Daily Archives: જુલાઇ 4, 2021

નામ – ફાધર વાલેસ

કોન્ફયુશસને કોઈએ પૂછયું : રાજ્ય સારું ચાલે એ માટે શું કરવું જોઈએ ? એમણે ટૂંકો જવાબ આપ્યો : રાજ્ય સારું ચાલે તે માટે એટલું જ જોઈએ કે દરેક નામનો અર્થ બરાબર સચવાય.  

જવાબમાં મર્મ છે. નામનો અર્થ સચવાય એટલે શું ? તો કે પિતા ખરેખર પિતા થાય. દીકરો ખરેખર દીકરો થાય, શિક્ષક ખરેખર શિક્ષક થાય, ખેડૂત ખરેખર ખેડૂત થાય. દરેક શબ્દનો અર્થ બરાબર સચવાય, દરેક નામ સાર્થક થાય. દરેક વ્યકિત પોતાના ગુણ પ્રમાણે વર્તે, દરેક વસ્તુની પાસેથી પોતાના ગુણ પ્રમાણે કામ લેવાય. ગુણ તેવું નામ અને નામ તેવું વર્તન. એ સારા રાજ્યનું રહસ્ય છે.  

આપણું તો ઊંધું જ છે. દરેક માણસ બીજાઓનું જ જુએ છે અને બીજા દરેકે શું શું કરવું જોઈએ એ બરાબર જાણે છે, જણાવે છે, સમજાવે છે, પોકારે છે. બીજાઓની વાત. પોતાની નહિ. શિક્ષકે શું કરવું જોઈએ અને વકીલે શું કરવું જોઈએ અને વેપારીએ શું કરવું જોઈએ અને નેતાએ શું કરવું જોઈએ એ બરાબર સંભળાવે છે. પણ પોતાનું શું ? 

મારે મારા નામ પ્રમાણે વર્તવાનું : હું દીકરો છું તો સાચો દીકરો થાઉં. માબાપ ને માન આપું, પ્રેમ કરું, આજ્ઞા પાળું. મારું એ નામ છે માટે મારે એ ગુણ પણ જોઈએ. હું શિક્ષક છું તો શિક્ષક તરીકે વર્તું. ભણાવું, વાંચું, સંસ્કાર આપું, વિધા આપું. હું લેખક છું એટલે લેખકનો ધર્મ પાળું. સાચું લખું, ઊપયોગી લખું, પ્રેરણા આપે એવું લખું, શ્રધ્ધા વધારે એવું લખું. એમ મારાં જે જુદા જુદા નામ હોય એ હું જાણું, લઉં, સ્વીકારું, સાર્થક કરું. નામ બોલતાં જ એના ગુણ તરત મનની સામે આવી જાય છે. પિતાનું નામ ઉચ્ચારવાથી પિતાનું આદર્શ ચિત્ર મનમાં ખડું થઈ જાય. શબ્દનો પ્રભાવ છે. ભાષાનું સામર્થ્ય છે. આપણે બેદરાકારીથી એ શબ્દો બોલીએ છીએ, એ નામો ઉચ્ચારીએ છીએ. હવે એ પ્રેમથી, માનથી, સમજણથી બોલીએ, અને દરેકના ગુણ પ્રમાણે દરેકની સાથે વર્તીએ. માતા, પિતા, બહેન, ભાઈ, ગુરૂ, આચાર્ય, સમાજ, કુટુંબ. કેવા પવિત્ર શબ્દો છે ! બોલતાં બોલતાં એ સસ્તાં થઈ ગયા, પણ એની પવિત્રતા એમને પાછી અપાવવી જોઈએ. ભાઈ કહો…. તો ભાઈ સમજીને વર્તો. બહેન કહો તો બહેન સમજીને જુઓ. બસ, દરેક શબ્દ સાચવો, દરેક નામ ઉજાળો, દરેકનો અર્થ જાણો, દરેકના ગુણ ઉપસાવો.

એમાં રાજ્યનું કલ્યાણ છે. એમાં સૌનું કલ્યાણ છે.

Leave a comment

Filed under Uncategorized