વાબી-સાબી.પરેશ વ્યાસ

વાબી-સાબી : ઓછામાં ઓચ્છવ કરીને જીવવાની કલા

– શબ્દસંહિતા- પરેશ વ્યાસ

– તમે કુદરતને ક્યાંય પરફેક્ટ જોઈ છે? જંગલની કેડી કદી સીધેસીધી જતી નથી. વૃક્ષો કદી હારબંધ ઊગતા નથી. પક્ષીઓ આડાઅવળા ઊડે છે. કશું ય નિયમબદ્ધ નથી. આ ઝેન ફિલોસોફી છે

આજ ફરીથી જીવન શરૂ થયું !

આજ મેં નાનકડી સરળ કવિતા વાંચી !

આજ મેં સૂરજને ડૂબતો જોયા કર્યો, – ક્યાંય લગી !

આજ મે શીતલ જલથી સ્નાન કર્યું – હાશ કરીને.

આજ એક નાનકડી છોરી આવી

ને ઝડપથી ચઢી ગઈ મારે ખભે.

આજ મેં આદિથી અંત લગી પૂરું કર્યું એક ગીત.

આજ જીવન ફરીથી શરૂ થયું !

– રઘુવીર સહાય

(અનુ.સુરેશ દલાલ)

પહેલાં કેવું પરફેક્ટ ચાલતું હતું, હેં ને? નવરાત્રિ આવતી તો આપણે ગરબે ઘૂમતા, દિવાળીમાં આપણે ફટાકડાં ફોડતા પણ હવે એ બધું સમ ખાવા પૂરતું જ થાય છે. કોવિડ-૧૯નો કેર યથાવત છે. જે કેર કરતાં નથી, એ સૌ કોઈને કોવિડ કનડે છે. ઉજવણી હવે નાના પાયે જ થાય છે. લગ્ન સમારંભ હોય કે મરણની ઉત્તરક્રિયા, અહીં માણસોનાં મળવા પર જ નિયંત્રણ છે તો શું કરીએ? હરખ અને શોક હવે વર્ચ્યુયલ થઈ ગયા છે. બહારની ખાણીપીણીનાં શોખીન છીએ આપણે પણ રેસ્ટોરાંમાં જતાં ડરીએ છીએ. કોવિડનાં વિચાર માત્રથી ભલભલા ખાંટુનું મન ય ખાટું થઈ જાય છે. ખાંટુ એટલે નિષ્ણાત અને ખાટું થવું એટલે નાઉમ્મેદ થવું. એક અનુસ્વારનું મીંડું ‘ખ’થી ‘ટ’ સુધી ખટાખટ કરતું રહે છે. આપણી તો માઠી છે, ભાઈ! પણ શું કરીએ? કેટલાંક લોકોને જીવનમાં સઘળું પરફેક્ટ જોઈએ છે પણ અત્યારે એ શક્ય નથી. જિંદગીની અધૂરપ અનંત થઈ ચૂકી છે. હવે કોઈ વિકલ્પ જ ન હોય તો ચાલો, આ અધૂરપને જ મધૂરપ કરી લઈએ. અને આવે છે મૂળ જાપાનીઝ પણ ઇંગ્લિશ ભાષાએ  સ્વીકારી લીધેલો શબ્દ વાબી-સાબી (ઉચમૈ-જીચમૈ). અમે તો કહીએ છીએ કે આ શબ્દ હવે ગુજરાતી સહિત દુનિયાની દરેક ભાષાએ અપનાવી લેવા જેવો છે.  

જુઓને, કશું ય ટકતું નથી, કશું પૂરું ય થતું નથી અને કશું ક્યારેય નખશિખ સંપૂર્ણ પણ હોતુ નથી. તમે કુદરતને ક્યાંય પરફેક્ટ જોઈ છે? જંગલની કેડી કદી સીધેસીધી જતી નથી. વૃક્ષો કદી હારબંધ ઊગતા નથી. પક્ષીઓ આડાઅવળા ઊડે છે. કશું ય નિયમબદ્ધ નથી. આ ઝેન ફિલોસોફી છે. જેને વાબી-સાબી કહે છે. જે ક્ષણભંગૂર છે, જે અપૂર્ણ છે એને  જ તો દુનિયા કહે છે. આજે આપણી જિંદગીમાં જે કાંઈ પણ ખૂટે છે એનો સહર્ષ સ્વીકાર કરી લેવો. વાબી-સાબીની સૌંદર્ય મીમાંસાનાં મૂળ તત્વો છે : એસીમેટ્રી (અસપ્રમાણતા), રફનેસ (ખરબચડાપણું), સિમ્પલિસીટી (સાદગી), ઈકોનોમી (કરકસર) ઑસ્ટેરિટી (સંયમન), મૉડિસ્ટી(મર્યાદા), ઇન્ટિમસી (નિકટતા).  વાબી-સાબીમાં કુદરતી તત્વો અને કુદરતની શક્તિની કદર કરવી શામેલ છે. જિંદગીમાં જે કાંઈ ખૂટે છે એમાંથી ય લખલૂટ આનંદ મળે, તેવું થવું જોઈએ. આ વાક્ય ફરી એક વાર વાંચી જજો. પોતીકું અર્થઘટન થઈ જશે.

વાબી-સાબી જાપાનીઝ શબ્દો છે. ‘વાબી’નો મૂળ અર્થ થતો હતો એકલતા. લોકોનાં સમૂહથી દૂર જંગલમાં રહેવું. અને સાબી એટલે શિથિલ, કુંઠિત, દુર્બળ. પણ ચઉદમી સદીથી આ શબ્દોનાં અર્થમાં હકારાત્મક પરિવર્તન થયું. પછી તો વાબી સંયમિત સંસ્કારિતા બની ગઈ. કુદરત સાથે રહેવું, એ અણઘડ સાદગીપૂર્ણ  જીવન, એ તાજગી, એ શાંતિ એક મસ્ત મઝાની વાત થઈ ગઈ. જ્યારે આપણે કશું ય બનાવીએ, કોઈ સર્જન કરીએ એમાં અકિંચિત કોઈ ખામી રહી જાય પણ એનાથી તો એની પોતાની એક અનન્યતા કે એક અનુપમતા સિદ્ધ થઈ જાય. આ કોઈ અલગ જ ચીજ છે. અને એટલે એની લાવણ્યતા અદભૂત છે. આ વાબી છે. સાબીનો અર્થ પણ બદલાયો. સમય જાય એમ કોઈ પણ સર્જન કુંઠિત થવા લાગે. એનું બહારી પડ ઘસાવા લાગે. સમારકામ કરો તો એ દેખાઈ આવે. પણ એમાંય એનું અલગ જ સૌંદર્ય છે. કશું ય શાશ્વત, સ્થાયી કે સનાતન નથી. કોઈ બૂઢી ઔરતનાં ગાલની કરચલીઓ પણ ખૂબસૂરત નથી લાગતી? કોનો શેર છે એ તો ખબર નથી પણ જગજીત સિંઘ ગાઈ ગયા છે કે માશૂકકા બૂઢાપા લજ્જત દિલા રહા હૈ, અંગૂરકા મઝા અબ કિસમિસમેં આ રહા હૈ. આ સાબી છે. વાબી-સાબી શબ્દ એ જાપાનીઝ કવિતાનું એક સ્વરૂપ હાઇકુ કે પછી જાપાનીઝ વૃક્ષનો એક પ્રકાર બોન્સાઈ(વામન વૃક્ષ)ની માફક ‘મિનિમાલિસ્ટ’ (ન્યૂનતમવાદી) ગુણધર્મ ધરાવે છે. મિનિમાલિસ્ટ એટલે ઓછામાં ઓચ્છવ કરવાની કલા. ઓચ્છવ એટલે? ઓચ્છવ એટલે ઉત્સવ, આનંદમંગળ અને ખુશાલીનો દિવસ. અત્યારનો સમય જ એવો છે. જો તમે આ કલા શીખી લો પછી જલસો જ જલસો છે.

 વાબી-સાબીની ફિલસૂફી સ્પષ્ટ છે. જે જીર્ણ છે, જે અપૂર્ણ છે, જે વિરાસત છે એને વહાલું ગણવું. કુદરતી વસ્તુઓ લાકડું, પથ્થર, માટી, કુદરતી રેસાઓથી બનેલી ચીજો પસંદ કરવી. રહેવાની જગ્યાઓની ઉપયોગિતા પ્રમાણે ભાગ કરવા. વિચારવું કે જે ઓછું છે એ વધારે છે. શેમાં? ચહેરાની સજાવટમાં. આઈ મીન, ચહેરા ઉપર જેટલાં ઓછા લપેડાં થાય એટલું સારું. ઘરની સજાવટમાં અતિરેક સારો નથી. ઘર જેટલું મોટું એટલું નકામું. કેટલી જગ્યાઓ એમાં હોય જેમાં કોઈ ભાગ્યે જ જતું હોય. ધીઝ આર ધ ડેડ પ્લેસિસ ઇન યોર હોમ. ઘરમાં જેટલો સામાન ઓછો, ઘર એટલું જ જીવંત. કેટલાંક લોકો તો ઘરને ડામચિયો બનાવી દેતા હોય છે. અને હા, સૌથી અગત્યની વાત. જરૂરિયાત કરતાં વધારે કામ પણ હાથ પર ન લેવું. ખોટો બોજ શીદને વેંઢારવો? 

વાઇરસ એવો વળગ્યો છે કે વાત ન પૂછો. તન, મન અને ધનની પત્તર ખંડાઈ ગઈ છે, બાપ! હવે આ સંજોગોમાં, જે છે એમાં જીવી લેવું. આ તો અમારે જોઈએ જ. અમે તો ફરવા જઈએ જ. અમે તો ખરીદી કરીએ જ. અમે તો લગ્ન ટાણે લોકોને બોલાવીએ જ. અમે તો અમારી ભૌતિક સંપત્તિનો દેખાડો કરીએ જ. અરે ભાઈ! એવું શું કામ? જો કોઈ એવી ફિશિયારી મારે કે આજ મેરે પાસ બિલ્ડિંગે હૈ, પ્રોપર્ટી હૈ, બેંક બેલન્સ હૈ, બંગલા હૈ, ગાડી હૈ, ક્યા હૈ તુમ્હારે પાસ? તો ઉત્તરમાં કહી દેવું કે મેરે પાસ વાબી-સાબી હૈ!

શબ્દ શેષ : 

‘તિરાડ છે દરેક વસ્તુમાં, એટલે તો પ્રકાશ એમાંથી આવે છે.’ -કેનેડિયન કવિ, ગીતકાર અને ગાયક લીઓનાર્ડ કોહેન 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.