લગ્ન અને કોવિડ કોઈએ કહ્યું છે:માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છેમરણ સાથે.આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?કે લગ્નની ભયંકરતા તરફ? -ઉદયન ઠક્કર કોવિડ કાળમાં લગ્ન કયાં સુધી મુલતવી રાખવા?- એવી મૂંઝવણ લગ્નોત્સુક યુવક યુવતીઓને છે. મળવું કેવી રીતે? બધી વસ્તુઓ આમ ઓનલાઈન ન સમજાય. અને કોઈ પણ રીતે મળ્યા અને ગોઠવાઈ ગયું તો પછી લગ્ન ક્યારે કરવા? કેટલાંને નોતરવાં? ઓણ સાલ સાલું સઘળું અઘરું થતું જાય છે. અને એમાં જો લગ્ન લેવાયા હોય એ તારીખે વર કે કન્યામાંથી કોઈ એકને વાઇરસ આભડી ગયો તો? એવાં બે બનાવો ગયા અઠવાડિયે બન્યા. એક તો રાજસ્થાનમાં બારાં જિલ્લામાં બન્યો. લગ્નનાં શુભ દિવસે જ કન્યા કોવિડ પોઝિટિવ થઈ. સ્થાનિક સત્તાવાળાઓએ લગ્ન મુલતવી રાખવા કહ્યું. પણ મુહૂર્ત ચૂકી જવું અશુભ હતું એટલે પછી વર, કન્યા અને ગોરબાપાએ પીપીઈ કિટ પહેરીને વિવાહ વિધિ સંપન્ન કરી. બીજો બનાવ કેલિફોર્નિયા, અમેરિકાનો છે. ત્યાં ય લગ્નનાં ત્રણ દિવસ પહેલાં કન્યા કોવિડ પોઝિટિવ જાહેર થઈ. હવે શું કરવું? આ અગાઉ મહામારીને કારણે ત્રણ ત્રણ વાર લગ્ન મોકૂફ રહ્યા હતા. અને એમનાં લગ્ન લાઇસન્સની એક્સપાયરી ડેઈટ પણ તે દિવસે જ હતી. લગ્ન લાઇસન્સ? વિદેશમાં કોઈ કોઈ રાજ્યોમાં એવું કે લગ્ન કરવા માટે પહેલાં લાયસન્સ લેવું પડે. અન્ય કોઈને કોઈ વાંધો હોય તો એ વાંધો લઈ શકે. આ લાયસન્સની વેલેડિટીની ય એક તારીખ હોય. એટલે પછી બંનેએ નક્કી કર્યું કે હવે તો પરણી જ જવું. એટલે કન્યા પહેલાં માળે બાલ્કનીમાં ઊભી રહી અને એણે એક લાંબી ફૂલો વીંટાળેલી રીબન નીચે લટકાવી. વરરાજાએ ફૂલોભરેલી રીબનનો બીજો છેડો હાથમાં ઝાલ્યો, હસ્તમેળાપ થયો અને પાદરીએ લગ્ન વિધિ પૂર્ણ કરી. છોરા ‘ને છોરી કે’દા ડુંનાં પૈણું પૈણું કરતા’તાં તે આખરે પૈણી ગયા. અને પછી તેઓ આઇસોલેશનમાં જતા રહ્યાં. આમ તો સૌ કોઈ ઈચ્છે કે પરણવાં જતા લોકોને આવું ન થાય પણ… થાય તો શું? અને પરણ્યાં પછી કોવિડ કાળમાં નિભાવવું શી રીતે? આ વર્ષ નબળું વર્ષ છે. લગ્ન પહેલાં મળવું, ડેઈટિંગ કરવું મુશ્કેલ છે. આઈ મીન, પાન્ડેઈટિંગ (પાન્ડેમિક+ ડેઈટિંગ ) મુશ્કેલ છે. અને છતાં લગ્ન થાય પણ જીવનમાં કોઈ આનંદ નથી. કોવિડ કાળમાં નવદંપતિ વચ્ચે આર્થિક અને વ્યક્તિગત બાબતોમાં ચિંતા અને તાણ તો રહેવાની. પણ સારા સમાચાર એ છે કે જ્યારે તકલીફનો સમય આવે છે ત્યારે વર અને કન્યા એકબીજાની વધારે નજીક આવે છે. તેરા સાથ હૈ તો મુઝે કયા કમી હૈ અથવા તો જબ કોઈ બાત બિગડ જાયે.. તું દેના સાથ મેરા-વાળી ફીલિંગ. જુઓને, સારા કાળમાં તો બધા સારા જ લાગે પણ સાચો સ્વભાવ ત્યારે જ સમજાય જ્યારે તકલીફનો સમય હોય. અને આનાથી વધારે અઘરો સમય હવે બીજો કયો આવશે? અત્યારે આ કાળ ચોઘડિયામાં જે વર કન્યાનું સાયુજ્ય થાય એને આખી જિંદગી કોઈ વાંધો ન આવે. લખી રાખજો. એનો જન્મારો સફળ જ છે. યસ, આ સમય છે એકમેકને સમજવાનો. આજે સ્ટ્રેસમાં હોવું નોર્મલ છે. પાર્ટનરની વાણી વર્તણુંક વિચિત્ર હોય તો મન ઉપર ન લેવું કોઈએ. જે જેવાં છે એવાં સ્વીકાર કિયા મૈંને! હેં ને? દરેક વ્યક્તિને પોતાનો વ્યક્તિગત સમય એટલે કે મી-ટાઈમ હોવો જોઈએ. પણ અત્યારે એ અગત્યનું નથી. અત્યારે મીયૂ –ટાઈમ જરૂરી છે. જેટલો સમય સાથે ગુજારી શકાય એટલો ગુજારી લેવો. આર્થિક બાબતો વિષે દિલ ખોલીને ચર્ચા કરી શકાય. આપસમાં ચર્ચા કરશો તો સગાં કે મિત્રોમાં કોઈ તબીબી વ્યવસાય સાથે જોડાયેલાં લોકો પણ મળી આવશે. એવાં લોકોની સાથે સંપર્ક બનાવી રાખો. સંભવિત ચેપ લાગે તો શું કરવું?-એની આગોતરી વ્યૂહરચના વિચારવી જરૂરી છે. અને એ સમયે આવીને (સોશિયલ ડિસ્ટન્સ જાળવીને!) કોણ તમારી પડખે ઊભા રહેશે? –એ વિચારવું ય જરૂરી છે. બ્રિટિશ લેખિકા ફે વેલ્ડન કહે છે કે લગ્ન અઘરો વિષય છે. જેને ઇઝી સમય જ જોઈતો હોય એણે એમાં પડવું નહીં. પણ અમે કહીએ છીએ કે પડવું હોય તો હાલનો સમય શ્રેષ્ઠ છે. શરતો લાગુ.
