Monthly Archives: જુલાઇ 2021

બેનપણી


આપણને એકબીજા વગર સહેજે ના ચાલતું ત્યારે મા કહેતી, “ગયા જનમમાં સગી બહેનો હશો.”
“ના…રે, બેન કરતાં બેનપણી શું ખોટી? ઝઘડો થાય તો મોઢું મચકોડીને, કિટ્ટા કરીને, તું તારે ઘરે ને હું મારે… પણ બેન હોઈએ તો એક જ ઘરમાં સાથે ને સાથે…” આવું તો તું જ કહી શકતી.
ભણવાનું હોય કે પ્રવૃત્તિઓ પણ તારો બધામાં પહેલો નંબર આવતો. હું એકવાર બોલી પડેલી, “તારે લીધે અમારા જેવાનો નંબર નહીં આવે. પહેલો નંબર આવે તો કેવી મજા પડે!”
તે દિવસે રાખીમેકિંગ સ્પર્ધામાં મારી તૂટેલી રાખડી પ્રથમ વિજેતા થઈ તેનું રહસ્ય ત્યારે જ જાણ્યું જ્યારે ટીચરે ઈનામ આપતી વખતે તારી રાખડી બધાને બતાવી, હેંને મોનિટર? ત્યારે તારી આંખ મોટી થઈને મને ચૂપ રહેવા આજીજી કરતી હતી. એવું તો મારી અજાણતા ઘણીવાર બન્યું પણ એક વાત હું ગૌરવ અને રૂઆબથી તને કહી શકતી કે, “બધામાં જ પ્રથમ આવે એવી મારી બહેનપણી છે, તારી છે?” અરે! હું કોઈવાર લન્સબોક્સ ભૂલી જતી ત્યારે, રીસેસમાં મોઢું બગાડીને “ઓહ આજે મારી મમ્મીએ કેવું બનાવ્યું છે! જરા પણ ભાવતું નથી” કહી લન્ચબોક્સ પકડાવી દે અને મારું લન્ચબોક્સ ભૂલી ગયાનું ભૂલાવી દેતી.
ને મારી વિશ પૂરી કરવા પોતાની પાંપણ ખેરવી મારી હથેળી પાછળ મૂકી ફૂંક મરાવતી.
બિમારી મારી હોય તો નકોરડાં ઉપવાસ કે પગપાળા મંદિર જવાની બાધા તું અવશ્ય રાખતી. સાપસીડીની રમતમાં તું એવી કરામતથી પાસા ફરકાવતી કે તારી કૂકરી સાપના મોઢા આગળ જ પહોંચે. દોસ્ત આગળ હારવાની જાહોજલાલી જ ભવ્ય હોય છે, એવું તો તુંજ કહી શકતી, યાર. ચાર પગલીઓથી આપણાં આંગણાં ધબકતાં. થપ્પો, ઠીકરી, પકડદાવ… આપણે ખુશીઓથી ખિસ્સાં ભરતાં.
રમત પૂરી થાય કે આપણે એકબીજાને ઘરે મૂકવા જતા. તું મને… પછી હું તને… ફરી તું મને… ફરી હું તને… છેવટે કોણ કોને છેલ્લે મૂકવા જાય એની દ્વિધામાં એક જણને ઘરે જ આપણે બંને રોકાઈ જતા.
આવી મસ્તીમાં જ મોટાં થયાં. સદભાગ્યે પરણ્યા પણ એક જ શહેરમાં. તોયે આ વાળાવવાનો સિલસિલો ચાલુ રહ્યો. એકબીજાને ત્યાં જતાં ત્યારે યાદ છે? મન ભરીને મળીએ તોય પાછા જતાં ત્યારે આવજો કહીને પણ બારણે, ઓટલે, આંગણે કે ઝાંપે આપણી વાત પૂરી જ નહોતી થતી. પતિદેવો ને બાળકો પણ કંટાળી જતાં. અરે! વિઈકલ પર સવાર ન થઈએ ત્યાં સુધીની વાતો ને પછી વળગીને બાય કરતાં. અરે! ક્યાંય પણ જવાનું હોય તેનું પ્લાનિંગ પણ કરી લેતાં. એકબીજાને જણાવ્યા વિના ક્યાંય ન જતાં.
પણ આજે? આજે તો તું મને જાણ કર્યા વગર એકલી જતી રહી. સાવ જ છેતરીને? અરે! એવી રીતે ગઈ કે દોસ્ત તને વળાવવા પણ ન આવી શકું ને વળગી પણ ન શકું. અહીં જ અટકી ગઈ છું દોસ્ત, આવજો તો શું કહું?
== યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

હર્ષદરાય.. આઉટ

“માફ કરજો દાદા” ઘરડાંઘરમાં પીરસનાર છોકરી બોલી. ગાજરનો હલવો પીરસતા સહેજ હર્ષદરાયના હાથ પર પડી ગયો. હર્ષદરાયનું સ્વભાવ મુજબ જરા મોઢું પણ બગડ્યું, પણ એમની નજર એના કાંડાં પરની ગાજર જેવા રંગની બંગડીઓ પર ગયું ને એમને કંચનનો હાથ યાદ આવી ગયો. મારી કંચન પણ આ જ રંગની બંગડીઓ પહેરતી ને વળી વચ્ચે સોનાની એક એક. આ રંગ એનો ફેવરિટ. મને આ રંગ ઓળખતા પણ એણે જ શીખવ્યું હતું. વિવાહ થયા ત્યારે એ માંડ સત્તરની ને હું અઢારનો. વર્ષ પછી લગ્ન થયાં. પહેલવહેલી ગિફ્ટમાં હું લાલચટક સાડી લઈ આવ્યો ત્યારે ફટ બોલી પડેલી, “મને બહુ ગમી પણ ગાજર કલર નહોતો?” ત્યારે મને જરાય ખબર નહોતી એ રંગ વળી કેવો હોય! પણ એ તો સાથે આવી અને દુકાનદાર પાસે મગજમારી કરીને પણ રંગ બદલાવીને જ રહી. મને થયેલું, ‘શું ફેર પડે? રંગ ગાજર હોય કે લાલ. સરખો જ લાગેને. એમાં શું સમય બગાડવો? પણ વાત તો એની સાચી જને, કે ખર્ચો કરીએજ છીએ તો ગમતું કેમ ન લેવું? કંચન એની દરેક વાતમાં સ્પષ્ટ. ગમે તે જ ગમે. વળી કરકસર પણ કરી જાણે. જૂનાં કપડાં પર કઈ રીતે અવનવું ભરતકામ કરીને, કે એને રંગીને નવાં કરવાં એ એનો કસબ. રસોઈમાં પણ ગજબ કુશળતા! વધેલી વાનગીમાંથી ટેસ્ટી નવી વાનગી બનાવી દેતી. હું હસતો, ‘હું જૂનો થઈશ તો?’ ખડખડાટ હસીને એ કહેતી, ‘એકબીજામાં નવું શોધતાં શોધતાં સાથે જૂનાં થઈએ એટલે જૂનાં ન કહેવાઈએ.’
એણે કેટલી ખૂબીથી મારો સંસાર સાચવ્યો! મારે સરકારી નોકરી એટલે વારેવારે બદલીઓ થાય. બે દીકરીઓની સ્કૂલ બદલવાની, ઘર બદલવાનું, ગામ બદલવાનું. મને નવી જગ્યા અને નવા લોકો સાથે ભળતા બહુ વાર લાગે, પણ કંચનને કદી અઘરું નહોતું લાગ્યું. એને તો હંમેશ ઉત્સાહ રહેતો. બધા સાથે પળમાં ભળી જતી.
નવા ઘરે એ સૌથી પહેલાં રસોડાનો સામાન છૂટો પાડી કંસાર રાંધતી. હું કહેતો પણ, ‘આ બધું રહેવા દે. બહારથી ખાવાનું લઈ આવીએ ને માણસો બોલાવી જલદી ઘર ગોઠવાવી લઈએ. મને થોડીવાર પણ અસ્તવ્યસ્ત ગમતું નહીં. પણ એતો ધીમેથી બધો સામાન કાઢી જાતે નવેસરથી ઘર ગોઠવતી. મને તો મારી ચીજ બિલકુલ નક્કી કરેલી જગ્યાએ જ જોઈએ એટલે એને એ સૌથી પહેલાં ગોઠવી દેતી. હું ફક્ત એક કામ કરતો. બહાર મારા નામની નેઇમ પ્લેટ લગાડતો. એની નીચે ઇન…આઉટ..રહેતું જેનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરતો. ઘરમાં હોઉં તો ઇન અને જેવો બહાર નીકળું કે આઉટ થઈ જતું. એમાં મીનમેખ નહીં.
જોકે, આખી જિંદગી એણે મને બહુ સાચવ્યો. મને નહીં, દીકરીઓને ભણાવવા કે એમના માટે મુરતિયા શોધવા કે પરણાવવા જેવી બધી જ જવાબદારી એણે જ લીધી. કદાચ હું ફક્ત એના હાથમાં કમાણી મૂકતો. મને મારા રૂટિનમાંથી કહો કે મારી ઘરેડમાંથી નીકળવું બહુ ગમતું નહીં. જરાય કંઈ ખોરવાય એ ફાવતું નહીં. પછી તો દીકરીઓને ત્યાં બાળકો થયાં. મને ગમતાં પણ તેઓ મારો સ્વાભાવ જાણતી એટલે ઘરે ઓછું આવતી. એમની એક જ ફરિયાદ હોય, “પપ્પાજીને બધું વ્યસ્થિત જોઈએ. બાળકોને કેટલું સમજાવીએ? ડાઇનિંગ ટેબલ પર કેવું શિસ્ત જોઈએ? જમતી વખતે બરાબર પીરસાયેલું જોઈએ ને સહેજ પણ અવાજ કે…” પણ કંચન બધું સાચવી લેતી. મારા સમ આપીઆપીને, આગ્રહ કરીને બોલાવતી ને મને હંમેશ કહેતી કોઈવાર તો અસ્તવ્યસ્ત જીવો.”
કંચન તો કંચન જ. કંચનની સત્તર વર્ષની મુલાયમ ચામડીથી લઈ સિત્તેરની કરચલી પડી ત્યાં સુધી એણે મારી કોઈ વરણાગી પર કરચલી ન પડવા દીધી. એ તો વારે વારે કહેતી, “ભગવાન પાસે મારો ચૂડીચાંદલો અમર રહે એવું માંગ્યું છે, એટલે હું પહેલી જઈશ. ત્યારે તમે મને ગાજર રંગની સાડી ઓઢાડજો. આવી જ મેચિંગ બંગડી ને ચાંદલો. એ તો મારી દીકરીઓ સજાવશે.” ને ખડખડાટ હસતાં હસતાં કહેતી, “હં ને, પછી સ્મશાન પણ ન આવો તો ચાલશે, તમારું રૂટિન અટવાશે.”
હું પણ હળવાશથી કહેતો, “પછી મારો સમય કોણ સાચવશે?”
આમ કંચનને કારણે મજાનું લગ્નજીવન ચાલતું, વળી દીકરીઓ આવી નવા રંગો પૂરી જતી.
એમાં અમને બંનેને આ કોરોના વળગ્યો. હું બચી ગયો પણ કંચનને એ ભરખી ગયો. ઓહ…! હોસ્પિટલથી એમ જ જતી રહી કહ્યા વગર ને ના ઓઢાડી શક્યો તારી ગાજર રંગની સાડી, સૉરી.
“ઓ કંચન, હવે એકલા કેમ રહેવું? તારા વગર ઘર ખાવા દોડે. દીકરીઓ, જમાઈઓ તો ખૂબ આગ્રહપૂર્વક બોલાવે છે પણ મને કોઈના રૂટિન પ્રમાણે તારી જેમ જીવતા ન આવડે. કંચન! આખરે પાડોશી સુરેશભાઈએ સલાહ આપી, ‘હર્ષદ,તારું આટલું સરસ તો પેન્શન આવે છે. સારી ફેસિલિટીવાળા ઘરડાંઘરમાં શિફ્ટ થઈ જો. ત્યાં તારું બધું રૂટિન સચવાઇ જશે ને અહીંથી નજીક તો છે.’
ને હું અહીં આવી ગયો છું કંચન. હવે હર્ષદરાય.. આઉટ”
ફરી પીરસવા આવેલી પેલી નાની છોકરીએ કહ્યું, “દાદા, હજુ હાથ પર હલવો રહેવા દીધો? આમ ચાટી જાઓને.”
હર્ષદરાય એની સામે જોઈ રહ્યા ને ખરેખર આ રીતે ચાટતાં બોલ્યાં, ” અરે વાહ! મજા આવી ગઈ. તું ભણવા નથી જતી? તારું નામ?”
“હું કાજલ, જાઉં છું ને સ્કૂલે… એ તો કોઈની હેપી બર્થડે હોય કે કોઈના સગાનું મરણ થાય તો એની યાદમાં ઘરડાઘરમાં લોકો મીઠાઈ જમાડવા આવે છે. મારી મમ્મી આમ તો ઘરે ટિફિન સર્વિસ આપે છે પણ અહીંનો મિઠાઇનો ઓર્ડર લે છે. આજે રજા છે એટલે હું આવી. મને પીરસવાનું બહુ ગમે. તમારે કોઈ ઓર્ડર હોય તો કહેજો.”
ભોળે ભાવે કાજલ બોલ્યે જતી હતી, એની મમ્મીએ આવી એને રોકી.
હર્ષદરાયે એ બહેનને પૂછ્યું, “તમે રોજ બે ટાઈમ ટિફિન પહોંચાડી શકો? અહીંથી નજીક જ છે.”
ને બીજે દિવસે હર્ષદરાયની આંગળી હર્ષદરાય ‘આઉટ’ પર મુકાઈ, ઈન તરફ ખસેડવા…
– યામિની વ્યાસ S

Leave a comment

Filed under Uncategorized

માસ્ટરલી ઈનએક્ટિવિટી

: કુછ ના કરો, કુછ ભી ના કરો અઢારમી સદીનાં કવિ વિલિયમ કાઉપર એવું કહી ગયા કે ડૂઇંગ નથિંગ વિથ અ ડીલ ઓફ સ્કિલ. એટલે એમ કે જથ્થાબંધ કૌશલ્ય સાથે કશું ય ન કરવું! ઇકોનોમિસ્ટ પૉડકાસ્ટર ટિમ હાર્ટફોર્ડે તાજેતરમાં આ બાબતે ચર્ચા કરી અને અમને શબ્દ મળ્યો. માસ્ટરલી ઈનએક્ટિવિટી (Masterly Inactivity). ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘માસ્ટરલી’ એટલે ઉસ્તાદને શોભે એવું, ખૂબ નિષ્ણાત, કુશળ, પ્રવીણ. અને ‘ઈનએક્ટિવિટી’ એટલે નિષ્ક્રિયતા, આળસ, સુસ્તી, ક્રિયાશૂન્યતા. અહીં ચોથો અર્થ જ પ્રસ્તુત છે અને એ છે ક્રિયાશૂન્યતા. મને આવડત છે, હું ઘણું કરી શકું પણ આ સમયે મારી કાંઇ નહીં કરવાની જરૂર છે. મારા આળસને મારે ખંખેરવાની નહીં પણ સંકોરવાની જરૂર છે. મને એમ થાય છે કે હું કરું, હું કરું પણ નહીં કરવું- એની જરૂર છે. રોજ રોજ સમાચાર આવે છે. સોશિયલ મીડિયા પર ટીકાટિપ્પણ થાય છે. તંત્રનાં છાજિયાં લેવાય છે. જન જન ઓક્સિજન માટે ટટળે છે અને કોવિડ મુક્ત થાય તો કાળી ફૂગ હેરાન કરી નાંખે છે. અને હજી ત્રીજી લહેર આવવાની છે, એવી વાતો છે. હું સરકારને દોષી જાહેર કરું છું. પણ હું કયાં સમજુ છું? હું તો બસ ફરું છું, રખડું છું, એ ય માસ્ક વિના. લગ્નમાં હજીય ૫૦ માણસોની છૂટ છે. શા માટે? છોકરા છોકરી રાજી તો કયા કરે બારાતી? પણ આપણી ધાર્મિક ભાવના જડ છે. અમે તો બેડાં લઈને નીકળીશું. અમે તો રાજકીય રેલી કરીશું. અમે તો ક્રિકેટ રમાડીશું. આ બધાને તો કોવિડ હોસ્પટલ્સમાં ફરજિયાત સેવા કરો- એવી સજા થવી જોઈએ. ભલે ઘરમાં બંધ રહીને કંટાળી ગયા છે સૌ કોઈ. પણ લખી રાખો કે એનો એક માત્ર ઉકેલ છે માસ્ટરલી ઈનએક્ટિવિટી. આ બ્રિટિશ રાજનો શબ્દ છે. સને ૧૮૬૦-૭૬ દરમ્યાન લોર્ડ જ્હોન લોરેન્સ ભારતનાં ગવર્નર જનરલ અને વાઈસરૉય હતા. અફઘાનિસ્તાન પણ ભારતનો જ હિસ્સો હતો. સને ૧૯૬૨ માં જ્યારે એનાં આમીર દોસ્ત મોહમ્મદ ખાન મૃત્યુ પામ્યા તે પહેલાં વારસદાર તરીકે તેઓએ તેમનાં ત્રીજો દીકરા શેર અલીને ગાદી સોંપવાનો આદેશ કર્યો હતો. લોર્ડ લોરેન્સે શેર અલીને માન્યતા આપી. પણ શેર અલીનાં બે મોટા ભાઈઓ અફઝલ અને અઝુમે બળવો કર્યો અને અફઘાનિસ્તાનનો ઘણો હિસ્સો કબજે કર્યો. લોર્ડ લોરેન્સે એમને પણ માન્યતા આપી પણ શેર અલીની માન્યતા ચાલુ રાખી. એમણે કહ્યું કે અમે વચ્ચે ન પડીએ, તમે અંદર અંદર લડી લ્યો અને જે જીતે વોહી આમીર ખાન! પછી એવું થયું કે શેર અલીએ બધાને હરાવીને આખા અફઘાનિસ્તાન પર ફરી કબજો મેળવ્યો તો એને પણ માન્યતા આપી. આ હતી માસ્ટરલી ઈનએક્ટિવિટી નીતિ. હા, તેઓ સદા જાગરૂક હતા, સદા સાવધાન હતા. પણ વચ્ચે પડવું નહીં. અમથું નુકસાન શાને વેઠવું? પણ પછી રશિયાની ઘૂસણખોરી વધી તો બ્રિટિશ શાસને લોર્ડ જ્હોન લોરેન્સ અને એમની સાથે એમની હવે જાણીતી થઈ ગયેલી માસ્ટરલી ઈનએક્ટિવિટી નીતિને પણ- રવાના કર્યા. પછી બ્રિટન અફઘાનિસ્તાનમાં યુદ્ધે ચઢ્યું અને પછી માસ્ટરલી એક્ટિવિટી કરીને રશિયાને દૂર રાખ્યું. પછી આ શબ્દ તબીબી વિજ્ઞાનમાં આવી ગયો. શરીર છે. રોગ થાય. થોડી રાહ તો જુઓ. તબીબી જીપી (જનરલ પ્રેક્ટીશનર) પાસે જશો એટલે ફટ દઈને ઇન્જેકશન અને સટ દઈને એન્ટીબાયોટિક્સ. બધાને ફટાફટ અને સટાસટ સાજા થવું છે. જો કોઈ સાદા ડોક્ટર વાર લગાડે તો એ નકામો છે એમ કહીને લોકો બીજે જાય છે. બાટલો ચઢાવે તે ડોકટર સારો. અરે સાહેબ, શરીરે પોતે રીપેરકામ કરે જ છે પણ આપણે ધીરજ ધરતા નથી. માસ્ટરલી ઈનએક્ટિવિટી અહીં મદદ કરશે. ફરીથી કહું કે સાવ નચિંત થવાની જરૂર નથી. થર્મોમીટર, ઓક્સિમીટરનો ઉપયોગ કરી શકાય. આરટીપીસીઆર પણ કરાવી શકાય. લોહીની તપાસ જરૂરી ન હોય તોય કરાવ્યે રાખવી યોગ્ય નથી. જરા તાવ આવે એટલે દોડી ગયા છાતીનાં ફોટા પડાવવા. માસ્ટરલી ઈનએક્ટિવિટી જરૂરી છે. ફરીથી કહું છું સાવધાની અને જાગરૂકતા પણ જરૂરી છે. એમ સાવ નચિંત થઈ જવું એ ઈનએક્ટિવિટી છે પણ એ માસ્ટરલી નથી. માસ્ટરલી ઈનએક્ટિવિટી શબ્દ બાળઉછેર માટે પણ વપરાય છે. આપણે બાળકનું બહુ ધ્યાન રાખીએ છીએ. એનાં મિત્રો કોણ બને એ પણ આપણે નક્કી કરીએ. શિક્ષક બરાબર ભણાવે છે કે નહીં? માર્ક ઓછા મળે તો શિક્ષકનો વાંક. બાળક માટે માબાપ જાણે કાયમ હાજરાહજૂર. આવા માબાપને હેલિકોપ્ટર પેરન્ટ્સ કહેવાય છે જે સદાકાળ હેલિકોપ્ટરની જેમ હોવર કરતાં રહે છે. માસ્ટરલી ઈનએક્ટિવિટી એનાથી બરાબર ઊલટો શબ્દ છે. બાળકોને જાતે વિચારવા દો . એમની કિટ્ટા બૂચ્ચા એ એમનો વિષય છે. માબાપને માલૂમ થાય કે એમને ઠરીને જીવવા દો. એમની રીતે જીવવા દો. કયાં સુધી ચમચીથી ખવાડશો? ફરીથી કહું છું સાવધાની અને જાગરૂકતા તો જરૂરી છે જ. આ શબ્દ સ્પોર્ટ્સમાં પણ આવી ગયો. ફૂટબોલમાં ગોલ કિક આવે છે. પ્લેયરની ફરજ છે કે એક લાત મારીને ફૂટબોલનો ગોલ કરવો. ગોલકીપરની ફરજ છે કે ફૂટબોલને કોઈ પણ રીતે અટકાવવો. ગોલકીપર કાં જમણી બાજુ ડાઈવ મારે અથવા ડાબી બાજુ ડાઈવ મારે. પણ ફૂટબોલ એની બીજી બાજુ આવે અને ગોલ થઈ જાય. ગોલકીપર ત્યાંનો ત્યાં જ ઊભો રહે તો? આ માસ્ટરલી ઈનએક્ટિવિટી છે અને એનાથી ગોલ થતો અટકાવી શકાય છે. પણ જો ગોલ થઈ જાય તો ટીકા ય થાય કે એ આળસુની જેમ ઊભો રહ્યો. જો કે સાવધ તો રહેવું જ જોઈએ. હેં ને? કામ કામ ને કામ. કદી બાળકો પાસે બેસી જુઓ. વહેલી સવારે કે મોડી સાંજે સૂર્યની એક્ટિવિટીને જોઈ જુઓ. ઘરકૂંડામાં ફૂલ ઊગ્યાનો ઉત્સવ મનાવી જુઓ. એકાદ બળવાખોર કવિતા લખી જુઓ. પતિ અને પત્ની એક ચોખાનો દાણો લાવે અને એક દાળનો દાણો લાવે અને પછી બનાવે બસ ખીચડી અને બચેલો સમય કોઈની નિંદા કરીને સુખ મેળવી લિયે. અકારણ હસવું, બેતહાશા હસવું- જેવી બીજી કોઈ પણ માસ્ટરલી ઈનએક્ટિવિટી નથી. શબ્દશેષ:“સતત કર્મશીલ વ્યક્તિ, મેં જોયું છે કે ભાગ્યે જ નમ્ર હોય છે, એવી સ્થિતિઓમાં પણ, જ્યારે કશું ય કરવું બહુ મોટી ભૂલ હોય… અને ત્યારે એણે માસ્ટરલી ઈનએક્ટિવિટી અપનાવવી જોઈએ.’ –કેનેડિયન લેખક રોબર્ટસન ડેવિસ

Leave a comment

Filed under Uncategorized

ચૌદમા વર્ષમાં પ્રવેશે…

બરાબર જુલાઇ ૨૮ , ૨૦૦૮ થી શરુ થયેલી ‘નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક’ , આજે તેર વર્ષ પૂરાં કરી,‘ચૌદમા’ વર્ષમાં પ્રવેશે છે. એક-એક કરતાં તેર વર્ષ આપ સહુના સ્નેહ અને સાથના પ્રતાપે વીતી ગયાં. શ્રદ્ધા સાથે આ યાત્રા આજ સુધી ચાલુ રાખી છે અને શક્ય બનશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું નિર્ધાર્યું છે.સમય ફાળવીને આપ સહુ રચનાઓ વાંચવા જે રીતે અહીં પધારો છો એ જ રીતે થોડી પળ વધુ કાઢીને આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…
પડતા આખડતાં ભૂલો કરતા, સુધારતા, શીખતા તેર વર્ષ પુરા થયા તેનો સંતોષ છે.અમે, સૌ સર્જકોના, સંપાદન કાર્યમાં સદાયના સહાયક સ્વજનોના અને દેશ વિદેશે પથરાયેલા સૌ ગુજરાતી રસીયા વાચકોના ઋણી છીએ.. આપનો સ્નેહ સાંપડતો રહેશે તેવી અભ્યર્થના ધન્યવાદ

અફસોસ કે  કોરોના પ્રકોપે  ઘણા મિત્રો  આપણી વચ્ચે નથી..

 

Happy 14th Birthday Images, Stock Photos & Vectors | Shutterstock

 ચૌદ માં વર્ષ પ્રવેશે ગુંજે ચૌદ ભવન –  ચૌદ સ્વપ્નો

માડી તારાં નવનવ ખંડે થાણાં
કે ખંડ ખંડ અભરે ભર્યા રે લોલ,
માડી તારી જ્યોતે ઝળકયાં વાણાં
કે વાણલાં મંગળ કર્યા રે લોલ–

સૂરજના સાત સાત રંગોથી રંગેલી
ચૂંદડી તે ઓઢી નિરાળી,
ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતી
ટીલડી તેં ચોડી રૂપાળી,
માડી તારાં નીલમ નમણાં નેણાં
કે નેણલે અમી ઝર્યા રે લોલ

ઘૂઘવતા દરિયાના સૂર સમી ગાજતી
ચેતનવંતી તારી તાળી,
આખું બ્રહ્માંડ એવી તાળીઓના તાલે
તે નાચંતું કીધું નેહ ઢાળી,
માડી તારા કંઠે સૂરની હેલી
કે હેલીએ હૈયાં હર્યા રે લોલ

પાંચ પાંચ તત્ત્વોની માંડવડી લઈ તું
આભ અને ધરતીને ઘેરે,
ત્રણ ત્રણ લોકનાં એક એક કણમાં
તું કીરપાનાં કણકણ વેરે,
માડી તારાં કુમકુમ પગલાં જોયાં
ને જોઈને નયણાં ઠર્યાં રે લોલ

-ભાસ્કર વોરા

*****

(ચૌદ ભવન-ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક વા બ્રહ્મલોક, અતલ,વિતલ, સતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ )

(માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે, તેથી સ્વપ્નો આવે છે. સ્વપ્ન શાસ્ત્ર માં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેના નામ ગજ , વૃષભ કેસરી .લક્ષ્મી  પુષ્પની માળા  ચંદ્ર,  સૂર્ય, ધ્વજ , કુંભ , પદ્મ સરોવર,  સમુદ્ર,  વિમાન  રત્નનો ઢગલો અને  પ્રજ્વલિત અગ્નિ.)

May be an image of 2 people
20+ "Suresh Jani" profiles | LinkedIn

34 ટિપ્પણીઓ

Filed under Uncategorized

પોસ્ટમોર્ટમ

પોસ્ટમોર્ટમ
સવારે ડૉક્ટરકાકા સાયકલ પર વિઝીટે જતા. સરકારી દવાખાનામાં ડૉકટરને રિટાયર્ડ થવાને દોઢ વર્ષ જ બાકી હતું પણ ફરજ પર એમના જેટલા નિયમિત કોઈ નહીં. આટલા વર્ષની નોકરીમાં ભાગ્યે જ રજા લીધી હશે. એમની બધી રજા લેપ્સ જતી. એમને એ બાબત કોઈ પૂછે તો જવાબ આપે, “સામે આખી નદી વહેતી હોય એ બધું પાણી પી થોડું જવાનું હોય! રજાને દિવસે પણ કોઈને જરૂર હોય તો દવાખાનું જાતે ખોલી એને દવા આપે. પટાવાળા કે કમ્પાઉન્ડર તો હોય નહીં. તેઓ પણ સાહેબની અતિ ફરજપરસ્તીથી કંટાળતા ને ડૉક્ટરકાકાના ઘરવાળા પણ. લગ્ન, મરણ કે સામાજિક પ્રસંગે પણ તેઓ જવાનું ટાળતા. એમના પત્ની તો હસવામાં કહેતાં, “પોતાના ખુદના લગ્નમાં હાફ સી.એલ લીધી હતી, બોલો. તો કોઈના લગ્ન માટે તો ક્યાંથી લે? મૃત્યુ માટે તો કાયમ કહે, “એકલા આવ્યા ને એકલા જવાના.” વળી કહેતા, “મરીશ ત્યાં સુધી કામ કરીશ. ડૉકટર કદી રિટાયર્ડ થતા જ નથી.”
એમને એક દીકરો સૌમ્ય. એ પણ એમના જેવો જ. જ્યારે પણ કોઈને જરૂર હોય ત્યારે દોડી જાય. ભણવામાં તે જ એણે પણ મેડીકલમાં એડમિશન લીધું. પપ્પાની જેમ જ સેવા કરવી હતી.
એકવાર ડૉક્ટરકાકાના મિત્ર ખૂબ ધનિક બિઝનેસમેન પરિવાર સાથે ઘરે આવ્યા. તેઓ પણ પતિપત્નીને દીકરો રાજ. વર્ષો પછી બે પરિવારો મળ્યા. ખૂબ આનંદ થયો. ડૉક્ટરકાકાના મિત્રને ડૉક્ટરકાકાની સાદી રહેણીકરણી ખૂબ ગમી ગઈ. સાદું ભોજન અને તનતોડ મહેનત. ડૉક્ટરકાકાના મિત્ર રાજને સૌમ્યનું ઉદાહરણ આપી સમજાવતા. દીકરા આપણે પણ આ રીતે રહેતા શીખીએ. જો કેવું ખડતલ શરીર છે! વળી ડૉક્ટરકાકા બોલ્યા, “યોગ, પ્રાણાયમ, કસરત નિયમિત કરવી જોઈએ. વળી તરવા કે સાયકલ ચલાવવા જેવા વ્યાયામ પણ. બસ કાર લઈ ભગાડવી એ નહીં ને વળી હમણાં તો કેવી કેવી બાઇક નીકળી છે! બાપરે! તે પણ હેલ્મેટ વગર. બેટા, તું હેલ્મેટ તો પહેરે છેને? જરૂર પહેરવી જ.”
ત્યારે રાજના પપ્પા બોલ્યા, “અરે! જીમના કેટલાય રૂપિયા ભરીએ પણ ભાઈ તો…બાઇક લઈ રાજા બની જાય. એ ભગાવે… એ ભગાવે…” રાજને આ વાત ખટકી. અપમાનજનક લાગ્યું. ઊભો થઈ ગયો અને પોતાના ઘરની વાટ પકડી. ડૉક્ટરકાકા ગળગળા થઈ ગયા. એમણે માફી માંગી. એમના મિત્ર બોલ્યા, “અરે! તારી પાસે બહુ શીખવાનું છે, દોસ્ત.” કહી એમણે રજા લીધી. એટલીવારમાં ડૉકટરકાકાના કેટલા પેશન્ટસ આવી ગયા ને તેઓ કામે વળગ્યા. એ જ સમયે એક પોસ્ટમોર્ટમ આવ્યું. પાણીમાં ડૂબેલી ફૂલી ગયેલી લાશ હતી. ડૉકટરકાકા ફક્ત એ કામમાં કંટાળતા. કેટલા દિવસની, કેવી લાશ! મોઢે, નાકે માસ્ક હોય પણ એ ગંધ કેટલા દિવસ સુધી એમને વળગી રહેતી. તેઓ કહેતા, “લોક આ રીતે કેમ મરતા હશે? એ પણ ઓળખાય નહીં એવી લાશ? અરે! જીવન એવું જીવીએ કે પોસ્ટમોર્ટમ સુધીનો વારો ન આવે.”
સાંજે પાછા દવાખાને આવ્યા ત્યારે રાજ ધુંઆપુંઆ થતો આવ્યો અને હેલ્મેટ ટેબલ પર અફાળી કંઈ કેટલુંય ડૉકટરકાકા સાથે લડી ગયો અને એટલી જ સ્પીડમાં ગયો. ડૉક્ટરકાકા જેનું નામ. એ બધું ભૂલી પેશન્ટ તપાસવામાં પરોવાયા. મોડે સુધી એમનું કામ પતાવી ઇન્જેક્શન મુકવા વિઝીટે ગયા અને કામ પત્યાની હાશ માણવા ગયા ત્યાં જ પટાવાળો કહેવા આવ્યો, “સાહેબ, એક પોસ્ટમોર્ટમ છે. ડૉક્ટરકાકાના મોઢા પર અણગમતો ભાવ જોતા કહ્યું, “સાહેબ, લાશ તાજી છે.” ડૉકટરકાકા પહોંચ્યા ને જોયું તો રાજ.” એમનાથી ચીસ પડાઈ ગઈ અને ટેબલ પર અફળાયેલું ઊંધું પડેલું હેલ્મેટ ધીમે ધીમે હલતું હતું.
— યામિની વ્યાસ v

Leave a comment

Filed under Uncategorized

લાલ

ધીમહિ દોડતી સ્કૂલેથી દોડતી આવી સ્કૂલબેગ ફેંકી એના રૂમમાં ગઈ. યુનિફોર્મ બદલવા ગઈ પણ સ્કર્ટ પર પડેલા લાલ રંગના ડાઘ જોઈને નવાઈ પામી. એણે સ્કર્ટ ફેરવી જોયો.ખુશીથી બોલી ,”હા, આ તો પિન્કીએ કાનમાં કહેલી વાત. ઓ હું પણ આ ગ્રુપમાં આવી ગઈ.”સ્કૂલમાં સહેલીઓ આ બાબતે ગુસપુસ કરતાં ત્યારે ધીમહિ એના અનુભવો શેર ન કરી શકતી.એને થયું,”હા, હવે હું પણ અમારી ગુસપુસ સમિતિની મેમ્બર.” હવે આ વાત પહેલા કોને કહું,એ વિચારે ચઢી.મમ્મી તો જોબ પર ગઈ હતી.દોડતી નાની પાસે સ્કર્ટ લઈને ગઈ.
‘ઓ નાની જો મારામાં..’
‘ઓહ બેટા.. થાય આ ઉંમરે.. તું માથે બેઠી..’
‘ કોના? ઉભી તો છું !’
‘ગુડ્ડુ, હવે ઉછળકૂદ નહી તું મોટી થઈ ગઈ .’
‘એટલે જ જાઉં છું બાસ્કેટબોલ રમવા .’
‘અરે સાંભળ, ઊભી રહે,’લે આ કપડું પહેરી લે તારી મમ્મી આવે પછી પેલું શું કહે છે..?’
‘ અરે સેનેટરી પેડ ..! લઈ આવું છું સામે તો શોપ છે નાની!’
‘ તું લેવા જઇશ જાતે? તને સંકોચ નહીં થાય!’
‘ નાની વારેવારે તને શરદી થાય છે તો તું રૂમાલ નથી ખરીદતી જાતે ?’
‘સારું, ઘરમાં ક્યાંય અડીશ નહીં’
‘વૉટ?’
‘ સારું,માટલે ને પૂજાઘરમાં ન અડીશ ..ને મને પણ નહીં’
‘નાની તને અડવાની ઇમર્જન્સી આવે તો?’
‘તો રેશમી કપડાં પહેરીને અડાય. અમારા વખતમાં નાના બચ્ચાંને મા રેશમી કપડાં જ પહેરાવી રાખતા.’
‘ઓ નાની કપાસ ફૂલ બનાવે એ કોટન કપડાં ના ચાલે.. એ તો પ્યોર વેજ ..પણ કીડો બનાવે એવાં રેશમી કપડાં ચાલે ..નોનવેજ! હેં ને!’
‘અરે અમારા જમાનામાં આવો અડકાબોળો ના ચાલે .અમારે તો કંતાનના ગાદલા પર સૂવાનું, જુદા બેસીને ખાવાનું,પાણી કે ચીજવસ્તુ પણ દૂરથી જ આપે! ‘
‘ઓ વાઉ ..! આમ આઇસોલેટ થઈ ચેટ કરવાની કેવી મજા!
તું નાની આપજે મને મોબાઈલ અનટચ કરીને..’
‘ અરે અમે તો રાહ જોતા ક્યારે ત્રણ દિવસ પૂરા થાય ને માથાબોળ નાહી લઈએ !’
‘એમાં શું નાની ત્રણ દિવસ ટેરેસ પર એકલા ટહેલવાનું?’
‘નારે ..કોઈનાં અથાણાંનાં ચીરીયા કે પાપડ સુકવ્યા હોય તો ઓળા પડે .’
‘એ બધું ના સમજાયું.. પણ નાની તારે તો કથા કે પૂજા બહુ કરવાની હોય,તું તો કહે છે કે ના અડાય તો પિરિયડ હોય તો તમે શું કરતાં?’
‘અરે નકોરડા ઉપવાસ કરતાં.. એક ઉપવાસ એટલે એક દિવસ ઓછો પાળવાનો ને રાત્રે આભમાં તારાને જોઈને તારાસ્નાન કરતાં એટલે શુદ્ધિકરણ થઈ જાય .’
ધીમહિ તરતજ,’તે હું તો રોજ રાત્રે શાવર લઉં છું ને વાળ લૂછતાં બાલ્કનીમાં તારા તો જોઉં છું ..તો હું….!’
‘એવું નહીં બેટા ધીરે ધીરે તને સમજાશે.’
‘ઓકે નાની તારી બધી વાત ધીમે ધીમે સમજવાની ટ્રાય કરીશ.’
‘ને સાંભળ છેલ્લી વાત છોકરાઓથી દૂર રહેજે કંઈ ઊંચનીચ થઈ જાય તો ..’
‘નાની કેમ હવે? પહેલાનું ઊંચનીચ ચાલે?’
‘ હે ભગવાન હવે તને કંઈ કહેવું નથી,તારી મમ્મી આવી તને સમજાવશે.’
‘ઓકે બીજું શું ધ્યાન રાખવાનું?’
‘કોઈનું મૃત્યુ થાય ને તો એના અંતિમ દર્શન કરવા નજીક ના જવાય આવું હોય ત્યારે..’
‘ત્યારે તો એની વિદાય માટે ત્રણ દિવસ રાહ જોવાની ?’
‘અરે ભગવાન આવી તો ઘણી બધી વાતો છે,તું પૂછ પૂછ ના કર.’
‘શું નાની?’
એટલું બધું છે કે, તને કેમ સમજાવું ?હજુ તો….
મારું તો વહેલું ગયું ને એ સારું..’
‘એ જ તો મારામાં આવ્યું નાની !’ બોલતી ધીમહિ સામેની દુકાનેથી નેપકીન્સ ખરીદી લાવી.આવી ત્યારે નાની ભગવાનને પ્રાર્થના કરતાં હતાં,’સાચવજે મારી ફૂલ જેવી દીકરીને, આજના જમાનાની છે,થોડી નાસમજ અને બહુ ભોળી છે!’
ધીમહિ તો અંદર જઈને ખૂબ સરસ તૈયાર થઇને આવી લાલ ડ્રેસમાં.
નાનીને બહુ નવાઈ લાગી,’ઓ દીકરા,બહુ રૂપાળી લાગે છે આ નવા લાલ કપડામાં.’
‘નાની તમે આ રીતે રેડી નહીં થતાં?’
‘બેટા,અમારા જમાનામાં તો જુના કપડાં પહેરી ખૂણામાં બેસી રહેતાં, કોઈને અડકાઈ જાય તો તેણે નાહી લેવું પડે. ખાવાનું પણ ત્યાંજ, અડાય નહીં એ રીતે આપી જાય.ને પોતાના વાસણ જાતેજ માંજવાના ને કપડાં પણ જાતેજ અલગથી ધોવાના.’
‘ને મમ્મી?’
‘તારી મમ્મીને હું થોડી છૂટ આપતી.’
ધીમહિ નાનીને વળગતાં બોલી ‘નાની,તો મને બધી છૂટ હેં ને? જો મોબાઈલ ચાલુ છે આપણી વાત મમ્મી ક્યારની સાંભળે છે અને આવી રહી છે બધાને ભેગા કરીને સેલિબ્રેટ કરવા અડકાબોળો.!!. મારા ફ્રેન્ડસ, ટીચર્સ, રિલેટિવ્સ બધા ..રેડ કોસ્ચ્યુમમાં ..રેડ રોઝ સાથે ..નાચીશું,ગાઈશું,જલસા કરીશું…’
ટીંગટોંગ ..
‘જો બેલ પડયો ..નાની તું બારણું ખોલ.. હું મ્યુઝિક ચાલુ કરું ..સનેડો સનેડો લાલ લાલ સનેડો !’

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

સાંજને રોકો કોઈ

‘નિરાંત’ ઘરડાંઘરનો સૂરજ નિરાંતે જ ઊગતો. કોઈ ઉતાવળ નહીં, કોઈ ભાગદોડ નહીં. રોજની માફક જ પ્રફુલદાદા પ્રાણાયામમાં ને કલાદાદી પૂજાપાઠમાં વ્યસ્ત. બાજુની પાટ પર હરિદાદા સૂતા હતા ને અન્ય વૃદ્ધો ધીમે ધીમે પોતાનું કાર્ય કર્યે જતા. પ્રફુલદાદા ને કલાદાદી ઘણાં વર્ષોથી અહીં રહેતાં. એમનાં દામ્પત્યની મીઠી નોક્ઝોક અને બીજા માટે કંઈ કરી છૂટવાનો સ્વભાવ સૌને આકર્ષતો. પૂજા પૂરી થતાં જ કલાદાદી સહેજ નિરાશાથી,’હર હર મહાદેવ, હે કેદારદાદા, ભોળાનાથ તારે દર્શને આવવાની હવે શક્તિ નથી રહી કે નથી સંજોગો. હવે અહીં બેઠાં બેઠાં જ તારી ભક્તિ કરું છું, સ્વીકારજો. ચાલો, હવે બહુ ગઈ ને થોડી રહી’. પ્રફુલદાદા બોલ્યા વગર કંઈ રહે?’હોય કંઈ. થોડી ગઈ ને બહુ રહી કહેવાય, અભી તો હમ…’
‘જવાન નહીં હૈ હમ’ કલાદાદીએ પૂર્તિ કરી. કલાદાદીનો ભરાઈ આવેલો અવાજ સાંભળી, ‘અરે! દીકરો ન રહ્યો તો શું થયું? હું છુંને, ચાર શું, તું કહે એટલાં ધામ જાત્રા કરાવીશ બસ.’ ને દાદીની આંખો લૂછતાં, ‘સો નો રોનાધોના.’ ને કંઈ યાદ આવ્યું હોય એમ હરિદાદાની તરફ ફરી એમનું ઓઢવાનું ખેંચતા બોલ્યા, ‘એ હરિયા, ઊઠ, આજે તો તારો જન્મદિન છે, હેપી બર્થડે.’
હરિદાદા ચોરસો પોતાની તરફ ખેંચતા બોલ્યા, ‘સૂવા દોને, માંડ હમણાં આંખ લાગી છે, રાત આખી જાગતો જ હતો.’
‘તે અલ્યા, તું કહેતો હતોને કે રાત્રે બાર વાગે તને વિશ કરવા તારા દીકરાનો ફોન આવવાનો હતો, તે આવેલો?’
હરિદાદા બેઠા થતા, ‘ના, પ્રફુલભાઈ ના, માફ કરજો, મેં બહુ ગપ્પા માર્યાં, બહુ ડંફાસો મારી, મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન આવવાનો. તમને બધાને હંમેશા જુઠ્ઠું કહેતો રહ્યો. અરે! ફોન તો શું? એઓ મારું મોઢું પણ જોવા નથી માંગતા. મારી પત્નીના અવસાન પછી તો એઓએ મને ઘરમાંથી કાઢી જ મૂક્યો છે. ભાઈ, આજે નહીં તો કાલે તમને આ વાતની ખબર પડવાની જ હતી, પ્રફુલભાઈ, કલાબેન.’ બોલતા બોલતા તો એમની આંખો ભીની થઈ ગઈ.
કલાદાદી સાંત્વન આપતાં, ‘મન ઉદાસ ન કરો ભાઈ, પણ તો તમે કોઈ કોઈવાર ફોન પર વાતો કોની સાથે કરો છો? મને થયું…’
‘અરે ના રે કલાબહેન, એ તો આપણને મળવા આવે છેને કોલેજના છોકરાઓ, એમાંથી એક, બિચારો બહુ ભાવ રાખે છે. એને કહ્યું હતું કે ભાઈ, કોઈ વાર ફોન કરજે, ગમશે. પણ કાલે બિચારો ભૂલી ગયો હશે. આપણાં જ આપણાં ના રહે તો…. અરે, આમ તો આ છોકરાઓ આપણું કેટલું ધ્યાન રાખે છે. બર્થડે તો ઠીક, મારા ભાઈ.’
ને ત્યાં જ આ ઉદાસ વાતાવરણમાં ખુશીઓથી ભરપૂર વવાઝોડું પ્રવેશ્યું. કોલેજનાં ચારેક યુવક યુવતીઓ ‘હેપી બર્થડે, હરિદાદા’ના ગુંજારવ સાથે કેક અને ગિફ્ટ લઈ આવી પહોંચ્યાં. હરિ દાદાને વિશ કર્યું. આરોહી ને રોનકે કેક કાઢી ટેબલ પર સજાવી. સાહિલ ને અનેરીએ બાજુમાં ગિફ્ટ મૂકી. આરોહી બોલી, ‘સૉરી યાર, કેન્ડલ રહી ગઈ લાગે છે.’
કલાદાદી તરત જ બોલ્યાં, “લે આ દીવો, હરિભાઈનો જન્મદિન બુઝાવીને નહીં પ્રગટાવીને મનાવીએ” આરોહીએ દીવો પ્રગટાવ્યો. હરિદાદા પાસે કેઇક કપાવી, રોનકે મોબાઈલ પર મ્યુઝિક મૂક્યું ને વડીલોનો હાથ પકડી ડાન્સ કરાવ્યો. બધાં ખુશમિજાજ, ફ્ક્ત અનેરીનો બહુ મૂડ ન હતો. સાહિલ હરિદાદાને ગિફ્ટ આપે, ‘હરિદાદા, ગિફ્ટ ફોર યુ.’
હરિદાદા આભારવશ ગળગળા થઈ બોલ્યા, ‘દીકરાઓ થેંક્યું, તમે મને દાદા કહો છો પણ મારી પાસે તમને રિટર્ન ગિફ્ટ આપવા કાંઈ નથી, મારી પાસે તો….’
આરોહી બોલી, ‘છેને, આપની પાસે અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે. દાદા, ઘણીવાર થોથાસૂઝ કામ ન લાગેને ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તકો વાંચી તમારે અમને સમજાવવાનું છે.’
‘અને હા, ફિકર નહીં કરો દાદા, પુસ્તક લાઈબ્રેરીનું છે. અઢાર દિવસમાં પરત કરવાનું છે. વાંચી લો, પછી લઈ જઈશું. બીજા દાદાદાદી માટે ને તમને બીજું લાવી આપીશું.’
પ્રફુલદાદા બોલ્યા, ‘આ ખૂબ સરસ વાત, પણ અમને બધાને આપશો તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે તો તમે ક્યારે વાંચશો?’
રોનકે કહ્યું, ‘ઓ દાદા, અમે બધાને અમારા પૉકેટ મનીમાંથી લાયબ્રેરીની ડ્યૂઅલ મેમ્બરશિપ. લીધી છે. એક અમે વાંચીએ અને એક આપ બધા માટે. ચાલો, અમે જઈએ.’
કલાદાદી પ્રસાદનો વાટકો લાવતાં બોલ્યાં, “લ્યો બેટા, પ્રસાદ લેતા જાઓ.’ ને અનેરીને સંબોધીને કહ્યું, ‘કેમ બેટા તું કંઈ નથી બોલતી?’
અનેરીને બદલે આરોહીએ જવાબ આપ્યો, ‘પહેલી વાર આવી છેને. બીજીવાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે.’ અનેરીએ પરાણે સ્મિત આપ્યું. સૌએ વિદાય લીધી. હરિદાદાથી બોલાઈ ગયું, ‘પોતાના પુત્રો કુપુત્ર નીકળે ત્યારે ભગવાન આવા દેવદૂતોને મોકલી આપતો હોય છે.’
કલાદાદીથી ના રહેવાયું, ‘અરે, કેટલાં મીઠડાં છે. અમારો દીકરો હોત તો એને ત્યાંય કદાચ આવડાં છોકરાં હોત. પ્રભુની ઈચ્છા, બીજું શું?’
વૃદ્ધાશ્રમમાંથી નીકળતા જ સાહિલે અનેરીને પૂછ્યું, ‘કેમ અનેરી, તને મજા ન આવી?’ અનેરીને બદલે આરોહીએ જવાબ આપ્યો, ‘એ તો ના જ પાડતી હતી. હું એને ખેંચીને લાવી.’
‘યાર, આઈ લવ સોશિયલ વર્ક બટ આઈ હેઈટ ઓલ્ડીઝ.’ અનેરીની વાત અટકાવતાં આરોહી બોલી, ‘મેં તને પૂછ્યું ત્યારે તું ખુશી ખુશી ગ્રુપમાં જોડાઈ હતી. આપણો હેતુ જ એમના ચહેરા પર ખુશી લાવવાનો છે. જો આ પ્રફુલદાદા અને કલાદાદીનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. હવે એમને કોઈ જોનાર નથી ને હરીદાદા રોજ રાહ જુએ પણ…’
‘આઈ નો બટ… આઈ રિયલી ડોન્ટ નો વ્હાય… બટ આઈ હેઇટ ધીઝ ઓલ્ડ પીપલ, રિંકલવાળા ફેઇસ, ટિપિકલ હેબિટ્સ. ખોંખારો ખાયા કરે, ગમે ત્યાં થૂંકે, બોલબોલ કર્યા કરે, હમારે જમાને મેં બ્લા બ્લા બ્લા…’
રોનક તરત જ બોલ્યો, ‘નો અનેરી, ધે આર ક્યૂટ, તારે દાદાદાદી હોત તો…’
‘આઈ ડોન્ટ નો, હું શું કરત પણ હું જન્મી પણ નહોતી ને પપ્પાએ એમના મમ્મીપપ્પા ગુમાવેલા. નો નેવર, હું બીજીવાર નહીં આવું. અરે, હું જુદું સમજી હતી. મને તો સ્વીટ કિડ્સ, ક્યૂટ ડોગ્સ કે ઇવન બલાઇન્ડ્સ પણ ગમે. એટ લીસ્ટ બ્લેક સનગલાસ પહેર્યા હોય એટલે સારા લાગે.’
સાહિલ વાત અટકાવવા બોલ્યો, ‘છોડો, ચાલો જલદી, ક્લાસનો ટાઈમ થઈ ગયો છે.’
અનેરીએ જવાબ આપ્યો, ‘ઓકે, લન્ચ બ્રેકમાં મળીએ છીએ પિત્ઝાપબ પર, મારા તરફથી.’
આ ચારેયની પાક્કી દોસ્તી. બધે સાથે જ જાય પણ વૃદ્ધાશ્રમની મુલાકાતે ત્રણ જ જાય. આમ તો અનેરીના ઘરેથી કોલેજ જતાં વૃદ્ધાશ્રમ વચ્ચે જ આવે પણ ત્રણેય મિત્રો એને વૃદ્ધાશ્રમ આવવા દબાણ કરતા નહીં.
એક વખત ચારેય મિત્રો ફિલ્મ જોઈને પરત ફરતા હતા. સાહિલ આરોહીને મૂકવા ગયો ને રોનક અનેરીને. રોનકની બાઈક બગડી. બહુ મહેનત કરી પણ વ્યર્થ. અનેરીએ કહ્યું, તું ફિકર નહીં કર. જો પેલ્લું દેખાય મારું ઘર. વૉકિંગ ડિસ્ટન્સ જ છે, જતી રહીશ. પહોંચીને ફોન કરી દઈશ.’
‘સ્યોર?’ એ પ્રોમિસ લઈ રોનક બાઇક ઘસડતો ચાલવા લાગ્યો.
અનેરીએ ચાલતાં ચાલતાં આરોહી સાથે પણ વાત કરી લીધી, છેલ્લે કહ્યું, ’લે, તમારા વૃદ્ધાશ્રમ પાસેથી જ પસાર થાઉં છું.’ એને બાય કહ્યું ત્યાં જ પાછળથી કોઈ મવાલી ધસી આવ્યો. અનેરીને પકડી છેડછાડ કરવા લાગ્યો. અનેરી ખૂબ ગભરાઈ અને ચીસાચીસ કરી મૂકી. ઊંઘ ન આવતા પ્રફુલદાદા બહાર જ આંટો મારતાં હતાં. તે લાકડી ઠોકતા દોડી આવ્યા. મોટેથી ઘાંટો પડ્યો ને મવાલી ભાગી ગયો. કલાદાદી, હરીદાદા પણ દોડી આવ્યાં. અનેરીને અંદર લઈ જઈ શાંત પાડી. અનેરી આભારવશ થઈ કહે, ‘થેન્ક યુ સો મચ, દાદા આપ ના હોત તો…’
કલાદાદીએ હેતે વળગાડી કહ્યું, ‘અરે! અમે હોઈએ તો કોઈ હાથ તો લગાડે અમારી દીકરીને. ચાલ, બહુ મોડું થઈ ગયું છે. ચાલ, મમ્મીપપ્પાને ફોન કરી દે કે તને લઈ જાય. આટલું મોડું એકલા નહીં જવાનું, દીકરા.’ અનેરીએ બધી જ વાતો કરીને કહ્યું, ‘મમ્મીપપ્પા અમેરીકા છે. મારું આ લાસ્ટ યર પતે પછી જઈશ. હમણાં એકલી જ છું અને ઘર સાવ નજીક જ છે, હું જતી રહીશ.’ કલાદાદીએ વ્હાલથી હાથ ફેરવ્યો ને વોચમેનને અને એની પત્નીને ઘરે મૂકવા મોકલ્યા.
બીજે દિવસે જ અનેરી એકલી પહોંચી ગઈ વૃદ્ધાશ્રમ. દાદાદાદી માટે કંસાર લઈને. દાદાદાદીએ એને આવકારી ને કંસાર જેવી વાનગીથી આ પેઢી પરિચિત છે, વળી જાતે બનાવે છે એ જાણી આનંદ વ્યક્ત કર્યો. અનેરીએ પોતાના હાથે ખવડાવ્યો. દરમ્યાન ત્રણેય મિત્રો આવી ગયાં. ખરેખર તો કાલની ઘટના બાબત આભાર માનવા જ આવ્યા હતાં પણ ત્યાં અનેરીને જોઈ સુખદ આશ્ચર્ય થયું. અનેરીએ એમને પણ કંસાર ધર્યો. ‘કંસાર અને તું?’
બધાના ચહેરા વાંચી આરોહી બોલી, ‘યાર, ગુગલ સર્ચ કરી ઓલ્ડીઝને… સૉરી, દાદાદાદીને શું ભાવે એ શોધીને બનાવ્યું.’ કહી ચમચી આરોહીના મોઢામાં મૂકી.
‘ઓયે, આટલો ખારો? મીઠું નાંખ્યું છે, સ્ટુપિડ.’ થૂંથૂં કરવા લાગી. અનેરીએ દાદાદાદી સામે જોયું, દાદાદાદી બોલ્યા, “દીકરીના હાથનું મીઠું જ લાગે. અમે તો છોકરાઓના વહાલના ભૂખ્યા છીએ” સૉરી કહેતાં તો અનેરીની આંખ ઊભરાઈ ગઈ પણ બધાં ખુશ હતાં.
હવે અનેરી પણ નિયમિત વૃદ્ધાશ્રમ આવતી. નજીક જ રહેતી હોવાથી ઘણીવાર એકલી પણ આવતી અને દદાદાદીની નજીક થતી ગઈ. પછી તો રોજ જ જતી. અલકમલકની વાતો થતી. અનેરી દાદી પાસેથી વિવિધ વાનગી, અથાણાં, ભરતગુંથણ, વિવિધ નુસખા વિગેરે શીખતી ને અનેરી દાદાને મોબાઇલમાં જુદી જુદી એપ્સ, ગૂગલ વિગેરે ટેકનોલોજી સમજાવતી. દાદી અનેરીને માથામાં તેલમાલીશ કરતી તો અનેરી દાદીને આગ્રહ કરી ફેસિયલ કરી આપતી.
કોલેજના એન્યુઅલ ગેધરિંગમાં બધાના આગ્રહથી દાદાદાદીએ જવાનું જ. ત્યાં અનેરીએ નાટકમાં કલાદાદીના ગેટઅપમાં દાદીનું પાત્ર ભજવેલું એ જોઈ ખૂબ ખુશ થયેલા.
રોજની જેમ જ અનેરી વૃદ્ધાશ્રમ ગઈ. આજે તે ખૂબ ખુશ હતી. ખાસ તો એટલે કે અનેરી એની બર્થડે માટે દદાદાદાદીને આમંત્રણ આપવા આવી હતી. દદાદાદાદી કાલે મારી બર્થડે છે. તમારે આવવાનું છે. મેં ઘરે જ નાનકડી પાર્ટી રાખી છે.’
દાદી બોલ્યા, ‘અરે, અમને ઘરડાંને રહેવા દે, અમારા આશિષ છે જ. તું મિત્રો સાથે પાર્ટી કર.’ ‘નહીં નહીં, દાદાદાદી, તમારો જે સમાન લેવો હોય એ લઈ લો. તમને વાંધો ન હોય તો હું તમને દત્તક લેવા માંગું છું. મારા પ્રિન્સીપલસાહેબ અને અહીંના મેનેજમેન્ટની મદદથી પરમિશન મળી ગઈ છે. પેપર્સ તૈયાર છે. ખાલી તમારી હા બાકી છે. તમારે દીકરી નથી ને મારે દાદાદાદી નથી. તો હવે એકે અક્ષર નહીં સાંભળું, બસ મને વહાલ કરતાં હો તો માની જાઓ.’
દાદાદાદીએ એકબીજા સામે જોયું. “અરે બેટા, ચાલ, પાર્ટીમાં ચોક્કસ આવીશું. પણ દત્તક? કાયમ તો તને ભારે પડીશું.’
‘હું કંઈ ના જાણું.’ કહેતી અનેરી નીકળી ગઈ.
બીજે દિવસે દાદાદાદી ઘરે પહોંચતા જ, ‘બહુ જ નજીક છે તારું ઘર, બેટા.’
‘હા, મારી કૉલેજ નજીક પડે એટલે અહીં આ વન બીએચકે લીધું છે. મોટું ઘર દૂર છે.’
‘હેપી બર્થડે અનેરી’ અને ‘વેલકમ દાદાદાદી’ આમ બે કેક સજાવી હતી.’ ચાલો, દાદાદાદી, પહેલા તમે. ‘ડોર બેલ વાગતાં જ અનેરી ખોલવા ગઈ અને ખુશીથી ઝૂમી ઊઠી. મમ્મીપપ્પા અમેરિકાથી સરપ્રાઈઝ આપવાં આવ્યાં હતાં, “અરે! હું તમને સરપ્રાઈઝ આપું. આવો, દાદાદાદી, આ મારા મમ્મીપપ્પા ને મમ્મીપપ્પા, આ મારા દાદાદાદી.’
દાદાદાદી પોતાનાં જ દીકરાવહુને અને મમ્મીપપ્પા પોતાનાં જ માબાપને જોઈને અવાક થઈ ગયાં.
‘માફ કરજે, બેટા અનેરી’ કહી કલાદાદીનો હાથ પકડી ઘરમાંથી નીકળવા જાય છે. અનેરીને કાંઈ ન સમજાયું. પપ્પા દાદાને પગે પડ્યા. મમ્મી પણ અનુસરે. માફી માંગતાં કહે, ‘માબાપુજી, ફોરેઇન સેટ થવાના ને એકલા રહેવાના અભરખામાં અનેરીના જન્મ પહેલા મેં જ દૂર મોકલી દેવાની જિદ્દ કરેલી. મેં આત્મહત્યા કરી લેવાની ધમકી આપેલી.’
પપ્પા બોલ્યા, ‘એ ભૂલ અમને જિંદગીભર સતાવતી રહી. અમે હવે અહીં જ રહેવા વિચારીએ છીએ. આપની સાથે. હવે તો અમારી પણ સાંજ ઢળશે.’
અનેરીથી બોલાઈ ગયું, ‘ઓહ ગોડ! એકબીજાને મન તેઓ જીવતા જ નથી. કલાદાદીનો જીવ ખેંચાતાં હાથ જોરથી ખેંચી દાદા બોલ્યા, ‘ચાલ કલા.’
અનેરી ડૂસકાં સાથે દાદાની કફનીની બાંય ખેંચતાં ‘રોકાઈ જાઓ.’ ને ઘરની ગરમ થયેલી આબોહવા ગાતી હતી;
તપી ગયેલા સૂરજને ટોકો કોઈ.
વહી જતી આ સાંજને રોકો કોઈ.

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

બારી

બારી

“જરા બારી બંધ કરશો, પ્લીઝ? વરસાદના છાંટા આવે છે.” એસટી બસમાં મિહિરની બાજુમાં બેઠેલા યુવકે કહ્યું. મિહિરને બારી ખુલ્લી રાખવી ગમતી હતી. વરસાદના છાંટાની મજા માણવી ગમતી પણ એની જ ઉંમરના બાજુવાળા યુવકે બેત્રણ વાર કહ્યું, અને પાછલી સીટવાળાએ પણ સૂર પુરાવ્યો એટલે તેણે આખરે બારી બંધ કરી. થોડીવાર થઈ અને એ યુવક ઝોંકાં ખાવાં લાગ્યો. આમ પણ રાતનો સમય હતો. ધીરે રહીને તેણે બારી ખોલી ફરી એ મોજ માણી રહ્યો. બારી માટે તો એ નોનએસી બસમાં જતો અને બારીનું કેવું હોય! આખી બારી ક્યાં ભાગે આવે? આગલી સીટ પર અડધી બારી હોય અને આપણી સીટ પર અડધી બારી હોય. એમાંયે કાચ અડધો આમ તેમ ખસેડવાનો હોય. રિઝર્વેશન કરાવતો ત્યારે બારી પાસેની સીટ જ એ લેતો. હમણાં તે આગળ ભણવા માટે જઈ રહ્યો હતો. ત્યાં હોસ્ટેલની રૂમમાં પણ તેણે ખાસ બારીવાળો જ બેડ બુક કરાવ્યો હતો.
એના ઘરનું તો પ્રિય સ્થળ બારી. વળી એને પડદો બિલકુલ નહીં ગમે. એ બાબત મમ્મી એને ટોકતી પણ. જો કદી તડકો આવે તો પપ્પાનું જૂનું પહેરણ લટકાવી દેતો. બારીમાંથી કેટલાં નયનરમ્ય દ્દશ્ય જોઈ શકાતાં. તેના ઘરે જ્યારે કુરિયર આવતું ત્યારે અચૂક બારીમાંથી જ કુરિયર લેતો. ટપાલ કે લાઈટ બિલ બારીમાંથીજ ફેંકાતું. ચાવીની આપલે પણ બારીમાંથી થતી. બારીમાંથી કેટલું બધું થઈ શકે! ગજબ વળગણ હતું તેને બારીનું. બીજી બધી સુવિધા ન હોય તો ચાલે પરંતુ તેને બારી તો જોઈએ જ. જ્યારે ભણવા બેસતો ત્યારે બારીની સામે જ બેસેતો. મમ્મી તેને ટોકતી પણ ખરી કે બારીની સામે બેસીને તો કંઈ ભણાય? પરંતુ એને મન તો બારીમાં એક નવું વિશ્વ ઊઘડતું હોય. બારી ખૂબ નિખાલસ હોય છે. બધું સાચું બતાવી દે. તેને થતું પણ ખરું કે બારી જેવી અદભુત શોધ કોણે કરી હશે? કંઈ કેટલુંય નિહાળી શકાય. અરે! પહેલું કિરણ બારીમાંજ પડે ને લુચ્ચો સૂરજ આભની બારીમાંથી ડોકિયું કરે ત્યારે સામે ઘરે સુરેશકાકા એ તરફ તાંબાનો કળશ લઈ અર્ઘ્ય આપે. પછી સઘળું નજરે પડે; આંગણું છાંટતાં ગીતામાસી કે છોડને પાણી પીવડાવતી લતાદીદી કે પછી ઉતાવળિયો દૂધવાળો, ફળથીય મીઠો ટહુકો કરતી શાકવાળી ને કિલકિલાટ ભરીને સ્કૂલે જતી રિક્ષાઓ.
થોડા દિવસ પહેલાં જ બારીમાંથી વરસાદની સાથે તેણે અદભુત દ્દશ્ય જોયું. સુરેશકાકાની ભત્રીજી પાયલ વરસાદમાં દોડીદોડીને કપડાં લેતી હતી. કપડાંને ભીંજાતા બચાવવા એ એક અદભુત કલા છે. પોતે ભીંજાઈ જાય તો વાંધો નહીં પરંતુ કપડાં ભીંજાય તે ન ચાલે. કેટલી ત્વરાથી કપડાં લઈ લેતી હતી. ક્લિપ કાઢીને ફટાફટ કપડાં તેના ખભે નાંખી દેતી હતી અને પછી તેટલી જ ઉતાવળથી તે ભાગી ત્યારે કર્ણપ્રિય ઘુઘરી રણઝણી. કહેવું મુશ્કેલ હતું કે એ રણઝણ પાયલની પાયલની હતી કે પછી વરસાદની ઝાંઝરીની! આવાં દ્રશ્યો કંઈક અંશે આગ પ્રગટાવવાં પૂરતાં હોય છે ને આજે તે ફાયરનું ભણવા માટે હોસ્ટેલમાં જઈ રહ્યો હતો અને ખાસ ખુશી તો એટલા માટે હતી કે પાયલ આ જ શહેરમાં રહેતી હતી. ફક્ત વેકેશનમાં જ મામાને ઘરે આવતી ત્યારે મળતી. વળી સુરેશકાકાએ એમની બહેનનું સરનામું આપીને કહ્યું હતું, “દીકરા કશું કામ હોય તો ત્યાં જજે.” મિહિર બસમાં બેઠો બેઠો બંધ બારીમાંથી પણ એના ઘરની બારીની કલ્પના કરતો હતો. વારંવાર તેને વરસાદમાં એ ઘૂઘરીઓ સંભળાતી હતી. હવે તો વરસાદ ધોધમાર વરસવા લાગ્યો. એને કાચ ખસેડવો હતો પણ આજુબાજુવાળાને કારણે શક્ય નહોતું. તોયે વચ્ચે વચ્ચે કેટલીયવાર એને બારી ખોલી અને બાજુવાળાના કહેવાથી બંધ કરી. “એને નહીં આવતો હોય કોઈ મધુરો વિચાર!” મિહિરે ધારીને જોયું એના હાથમાં એંગેજમેન્ટ રિંગ હતી. આ ખરેખર એંગેજમેન્ટની હશે કે શોખથી પહેરી હશે કે કોઈના દબાણથી?
મોડી રાત થઈ હતી. વરસાદમાં બસ એક જ સ્પીડે ચાલ્યા કરતી હતી. આખી રાતની મુસાફરી હતી અને રસ્તામાં વચ્ચે એવી નિર્જન જગ્યા પણ આવતી જ્યાં કોઈકવાર ભય પણ રહેતો. તેને થયું કે આવીને કોઈ મારાં સપનાની બારીને નુકસાન તો નહીં કરેને? એવામાં જ અચાનક કાચ તૂટ્યો, જાણે પથ્થર પડ્યો કે શું? બસ બ્રેક મારીને ઊભી રહી ગઈ. ડ્રાઈવરે જોયું તો આગળ લાકડાં મૂકીને રોડ પર આડશ કરી હતી. બસ આગળ જઈ શકે તેમ ન હતી. ધાર્યું હતું તેવી રીતે જ ચારપાંચ લૂંટારૂઓ ધારિયા અને લાકડાંઓ સાથે ઊભા રહી ગયા. ડ્રાઇવરે ફરજિયાત બસ ઊભી રાખવી પડી. કંડકટર અને ડ્રાઇવરે બધા પેસિન્જરને ચૂપ રહેવાનું કહ્યું. ત્યાંજ બારણું તોડી લૂંટારૂઓ અંદર ઘૂસી આવ્યા અને કહી દીધું કે અમારે કોઈને મારવા નથી, ફક્ત ઘરેણાં, રૂપિયા અને તમારો સામાન અમને આપી દો. જો કોઈએ ચૂં કે ચા કરી છે તો…જાનથી ગયા સમજો. સૌ થથરી રહ્યા હતા કારણ કે લૂંટારૂ જો એક જ ધારિયું મારે તો એક ઘા ને બે કટકા થઈ જાય તેમ હતું. પેલા લૂંટારૂઓએ ચેતવણી પણ આપી કે જો કોઈએ પોતાના પૈસા કે દાગીના છુપાવવાનો પ્રયત્ન કર્યો છે તો જીવતા નહીં મૂકીએ. સૌ ડરી ગયા હતા. એકબે જણાએ તો સીટની નીચે ભરાઈ જવાનો પ્રયત્ન પણ કર્યો હતો પણ પેલા લુટારુઓમાંથી એક જણે જોરથી ખેંચીને મારી નાંખવાની ધમકી આપી. તેમણે કહ્યું કે બધા ઝોળીમાં માલ સામાન મૂકીને નીચે ઊતરી જાઓ. સર્વે એ રીતે કર્યું. પોતપોતાનાં ઘડિયાળ, ઘરેણાં, પર્સ, વૉલેટ વગેરે મૂકીને ઊતરી ગયા.
મિહિરની બાજુમાં બેઠેલો યુવક પણ વૉલેટ આપીને નીચે ઊતરી ગયો પરંતુ તેના હાથમાં વીંટી હતી તે તેણે મોઢામાં છુપાવવાનો પ્રયત્ન કર્યો. તે લૂંટારૂઓમાંના એક જણે જોયું અને સીધો જ તેને તમાચો માર્યો. લોખંડનો સળિયો તેના માથા પર મારવા જતો હતો ત્યાં જ મિહિરે તેને અટકાવ્યો. ‘સૉરી, માફ કરજો, તમે લઈ લો. બીજીવાર આવું નહીં થાય.’ અને તેને વીંટી આપી દીધી. માંડમાંડ મિહિરે તેને બચાવ્યો. મિહિરને થયું કે સાચે જ તે તેની એન્ગેજમેન્ટ રિંગ હતી પરંતુ જીવનની સામે બધું જ ધરી દેવું પડે તેમ હતું. એક સ્ત્રીના હાથમાંનું નાનું બાળક ખૂબ જોરથી રડવા માંડ્યું, પેલામાંના એક જણે ગુસ્સાથી દંડો ઉગામ્યો પણ બધાએ હાથ જોડી એને વિનંતી કરી બચાવી લીધું. સ્ત્રી સહેજ પાછળ ફરી છાતીએ વળગાડી દૂધ પીવડાવવા લાગી ને બાળક શાંત થયું. બીજી પેસેન્જ સ્ત્રીઓ એની આજુબાજુ ઊભી રહી ગઈ. સ્ત્રીઓની તરફ કોઈની નજર ન બગડે અને એને હાનિ ન પહોંચે એ રીતે પુરુષ પેસેન્જરો ગોઠવાઈ ગયા. દુઃખદ ક્ષણે પારકા પણ પોતીકા થઈ જતા હોય એનું ઉત્તમ ઉદાહરણ.
પાંચ જ મિનિટમાં લૂંટારૂઓ બધાનો માલસામાન લઈને ચાલ્યા ગયા. નાના બાળકો રડવા માંડ્યાં. બીજા બધા પણ ખૂબ ગભરાઈ ગયા હતા. કંડકટર-ડ્રાઇવરે કહ્યું કે સૌ સલામત છીએ તે સારું છે. તમને નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈએ અને ત્યાં આપણે ફરિયાદ નોંધાવીશું. સૌ માંડમાંડ તૈયાર થયા. ખાતરી થઈ ગઈ કે લૂંટારુંઓ ચાલ્યા ગયા છે પછી તે દિશામાં કોઈએ મોબાઈલની બેટરી મારીને જોયું તો કંઈક સામાન જેવું દેખાયું. લોકોને લાગ્યું કે આ આપણો જ સામાન છે. કન્ડક્ટરે ના પાડી કે ત્યાં જવા જેવું નથી. હજુ જોખમ ઓછું નથી. બધા બેસી ગયા.
ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી પરંતુ બસ સ્ટાર્ટ થઈ નહીં. આગળ ઘણી બધી આડશ હતી તે ખસેડવામાં પેસિન્જર મદદે આવ્યા. આ બધું કરવામાં મળસ્કુ થયું ને થોડું અજવાળું થવાં આવ્યું હતું. ફરીથી દૂર જોયું તો બધાનો સામાન એમ ને એમ જ પડ્યો હતો. સૌને લાગ્યું કે કીમતી સામાન કાઢી ગયા હશે અને કપડાં વગેરે એમ જ પડ્યાં લાગે છે. સૌ એ તરફ દોડ્યા. મિહિર પણ દોડ્યો કારણ કે તેમાં એના પુસ્તકો, કપડાં અને હોસ્ટેલમાં રહેવા માટેની જરૂરી ચીજવસ્તુઓ હતી. મમ્મીએ કેટલો બધો નાસ્તો બનાવી આપ્યો હતો! સ્વાભાવિક છે લૂંટારૂઓને પુસ્તકોની જરૂર ન જ હોય, નહીં તો એ લૂંટારું ન હોય. તેણે જોયું કે તેની બેગ ચિરાઈ ગઈ હતી. પેલા લોકોએ બ્લેડ જેવા કોઈ સાધનથી ઝિપ ખોલવાને બદલે બેગ ચીરી નાંખી હતી. બધા પોતપોતાનો સમાન જોઇને કહેવા લાગ્યા કે મારો આ સામાન ગયો છે, પેલો સામાન ગયો છે.
મિહિરની બેગમાં કપડાં અને ચોપડા એમ ને એમ જ હતાં પણ આભલા ને ટિક્કીથી શણગારેલી એક સરસ મજાની ડબ્બી હતી. પાયલે એને બર્થડેમાં ગિફ્ટ આપી હતી તે પણ ખાસ બારીમાંથીજ. તેમાં મમ્મીએ મુખવાસ ભરીને આપ્યો હતો. તે પેલા લોકો કિંમતી સામાન સમજી લઈ ગયા હતા. ખરેખર કિંમતી જ હતીને! તેને યાદ આવ્યું કે પપ્પા કાયમ કહેતા કે રૂપિયા હંમેશા બેગમાં છૂટાછૂટા રાખવા. બધા વૉલેટમાં ન રાખવા. તેને ખૂબ દુઃખ થયું. દસ હજાર જેટલા રૂપિયા હતા. કદાચ જતા રહ્યા. તે બધો જ સામાન સમેટી લઈને કિંમતી ડબ્બી યાદ કરતો બસમાં બેઠો. તેઓ પોલીસ સ્ટેશન જવાના હતા.
થોડીવારે મમ્મીને ફોન કર્યો. મમ્મીપપ્પા ખુશ થયા કે તેણે આટલો જલદી ફોન કર્યો! પરંતુ તેણે આખી ઘટના જણાવી. મમ્મીપપ્પાએ સાંત્વન આપતાં કહ્યું, “કાંઈ વાંધો નહીં, તું બચી ગયો તે બસ છે. બાકી ફિકર ન કર. તું ત્યાં પહોંચી જા. અમે બીજા રૂપિયા મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ.”
ત્યારે મમ્મી બોલી, “લૂંટારૂઓ તારાં કપડાં ને બધું જ લઈ ગયા છે?”
તેણે કહ્યું, “ના, કપડાં બધા જ છે.”
મમ્મીએ કહ્યું, “મેં તારા પપ્પાનું એક જૂનું પહેરણ એમાં મૂક્યું હતું. તને સમાન લુછવા કામ લાગે એમ વિચારીને, પેલું તડકામાં બારીમાં રાખતાં તે… તે જો અને તેના ખિસ્સામાં રૂપિયા સીવીને મૂક્યા છે.”
મિહિરે કહ્યું, “મેં તેવું કોઈ પહેરણ જોયું નથી. મને તો ખબર પણ નથી કે તેવું પહેરણ છે.” તેણે હાંફળાફાંફળા થઈને બેગમાં જોયું તો પહેરણ હતું. તે ખુશીથી ઝૂમી ઊઠ્યો. એ પહેરણ ક્યાંય ગયું નથી જ્યારે કે બાજુવાળા યુવકનું બધું જ ગયું હતું. વૉલેટમાં જ તેણે બધા રૂપિયા રાખ્યા હતા. તેણે એ યુવકને ધરપત આપી કે તારે જ્યાં જવું છે ત્યાં જવામાં હું તને મદદ કરીશ.
પોલીસની કાર્યવાહી પતાવીને સૌ ફરીથી બસમાં બેઠા. બધાને આઘાત લાગેલો હતો. ફરીથી વરસાદ શરૂ થયો. બાજુવાળો યુવક ટેવવશ “બા…રી…” બોલવા જતો હતો ત્યાં જ તેણે જોયું કે કાચ તો તૂટેલો હતો ને મિહિર બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. યુવક કંઈ બોલ્યો નહીં પરંતુ મિહિર સમજી ગયો. તેણે પેલા પહેરણમાંથી રૂપિયા કાઢી લીધા ને પહેરણ બારી પર લટકાવી દીધું.
હવે મિહિર મનની બારીમાંથી સઘળું જોવા લાગ્યો.
==યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

બોલપેન

સવારે કેટલી ભાગદોડ? વળી, આજે પિન્કીની બર્થડે. “મમ્મી, આજે ખ્યાતિમાસી ગુડ્ડુને લઈને આવશેને?” પિન્કી ટહુકી. ખ્યાતિનું નામ પડતાં જ સાગરિકાને ગુસ્સો આવી ગયો, પણ એને કાબૂમાં રાખી કહ્યું, “ના બેટા. ખ્યાતિમાસીને કામ છે એટલે પછી આવશે, હંને!” સાગરિકા અને ખ્યાતિ બંને જીગરજાન બહેનપણીઓ, પણ હમણાં જ એક નાનકડી વાતમાં બંનેની મોટી લડાઈ થઈ ગયેલી. બંનેના ઈગો નડ્યા. કોઈ સૉરી કહેવા તૈયાર નહોતું. “સાગરિકા બબડી, “ઓહ! હમણાં તેં એને ક્યાં યાદ કરી? આજે તો કેટલું કામ છે! ને વળી આજે મને નોકરીમાં પણ રજા ન મળી, તે ન જ મળી.” સાગરિકા હોસ્પિટલની લેબોરેટરીમાં કામ કરતી હતી. જલદી જલદી કામ પતાવીને, લન્ચબોક્સ ભરીને, પર્સ લટકાવીને નોકરીએ જવા નીકળી. કેટલીય ઉતાવળ કરે પણ રોજ સમય થઈ જ જતો. વળી, તડકો કહે મારું કામ! માથેમોઢે ઝડપથી દુપટ્ટો બાંધીને, પર્સ ડીકીમાં નાખીને સાગરિકા એક્ટિવા ભગાડતી. આજે તો વધુ મોડું થયું હતું. વળી, પિન્કી માટેની ગિફ્ટ પણ લાવવાની હતી. અનાથાશ્રમમાં પિન્કીના નામનું દાન પણ આપવાનું હતું. એક્ટિવા સાથે વિચારો પણ બમણી ઝડપે દોડતા હતા. ચાર રસ્તા નજીક આવતા ઓર સ્પીડ વધારી, પણ ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થવાથી બ્રેક મારવી પડી. સાગરિકા અકળાઈ ઊઠી, પણ થાય શું? પાંખવાળું એક્ટિવા લઈ ઊડવાનો વિચાર એને સો ટકા આવી જ ગયો હશે! તે ઊભી હતી ત્યાં જ એક કાકા બોલપેન, પેન્સિલ વગેરે વેચવા આવ્યા. તેમની સાથે એક નાની છોકરી હતી. એનાં હાથમાંય બોલપેનો હતી. “લઈ લો. બેન, ખાલી દસ રૂપિયા. જુઓ, ખૂબ સરસ લખાય છે.” એણે સાથે રાખેલા કાગળ પર લીટા પાડી બતાવ્યા. “આ ભૂરી, આ કાળી ને આ લાલ…” સાગરિકા પોતાના વિચારમાંથી બહાર આવી અને આવા આકરા તાપમાં, પેટ માટે પેન વેચતા કાકા અને તેમની છોકરી પર દયા આવી ગઈ. તેને થયું કે, “બધી જ પેનો લઈ લઉં. મારી સાથે કામ કરતા બધા મિત્રોને આજે બોલપેન આપીશ અને પેન્સિલ્સ પિન્કીના મિત્રો માટે રિટર્ન ગિફ્ટ આપવામાં કામ લાગશે. આ વખતે રિટર્ન ગિફ્ટ પણ મોટી આપીશ. એ જાણીને ખ્યાતિની પણ આંખ પહોળી થઈ જશે. એને તો બતાવી જ દઉં. એના મનમાં સમજે છે શું?”
પણ સાગરિકા એકટીવા પરથી ઊતરે, પર્સ ડીકીમાંથી કાઢે, પૈસા કાઢે, એ પહેલાં તો લીલી લાઈટ થઈ ગઈ. પાછળથી ક્યારના રાહ કોઈ રહેલાં વીહિકલ્સમાંથી એક સાથે હોર્નના અવાજો વધ્યા. આખરે સાગરિકાએ વિચાર પડતો મૂકીને નીકળી જ જવું પડ્યું. આખો દિવસ ગયો. સાંજ પડી. પિન્કીની બર્થડે ધામધૂમથી ઉજવાઈ. પણ સાગરિકાને પેલા ગરીબકાકા પાસેથી પેન ખરીદી ન શકી એનો રંજ રહ્યો. બીજે દિવસે રવિવાર હતો. ત્રીજે દિવસે સાગરિકા નક્કી કરીને ઘરેથી વહેલી નીકળી હતી કે, આજે એ ચાર રસ્તા પર કાકા પાસેથી પેનો ખરીદી લેશે.
એણે છુટ્ટા રૂપિયા પર્સના બહારના ખાનામાં જ રાખ્યા અને પર્સ ખભે લટકાવ્યું, જેથી સિગ્નલ પર સરળતા રહે. એ ત્યાં પહોંચી પણ એ કાકા દેખાયા નહીં. ત્યાં ટ્રાફિક વચ્ચે ઊભા રહેવાય એવું નહોતું. આખરે એ નીકળી ગઈ.
ચોથે દિવસે એક્ટિવા થોડે દૂર પાર્ક કરીને સગરીકાએ ચાર રસ્તા પર બધે નજર કરી. પણ, કાકા દેખાયા નહીં. આમ, એણે આખું અઠવાડિયું એ કાકાને શોધ્યા. એમના વિશે પૂછે પણ કોને? પછીના અઠવાડિયે સાગરિકાની ડ્યૂટીનો સમય બદલાયો. હવે કાકાને શોધવા શક્ય નહોતું. એને રંજ રહ્યો.
એ એના કામમાં પરોવાઈ ગઈ. લેબમાં ટેસ્ટ કરીને એનો રિપોર્ટ લખતી હતી. સેમ્પલ પર દર્દીનો વોર્ડ નંબર અને કેસ નંબર લખ્યો હતો પણ દર્દીનું નામ ઉકેલાતું નહોતું. એણે વોર્ડમાં ફોન કર્યો. જબાવ મળ્યો કે, ‘દર્દીને જડબા પર વાગ્યું છે, તે બરાબર બોલી નથી શકતો પણ કોઈ ભલો માણસ એમને અહીં લાવ્યો છે. એ ચાર રસ્તે બોલપેન વેચે છે, અને હરિ બોલપેનવાળા એમનું નામ છે. તે અઠવાડિયાથી એડમિટ છે. આજે એમનું ઓપરેશન છે.” આ સાંભળી સાગરિકા વોર્ડમાં દોડી ગઈ. તેણે જઈને જોયું તો કોઈ બીજા જ ભાઈ હતા. એ નિરાશ થઈ. પાછી જવા જતી હતી ત્યાં પાછળથી અવાજ આવ્યો, “બેન, બોલપેન લેશો?” સાગરિકાએ ફરીને જોયું તો પેલા જ કાકા. સાગરિકા કંઈ પૂછે તે પહેલાં કાકાએ કહ્યું, “થોડા દિવસ પહેલા આ મારી જેમ બોલપેન વેચતા મારા દોસ્તને કોઈ ગાડીવાળો ટક્કર મારી નાસી ગયો હતો. કોઈએ મદદ ન કરી. હું માંડ એને અહીં લઈ આવ્યો છું. એને એક નાની છોકરી જ છે. એની ઘરવાળી પણ નથી. એ છોકરીને હમણાં હું મારે ઘરે લઈ ગયો છું. મારે ઘરે હું અને મારી ઘરવાળી, છોકરાં નથી. આ રીતે રોટલા રળીએ છીએ. હવે તો આનો ઓપરેશનો પણ ખર્ચ! બહેન, બીજા પણ કોઈને બોલપેન જોઈતી હોય તો કહેજો.”
સાગરિકા કાકાને જોતી જ રહી. તેણે પોતાના સિનિયર્સ તેમજ ડીનને કહીને શક્ય એટલી રાહત અપાવી. બધી જ બોલપેનો ને પેન્સિલ્સ ખરીદી, અને એ જ બોલપેનથી ખ્યાતિને પત્ર લખવો શરૂ કર્યો, “વહાલી ખ્યાતિ, સૌ પ્રથમ તો એક્સટ્રીમલી સૉરી…..
બીજું, તને ખાસ કહેવાનું કે…..

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

ક્યાંક છડેચોક ક્યાંક છાનું

ક્યાંક છડેચોક ક્યાંક છાનું

સોસાયટીના ગેઇટ પાસે ચર્ચા ચાલતી હતી-
“આજે શું બનાવ્યું, ખાવામાં?”
“આ… રોટલી ને શાક, બીજું શું?”
“હવે તો રોજ પૂરું ખવાતુંય નથી.”
“હા, પણ અમારે ત્યાં સવારે દાળ-ભાત તો જોઈએ.”
“અત્યારે તો મુઉ કોરોનામાં જમવાનુંયે નથી ગમતું, પણ બધા ટીવી જોતાં જોતાં કંઈ ને કંઈ નાસ્તો માંગ્યા કરે. એ રોજ શું બનાવીએ બોલો?”
“હાસ્તો વળી.”
“આજે તો મેં મલાઈ કોફતા બનાવ્યા છે. આન્ટી, તમારા ઘરે મોકલું?” પચીસ-છવીસની દેખાતી દિવ્યા એ કહ્યું.
“ના બેટા, અમારે બે જણને કેટલું જોઈએ? ઘરે શાક બને છે તે પણ પૂરું નથી થતું. કોઈ વાર પહેલેથી તને કહીશું, બસ? ”
“હા, સવારનું તો થઈ જાય, પરંતુ સાંજે શું બનાવવું તેની ફિકર હંમેશા હોય છે.”
“હા, બધા જ ઘરનો એ જ સવાલ.”
અમારે ત્યાં તો હાંડવો, ઇદડાં, બટાકાપૌઆ ને વહુ બનાવે એ પાસ્તા ચાલી જાય.”
“ના…રે, અમારે ત્યાં ખાય માંડ દોઢ બે રોટલી , પરંતુ ભાખરી-રોટલી તો જોઈએ જ. આવું કાંઈ પણ બનાવીએ તો કહે આ જમવાનું થોડું છે? તમે તો આમાં સમજાવી મૂકો છો. બોલો!”
“અમારે એમનેય ન ચાલે, અને આમેય બે જણ માટે જુદું જુદું શું બનાવવું? ઘર ભરેલું હતું ત્યારે માણસ એટલી વાનગી બનતી. વરણાગી પણ એટલી, પણ ખાવાવાળા હોય તો મજા આવે. આનંદથી ખાય ને કહે, ‘બા, તારો હાથ અમેરિકા લઈ જવા આપને.’ હવે તો સાંજે એમને જે ભાવે તે બનાવી દઉં.” કેતકી તેની સોસાયટીની પડોશણો સાથે વાતે ચડી હતી. તેઓ ત્રણે માસ્ક પહેરીને સોસાયટીના ગેઇટ પાસે રોટલી પહોંચાડવા ગઈ હતી. આમ તો, કોરોનામાં એકબીજાને મળાતું ન હતું, એટલે ફોનથી મળી લેતી. દર મહિને યોજાતી કિટ્ટીપાર્ટી પણ બંધ હતી. આ સોસાયટીની બહેનો કોરોનાના સમયમાં ઘરે રોટલી બનાવીને બહાર ગેઇટ પર આપી આવતી અને સામાજિક સંસ્થાવાળા ત્યાંથી ભેગી કરીને લઈ જતા. સોસાયટીની બહેનોનું એક વોટ્સએપ ગૃપ હતું. તેમાં રોજ લખાઈ જાય- આજે મારી દશ, આજે મારી પંદર, આજે મારી વીસ…, રોટલી, ભાખરી, પૂરી વગેરે પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને બહાર વોચમેનને આપી આવતી. આમેય, કોરોના સમય ઘરમાં વધુ વખત ફ્રી હોઈએ ત્યારે દસ-બાર રોટલી વધારે કરવામાં કોઈને તકલીફ જેવું લાગતું ન હતું. બીજું તો શું કરી શકાય? આ બહાને સેવા થાય એવું વિચારીને, આ બહેનોએ સ્વેચ્છાએ આ સેવાકીય કાર્ય ઉપાડ્યું હતું. રોટલી આપવા જતી ત્યારે જ એકબીજીને માંડ પાંચ-દસ મિનિટ મળી શકતી. આમ તો, સોસાયટીની બહેનોમાં ખૂબ સંપ હતો. સુખદુઃખના સમયમાં એકબીજાની પડખે રહેતી, પણ હમણાં તો ઘરની બહાર જ નીકળવાનું ન હતું, તેથી થાય શું?
કેતકીબહેન ઘરે આવ્યાં અને શ્રીધરભાઈને કહ્યું, “ચાલો, જમી લઈએ.”
શ્રીધરભાઈ કોઈની સાથે ફોન પર વાતમાં હતા. તેમણે હાથ ઊંચો કરીને ‘હા’ કહી, એટલે કેતકીબહેને ભાણું પીરસ્યું અને બાજુમાં પોતાનું પણ. બે જણ વચ્ચે પાંચેક રોટલી બહુ થઈ રહેતી. શ્રીધરભાઈ બે કે અઢી રોટલી ખાતા. શ્રીધરભાઈનો ફોન લાંબો ચાલ્યો. તેમને આવતા જરા વાર થઈ. કેતકીબહેન વિચારે ચડી ગયાં.
‘હજુ તો દસ-બાર વર્ષ પહેલાંનો સમય. ત્યારે હું કેટલો બધો લોટ બાંધીને રોટલી બનાવતી! ખ્યાલ પણ નહોતો આવતો કે આટલા માણસોમાં કેટલો લોટ જોઈએ. ત્યારે બાને પૂછતી કે, ‘બા, આટલો લોટ?”
અને બા કહેતાં, ‘હજુ બે ચમચા નાખ અથવા તો હજુ આમાંથી દોઢબે ચમચા કાઢી લે.’
અને હું લોટ બાંધતી. છોકરાંઓને સ્કૂલે જવાની અને એમને ઓફિસે જવાની ઉતાવળ હોય. લંચબૉક્સ ભરવાના હોય અથવા તો જમીને સ્કૂલે જવાના હોય, તે મુજબ હું રોટલી વણતી. મારો હાથ ખૂબ જ ઝડપથી ફરતો, સાથે બીજા પણ ઢગલો કામ આટોપવા ના હોય!
બે દીકરીઓ અને એક દીકરો, સાથે ભાણેજ પણ અહીં ભણવા માટે આવ્યો હતો. કેટલી બધી દોડાદોડી! સવાર પડતી ત્યારે ઘણીવાર થતું કે, હું સૂર્યોદય જોવા નીકળું. બાલ્કનીમાં કિરણો આવતા તેમને પકડીને ગૂંથીને રાખી મૂકવાનું મન થતું. સૂરજ તો ક્યારે ઊગે? હું એ પહેલા વહેલી જાગી જતી, અને રાતનો વધ્યો ઘટ્યો અંધકાર ઉલેચી, ઊર્જા ઊંચકીને, છેડે બાંધીને સફાળી કામે વળગી જતી. બહાર સરસ ફૂલો ઉગાડયાં હતાં. મને થતું કે, ફૂલ પરની ઝાકળ જતી રહે તે પહેલાં હું તેને મળી આવું, લીલીછમ લોન પર ખુલ્લા પગે ચાલી આવું, સવારના ઠંડો વાતો પવન ઝીલી લઉં, ટહુકતી કોયલને સાંભળી લઉં, પરંતુ તેનો સમય ક્યાં હતો! હતું કે આ રસોઈ, બાળકોમાંથી જરાક પરવારું એટલે હું ફ્રી. પણ મા કદી નવરી પડે? રસોડામાં રસોઈ કરતાં ફકર ત્રણ બાય બેની બારીમાંથી દેખાતું આકાશ આખું જોવું હતું. ને હા, ભણવામાં આવતી બધી જ કવિતાઓ યાદ આવતી, પરંતુ એ સમયે સમય ક્યાં હતો? ચાનું પાણી મૂકવાથી શરૂ કરીને ભાણું પીરસવાની દોડાદોડ અને વચ્ચે છોકરાંઓ કે પતિદેવને કંઈ મળતું ન હોય. ચાવી, રૂમાલ, મોજાં, બેલ્ટ, પાણીની બોટલ વગેરે શોધીને આપવાની દોડાદોડી કરવી પડતી. બાપુજીને ચા સાથે દવા અને નાસ્તો ને બાના વા વાળા પગે માલિશ. ત્યારે થતું કે એક વ્યક્તિ કેટલી જગ્યાએ પહોંચી વળે? મારા જેવી ગૃહિણીનાં દસબાર રૂપ અને વીસબાવીસ હાથ હોવા જોઈએ!
પરંતુ, કદાચ મને એ જ ગમતું. આમ પરવારતા તો છેક બપોર થઈ જતી. બે ઘડી આડા પડીને કંઈ પુસ્તક વાંચ્યું, ન વાંચ્યું હોય ત્યાં તો ચા નો ટાઈમ થઈ જતો. પછી ફરીથી ઘરની, બાળકોની સ્કૂલની, ચીજવસ્તુઓની, શાકભાજીની ખરીદી, કોઈને મળવું, કોઈના ખબર-અંતર પૂછવાં અને સાંજની રસોઈનો સમય થઈ જતો. ફરી ઘરમાં અવરજવર શરૂ થતી. દોડાદોડી, રમતગમત, અન્ય ક્લાસીસ, દિવસભરની છોકરાંઓની વાત. આ ડાઈનીંગ ટેબલ તો કેટલું ગુંજી ઊઠતું! સાથે મસ્તીતોફાન અને લડાઈઝઘડા, બાપ રે! દિવસ ક્યાં પૂરો થઈ જતો? સરખેસરખા બેઠાં હોય ત્યાં રોટલી ચપોચપ ઊપડી જતી અને મને શોખ હતો ગરમ ઊતરતી રોટલી ખવડાવવાનો. તે લોકો કેટલી બૂમાબૂમ કરતા કે મમ્મી અમારી સાથે જમવા બેસી જાને, પણ હું બેસી જાઉં તો ઊતરતી રોટલી કોણ ખવડાવે? બધાં જમી લેતાં ત્યારે મને હાશ થતી. હું મારા માટે બે રોટલી વણી લેતી.
આજે પણ પોતાના ભાણામાં બે રોટલી મૂકી. શ્રીધરભાઈ ફોન મૂકીને આવી ગયા. શ્રીધરભાઈ રિટાયર્ડ છે પરંતું એમનું માર્ગદર્શન જોઈતું હોય તો એઓ અચૂક ઓફીસ જતા. આખો સ્ટાફ એમને આદર આપતો. કોરોના સમયમાં શ્રીધરભાઈ ઘણું વાંચન કરતા, ટીવી જોતા, ન્યૂઝ જોતા, ફોન પર વાતો કરતા અને ધ્યાન અને પ્રાણાયામ કરતા. તેમનું નિયમિત જીવન હતું. તેમનો સમય ખૂબ સરસ રીતે પસાર થઈ જતો.
શ્રીધરભાઈએ જમી લીધું પછી કેતકીબહેને કહ્યું કે, “તમે આજે તમારા રૂમમાં જ બેસજો. આજે ગામથી મંજુ આવવાની છે. હવે દિવાળીને બહુ વાર નથી એટલે માળિયું સાફ કરાવવાનું છે. ધૂળ ઊડશે.”
“અરે! આવા સમયમાં ક્યાં તું સફાઈમાં પડે છે? આમેય કોરોનામાં છોકરાંઓ આવશે નહીં. જેવું હોય તેવું રહેવા દે. સફાઈ નહીં કરાવે તો ચાલશે.”
કેતકીબહેને કહ્યું, “તમને ખબર ના પડે. મેં મંજુને ખાસ બોલાવી છે. અહીંની કામવાળીઓનો કોઈ ભરોસો નહીં. કોરોનામાં કોઈ ને ભેગા ન કરાય પણ આ તો જાણીતી, ઘરનાં જેવી છોકરી છે, એ કરી દેશે.”
આમ તો કેતકીબહેન વર્ષો સુધી માળિયા પર ચડીને જાતે જ સફાઈ કરતાં હતાં, પરંતુ એકવાર તેમનો પગ ફેક્ચર થયો અને પ્લેટ મૂકવામાં આવી પછી તેઓ આ માળિયા પર ચડીને કામ ન કરી શક્યાં. દીકરીઓ પરણીને સાસરે ગઈ હતી. ભાણેજ પણ ભણીગણીને, પરણીને પોતાના કામમાં નોકરીના સ્થળે રહેતો હતો. એકનો એક દીકરો પણ અહીં સારી નોકરીમાં હતો. પરંતુ હમણાં વર્ષ પહેલાં જ દીકરાને અમેરિકા કોઈ કંપનીમાં અરજી કરી અને ત્યાં તેની નિમણુક થઈ. ત્રણેક મહિના પછી તેણે પત્ની અને બાળકોને પણ અમેરિકા બોલાવી લીધાં. તે પાછો મળવા આવવાનો જ હતો અને કોરોના આવી ગયો. તેમનાં ગયાં પછી તો ઘર સૂનુંસૂનું થઈ ગયું. ઉપરથી, આ કોરોના એ સાવ સૂનકાર ફેલાવી દીધો. હવે કેતકી પાસે ભરપૂર સમય હતો. તે ધારે તો સવારે સૂરજને છેડે બાંધી શકે તેવી મોકળાશ હતી. ફૂલો પરની ઝાકળ હાથમાં ઝીલી લે તેટલો સમય હતો. લીલી લોન પર કલાક સુધી દોડી શકે, મનભરીને આકાશ જોઈ શકે. પરંતુ બધાની યાદમાં એ કોઈ આનંદ માણી શકતી ન હતી.
બપોર પછી મંજુ ઉતાવળે આવી. કેતકીબહેન બોલ્યાં, ”ઘડીક બેસ. ચા નાસ્તો કર.”
પણ મંજુ માથે મોઢે દુપટ્ટો બાંધતી બોલી, “બેન, હું સાંજે જલદી પાછી જવાની છું, એટલે કયુ કામ કરવાનું છે એ કહી દો.”
“સારું, તું માળિયું સાફ કરી દે.”
બધી વસ્તુઓ નીચે ઉતારીને મંજુએ આખું માળિયું વાળ્યું. શ્રીધરભાઈ વચ્ચે પાણી પીવા આવ્યા. તેમણે કહ્યું હતું કે, “બધું જ નકામું કાઢી નાખજે. ફરીફરીને ક્યાં મંજુને બોલાવવી!”
કેતકીબેને કહ્યું, “સારું.”
માળિયામાં કેટલું બધું હતું! બાળકોનાં તૂટેલાં રમકડાં, પીછાંઓ, છીપલાંઓ, લંચબૉક્સ જેનું ઢાંકણું રામ જાણે ક્યાં હતું? અને જુદાંજુદાં રંગની સ્કૂલબેગો. આ ભૂરા રંગ માટે તો બંને દીકરીઓ કેવી લડી પડી હતી! તેમના નવરાત્રિના દાંડિયા, દિવાળીના દીવડા, સાથીયાના રંગો, આભલાં-ટિક્કીઓ, માટીકામ કરતી તેનો સામાન. કેટલું બધું હતું! કેતકીબહેને કહ્યું, “બધું કાઢી નાખીને ફરી સાફ નહીં થાય.”
મંજુ બોલી, “બેન, આ કામનું ન હોય તો હું લેતી જઈશ. મારા છોકરાંઓ રમશે.”
કેતકીબહેને કહ્યું, “હા, આ બધું લઈ જા.”
જૂની શેતરંજીઓ અને પેલી કોતરણીવાળી બાની પેટી. પ્લાસ્ટિકનાં ને લાકડાનાં રમકડાં, પેન્સિલ્સ, ફૂટપટ્ટી, આહાહા કેટલું હતું! દરેક વસ્તુઓ સાથે યાદ જોડાયેલી હતી. તેમને યાદ આવ્યું, “આ લંચબૉક્સ. નાનકી ભૂલી ગઈ હતી, ત્યારે હું નાકા સુધી તેને આપવા દોડી હતી. નાનકી હાથમાં પકડે તે પહેલાં પાછળથી ગાય આવી. નાનકી દોડીને મને વળગી પડી. ત્યારે લંચબૉક્સ હાથમાંથી છટકી ગયું અને એ ગાય એનું ઢાંકણું મોઢામાં લઈને જતી રહી હતી. ત્યારથી એ લંચબૉક્સને ઢાંકણું નહોતું. અને આ છત્રી? ખાસ પિંક કલરની છત્રીમાં ભૂરાં ફુલ. સોનિયા લઈ ગઈ હતી અને કાગડો થઈ જતાં બધાએ તેની મશ્કરી કરી હતી. તેણે આવીને જે તોફાન મચાવ્યું હતું! અને આ રમકડા ને ચોક? ચિન્ટુને ચોક બહુ ગમતા. જ્યાં હોય ત્યાં તે ચોક લઈને લખતો અને મીણિયા કલરથી તો તેણે આખી દીવાલ ભરી દીધેલી.’
મંજુ હાથપગ ધોઈને આવી. બધું એક પ્લાસ્ટિકના મોટા થેલામાં ભર્યું. અને માસ્ક પહેરીને બોલી, “બેન, હું નીકળું.”
કેતકીબેન સામાનને જોતાં જ રહ્યાં. મંજુએ ના પાડી છતાં પણ રૂપિયા ને બાળકો માટે ખાવાનું આપ્યું, અને કહ્યું, “તારે ઘરે તું ખુશ છેને? કોઈ તકલીફ નથીને?”
મંજુનો પતિ બે વર્ષ પહેલાં એને અને બાળકોને છોડી ભાગી ગયેલો. ત્યારથી કેતકીબહેન એને ઘરે બોલાવીને નાનું મોટું કામ આપતાં. એ રીતે મંજુને મદદ કરતાં. હસીને મંજુ બોલી, “બેન, મારી માએ કહેલું કે, દરેકને નાનું મોટું દુઃખ હોયજ. બધું થોડું કહેવાય? ક્યારે છડેચોક કહી દેવું ને ક્યારે છાનું રાખવું એટલું સમજી લઈએ એટલે બેડો પાર. પછી દુઃખ દુઃખ ન લાગે.”
એ થેલો ઊંચકી ચાલવા માંડી. કેતકીબહેનને કંઈક ખ્યાલ આવતાં એ પાછળ દોડ્યાં, “મંજુ, ઊભી રહે, લે આ વધુ રૂપિયા. તારા બાળકોને બધું નવું અપાવજે. આ થેલો મારી પાસે રહેવા દે. મારી નજર સામે જ. હવે માળિયા પર નથી મૂકવો.”

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized