Daily Archives: જુલાઇ 10, 2021

મમ્મી

મમ્મીસૂરજ ઊગતા જ મેઘનાની દોડાદોડ શરૂ. “મમ્મી..કર્ટૅઇન ખસેડી જા ને બહુ લાઈટ આવે છે…”દીકરા રાજે અડધી ઊંઘમાં કહ્યું.એટલામાં પિન્કીની બૂમ, “મમ્મી ટોવેલ…”નાની ડૉલીએ પૂછ્યું, “આજે બ્રેકફાસ્ટમાં શું છે?”મોટો કરણ જતા જતા, “જો મમ્મી, આપણી ગાડીની ચાવી લેવા આવશે સર્વિસ માટે, તો આપી દેજે. ગાડીનો નંબર તો યાદ છે ને?” ને પછી તો…”મમ્મી સાંભળ, આજે મારું કુરિઅર આવવાનું છે, સાઇન કરી લઈ લેજેને, પ્લીઝ.””મેં ઇલેક્ટ્રિશ્યિનને ફોન કર્યો છે, અહીં બે પોઇન્ટ નંખાવવાના છે.””મમ્મી આ નોટબુકમાં પેઇજ મૂક્યા છે ને એની ઝેરોક્ષ કરાવતી આવજે, જો ભૂલી નહીં જતી.””મમ્મી મારો દુપટ્ટો નથી મળતો. અરે! એ ઇસ્ત્રીમાં નહોતો આપવાનો? પૂછ તો ખરી!””રીંગ વાગે છેને તો મમ્મી ઊંચકી લેને. કહી દેને કે નીકળી ગયો છે રસ્તામાં જ હશે!””મમ્મી મારું ડ્રોઅર તેં ગોઠવેલુંને? એટલે જ કંઈ નથી મળતું. બધું જેમ હોય એમ રહેવા દેને.””હેલો.. મમ્મી, જો કબાટનાં નીચેનાં ખાનામાં ચેકબુક છે એના ફોટા પાડીને વોટ્સએપ કરી દેને””અરે આ શું બનાવ્યું? દાળઢોકળી! મમ્મી પ્લીઝ, મેગી બનાવી આપને..””અરે મમ્મી, મારો મોબાઇલ ચાર્જમાં મૂકી દેને.””તું અહીં જ છે તો જરા એ.સી….”આખા દિવસની આવી ભાગદોડ પછી સાંજે મેઘના બારી બંધ કરવા ગઈ. આકાશમાં જોયું તો ઢળતો સૂરજ પણ જાણે ખો આપતો ગયો પછી બારણું બંધ કરવા ગઈ અને જોયું તો સામે મેઘનાની મમ્મી. એ હરખાતાં બોલી “અરે આટલી મોડી તું કેમ આવી, મમ્મી? “ચપ્પલ કાઢતાં મેઘનાની મમ્મી બોલી, “અરે બેટા, આ કપુરિયા બનાવ્યા હતાને એ તારે માટે લેતી આવી. તને બહુ ભાવે છેને! અને દસ દિવસ પહેલાની નારી પૂર્તિમાં તારે સાતમું પાનું જોઈતું હતુંને? એ પસ્તીમાંથી શોધી કાઢ્યું તારા માટે ને તારી સાડીને ફોલ ટાંકવાનો હતોને? ને આ તારો ચાંદીનો ઝૂડો પોલિશ કરાવવા મૂકી ગઈ હતીને? ને…રૂ ની દિવેટ બનાવી દીધી છે, તને તૈયાર નથી ફાવતીને?”હજુ તો જાણે કેટકેટલું કહેવાનું હતું. મેઘનાનાં બાળકોએ મેઘનાને, મેઘનાએ એની મમ્મીને અને એની મમ્મીએ કદાચ એની મમ્મીને. પેઢી દર પેઢી. આમ વિચારતો આભનો ચાંદ મરક મરક હસતો હતો.== યામિની વ્યાસ

152You and 151 others159 CommentsLikeComment

Leave a comment

Filed under Uncategorized