Daily Archives: જૂન 28, 2021

પેરાપ્રોસડોકિયન:પરેશ વ્યાસ

પેરાપ્રોસડોકિયન: હું ઢચુપચુ હતો પણ હવે નક્કી નથી. મજાનો હોય માણસ, હોય સાલસ, હોય સીધો પણ જરી એને તમે ટોકો ટપારો એટલે લોચો.– અમૃત ઘાયલઘાયલ સાહેબની પ્રથમ પંક્તિ મજાનાં માણસનાં લક્ષણ બયાન કરે છે. આપણને એવું લાગે કે બીજી પંક્તિમાં આ માણસની વધારે પ્રશંસા ઘાયલ સાહેબે કરી હશે. પણ બીજી પંક્તિમાં ટોકો ટપારો ત્યાં તો એ જ માણસનાં મગજમાં થઈ જતાં કેમિકલ લોચાની વાત આવી જાય. બીજી પંક્તિ વાંચો પછી પાછી પહેલી પંક્તિ ફરી વાંચવી પડે. આપણી ગબ્બા ખાતે મેચ અને સીરીઝમાં ગેબી જીત થઈ ત્યારે આવો જ બીજી પંક્તિ વાંચો પછી ફરી પહેલું વાક્ય વાંચવો પડે એવો વાયરલ મેસેજ હમણાં સોશિયલ મીડિયા પર વાંચવા મળ્યો. ‘પૂજારા બપોરે એક થી ચાર રમ્યો. હવે નહીં કહેતા કે રાજકોટવાળા બધા બપોર આખી સૂઈ જાય છે!’ આમ પહેલું વાક્ય વાંચીએ તો લાગે કે એ એક સ્ટેટમેન્ટ છે, જેમાં પૂજારાએ ટેસ્ટમેચનાં આખરી દિવસે વકરતી જતી પિચ ઉપર ઓસ્ટ્રેલિયાનાં તેજ બોલર્સનો માર ખાધો પણ મચક ન આપી. પણ બીજું વાક્ય વાંચીએ એટલે સાવ નવી જ વાત. અને પછી રાજકોટવાસીઓની સતત તાજી રહેતી વામકુક્ષી ઉર્ફે બપોરે સૂઈ જવાની ઇચ્છનીય ખાસિયત પર હાસ્ય નિષ્પન્ન થઈ જાય. અને એ સંદર્ભમાં આપણે પહેલું વાક્ય ફરી વાંચવું પડે. આવા લખાતા કે બોલતા વાક્યો માટે એક શબ્દ છે પેરાપ્રોસડોકિયન (Paraprosdokian). હમણાં જ ડીવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જો બાઈડેન અને કમલા હેરિસની અનુક્રમે પ્રેસિડન્ટ અને વાઈસપ્રેસિડન્ટ તરીકે તાજપોશી થઈ. રીપબ્લિકન પક્ષની જગ્યાએ હવે ચાર વર્ષ બાદ ડેમોક્રેટિક પક્ષની સરકારનું રાજ છે. અમેરિકન હ્યુમરિસ્ટ એક્ટર બિલ રોજર્સ(૧૮૭૯-૧૯૩૫)નું એક ક્વોટ ફરી ચર્ચામાં આવ્યું. એમ કે ‘હું કોઈ ઓર્ગેનાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીનો સદસ્ય નથી. હું તો ડેમોક્રેટ છું!’ એટલે એમ કે ડેમોક્રેટ પક્ષ ઓર્ગેનાઇઝ્ડ નથી! વ્યવસ્થિત કે સંગઠિત નથી! બીજું વાક્ય વાંચો એટલે પહેલું ફરી વાંચવું પડે તો જ અર્થ સમજાય. પ્રસિદ્ધ ગાયક હરિહરનનું ગઝલ આલ્બમ ‘વક્ત પર બોલના’ની એક અદભૂત ગઝલ જેનાં શાયરનું નામ તો યાદ નથી, એનો પહેલો શેર છે: જબ ભી મિલતે હો, મુસ્કુરાતે હો, ઈતની ખુશિયાં કહાંસે લાતે હો? આ તો જાણે બરાબર. પણ પછી આવે છે ‘ પાસ આનેમેં કુછ મઝે ભી હૈ..’ આપણને લાગે કે માણસે માણસની નજીક જવું જોઈએ, મઝા એમાં જ છે પણ પછીનો મિસરો જુઓ. ‘…… દૂરસે ક્યાં ફરેબ ખાતે હો!’ એટલે એમ કે માણસ નામે ફરેબી છે. તમને છેતરશે જ. પણ દૂર રહીને છેતરાવા કરતાં પાસે જઈને છેતરાવું સારું. હેં ને? પહેલો મિસરો પાછો વાંચવો પડે એ પેરાપ્રોસડોકિયન. પેરાપ્રોસડોકિયન મૂળ ગ્રીક શબ્દોનો બનેલો ઇંગ્લિશ શબ્દ છે. ‘પેરા’ એટલે વિરુદ્ધ, ઊલટું અને ‘પ્રોસડોકિયા’ એટલે અપેક્ષિત. પેરાપ્રોસડોકિયન એટલે અપેક્ષાથી ઊલટું. અને જ્યારે એવું થાય ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. હાસ્યકાર કે વ્યંગકાર માટે આ ખૂબ મોટું હથિયાર છે. આમ તો પેરાપ્રોસડોકિયન આદિકાળથી કહેવાતા આવ્યા છે. જેમ કે ફિલોસોફર એરિસ્ટોટલે કહ્યું હતું કે- ‘હું મારા પગ ઉપર પહેરું છું…ફોલ્લા’ પણ આ પેરાપ્રોસડોકિયન શબ્દ આદિકાળમાં નહોતો. આ શબ્દ પહેલી વાર ઇંગ્લિશ વ્યંગ મેગેઝિન ‘પંચ’માં સને ૧૮૯૧માં પ્રયોજાયો. એમ કે ફરીથી વાંચો અને એની પાછળ રહેલો પંચ સમજાય- એવો અર્થ થાય. આમ પણ અણધાર્યું થાય એમાંથી તો હાસ્ય જન્મે છે. તમે એને એન્ટિ-ક્લાઇમેક્સ પણ કહી શકો. જેમ કે ઓસ્કાર વાઇલ્ડ વિષે કહેતા કે જ્યારે હું યુવાન હતો ત્યારે મને લાગતું કે પૈસો બહુ અગત્યની ચીજ છે, હવે હું ઘરડો થયો છું ત્યારે લાગે છે કે પૈસો અગત્યની ચીજ છે! અથવા તો ….આ અમેરિકન્સ પણ અજબ છે. પ્રેસિડન્ટ માટે બે ઉમેદવારમાંથી પસંદ કરે પણ મિસ અમેરિકા માટે હોય પચાસ દાવેદાર. બ્રિટિશ રાજપુરુષ ચર્ચિલનાં પેરાપ્રોસડોકિયન જાણીતા છે. તેઓ કહેતા કે ડિપ્લોમસી (મુત્સદ્દીગીરી, કૂટનીતિ) એટલે તમે લોકોને કહો કે જહન્નમમાં જાઓ…પણ એ રીતે કહેવું કે એને ત્યાં જવાની લોકોને તાલાવેલી થાય. એમણે તો એવું પણ કહ્યું હતું કે માણસો પ્રસંગોપાત સત્ય ઉપર આવીને ગલોટિયું ખાઈ જાય છે પણ પછી હાથ પગની ધૂળ ખંખેરીને એ રીતે ચાલ્યા જાય છે જાણે કશું થયું જ નથી. કેટલાંક એવા વાક્યો પણ હોય છે જેનો એક અર્થ કોઈ એક થતો હોય પણ બીજી રીતે વાંચો તો કોઈ જુદો જ થાય. આ ભાષાની મઝા છે. કવિ શ્રી વિનોદ જોશીએ એક વાત કહી હતી. એક ગુજરાતી ફિલ્મનું પોસ્ટર હતું- ઓઢું તો ઓઢું તારી ચૂંદડી. એટલે એમ કે નાયિકા નાયકને કહી રહી છે કે હું ઓઢીશ તો માત્ર તારી જ ચૂંદડી. પણ પછી જુઓ તો એવું ય લાગે કે ઓઢું તો ઓઢું… નકર ન પણ ઓઢું! ઇંગ્લિશમાં એને ‘ગાર્ડન-પાથ’ વાક્ય કહે છે. કોઈ ગંધ તમને બગીચા તરફ દોરે પણ હોય એનાથી જુદું જ નીકળે. જેમ કે આઈ કનવિન્સ હર ચિલ્ડ્રન આર નોઈઝી. એટલે મેં કોને સમજાવ્યા? એ માતાને કે એના બાળકો બહુ અવાજ કરે છે? કે પછી હું સમજી ગયો કે એનાં બાળકો બહુ અવાજ કરે છે. ફરી વાંચો અને જુદો અર્થ નીકળે. આ પણ પેરાપ્રોસડોકિયન છે. બે અર્થ થાય એવું થાય. તમે બંને કેમ છો? એવા સવાલનો જવાબ એ કે એ સારી છે અને હું પૂર્ણ છું. પૂર્ણ એટલે પતી ગયો એવું ય થાય! ઇંગ્લિશ શબ્દ ફિનિશ એટલે પણ પૂરું કરવું અને કમ્પલીટ એટલે પણ પૂરું કરવું. પણ હું ફિનિશ થઈ ગયો એટલે?! ટૂંકમાં આ બધી શબ્દની રમત છે. એક વાર વાંચો અને ફરી કોઈ પણ ફેરફાર વિના એ જ વાંચો તો અર્થ એનો બીજો નીકળે. સ્ત્રી પુરુષને મૂર્ખ બનાવી શકે પણ મોટા ભાગનાં પુરુષ આમ જુઓ તો મૂરખ બનવામાં સ્વાવલંબી હોય છે. મારી પત્ની અને હું વીસ વર્ષ સુધી ખૂબ સુખી હતા, પછી અમે બે મળ્યા! આમ પેરાપ્રોસડોકિયન વાક્યો તો અનંત છે. આદમ અને ઇવ અને ઇડન ગાર્ડનનો એ સર્પ, જ્ઞાન સાલું અભિશાપ છે, નહીં? શબ્દ શેષ: “જીવનમાં ચડતી પડતી તો આવ્યા કરે, એનાથી ખાસ તકલીફ નથી. પણ જ્યારે આંચકા લાગે ત્યારે ભારે તકલીફ થઈ જાય છે.” –ચાર્લી ચેપ્લિન

42You, Yamini Vyas, નયન તરસરીયા વ્યારાવાલા and 39 others7 CommentsLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized