Daily Archives: જૂન 17, 2021

ડાયરી

આજના ધબકારમાં વાર્તા

ડાયરી

શ્રદ્ધા દિવાનની ડાયરીનાં પાનાં રોજ ફરતાં. ચિન્ટુ ને પિંકીનાં સ્વેટર આપણા રૂમના વોર્ડરોબના ઉપરના જમણા ખાનામાં ને રેઈનકોટ કિડ્સરૂમના કબાટનાં નીચેના ખાનામાં.. હમણાં સાઈઝ બરાબર છે પણ આવતા વર્ષે કદાચ ટૂંકા..
ચિન્ટુનાં ટિફિનબોક્સમાં ક્યાંય રાઈ નાખવી નહીં, વણીવણીને કાઢે અને રીસેશ પૂરી થાય.. થાય.. ને ખાવાનું અધૂરું રહે. પિંકીના લાંબા વાળ એટલે ઓળવા ધોવાનો પ્રોબ્લેમ રહેશે જ. વાળ કપાવી શકાય, એને દોઢ-બે વર્ષ પછી સેનેટરી નેપકીનની જરૂર પડશે એ બાબતે મેં સમજાવી દીધું છે પણ એના મુગ્ધ મનની કોમળ લાગણીઓ સાચવી લેજો. આગલી રાતથી યુનિફોર્મ સ્કૂલબેગ, હોમવર્ક, બૂટમોજાં ચેક કરજો નહીં તો સવારે ધમાલ.. હળદરવાળું દૂધ, વિક્સ, રિક્ષાવાળો, પેરેન્ટ્સ મિટિંગ, નાઈટ ડ્રેસ…
ને રોજ રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના સાથે જ કરવી. ‘આપણે! લખીને છેકી નાખ્યું છે!’ ને આ બાથરૂમના મિરર પર ચાંદલો રોજ ટેવવશ લગાડાઈ જાય છે. કાઢી લઉં છું પણ એકાદ રહી જાય તો કાઢી લેજો. એ તમને નથી ગમતું એ હું જાણું છું.
“અરે! હવે બધું ગમે છે, શ્રદ્ધા. હું રોજ તારી ડાયરીને ફૉલો કરું છું પણ તારે મારી સાથે બેવફાઈ કરી કેન્સર સાથે વફાદારીથી આમ જતા ન રહેવું જોઈએને!” ખૂબ દુઃખી અવાજે સ્વપ્નિલ બોલ્યો.
શ્રદ્ધાને કેન્સર હતું. પહેલીવાર ખબર પડી ત્યારે શ્રધ્ધા ખૂબ ગભરાઈ ગઈ હતી અને એનાથી વધારે સ્વપ્નિલ. ચિંટુ ને પિંકી ખૂબ નાના. તેઓ તો મમ્મીની બીમારીથી પણ અજાણ હતાં. પણ ધીમે ધીમે શ્રધ્ધાએ પરિસ્થિતિને સ્વીકારી. એનો સામનો કરવાનું વિચાર્યું. સ્વપ્નિલનો પૂરો સાથ હતો. ટ્રીટમેન્ટમાં કોઈ કસર બાકી ન રાખી પણ શ્રધ્ધાની જિંદગી ખૂબ ટૂંકી હતી એ વાતથી તેઓ વાકેફ હતાં. બાકી હતી એ જિંદગીને તેઓએ આંખો કોરી રાખીને એક અવસર માફક ઉજવવાનું નક્કી કર્યું. એક દિવસ એક જિંદગી છે, એમ હકારાત્મક ભાવ સાથે તેઓ જીવતાં. પછી તો થવાનું હતું એજ થયું. શ્રધ્ધાનું મૃત્યુ થયું. સ્વપ્નિલ અને બાળકો ખૂબ દુઃખી થયાં.
બાળકો નાનાં હતાં. વડીલો તરફથી બીજા લગ્ન માટે પણ કહેવાયું પણ સ્વપ્નિલે જાણે શ્રદ્ધાની ટૂંકી જિંદગીમાં પોતાની આખી જિંદગી જીવી લીધી હતી. એણે લગ્ન બાબતે આદરપૂરક ના પાડી. હવે પોતે જ ચીંટુ ને પિન્કીનાં મમ્મી ને પપ્પા બન્ને હતો. એમના ઉછેર માટે શ્રધ્ધાએ લખેલી ડાયરીને અક્ષરસ: ફૉલો કરતો.
સમયને જતા શું વાર? બાળકો મોટા થયાં. પિન્કીના લગ્નનો અવસર આવ્યો. શ્રધ્ધાએ ડાયરીમાં લખ્યું હતું એ મુજબ બધું જ કર્યું. સ્વપ્નિલને થોડી હાશ થઈ, “શ્રધ્ધા, તે સોંપેલુ અડધું કામ પતી ગયું. હવે ચિંટુ સેટ થઈ જાય પછી તારી પાસે આવી જઈશ.” બોલીને એણે પાનું ફેરવ્યું પણ પછી ડાયરી કોરી હતી. એને નવાઈ લાગી પણ થયું કે શ્રધ્ધા કદાચ અંતિમ દિવસોમાં નહીં લખી શકી હોય.
બીજે દિવસે પિન્કીનો ફોન, ” પપ્પા, મમ્મીએ મારે માટે પેક કરેલાં ઘરેણાંનાં બોક્સમાં બે ડાયરીઓ પણ છે, એક મારી ને એક ચિંટુને આપવા માટે… હવે અમે જ તમારું ધ્યાન રાખીશું.

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized