કલમ વિરુદ્ધ તલવાર

અર્વાચિંતનમ્- પરેશ વ્યાસ- કલમને ધારદાર કરો, સમુદાયને જોડો અને વિરોધ કરવા લાયક મુદ્દે સરકારને તલવાર મ્યાન કરવા ફરજ પાડો. નથી કરી શકતા? તો ચૂપ રહો

શ શી થરૂરે ગયા અઠવાડિયે પૂણેમાં કહ્યું કે વારવારા રાવ, વેરનોન ગોન્સાલવિસ, સુધા ભારદ્વાજ વગેરે લોકોએ હાથમાં પથ્થર નહોતો લીધો કે નહોતી લીધી બંદૂક. માત્ર શબ્દો જ કહ્યા હતા. છતાં તેઓની અટકાયત કરવામાં આવી. આ ઠીક નથી. આમ વાત તો જૂની છે પણ શશી થરૂર અત્યારે બોલ્યાં. માઓવાદી  સંગઠન સાથે કહેવાતું જોડાણ ધરાવતા કેટલાંક નેતાઓ સામે હિંસા ભડકે એવા ભાષણ કરવાનો આરોપ છે. તેઓ પકડાયા. શું કલમની ધારનું અત્યારનાં સમયમાં કોઈ વજૂદ નથી? શું તલવાર કલમને ખચ ખચ વધેરી નાંખે છે?

કલમ હવે કી-બોર્ડ બની ગયું છે. અને ઇંડિયન પિનલ કોડ નામની સરકારી તલવાર સૌને માથે લટકે છે. પહેલાં આંદોલનકારી નેતાઓ હતા જે બગલથેલો લઈને ફરી ફરીને પોતાની વાત કહેતા. જેઓ શોષણનો ભોગ બને એને ન્યાય મળે એની ગુહાર લગાવતા. હવે બગલથેલા વિનાનાં બધાં જ લોકો આંદોલન જગાવે છે. પણ આ લોકો કાંઇ પણ કહે એટલે એની સામે એમની બેફામ ટીકા કરતાં મેસેજીસ ફેક્ટરીમાં તૈયાર થઈ જાય છે. પછી એ મેસેજ વર્ડ-ટૂ-વર્ડ ફોરવર્ડ થાય છે. કોઈ પણ સંદેશ જનઆંદોલનમાં ફેરવાય તે પહેલાં એને દબાવી દેવાય છે. શબ્દોનું ગળું ઘૂંટી દેવાય છે. સરકાર કે સરકારનાં નુમાયંદા તમને જકડે છે, પકડે છે, દેશદ્રોહી તરીકે સ્થાપિત કરે છે. સરકારની કામગીરીનો કોઈ વિરોધ એટલાં માટે થઈ શકતા નથી કારણ કે વિરોધ પક્ષ નબળો અને વેરવિખેર છે અથવા તો એમ કે સ્વલાભ માટે, સારી રીતે દેશ સેવાનાં કારણ આગળ ધરીને, પક્ષપલટો થતો રહે છે. કોઈ કરે તો શું વિરોધ કરે? અને એક અમોઘ શસ્ત્ર  જે અવારનવાર વાઇરલ થતું રહે છે અને એ છે વડાપ્રધાનનાં કુટુંબીજનોની સામાન્ય સ્થિતિ. એટલે એમ કે આ વ્યક્તિ માટે દેશ જ એનું કુટુંબ છે. આ વાત અલબત્ત કાબિલ-એ-દાદ છે. પણ એમનાં સિવાય એમનાં જ બાકી બધાં સાથી, ટેકેદાર કે કાર્યકર શું એવાં જ છે? ના રે ના! અને પછી તો તલવાર ચાલે છે. જે વિરોધ કરે એની ઉપર તલસ્પર્શી વાર થાય છે. અને પછી માર ખાધેલા વિરોધીઓ ન બોલ્યામાં નવસો ગુણ માનીને જીભ પર ઝિપ લગાડે છે.ઓમ ચૂપાય નમઃ મંત્રના  અખંડ જાપ જપવામાં આવે છે. અલ્યા ઓ.. મૂકો બધી લપ . અને -આપણે  શી લેવાદેવા?- એ બૌદ્ધિક લોકોનો તકિયાકલામ થઈ જાય છે. પછી કલમ તકિયા નીચે મૂકીને બૌદ્ધિકો પોઢી જાય છે. રાત રહે જાહરે પાછલી ખટઘડી… સાધુ પુરુષ ત્યારે સૂઈ જાય છે. તલવાર માથે લટકે છે. પણ સરકારનાં ટેકેદાર ઉપર પડતી નથી. તલવાર અહીં અહિંસક બની જાય છે. 

સરકાર એ સારી છે જે બહુજન હિતાય, બહુજન સુખાય  કામ કરે. એનું તલવાર હોવું એ માટે જરૂરી છે કારણ કે આપણે સખણાં રહેતા નથી. ડફણાંની ભાષા જ સમજીએ છીએ. પણ સરકાર ખોટું કરે તો શું આપણે સાવ ચૂપ રહેવું? કલમનું સર કલમ કરી નાંખવું? કી-બોર્ડનું ક્રિયાકર્મ કરી નાંખવું? ના. જરા ય નહીં. બોલવું જ્યારે લાગે કે કુછ તો ગરબડ હૈ. તલવાર એકને કાપે પણ સમૂહમાં આવો તો તમારું  સન્માન કરે. માટે તમારો જેટલો સમુદાય મોટો એટલું સરકાર પર દબાણ તમે કરી શકો. માટે ન્યાત, જાત, ધર્મ કે સમુદાયનાં ભેદભાવ મીટાવીને કશું ય ન થઈ શકે. વિરોધ તો ન જ થાય. ભેગા હશો તો તલવાર ઢીલી પડશે. અલબત્ત તમારો વિરોધ સાચો હોવો જોઈએ.

ઇંગ્લિશ હાસ્યકાર અને વ્યંગકાર ટેરી પ્રેટચેટ કહે છે કે કલમ તલવાર કરતાં વધારે તાકતવર છે, તો જ જો તલવાર સાવ ટચૂકડી હોય અને કલમ ભારે ધારદાર હોય! આખો આ વ્યાયામ એ માટે જ છે. કલમને ધારદાર કરો, સમુદાયને જોડો અને વિરોધ કરવા લાયક મુદ્દે સરકારને તલવાર મ્યાન કરવા ફરજ પાડો. નથી કરી શકતા? તો ચૂપ રહો. સરકાર આપૂડી બાપૂડી પ્રજા પાસે આવશે જ. સરકારમાં શ્રદ્ધા રાખો. ઈતિ. 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.