Daily Archives: જૂન 30, 2021

અન્પ્રેસિડેન્ટેડ:પરેશ વ્યાસ

અન્પ્રેસિડેન્ટેડ: ઐસા કભી હુઆ નહીં, જો ભી હુઆ બૂરા હુઆ…. જતાં જતાં ઉદાસ વર્ષ કાનમાં કહી ગયું, ન બનવું જોઈતું હતું, ઘણું બધું બની ગયું –યામિની વ્યાસ કેવું રહ્યું વર્ષ? અરે ભાઈ! આવું કોઈ દિ દીઠું નહોતું. વર્ષ આખું આપણે આપણો ચહેરો છૂપાવીને ફરવું રોજ રોજ. કિસીકો મૂંહ દિખાનેકે કાબિલ ન રહે! આ તે કેવું લાગે? પ્રિયતમાનાં ગાલનાં ખંજન દેખાય નહીં. અને ડો. મુકુલ ચોક્સીનાં શબ્દોમાં કહું તો એવું ય હતું કે તારા ગાલોનાં ખાડામાં ડૂબી જતાં મારા ૮૪ લાખ વહાણોનાં કાફલાં… પણ હવે એ પ્રેમસભર કલ્પના ય ક્યાં છે? અને કવિવર ર.પા.નાં શબ્દોમાં ‘તારે ગાલે ખીલ અને તું હસે ત્યારે ખિલખિલ હસી એમ કહેવાય, હસીના!’- એવું તો હવે કહેવાય નહીં. કારણ કે માસ્ક પહેર્યો હોય એટલે ન ખીલ દેખાય, ન ખિલખિલ હસવું દેખાય. બિચારો પ્રેમી! અને જો ક્યાંક.. સરકતી જાયે હૈ રૂખસે નકાબ આહિસ્તા આહિસ્તા તો… પોલિસ દંડ ફટકારે જબરજસ્તા! એક સમાચાર અનુસાર ગુજરાત પોલિસે માસ્ક વિહોણા લોકો પાસેથી દંડ રૂપે ૯ મહિનામાં ૯૩ કરોડ રૂપિયા ઉઘરાવ્યા. અને ઈકોનોમી તો..ભાઈ ભાઈ. કેટલાંય ધંધા ચોપટ થઇ ગયા. અલબત્ત હોસ્પિટલ સેક્ટર ફૂલ્યુંફાલ્યું પણ હોસ્પિટાલિટી સેક્ટર સંકોચાઈ ગયું. શોપિંગ મોલ પડી ભાંગ્યા, ઈ-રીટેઈલનો વિકાસ એમેઝિંગ રહ્યો. અને એક જમાનો હતો જ્યારે યાહોમ કરીને ખરીદી કરવા જતાં પણ એ ઘટનાઓ હવે કોન્ટેક્ટલેસ હોમડીલીવરીમાં હોમાઈ ગઈ. કારણ એક જ. સાવધાની હટી તો કોવિડની દૂર્ઘટના ઘટી. કોવિડ અને કો-મોર્બિડિટીનું અજબ કોમ્બિનેશન છે. બીજી બીમારી હોય તો કોવિડ ઘાતકી થઈ જાય. પછી તો દુ:ખ જ દુ:ખ મનમાં આણીએ રે! વર્ષનો એક શબ્દ શું હોઈ શકે, જે આખા વર્ષની સ્થિતિ બયાન કરે? ડિક્સનરી.કોમ તો પોતાનો ‘વર્ડ ઓફ ધ યર’ તરીકે પેન્ડેમિક શબ્દ જાહેર કરી ચૂકી હતી પણ ગયા અઠવાડિયે એમણે પીપલ્સ ચોઈસ એવોર્ડ આપ્યો અને એ શબ્દ છે ‘અન્પ્રેસિડેન્ટેડ’ (UNPRECEDENTED). ડિક્સનરી.કોમનાં સીનીયર રીસર્ચ એડિટર જ્હોન કેલી અનુસાર આખું વર્ષ પેન્ડેમિક (મહામારી), પ્રોટેસ્ટ (વિરોધ પ્રદર્શન), પ્રેસિડેન્શિયલ ઇલેક્શન (પ્રેસિડન્ટની ચૂંટણી) અને એક્સ્ટ્રીમ કલાઇમેટ (આત્યંતિક આબોહવા)વાળું રહ્યું. તમે એક શબ્દમાં એને કેવી રીતે કહો? અને એટલે એમ કે અમે પૂછ્યું કે ઓણ સાલ કેવું રહ્યું? અને લોકોએ કહ્યું: અન્પ્રેસિડેન્ટેડ. ગુજરાતી લેક્સિકોન અનુસાર અન્પ્રેસિડેન્ટેડ એટલે જેને માટે અગાઉનો કોઈ દાખલો નથી એવું, અપૂર્વ, નવું નવલાઈનું, અપવાદરૂપ. મૂળ શબ્દ છે ‘પ્રીસીડન્ટ’ જેનો અર્થ થાય છે: આધાર ગણવા જેવો આગળનો દાખલો, ફેંસલો, ચુકાદો, ઇ. આગળ થઈ ચૂક્યું છે એવું જેની સાથે સરખામણી કરી શકાય. મૂળ લેટિન શબ્દ પ્રેસેડેયર. એનો અર્થ થાય ‘ગો બીફોર’. આ પહેલાનું. પ્રેસીડેન્ટમ એટલે પહેલાં થઈ ચૂકેલું. આગળ ‘અન’ લાગે એટલે નકાર. તદ્દન નવું જ થયું હોય, એવું જે પહેલાં ક્યારેય થયું જ ન હોય તો એને કહેવાય અન્પ્રેસિડેન્ટેડ. આ વર્ષે આ શબ્દ ખાનાખરાબીની વણઝાર લઈને આવ્યો છે પણ આ શબ્દ નિર્લેપ છે. એ ફફ્ત એવું દર્શાવે છે કે આ નવું છે. ઐસા કભી હુઆ નહીં, જો ભી હુઆ ખૂબ હુઆ. કોઈ સારું ય એવું થઈ શકે જે આ પહેલાં ક્યારેય થયું જ ન હોય તો એને પણ કહેવાય અન્પ્રેસિડેન્ટેડ. આ શબ્દ આ વર્ષે ભલે નકારાત્મકતાનો રણકાર લઈને આવ્યો છે, જેમ કે અમેરિકન લેખક અને યૂટ્યૂબર જ્હોન ગ્રીન કહે છે કે દરેક નુકસાન અન્પ્રેસિડેન્ટેડ છે. દરેક નુકસાન ક્યારેય ન થયું હોય એવું નુકસાન હોય છે. અન્પ્રેસિડેન્ટેડ અલબત્ત હકારનો શબ્દ પણ હોઈ શકે. જેમ કે અમેરિકન લેખક ડેવિડ વૂલ્ફ એવું કહે કે આપણે અન્પ્રેસિડેન્ટેડ સમૃદ્ધિમાં જીવી રહ્યા છીએ. એટલે એમ કે બધે જ સાધનસામગ્રીની રેલમછેલ છે. લો બોલો!આ વર્ષ ભલે નઠારું નીવડ્યું પણ આવતું વર્ષ એવું ય હોય કે જેમાં સારું ને સારું જ થાય. એટલે એમ કે રસી મુકાવવાનો દૌર શરૂ થાય તે પહેલાં જ વાઇરસ ઊભી પૂંછડીએ ભાગી જાય. પછી તો રેપિડ એન્ટિજન કે આરટીપીઆરની જરૂર જ ન પડે. એટલે એમ કે પેટ્રોલ ડીઝલનો વિકલ્પ શોધાઈ જાય અને આ રોજનાં ભાવ વધઘટ (મોટે ભાગે વધવધ)માંથી મુક્તિ મળી જાય. એટલે એમ કે વાતે વાતે જેને વાંકું પડે એવા લોક સીધાદોર થઈ જાય. એટલે એમ કે સ્વિસબેંકમાં સંતાડેલું ધન જનધન ખાતામાં ઓટોમેટિક જમા થઈ જાય. એટલે એમ કે કોઈ બહેન દીકરી પર અત્યાચાર થાય જ નહીં અને જો થાય તો ગુનેગારને જાહેરમાં ભડાકે દેવાય. અને હા, દુ:ખ પડે નહીં. ભૂખ લાગે ત્યારે ખાવાનું મળી જાય. આઈ મીન, કીડીને કણ, હાથીને મણ અને માણસને એ બેની વચ્ચેની ક્વોન્ટિટીમાં ભોજન પ્રાપ્ત થઈ જાય. એટલે એમ કે દાનની લેતીદેતી તો થાય પણ લાચારી ક્યાંય દેખાય નહીં. આગળ વધવાની તક સૌને મળે જ મળે. અને એવું પણ થાય કે કુદરતી સંકટ આવે તે પહેલાં જ એનું મોચન સુપેરે થઈ જાય. આ તો અન્પ્રેસિડેન્ટેડ છે. પણ એવું થાય પણ ખરું. શી ખબર? પહેલાં કદી ન થયું હોય એવું થતું તો હોય જ છે. અને હા, દિલ કે ખુશ રખનેકો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ! શબ્દ શેષ: “તમને એવું લાગે છે કે આખી દુનિયાનાં ઈતિહાસમાં તમારી પીડા, તમારો હૃદયભંગ અન્પ્રેસિડેન્ટેડ છે પણ પછી તમે વાંચો.” – અમેરિકન લેખક, કવિ જેમ્સ બાલ્ડવિન (૧૯૨૪-૧૯૮૭)

Leave a comment

Filed under Uncategorized