Daily Archives: જૂન 22, 2021

બ્લર્સડે:પરેશ વ્યાસ

બ્લર્સડે: એક ધૂંધસે આના હૈ, એક ધૂંધ મેં જાના હૈ My Shabdsanhita article as published in Gujarat Samachar yesterday.દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ; બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલજગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ. (દૃગ: આંખ) – ‘અવસ્થાન્તર’ જયંત પાઠક ગયા અઠવાડિયે એબીએસ-સીબીએન ન્યૂઝે વર્ષ ૨૦૨૦નાં ૨૦ ખાસ શબ્દોની યાદી જાહેર કરી. એ શબ્દો જે આ વર્ષની વ્યાખ્યા કરે છે. આ શબ્દો આપણે જાણીએ તો આ વર્ષ કેવું રહ્યું?- એ ભલીભાંતિ સમજી શકાય. આ પૈકી ઘણાં શબ્દો જેવા કે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’, ‘રીમોટ લર્નિંગ’, ‘સુપરસ્પ્રેડર’, ‘ફ્રન્ટલાઇન વર્કર્સ’, ‘કોન્ટેક્ટ ટ્રેસિંગ’ આપણે જાણીએ છીએ. આમ તો આ શબ્દો આપણે માટે નવા હતા પણ થેંક્સ ટૂ કોવિડ, આ શબ્દો આપણને કોઠે પડી ગયા. એ યાદી પૈકી કેટલાંક શબ્દો જેવાં કે ‘અન્પ્રેસિડેન્ટેડ’ (ઐસા કભી હુઆ નહીં, જો ભી હુઆ બૂરા હુઆ..), ‘ડૂમસ્ક્રોલિંગ’ (જ્યાં જ્યાં નજર મારી ઠરે, નેગેટિવ ન્યૂઝ જ મુજને જડે!) વિષે શબ્દસંહિતામાં અમે લખી ચૂક્યા છીએ. એક તાજા સમાચાર અનુસાર ‘ડૂમસ્ક્રોલિંગ’ શબ્દ ન્યૂઝીલેન્ડનો ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર થયો છે. હવે આ ૨૦ શબ્દોની યાદી પૈકી એક શબ્દ રસપ્રદ છે કારણ કે એ શબ્દ કહે છે એવું આપણે ખરેખર અનુભવ્યું છે. આ શબ્દ છે બ્લર્સડે (Blursday). ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘બ્લર્ડ’ એટલે અસ્પષ્ટ, ધૂંધળું. અને ‘ડે’ એટલે દિવસ. ઘરેથી કામ કરવાનું, બહાર ફરવા જવાનું નહીં, કોઈને મળવાનું નહીં. અને પછી તો બધા જ દિવસો સરખા લાગે. પૂછો કે આજે કયો દિવસ? શું ફેર પડે છે? સોમવાર હોય કે રવિવાર, બુધવાર હોય કે શુક્રવાર, બધા જ દિવસ ધૂંધળા થઈ ગયા છે. રવિવારની રજા પછી આવતો સોમવાર અને એનું ટેન્સન હવે નથી. કારણ કે બધાં જ દિવસો હવે સોમવાર થઈ ગઈ ગયા છે. હવે રોજ ટેન્સન છે! છોકરાઓ હવે ઓનલાઈન ભણે. દફ્તર લઈને સ્કૂલ જવાનું હવે નહીં. ઘરમાં જ ગોકીરો કરે કે પછી શેરીમાં દોડાદોડ કરે. આપણને રોજ લાગે કે આજે રવિવાર છે? કાળનાં સમયથી પર થઈ ગયા છે દિવસો. કોવિડ-૧૯ની મહામારીએ ૨૦૨૦નાં દિવસો ભડભાંખળાં કરી નાંખ્યા છે. ભડભાંખળું એટલે મળસકું, મોંસૂઝણું. થોડો ઉજાસ છે પણ હજી અંધારું છે. ઝાંખુંપાખું દેખાય છે. પણ કળી ન શકાય અથવા ચોક્કસપણે કહી ન શકાય કે સામે શું છે? આપણાં દિવસો એવાં થઈ ગયા હતા. હજી ય થોડું ઘણું એવું જ છે. ‘ગુજરાત સમાચાર’ આવે અને આજે કઈ પૂર્તિ છે એ પરથી કહી શકાય કે આજે કયો દિવસ છે? શતદલ હોય તો બુધવાર અને ઝગમગ હોય તો શનિવાર પણ પછી બધુ બ્લરર્ થઈ જાય. ખબર ન પડે કે ઓહો! આજે તો શુક્રવાર થઈ ગયો અને કાલે તો રજા. અરે ભાઈ, રવિવારે પણ ઝૂમ મીટિંગ આવી જાય. શી ખબર? અને પછી તો.. ઝૂમ બરાબર ઝૂમ ઘરેથી, ઝૂમ બરાબર ઝૂમ… ‘બ્લર’ શબ્દ મૂળ જર્મન શબ્દ ‘બ્લેએર’ પરથી આવ્યો છે. બ્લેએર એટલે આંખોમાં પાણી પડતું હોય કે કોઈ કારણસર આંખો પર છારી બાઝી ગઈ હોય અને આપણને ધૂંધળું દેખાય એ સ્થિતિ. શાહીથી લખેલા લખાણ ઉપર પાણી ઢોળાય અને શબ્દો રેલાઈ જાય અને કાંઇ વંચાય નહીં, એ બ્લર કહેવાય. આપણે ટીવી પર અક્સ્માતનાં સમાચાર જોતાં હોઈએ જેમાં લોહીલુહાણ હાલતમાં માનવ દેહ કપાયા હોય એ દૃશ્ય કમકમાટી ભર્યું હોય એટલે એ બ્લર કરી દેવામાં આવે. આજે આપણાં દિવસો એવાં જ થઈ ગયા છે. ‘દરરોજ’ શબ્દ બદલીને હવે ‘બ્લરરોજ’ કરી દેવો જોઈએ! જો કે કોવિડ નહોતો ત્યારે પણ બ્લર્સડે શબ્દ બોલચાલનાં શબ્દ તરીકે ચલણમાં આવ્યો હતો. ત્યારે અર્બન ડિક્સનરી અનુસાર એનો અર્થ એવો થતો કે કોઈ જણ કે જણી નશામાં ધૂત છે. બેહોશીમાં એને ભાન નથી કે કયાં પડ્યા રહ્યા? કેટલો સમય પડ્યા રહ્યા? બેહોશીમાં એમની સાથે કયા ખેલ ખેલાયા? અને કેવી કેવી રીતે તેઓ લૂંટાયા? લૂંટાવા જેવી ઘણી ચીજ આપણી પાસે હોય છે. પૈસા ય લૂંટાય અને શિયળ પણ લૂંટાય. હવે હોંશમાં આવ્યા છીએ પણ એ સમયની આવી કોઈ ઘટના યાદ નથી. આ બ્લર્સડે છે. એક શબ્દ તરીકે જે પહેલાં નશેબાજો માટે લાગુ પડતો હતો, એ હવે બધાં માટે લાગુ પડતો થઈ ગયો. હવે શું? રોજિંદો ક્રમ યથાવત રાખવો. ઘરમાં રહીને કામ કરવાનું હોય તો ય રોજિંદો ક્રમ જાળવવો. ધ્યાન, પ્રાણાયામ અને કસરત કરી લેવી. નાહી લેવું. પૂજાપાઠ કરતાં હોય તો કરી લેવા. આમ સાવ લેંઘા કે ચડ્ડીમાં લેપટોપને લઈને લઘરવઘર ફરવું નહીં. દિવસ આખું ભલે વીએફએચ (વર્ક ફ્રોમ હોમ) હોય પણ સાંજ પડે એટલે લેપટોપનું ઢાંકણું સજ્જડબમ બંધ. કામનું પ્લાનર મનમાં કે પછી કાગળ ઉપર રાખવું. ખબર પડે કે આવતીકાલે અને પરમ દિવસે અને તે પછીનાં દિવસે શું શું કરવાનું છે? રવિવારે રજા હોય તો કોઈ અલગ કામ કરવું. બગીચાકામ કે રસોઈકામ કરી શકાય. કોઈને વર્ચ્યુયલ પ્રેમ પણ કરી શકાય. નશો કરવો નહીં. બ્લર્રર્ સ્થિતિમાં -મુઝકો યારો માફ કરના, મૈં નશેમેં હૂં- ગાવાની મનાઈ છે. ઘડિયાળ પ્રમાણે ચાલવું અથવા આપણી પોતાની આંતરિક ઘડિયાળ પ્રમાણે ચાલવું. પણ સમયને સાચવવો, જાળવવો, નિભાવવો. કોવિડ કાળમાં શરીરની તકલીફ તો છે જ પણ મન છે કે બહાવરું થઈ જાય છે અને એટલે બધું ધૂંધળું થતું જાય છે. દિવસ અને રાતનું ભાન ભૂલાઈ જાય છે. ચાલો એ વાત જવા દો. વર્ષ જશે અને વાત જશે. આશા રાખીએ કે આગામી વર્ષમાં આપણે માટે બ્લર્સડે સાવ ઓછા રહે. શબ્દ શેષ: “જેઓ ભૂલી ગયા છે કે આજે કિયો દિવસ છે, એને કહી દઉં કે આજે થર્ટીનેએન્થ ડીસેજાન્યુઆમ્બર છે.”

Leave a comment

Filed under Uncategorized