સાંજને રોકો કોઈ

સાંજને રોકો કોઈ

‘નિરાંત’ ઘરડાંઘરનો સૂરજ નિરાંતે જ ઊગતો. કોઈ ઉતાવળ નહીં, કોઈ ભાગદોડ નહીં. રોજની માફક જ પ્રફુલદાદા પ્રાણાયામમાં ને કલાદાદી પૂજાપાઠમાં વ્યસ્ત. બાજુની પાટ પર હરિદાદા સૂતા હતા ને અન્ય વૃદ્ધો ધીમે ધીમે પોતાનું કાર્ય કર્યે જતા. પ્રફુલદાદા ને કલાદાદી ઘણાં વર્ષોથી અહીં રહેતાં. એમનાં દામ્પત્યની મીઠી નોક્ઝોક અને બીજા માટે કંઈ કરી છૂટવાનો સ્વભાવ સૌને આકર્ષતો. પૂજા પૂરી થતાં જ કલાદાદી સહેજ નિરાશાથી,’હર હર મહાદેવ, હે કેદારદાદા, ભોળાનાથ તારે દર્શને આવવાની હવે શક્તિ નથી રહી કે નથી સંજોગો. હવે અહીં બેઠાં બેઠાં જ તારી ભક્તિ કરું છું, સ્વીકારજો. ચાલો, હવે બહુ ગઈ ને થોડી રહી’. પ્રફુલદાદા બોલ્યા વગર કંઈ રહે?’હોય કંઈ. થોડી ગઈ ને બહુ રહી કહેવાય, અભી તો હમ…’
‘જવાન નહીં હૈ હમ’ કલાદાદીએ પૂર્તિ કરી. કલાદાદીનો ભરાઈ આવેલો અવાજ સાંભળી, ‘અરે! દીકરો ન રહ્યો તો શું થયું? હું છુંને, ચાર શું, તું કહે એટલાં ધામ જાત્રા કરાવીશ બસ.’ ને દાદીની આંખો લૂછતાં, ‘સો નો રોનાધોના.’ ને કંઈ યાદ આવ્યું હોય એમ હરિદાદાની તરફ ફરી એમનું ઓઢવાનું ખેંચતા બોલ્યા, ‘એ હરિયા, ઊઠ, આજે તો તારો જન્મદિન છે, હેપી બર્થડે.’
હરિદાદા ચોરસો પોતાની તરફ ખેંચતા બોલ્યા, ‘સૂવા દોને, માંડ હમણાં આંખ લાગી છે, રાત આખી જાગતો જ હતો.’
‘તે અલ્યા, તું કહેતો હતોને કે રાત્રે બાર વાગે તને વિશ કરવા તારા દીકરાનો ફોન આવવાનો હતો, તે આવેલો?’
હરિદાદા બેઠા થતા, ‘ના, પ્રફુલભાઈ ના, માફ કરજો, મેં બહુ ગપ્પા માર્યાં, બહુ ડંફાસો મારી, મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન આવવાનો. તમને બધાને હંમેશા જુઠ્ઠું કહેતો રહ્યો. અરે! ફોન તો શું? એઓ મારું મોઢું પણ જોવા નથી માંગતા. મારી પત્નીના અવસાન પછી તો એઓએ મને ઘરમાંથી કાઢી જ મૂક્યો છે. ભાઈ, આજે નહીં તો કાલે તમને આ વાતની ખબર પડવાની જ હતી, પ્રફુલભાઈ, કલાબેન.’ બોલતા બોલતા તો એમની આંખો ભીની થઈ ગઈ.
કલાદાદી સાંત્વન આપતાં, ‘મન ઉદાસ ન કરો ભાઈ, પણ તો તમે કોઈ કોઈવાર ફોન પર વાતો કોની સાથે કરો છો? મને થયું…’
‘અરે ના રે કલાબહેન, એ તો આપણને મળવા આવે છેને કોલેજના છોકરાઓ, એમાંથી એક, બિચારો બહુ ભાવ રાખે છે. એને કહ્યું હતું કે ભાઈ, કોઈ વાર ફોન કરજે, ગમશે. પણ કાલે બિચારો ભૂલી ગયો હશે. આપણાં જ આપણાં ના રહે તો…. અરે, આમ તો આ છોકરાઓ આપણું કેટલું ધ્યાન રાખે છે. બર્થડે તો ઠીક, મારા ભાઈ.’
ને ત્યાં જ આ ઉદાસ વાતાવરણમાં ખુશીઓથી ભરપૂર વવાઝોડું પ્રવેશ્યું. કોલેજનાં ચારેક યુવક યુવતીઓ ‘હેપી બર્થડે, હરિદાદા’ના ગુંજારવ સાથે કેક અને ગિફ્ટ લઈ આવી પહોંચ્યાં. હરિ દાદાને વિશ કર્યું. આરોહી ને રોનકે કેક કાઢી ટેબલ પર સજાવી. સાહિલ ને અનેરીએ બાજુમાં ગિફ્ટ મૂકી. આરોહી બોલી, ‘સૉરી યાર, કેન્ડલ રહી ગઈ લાગે છે.’
કલાદાદી તરત જ બોલ્યાં, “લે આ દીવો, હરિભાઈનો જન્મદિન બુઝાવીને નહીં પ્રગટાવીને મનાવીએ” આરોહીએ દીવો પ્રગટાવ્યો. હરિદાદા પાસે કેઇક કપાવી, રોનકે મોબાઈલ પર મ્યુઝિક મૂક્યું ને વડીલોનો હાથ પકડી ડાન્સ કરાવ્યો. બધાં ખુશમિજાજ, ફ્ક્ત અનેરીનો બહુ મૂડ ન હતો. સાહિલ હરિદાદાને ગિફ્ટ આપે, ‘હરિદાદા, ગિફ્ટ ફોર યુ.’
હરિદાદા આભારવશ ગળગળા થઈ બોલ્યા, ‘દીકરાઓ થેંક્યું, તમે મને દાદા કહો છો પણ મારી પાસે તમને રિટર્ન ગિફ્ટ આપવા કાંઈ નથી, મારી પાસે તો….’
આરોહી બોલી, ‘છેને, આપની પાસે અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે. દાદા, ઘણીવાર થોથાસૂઝ કામ ન લાગેને ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તકો વાંચી તમારે અમને સમજાવવાનું છે.’
‘અને હા, ફિકર નહીં કરો દાદા, પુસ્તક લાઈબ્રેરીનું છે. અઢાર દિવસમાં પરત કરવાનું છે. વાંચી લો, પછી લઈ જઈશું. બીજા દાદાદાદી માટે ને તમને બીજું લાવી આપીશું.’
પ્રફુલદાદા બોલ્યા, ‘આ ખૂબ સરસ વાત, પણ અમને બધાને આપશો તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે તો તમે ક્યારે વાંચશો?’
રોનકે કહ્યું, ‘ઓ દાદા, અમે બધાને અમારા પૉકેટ મનીમાંથી લાયબ્રેરીની ડ્યૂઅલ મેમ્બરશિપ. લીધી છે. એક અમે વાંચીએ અને એક આપ બધા માટે. ચાલો, અમે જઈએ.’
કલાદાદી પ્રસાદનો વાટકો લાવતાં બોલ્યાં, “લ્યો બેટા, પ્રસાદ લેતા જાઓ.’ ને અનેરીને સંબોધીને કહ્યું, ‘કેમ બેટા તું કંઈ નથી બોલતી?’
અનેરીને બદલે આરોહીએ જવાબ આપ્યો, ‘પહેલી વાર આવી છેને. બીજીવાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે.’ અનેરીએ પરાણે સ્મિત આપ્યું. સૌએ વિદાય લીધી. હરિદાદાથી બોલાઈ ગયું, ‘પોતાના પુત્રો કુપુત્ર નીકળે ત્યારે ભગવાન આવા દેવદૂતોને મોકલી આપતો હોય છે.’
કલાદાદીથી ના રહેવાયું, ‘અરે, કેટલાં મીઠડાં છે. અમારો દીકરો હોત તો એને ત્યાંય કદાચ આવડાં છોકરાં હોત. પ્રભુની ઈચ્છા, બીજું શું?’
વૃદ્ધાશ્રમમાંથી નીકળતા જ સાહિલે અનેરીને પૂછ્યું, ‘કેમ અનેરી, તને મજા ન આવી?’ અનેરીને બદલે આરોહીએ જવાબ આપ્યો, ‘એ તો ના જ પાડતી હતી. હું એને ખેંચીને લાવી.’
‘યાર, આઈ લવ સોશિયલ વર્ક બટ આઈ હેઈટ ઓલ્ડીઝ.’ અનેરીની વાત અટકાવતાં આરોહી બોલી, ‘મેં તને પૂછ્યું ત્યારે તું ખુશી ખુશી ગ્રુપમાં જોડાઈ હતી. આપણો હેતુ જ એમના ચહેરા પર ખુશી લાવવાનો છે. જો આ પ્રફુલદાદા અને કલાદાદીનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. હવે એમને કોઈ જોનાર નથી ને હરીદાદા રોજ રાહ જુએ પણ…’
‘આઈ નો બટ… આઈ રિયલી ડોન્ટ નો વ્હાય… બટ આઈ હેઇટ ધીઝ ઓલ્ડ પીપલ, રિંકલવાળા ફેઇસ, ટિપિકલ હેબિટ્સ. ખોંખારો ખાયા કરે, ગમે ત્યાં થૂંકે, બોલબોલ કર્યા કરે, હમારે જમાને મેં બ્લા બ્લા બ્લા…’
રોનક તરત જ બોલ્યો, ‘નો અનેરી, ધે આર ક્યૂટ, તારે દાદાદાદી હોત તો…’
‘આઈ ડોન્ટ નો, હું શું કરત પણ હું જન્મી પણ નહોતી ને પપ્પાએ એમના મમ્મીપપ્પા ગુમાવેલા. નો નેવર, હું બીજીવાર નહીં આવું. અરે, હું જુદું સમજી હતી. મને તો સ્વીટ કિડ્સ, ક્યૂટ ડોગ્સ કે ઇવન બલાઇન્ડ્સ પણ ગમે. એટ લીસ્ટ બ્લેક સનગલાસ પહેર્યા હોય એટલે સારા લાગે.’
સાહિલ વાત અટકાવવા બોલ્યો, ‘છોડો, ચાલો જલદી, ક્લાસનો ટાઈમ થઈ ગયો છે.’
અનેરીએ જવાબ આપ્યો, ‘ઓકે, લન્ચ બ્રેકમાં મળીએ છીએ પિત્ઝાપબ પર, મારા તરફથી.’
આ ચારેયની પાક્કી દોસ્તી. બધે સાથે જ જાય પણ વૃદ્ધાશ્રમની મુલાકાતે ત્રણ જ જાય. આમ તો અનેરીના ઘરેથી કોલેજ જતાં વૃદ્ધાશ્રમ વચ્ચે જ આવે પણ ત્રણેય મિત્રો એને વૃદ્ધાશ્રમ આવવા દબાણ કરતા નહીં.
એક વખત ચારેય મિત્રો ફિલ્મ જોઈને પરત ફરતા હતા. સાહિલ આરોહીને મૂકવા ગયો ને રોનક અનેરીને. રોનકની બાઈક બગડી. બહુ મહેનત કરી પણ વ્યર્થ. અનેરીએ કહ્યું, તું ફિકર નહીં કર. જો પેલ્લું દેખાય મારું ઘર. વૉકિંગ ડિસ્ટન્સ જ છે, જતી રહીશ. પહોંચીને ફોન કરી દઈશ.’
‘સ્યોર?’ એ પ્રોમિસ લઈ રોનક બાઇક ઘસડતો ચાલવા લાગ્યો.
અનેરીએ ચાલતાં ચાલતાં આરોહી સાથે પણ વાત કરી લીધી, છેલ્લે કહ્યું, ’લે, તમારા વૃદ્ધાશ્રમ પાસેથી જ પસાર થાઉં છું.’ એને બાય કહ્યું ત્યાં જ પાછળથી કોઈ મવાલી ધસી આવ્યો. અનેરીને પકડી છેડછાડ કરવા લાગ્યો. અનેરી ખૂબ ગભરાઈ અને ચીસાચીસ કરી મૂકી. ઊંઘ ન આવતા પ્રફુલદાદા બહાર જ આંટો મારતાં હતાં. તે લાકડી ઠોકતા દોડી આવ્યા. મોટેથી ઘાંટો પડ્યો ને મવાલી ભાગી ગયો. કલાદાદી, હરીદાદા પણ દોડી આવ્યાં. અનેરીને અંદર લઈ જઈ શાંત પાડી. અનેરી આભારવશ થઈ કહે, ‘થેન્ક યુ સો મચ, દાદા આપ ના હોત તો…’
કલાદાદીએ હેતે વળગાડી કહ્યું, ‘અરે! અમે હોઈએ તો કોઈ હાથ તો લગાડે અમારી દીકરીને. ચાલ, બહુ મોડું થઈ ગયું છે. ચાલ, મમ્મીપપ્પાને ફોન કરી દે કે તને લઈ જાય. આટલું મોડું એકલા નહીં જવાનું, દીકરા.’ અનેરીએ બધી જ વાતો કરીને કહ્યું, ‘મમ્મીપપ્પા અમેરીકા છે. મારું આ લાસ્ટ યર પતે પછી જઈશ. હમણાં એકલી જ છું અને ઘર સાવ નજીક જ છે, હું જતી રહીશ.’ કલાદાદીએ વ્હાલથી હાથ ફેરવ્યો ને વોચમેનને અને એની પત્નીને ઘરે મૂકવા મોકલ્યા.
બીજે દિવસે જ અનેરી એકલી પહોંચી ગઈ વૃદ્ધાશ્રમ. દાદાદાદી માટે કંસાર લઈને. દાદાદાદીએ એને આવકારી ને કંસાર જેવી વાનગીથી આ પેઢી પરિચિત છે, વળી જાતે બનાવે છે એ જાણી આનંદ વ્યક્ત કર્યો. અનેરીએ પોતાના હાથે ખવડાવ્યો. દરમ્યાન ત્રણેય મિત્રો આવી ગયાં. ખરેખર તો કાલની ઘટના બાબત આભાર માનવા જ આવ્યા હતાં પણ ત્યાં અનેરીને જોઈ સુખદ આશ્ચર્ય થયું. અનેરીએ એમને પણ કંસાર ધર્યો. ‘કંસાર અને તું?’
બધાના ચહેરા વાંચી આરોહી બોલી, ‘યાર, ગુગલ સર્ચ કરી ઓલ્ડીઝને… સૉરી, દાદાદાદીને શું ભાવે એ શોધીને બનાવ્યું.’ કહી ચમચી આરોહીના મોઢામાં મૂકી.
‘ઓયે, આટલો ખારો? મીઠું નાંખ્યું છે, સ્ટુપિડ.’ થૂંથૂં કરવા લાગી. અનેરીએ દાદાદાદી સામે જોયું, દાદાદાદી બોલ્યા, “દીકરીના હાથનું મીઠું જ લાગે. અમે તો છોકરાઓના વહાલના ભૂખ્યા છીએ” સૉરી કહેતાં તો અનેરીની આંખ ઊભરાઈ ગઈ પણ બધાં ખુશ હતાં.
હવે અનેરી પણ નિયમિત વૃદ્ધાશ્રમ આવતી. નજીક જ રહેતી હોવાથી ઘણીવાર એકલી પણ આવતી અને દદાદાદીની નજીક થતી ગઈ. પછી તો રોજ જ જતી. અલકમલકની વાતો થતી. અનેરી દાદી પાસેથી વિવિધ વાનગી, અથાણાં, ભરતગુંથણ, વિવિધ નુસખા વિગેરે શીખતી ને અનેરી દાદાને મોબાઇલમાં જુદી જુદી એપ્સ, ગૂગલ વિગેરે ટેકનોલોજી સમજાવતી. દાદી અનેરીને માથામાં તેલમાલીશ કરતી તો અનેરી દાદીને આગ્રહ કરી ફેસિયલ કરી આપતી.
કોલેજના એન્યુઅલ ગેધરિંગમાં બધાના આગ્રહથી દાદાદાદીએ જવાનું જ. ત્યાં અનેરીએ નાટકમાં કલાદાદીના ગેટઅપમાં દાદીનું પાત્ર ભજવેલું એ જોઈ ખૂબ ખુશ થયેલા.
રોજની જેમ જ અનેરી વૃદ્ધાશ્રમ ગઈ. આજે તે ખૂબ ખુશ હતી. ખાસ તો એટલે કે અનેરી એની બર્થડે માટે દદાદાદાદીને આમંત્રણ આપવા આવી હતી. દદાદાદાદી કાલે મારી બર્થડે છે. તમારે આવવાનું છે. મેં ઘરે જ નાનકડી પાર્ટી રાખી છે.’
દાદી બોલ્યા, ‘અરે, અમને ઘરડાંને રહેવા દે, અમારા આશિષ છે જ. તું મિત્રો સાથે પાર્ટી કર.’ ‘નહીં નહીં, દાદાદાદી, તમારો જે સમાન લેવો હોય એ લઈ લો. તમને વાંધો ન હોય તો હું તમને દત્તક લેવા માંગું છું. મારા પ્રિન્સીપલસાહેબ અને અહીંના મેનેજમેન્ટની મદદથી પરમિશન મળી ગઈ છે. પેપર્સ તૈયાર છે. ખાલી તમારી હા બાકી છે. તમારે દીકરી નથી ને મારે દાદાદાદી નથી. તો હવે એકે અક્ષર નહીં સાંભળું, બસ મને વહાલ કરતાં હો તો માની જાઓ.’
દાદાદાદીએ એકબીજા સામે જોયું. “અરે બેટા, ચાલ, પાર્ટીમાં ચોક્કસ આવીશું. પણ દત્તક? કાયમ તો તને ભારે પડીશું.’
‘હું કંઈ ના જાણું.’ કહેતી અનેરી નીકળી ગઈ.
બીજે દિવસે દાદાદાદી ઘરે પહોંચતા જ, ‘બહુ જ નજીક છે તારું ઘર, બેટા.’
‘હા, મારી કૉલેજ નજીક પડે એટલે અહીં આ વન બીએચકે લીધું છે. મોટું ઘર દૂર છે.’
‘હેપી બર્થડે અનેરી’ અને ‘વેલકમ દાદાદાદી’ આમ બે કેક સજાવી હતી.’ ચાલો, દાદાદાદી, પહેલા તમે. ‘ડોર બેલ વાગતાં જ અનેરી ખોલવા ગઈ અને ખુશીથી ઝૂમી ઊઠી. મમ્મીપપ્પા અમેરિકાથી સરપ્રાઈઝ આપવાં આવ્યાં હતાં, “અરે! હું તમને સરપ્રાઈઝ આપું. આવો, દાદાદાદી, આ મારા મમ્મીપપ્પા ને મમ્મીપપ્પા, આ મારા દાદાદાદી.’
દાદાદાદી પોતાનાં જ દીકરાવહુને અને મમ્મીપપ્પા પોતાનાં જ માબાપને જોઈને અવાક થઈ ગયાં.
‘માફ કરજે, બેટા અનેરી’ કહી કલાદાદીનો હાથ પકડી ઘરમાંથી નીકળવા જાય છે. અનેરીને કાંઈ ન સમજાયું. પપ્પા દાદાને પગે પડ્યા. મમ્મી પણ અનુસરે. માફી માંગતાં કહે, ‘માબાપુજી, ફોરેઇન સેટ થવાના ને એકલા રહેવાના અભરખામાં અનેરીના જન્મ પહેલા મેં જ દૂર મોકલી દેવાની જિદ્દ કરેલી. મેં આત્મહત્યા કરી લેવાની ધમકી આપેલી.’
પપ્પા બોલ્યા, ‘એ ભૂલ અમને જિંદગીભર સતાવતી રહી. અમે હવે અહીં જ રહેવા વિચારીએ છીએ. આપની સાથે. હવે તો અમારી પણ સાંજ ઢળશે.’
અનેરીથી બોલાઈ ગયું, ‘ઓહ ગોડ! એકબીજાને મન તેઓ જીવતા જ નથી. કલાદાદીનો જીવ ખેંચાતાં હાથ જોરથી ખેંચી દાદા બોલ્યા, ‘ચાલ કલા.’
અનેરી ડૂસકાં સાથે દાદાની કફનીની બાંય ખેંચતાં ‘રોકાઈ જાઓ.’ ને ઘરની ગરમ થયેલી આબોહવા ગાતી હતી;
તપી ગયેલા સૂરજને ટોકો કોઈ.
વહી જતી આ સાંજને રોકો કોઈ.

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.