ગોટ : સર્વ સમયનો મહાનતમ મનુષ્ય
– શબ્દસંહિતા- પરેશ વ્યાસ
– મહાન થવા માટે નક્કી કરવું તો પડે કે મારે કરવું છે શું? પોતાનામાં શક્તિ, ખાસિયત, કાબેલિયત પણ હોવી જોઈએ

यह महान द्रश्य है ,
चल रहा मनुष्य है,
अश्रु श्वेत रक्त से,
लथलथ लथलथ लथलथ
अग्निपथ अग्निपथ अग्निपथ
– हरिवंशराय बच्चन
‘ગો ટ’ શબ્દ તાજેતરમાં ડિક્સનરી.કોમમાં ઉમેરાયો. ‘ગોટ’ શબ્દ આવે એટલે ગાંધીજીની પાળેલી પ્રિય બકરી યાદ આવે. ગોટ એટલે ગાડરિયો પ્રવાહ પણ યાદ આવે, જેમાં ઘેટાં બકરાં મૂંડી નીચે કરીને એક પાછળ એક હાલ્યા જતા હોય. ભગવદ્ગોમંડલ અનુસાર બકરીને અજા, ગલસ્તની, છેલકા, છાગી, સ્તુભા પણ કહે છે. બે સમજુ બકરીઓની બાળવાર્તા આપણે જાણીએ છીએ. બે બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ! આમ તો કોઈ ભોળો અને સાદો માણસ હોય તો એને બકરી જેવો કહીને આપણે એને બિરદાવીએ છીએ. અકરાંતિયો કે આળસુ માણસ પણ બકરી સમો કહેવાય છે. પુરુષની ફ્રેંચ કટ દાઢી ત્યારે આપણે બકરાં દાઢી કહીએ છીએ. કારણ કે એવું લાગે કે જાણે બકરાને હડપચી પર વાળ ઊગ્યા છે. ઈદ-ઉલ-અઝહા તહેવારને બકરીઈદ કહે છે. પશ્ચિમી રાશિચક્રમાં કેપ્રિકોન રાશિની સંજ્ઞાા એવો બકરો છે જેની પૂંછડી માછલી જેવી હોય છે. ગ્રીક પુરાણ અનુસાર ઉપરનું રૂપ પુરુષ જેવું પણ માથે શીંગડા અને નીચેનો ભાગ બકરાં જેવો હોય એ દેવને ‘પાન’ કહે છે, જે સ્વભાવે લંપટ છે અને કાયમ વનદેવીઓની પાછળ પડયો હોય છે. બકરાં… હવે બસ હોં. કારણ કે ડિક્સનરીમાં જે નવો ઉમેરાયો તે શબ્દ ‘ગોટ’નો અર્થ આ નથી. એ છે જી.ઓ.એ.ટી. (G.O.A.T.) જે ચાર શબ્દોનો પહેલો અક્ષર લઈને બનેલો શબ્દ છે. જેનું પૂર્ણ રૂપ છે ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’. ગુજરાતી અર્થ ‘સર્વ સમયની મહાનતમ વ્યક્તિ.’ જેની કોઈ જોડ ન હોય. એ અનન્ય હોય. એનાં જેવું બીજું કોઈ ન હોય. મૂળ આ ઍક્રનિમ એટલે કે બીજા શબ્દોનાં આદ્યાક્ષરોનો બનેલો શબ્દ મહાન ઍથ્લીટ એટલે કે વ્યાયામના ખેલોમાં નિષ્ણાત હોય એવા રમતવીર માટે વપરાતો થયો. જગવિખ્યાત મુક્કાબાજ મોહમ્મદ અલી માટે ૧૯૯૦નાં દાયકામાં એમની પત્નીએ ‘ધ ગ્રેટેસ્ટ’ કહ્યું હતું, જે સમય જતા ‘ગોટ’ ઍક્રનિમમાં તબદીલ થયું. અમેરિકન બાસ્કેટબોલનાં મહાનતમ ખેલાડી કોબે બ્રાયન્ટ (૧૯૭૮-૨૦૨૦) માટે ‘ગોટ’ શબ્દ વપરાતો હતો. દરેક સમયનાં મહાન ફૂટબોલ ખેલાડીઓની સરખામણી કરીએ તો સૌથી મહાનતમ ફૂટબોલ ખેલાડી તરીકે લિઓનલ મેસીને ગોટ કહેવામાં આવે છે. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વેબસાઇટ પોતાનાં કેપ્ટન વિરાટ કોહલી માટે રનમશીન/ ચેઈઝમાસ્ટર / કિંગ/ ગોટ/ લીડર એવાં શબ્દો ઉપયોગ કરે છે. આ ગોટ હવે ક્રિકેટ સુધી પહોંચી ગયું છે. જો કે વિરાટ કોહલી ગ્રેટ ખરો પણ ઓલ ટાઈમ ગ્રેટ છે કે કેમ? – એ વિષે રમતનાં વિશ્લેષકોમાં મતમતાંતર હોઈ શકે છે. રમતગમત ક્ષેત્ર પછી ધીરે ધીરે સંગીત કે અન્ય કલામાં પણ અનન્ય હોય એ માટે પણ વપરાવા માંડયો. ઘણાં રૅપ (Rap) ગાયકોએ ગોટ શબ્દ લોકપ્રિય કર્યો. બોલચાલ કે વાત-ચેટની ભાષામાં પણ એનો ઉપયોગ હવે ભરપૂર થાય છે. આજે તો એનો ઉપયોગ કોઈ પણ ક્ષેત્રની મહાન અપ્રતિમ અદ્વિતીય પ્રતિભાને માટે થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઇમોજી ઉપયોગ થતો હોય છે. ગુજરાતી લેક્સિકોનમાં ઇમોજી-નો અર્થ આવરી લેવાયો નથી. પણ જો હોત તો એનો અર્થ થાત -નાની છબી કે રેખાચિત્ર જે એક ચોક્કસ વિચાર કે લાગણીને ટૂંકમાં કહી દેય. એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, સેમસંગ, વોટ્સ એપ, ટ્વીટર વગરેનાં ‘ગોટ’ ઈમોજી થોડા થોડા જુદા છે પણ બધામાં કોમન છે દાઢીવાળો બકરો, જેનું મોઢું ડાબી તરફ છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર બકરીનું ઇમોજી જોઈએ ત્યારે એ ગાંધીજીની બકરી નથી પણ એનો અર્થ થાય છે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ્સ. આમ જોઈએ તો ગાંધીજી પણ તો મહાનતમ હતા જ ને?
મહાનતમ થવાય કઈ રીતે? સૌ કોઈ મહાન ન થઈ શકે. નહીં તો મહાનને કોણ પૂછે?! ઉજ્જડ ગામમાં જ એરંડો મહાન હોઈ શકે. સૌ કહે છે મહાન થવા માટે નક્કી કરવું તો પડે કે મારે કરવું છે શું? પોતાનામાં શક્તિ, ખાસિયત, કાબેલિયત પણ હોવી જોઈએ. પાદવાની પહોંચ ન હોય તો તોપખાનામાં નામ લખાવા ન જવાય. શક્તિ અનુસાર લક્ષ્ય નક્કી કરો અને એ પર મંડી રહેવું પડે. આ કરું? કે પેલું?- એવું કન્ફ્યુઝન હોય તો આપણો સંઘ કાશીએ ન પહોંચે. લક્ષ્યપ્રાપ્તિ માટે તમને કોણ મદદ કરી શકે? કોઈ ગુરુ હોય તો સારું. કોઈ બધંુ સ્વયં જાણીને કે પામી શકે એટલા શક્તિશાળી હોતા નથી. કોઇની મદદ તો લેવી જ પડે. એકલવ્ય ભલે ધનુર્વિદ્યા જાતે શીખ્યો પણ ગુરુ દ્રોણનું માટીનું પૂતળું તો હતું જ ને? અને હા, ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું હિતાવહ છે. અને રિયાઝ… ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. બસ કરતાં જ રહો. માત્ર ટયુનિંગ જ નહીં, ફાઇન ટયુનિંગ પણ જરૂરી છે. અને પછી… બીજાનાં ખભે પગ રાખીને ઉપર ચઢતા જાઓ. બસ નીકળી પડો અને મંઝિલ તમારા કદમ ચૂમશે. ઓહો! પણ આ તો થઈ મહાન થવાની વાતો. મહાનતમ શી રીતે થાવું? અરે સાહેબ, ગોટ થવાનું રહેવા દઈએ, આપણે જિયાં છઈએ તિયાં હારા છીએ. હેં ને?!!
શબ્દ શેષ :
‘બંદરમાં લાંગરેલું જહાજ સલામત છે પણ જહાજ એ માટે તો બન્યું હોતું નથી.’
– ધર્મશાસ્ત્ર નિષ્ણાત વિલિયમ જી ટી શેડ (૧૮૨૦-૧૮૯૪)