Daily Archives: જૂન 16, 2021

શાડનફ્રોઈડા :

શાડનફ્રોઈડા : કોઈનાં દુ:ખે સુખી!

– શબ્દસંહિતા- પરેશ વ્યાસ

– બૌદ્ધ ધર્મમાં ‘મુદિતા’નો સિદ્ધાંત છે. કોઈનું સારું થાય તો મને આનંદ થાય, એવું થવું જોઈએ. પણ…

ન રસિંહ મહેતા કહી ગયા કે વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે. પણ પરાઈ પીડને જાણ્યા પછી શું? અમને તો સાલી મઝા પડે. લો બોલો! કોઈનું દુ:ખ જોઈએ તો સામાન્ય રીતે આપણને સહાનુભૂતિ થવી જોઈએ અથવા…અથવા કાંઈ પણ ન થવું જોઈએ.  આપણને એમ કે આપણે ક્યાં પારકી પળોજણમાં પડવું? પણ સાહેબ, કોઈનું દુ:ખ, કોઇની પીડા જોઈને અમને સમૂળગાનો આનંદ થાય, આ તે કેવી વાત? સાલો, એ જ લાગનો હતો.

બહુ ફૂદકડા મારતો’તો. સારું થયું પછડાયો. આજે હું ખૂબ ખુશ છું. સારું થયું. હવે એ પછડાય એમાં મને કોઈ ફાયદો નથી. એ દુ:ખી થાય એમાં મારો કોઈ અંગત ફાયદો નથી. પણ તેમ છતાં  મારી ઈર્ષ્યા મારી પર હાવી થઈ જાય છે. અને મને એક અલૌકિક  આનંદનીઅપાર અનુભૂતિ કરાવી જાય  છે. બન્યું એમ કે અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ-૧૯  પોઝિટિવ જાહેર થયા અને ‘યુએસએ ટૂડે’ અખબારની હેડલાઇન હતી : ‘પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં કોવિડ-૧૯ સંક્રમણનાં સમાચારથી આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિની લાગણી અને થોડેઘણે અંશે શાડનફ્રોઈડા પણ.’ આ નવો શબ્દ છાપે ચડયો અને  પ્રતિતિ મેરિયમ વેબસ્ટર ડિક્સનરીમાં’ શાડનફ્રોઈડા’ (schadenfreude)શબ્દનો અર્થ ઓનલાઈન જાણવા માટે લોકો તૂટી પડયા. બીજી ઓકટોબરે આ શબ્દની ઓનલાઈન શબ્દાર્થ શોધમાં ૩૦૫૦૦%નો ઉછાળો આવ્યો. આ લ્લે લે!

ના, ગુજરાતી લેક્સિકોનમાં ‘શાડનફ્રોઈડા’ શબ્દનો અર્થ દીધો નથી. ‘શાડન’ અને ‘ફ્રોઇડા’ એવા બે જર્મન શબ્દો ભેગા થયા. ‘શાડન’ એટલે હાનિ, ઈજા, નુકસાન અને ‘ફ્રોઇડા’ એટલે આનંદ, હરખ, સુખ, હર્ષાતિરેક. કોઈને ઈજા, હાનિ કે નુકસાન થાય તો હું રાજી થાઉં- એવો અર્થ થાય. ઇંગ્લિશમાં આ શબ્દનો ઉલ્લેખ ૧૮૫૨માં પહેલી વાર થયો અને ૧૮૯૫માં એ શબ્દને ઇંગ્લિશ ભાષાએ પહેલી વાર અપનાવ્યો. ગુજરાતી ભાષામાં એક શબ્દ છે વિઘ્નસંતોષી. ગુજરાતી લેક્સિકોન અનુસાર વિઘ્નસંતોષી એટલે બીજાને વિઘ્ન કરી આનંદ માણનાર, વિઘ્ન કરીને રાજી થનાર. જો કે અહીં એવું નથી. હું વિઘ્ન કરતો નથી. કરી શકતો નથી. એને જે નુકસાન થયું છે એ માટે એ પોતે કે અન્ય કોઈ કે કુદરત જવાબદાર છે. પણ તો ય હું રાજી થાઉં. આવું કેમ થાય છે? સંશોધકો આ માટે ત્રણ કારણો જણાવે છે. એક આક્રમકતા, બીજું ચડાસાચડસી અને ત્રીજું ન્યાય. હું કે મારી ટોળી આક્રમક છે.

બીજાની પડતી જોઈને અમને લાગે છે કે આ અમારી વિચારસરણીની જીત છે. એનાથી અમારી અગત્યતા વધશે. બીજું છે ચડાસાચડસી. હું અને તું સતત એકમેક સાથે સ્પર્ધા કરીએ છીએ. એમાં તું પછડાયો એટલે મારી અગત્યતા વધી. સૂર્ય ડૂબી મરે તો કોડિયું રાજી થાય કારણ કે હવે એને કોઈ પૂછે, ચાહે, સરાહે. બાકી સૂરજની હાજરીમાં કોડિયાનું મૂલ કોડીનું હોય. અને છેલ્લે ન્યાય. કુદરતનો ન્યાય. કર્મનો સિદ્ધાંત. એટલે એમ કે એના કામ જ ખોટા હતા. કુદરતે એને બરબાદ કરી દીધો. એનાં કુકર્મનું ફળ છે આ. 

શું કોઈ બરબાદ થાય તો મને થતી શાડનફ્રોઈડા કુદરતી છે? એમાં ઘણી વાર તો એવું ય હોય કે જેને દુખ પડયું છે હું એને ઓળખતો ય નથી. દાખલા તરીકે પાકિસ્તાનમાં ધરતીકંપ થાય અને થોડા લોકો મરી જાય તો મને આનંદ થાય? શાડનફ્રોઈડા-નું થવું એ દરેકનાં સ્વાભિમાન કે આત્મસંમાન ઉપર નિર્ભર છે. પોતાની જાત પર, પોતાની કાબેલિયત પર શ્રદ્ધા હોય એમને કોઇની પીડા કે કોઇની બરબાદીથી આનંદ થતો નથી. અથવા કદાચ હોય તો એવા આનંદનું પ્રમાણ કે ઉત્કટતા એકદમ ઓછી હોય છે. એનાથી ઊલટું, મારા પોતાનામાં તાકાત નથી, મારું કોઈ સ્વાભિમાન પણ નથી- તો મારા શાડનફ્રોઈડાનું પ્રમાણ અને ઉત્કટતા વધારે રહેવાની. 

શાડનફ્રોઈડા આખરે તો લાગણી છે. આપણો ધર્મ આવી લાગણીની તરફદારી કરતો નથી. કોઈને પીડા થાય તો એ ભલે મારાં દુશ્મન હોય કે પ્રતિસ્પર્ધી હોય પણ… મારે રાજી થવાની જરૂર નથી. જો કે એ જ્યારે આગળ ને આગળ વધતો જતો હતો, મારાથી ઘણો આગળ, ત્યારે મને એની ઈર્ષ્યા તો જરૂર થતી હતી. એ મારી જલન મને શાડનફ્રોઈડા તરફ લઈ ગઈ. શાડનફ્રોઈડા ઈર્ષ્યા કે અદેખાઈથી ઘણી આગળની અસૂરી લાગણી છે. એનાથી વિરુદ્ધ બૌદ્ધ ધર્મમાં ‘મુદિતા’નો સિદ્ધાંત છે.

કોઈનું સારું થાય તો મને આનંદ થાય, એવું થવું જોઈએ. પણ…પણ  સરખામણી થતી રહે છે. કોઇની ચડતી કોઈને ગમતી નથી. એવે વખતે કોઈ ઉપરથી નીચે આવી પડે તો અંદર અંદર  આનંદનાં પરપોટા ફૂટતા હોય છે. આ બાબતે એક સંશોધન એવું પણ કહે છે કે સ્ત્રીઓને મુકાબલે પુરુષોને શાડનફ્રોઈડા વધારે થાય છે. સ્ત્રીઓ બિચારી સીધી સાદી છે.એને સીધી સાદી અદેખાઈ-થી સંતોષ છે! તેઓ શાડનફ્રોઈડા સુધી પહોંચવાનાં તલબગાર નથી. 

શાડનફ્રોઈડાનું ગોત્ર નકારાત્મક છે. આ લાગણી ત્યાજ્ય છે. પણ કેટલીક વાર એમાં હકાર પણ હોઇ શકે. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ્સ કે એનાં વીડિયો ક્લિપિંગ્સ જોઈને આપણે હસીએ છીએ. એમાં ચાર્લી ચેપ્લિન અન્ય પાત્રોને જાણે અજાણ્યે કોઈને કોઈ રીતે હેરાન કરે છે. તેઓને વાગે, તેઓ નીચે પડે, તેઓનું માથું ભાંગે- આપણે હસીએ છીએ. આ બધા પાત્રો આમ તો ખલનાયક જેવા હોય છે. એમને પીડા થાય તો આપણને મઝા પડે છે.  કોઇની પરપીડન વૃત્તિ આપણને આનંદ પમાડી જાય છે. આ તો સાલું જબરું, નહીં?! 

શબ્દ શેષ :

”હ્યુમર (રમૂજ વૃત્તિ) એ બીજું કાંઈ નથી પણ શુદ્ધ અંતરાત્મા સાથે કરેલો શાડનફ્રોઈડા (પરપીડાહર્ષદોન્માદ) છે.”  

– જર્મન ફિલોસોફર ફ્રેડરિક નિત્સે 

Leave a comment

Filed under Uncategorized