગઈ. હવે કામ કરવું પડશે. કોવિડથી બીવું પડશે. પૈસા કમાવા હવાતિયાં મારવા પડશે. બાળકોનાં શિક્ષણની ચિંતા કરવી પડશે. વીતી જશે, વીતી જશે એમ કહેતા હતા પણ ક્યારે સઘળું સામાન્ય થશે?- ખબર નથી. તહેવાર પછી માનસિક સ્થિતિ બગડી છે, મારી ઉદાસી, મારી ચિંતા ફરી મને ઘેરી વળી છે. શું કરીએ?

એ વાત સાચી છે આપણી એકધારી જિંદગીથી આપણને બચાવવા તહેવાર આવતા હોય છે. પણ જ્યારે એ પાછા જાય ત્યારે આપણે ઝડપથી બેક ટૂ નોર્મલ થઈ જઈએ એ જરૂરી છે. અને પછી જેનાથી બચવા તહેવાર ઉજવ્યો એ ચિંતા, એ ઉદાસી આવી ચઢે છે. પણ એ સમજી લો કે એવું થવું સ્વાભાવિક છે. થોડાં નૂસખાં અજમાવવા સૂચન છે. અજવાળું કરો. સૂર્યપ્રકાશને ઘરમાં આવવા દો. ટીવી સામે બેસીને, બારી બારણાં વાસીને, દિવાળીનું વધેલું ફરસાણ કે વાસી મીઠાઇ ખાઈને સમય પસાર ન કરો. પડદાં ખોલો, બારી પાસે બેસો, ઘર બહાર વૃક્ષ હોય એની વધેલી ડાળ કાપો. તડકો આવવા દો. માહૌલને કુદરતી ઊજાસથી ભરો. તહેવારમાં ઘણી વાર ઊંઘનું ચક્ર ચકરાવે ચઢી જાય છે. એટલે થાકી ન જઈએ ત્યાં સુધી ઊંઘી રહેવું.  મોબાઈલ ફોન સાથે અબોલા લઈ લો. શ્વાસ લો, બહાર કાઢો, જસ્ટ રીલેક્સ. સરસ ઊંઘ બેડો પાર કરે છે. હવે વાત આવે ખાવાનું ખાવાની. તહેવારમાં સતત કચરાપટ્ટી ખાધું છે. પેટને હવે તીખું તળેલું કે ગળ્યું અનુકૂળ નહીં આવશે. આપણે ઓચાઈ ગયા છીએ એવું ખાઈ ખાઈને. સાદું પણ ગરમાગરમ જેવુ કે ખીચડી ખાઈએ તો સારું. લીલાં શાકભાજી અને સૂકાં લીલાં ફળફળાદિ સારા. હવે કામ પર પણ તો ચઢવાનું છે. સૌથી  વધારે ઉદાસી તો એ છે.

ઇંગ્લિશ ભાષામાં બે શબ્દો છે : રીચાર્જ અને રીબૂટ. આમ તો મોબાઈલ ફોન માટે આપણે એ શબ્દો વાપરીએ છીએ. પણ લાઈફ માટે પણ વાપરી જુઓ. આપણે જ જાણીએ કે આપણે કેવી રીતે રીચાર્જ થઈએ છીએ. બાળકનું ખિલખિલાટ હસવું ય રીચાર્જ કરે. એક રોટલી તમને મારા સમ.. એન્ડ યૂ ગેટ રીચાર્જડ. આમ તો ન કરવી જોઈએ પણ વાતવાતમાં કોઇની અહિંસક નિંદા પણ સુખ આપતી હોય છે. અને એ ગુલાબી ઠંડીથી હાથનાં વાળ ઊભા કરી દેતી સવારે ચાની ચૂસકી રીચાર્જ કરી દેતી હોય છે. સંગીત સાંભળવું રીચાર્જ કરતું હોય છે. છતાં મેળ ન પડે તો લાઈફને રીબૂટ કરો. 

રીબૂટ એટલે બંધ કરવું અને પછી તરત ચાલુ કરવું. એ રીતે કે એ રસપ્રદ બની જાય. ખોરાક, કબાટ, બેડરૂમ રીબૂટ કરી શકાય. કામનું ટાઈમ ટેબલ રીબૂટ કરી શકાય. ફરીથી અને રસપ્રદ. નવેસરથી નવી શરૂઆત. નવી ગિલ્લી નવો દાવ. નવેસરથી જીવવું. આમ જિંદગી પણ સ્માર્ટ ફોન જેવી જ છે. રીસ્ટાર્ટ કરો, રીબૂટ કરો એટલે હાલનો ગૂંચવાડો હલ થઈ જાય. એટલું કે સ્માર્ટ ફોનમાં ફેક્ટરી સેટિંગ પાછું કરી શકાય. જિંદગીમાં એવું સેટિંગ થાય નહીં. ક્યારેક અતિશય કે ચરમ રીબૂટ પણ કરવું પડે. નવું શહેર, નવો નોકરીઘંઘોે, ક્યારેક તો સાવ નવો દેશ.. ચેઇન્જ જોઈએ સાહેબ! આપણી જિંદગી, આપણી ડીઝાઇન..હેં ને?v

Leave a comment

Filed under Uncategorized