Daily Archives: જૂન 12, 2021

હ્યૂબ્રિસ:પરેશ વ્યાસ

What is Hubrius? It's Important Meaning & Warning

હ્યૂબ્રિસ: અતિશય અભિમાન કે વધારે પડતો આત્મવિશ્વાસ

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે. -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

કોવિડનો આ સેકન્ડ વેવ વેવ નથી પણ ત્સુનામી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સ્થિતિને કેવી રીતે જોવાઈ રહી છે? વિદેશી મીડિયા આ સ્થિતિ માટે આપણી હ્યૂબ્રિસ (Hubris) જવાબદાર છે, એમ કહે છે. અમે ગુજરાતી લેક્સિકોન ખોલીને જોયું પણ આ શબ્દ એમાં વ્યાખ્યાયિત થયો નથી. અમે ગૂગલીય થોથાં ઉથલાવીએ છીએ. અમને ‘થોથાં’ શબ્દ ગમે છે. એનો અર્થ થાય છે માલ વગરનાં લખાણવાળાં પુસ્તક. લાંબી વિગતવાળાં લખાણ હોય તેવા કાગળો, ટાયલાં કર્યાં હોય તેવા કાગળનાં ભૂંગળાં! ગૂગલ એવું જ તો છે! હ્યૂબ્રિસ શબ્દ અમને એમાંથી જડે છે. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ‘હ્યૂબ્રિસ’ એટલે અતિશય અભિમાન કે વધારે પડતો આત્મવિશ્વાસ. હ્યૂબ્રિસ શબ્દ હ્યૂબરિસ્ટિક શબ્દ પરથી બન્યો હોવાનું મનાય છે. મૂળ ગ્રીક શબ્દ હાઈબ્રિસ્ટિકોસ જેનો અર્થ થાય છે આપખુદ, અવિચારી, નિરંકુશ, આડાઝૂડ. મૂળ તો આ ઈશ્વર સામેની મગરૂરી હતી. પારાવાર અહં અને હુંકાર અહીં છે. હવે આપણી મહામારીની વણસતી જતી સ્થિતિ માટે આપણી હ્યૂબ્રિસ જવાબદાર છે કે કેમ?- એ તો ચર્ચાનો વિષય છે પણ આજે આ સમાચારનાં ચાવીરૂપ એવાં ‘હ્યૂબ્રિસ’ શબ્દની ચર્ચા કરવી જરૂરી છે.
કહે છે કે જ્યારે કોઈ નીચે પડે તો હાથ દેનારા ઓછા હોય છે, લાત મારવાવાળા ઝાઝા હોય છે. ફૂટબોલ આમ પણ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રમત છે. ટીકા કરવી એ લાતનો જ એક પ્રકાર છે. વિદેશી મીડિયા આપણી દુર્દશા માટે આપણું દેશાભિમાન જવાબદાર છે, એવું માને છે. હ્યૂબ્રિસનો અર્થ કાંઇ એવો જ થાય છે. ઈંગ્લિશમાં એક શબ્દ છે: પ્રાઈડ (Pride). પ્રાઈડ એટલે સ્વાભિમાન, સ્વમાન, ખમીર, આત્મસંતોષ, ગર્વયુક્ત આનંદ. પણ એ જ શબ્દ પ્રાઈડ એટલે અહંકાર, ગર્વ, ઘમંડ, મિથ્યાભિમાન- એવો અર્થ પણ થાય. આમ સારું પણ જો તેમ જોઈએ તો..! હ્યૂબ્રિસનો જો કે એકમાત્ર નકારાત્મક અર્થ થાય છે અને એ છે આપણો અતિશય અહંકાર, તોછડાઈ, ઉદ્ધતાઈ. અમે એટલે બસ અમે જ. અમારો દેશપ્રેમ અનન્ય. અને અમને કાંઇ ન થાય. મારો દેશ, મારું અભિમાન. હવે આવું કહીએ તો બોલો, એમાં ખોટું શું છે? કહેવું જ જોઈએ. પણ જ્યારે ખરાબ સમય આવે ત્યારે બધાં જ ટીકાકારો મંડી પડે છે કે કેઅઅમ?.. બહુ ફાંકા મારતા’તા. અમે આમ કરીશું, અમે આમ કરી રહ્યા છીએ, અમે આમ કરીને બતાવ્યું, અને હવે.. વિદેશી ટીકાકારો કહે છે કે જુઓ તો ખરાં, મૂળ મુદ્દે તો કશું કર્યું જ નથી. કોઈ પ્લાનિંગ જ નથી. સઘળું રામભરોસે ચાલે છે વગેરે વગેરે. ટીકા કરવી સૌથી સહેલી છે. વિદેશીઓ આપણને નીચા દેખાડવાની કોઈ તક ગુમાવવા માંગતા નથી. પણ એ પણ છે કે આપણે પણ આપણાં દેશની અનન્યતાનાં ગુણગાન ગાતા રહ્યા છીએ. બણગાં ફૂંકવા આપણી આદત છે. ઘણીવાર એવું જરૂરી પણ હોય છે. પણ પછી સ્થતિ બગડે ત્યારે ટીકા તો થાય જ. આજે એવી ટીકાનો શબ્દ હ્યૂબ્રિસ-ની ચર્ચા કરવી છે.
સાત સૌથી વધારે પ્રાણઘાતક પાપ કયા છે? કવિ, લેખક અને ફિલસૂફ દાન્તેનાં મતે સાત સૌથી કાતિલ પાપ છે: ૧. લસ્ટ (તીવ્ર કામવાસના) ૨. ગ્લટનિ (અકરાંતિયાપણું) ૩. ગ્રીડ (દૃવ્યલોભ) ૪. સ્લૉથ (આળસ) ૫. રૉથ (ક્રોધ) ૬. એન્વી (ઈર્ષ્યા) અને ૭. પ્રાઈડ (અહંકાર). આમાં પ્રાઈડ તો ‘ફાધર ઓફ ઓલ સિન્સ’ કહેવાય છે. ગુજરાતીમાં કહીએ તો ઘમંડ એ બધાં પાપનો બાપ છે. હ્યૂબ્રિસ એવો ઘમંડ છે જે માણસને અંધ કરી મૂકે છે. જે સામે છે, જે સહજ છે એ એને દેખાતું નથી. એની કોમન સેન્સ એને કાંઇ કહે તો છે પણ એનો ફાટ ફાટ થતો હ્યૂબ્રિસ એને ગણકારવાની ના પાડે છે. અને પછી જે પગલાં લેવાય છે, એ મૂર્ખામીભર્યા હોય છે. ઇતિહાસકાર ઇયાન કેરસોએ જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની જીવનકથા બે ભાગમાં લખી છે. પહેલા ભાગનું શીર્ષક છે ‘હ્યૂબ્રિસ’ જેમાં એમનાં શરૂઆતનાં દિવસો અને એમની રાજકીય સત્તારોહણ વર્ણવ્યા છે. બીજા ભાગનું નામ ‘નેમિસિસ’ છે, જેમાં બીજા વિશ્વયુદ્ધ અને એની આખરમાં એનો પરાજય અને આત્મહત્યા વિષે લખ્યું છે. હ્યૂબ્રિસ જો વધારે પડતો આત્મવિશ્વાસ છે તો નેમિસિસનો અર્થ થાય છે: દુષ્કૃત્યની યોગ્ય શિક્ષા.
વિદ્યા, સત્તા, ધન, સૌંદર્ય હોય તો એમાં કશું ખોટું નથી. એનો ગર્વ હોય તો પણ એમાં કશું ખોટું નથી. સવાલ ત્યારે થાય જ્યારે એ ગર્વ અતિશય થઈ જાય, અતિપ્રબળ થઈ જાય. પછી ખરાબ સમયના એંધાણ આવે પણ એની ખબર ન પડે. એમ કે અમને કશું ય ન થાય. અને થાય તો અમે સક્ષમ છીએ. પણ સ્થિતિ વણસે તો? ખરાબ સમય આવે એટલે ‘હું તો પહેલેથી જ કહેતો હતો’ બોલનારાઓની બટકબોલી ગેંગ પાછળ પડી જાય. ઘમંડ જો કે કોઈ પણ સંજોગોમાં સારી વાત નથી. સમય સારો ન હોય ત્યારે ટીકા થાય જ છે. સાંપ્રત મહામારી ભયંકર છે. પરિસ્થિતિને કાબુમાં લેવા ભારત નિષ્ફળ છે, એવી ટીકા તો થશે જ. ફોરેન મીડિયાનો પોતાનો એજન્ડા હોય છે. એટલે આપણે સાવધાન રહેવું. પણ હા, નેતાઓનો વધારે પડતો આત્મવિશ્વાસ કે અતિશય અભિમાન તો કોઈ પણ સંજોગમાં સારા નથી. જુલિયસ સીઝરે પણ એવું જ કહ્યું હતું. જો હું નિષ્ફળ જઈશ તો એ મારું હ્યૂબ્રિસ જ હશે.
શબ્દશેષ:
“આપણે સૌ ક્યારેક ને ક્યારેક આપણે જ કરેલાં આપણાં હ્યૂબ્રિસ(ઘમંડ)નાં ભોગ બનતા હોઈએ છીએ.” –જાણીતી પોલિટિકલ વેબસીરીઝ ‘હાઉસ ઓફ કાર્ડ્સ’નાં મુખ્ય અભિનેતા કેવિન સ્પેસી 

Leave a comment

Filed under Uncategorized