એમ.બી.બી.એસની પરીક્ષા માનસહિત પસાર કર્યાને મને લગભગ પાંચ વર્ષ વીતી ગયાં હતાં. છતાં હજી પણ હું – ‘માખ મારતો હતો.’ એમ તો નહિ કહું, કારણકે (1) ડૉકટરની ‘ડિગ્રી’ મેળવતાં પહેલાં માખી કરતાં ઉચ્ચ પ્રકારનાં અનેક પ્રાણીઓને અમારે મારવાં પડે છે, અને ત્યાર પછી સૌથી ઊંચી જાતનાં પ્રાણીઓને મારવાનો અમને પરવાનો મળે છે; પરંતુ માખ ‘મારવાનું’ અમારા ‘કોર્સ’ માં કદી પણ હોતું નથી. (2) દર્દી મારવાનો ન મળવાથી માખ મારવાનો ઉત્સાહ અમારામાં રહેતો નથી. (3) રોગીને અભાવે માખ મારવી, અર્થાત રોગનો ફેલાવો કરી અમને દ્રવ્યોપાર્જન અને કાયદેસર મનુષ્ય-હનન કરવામાં મદદ કરનારનો જ વધ કરવો, એવું આર્યુર્વેદ-મીમાંસાનું કોઈ સુત્ર નથી. (4) અને ખાસ કરીને એ શબ્દપ્રયોગ અમારા જેવા માટે બહુ માનપ્રદ નથી.
એક પછી એક એમ અનેક વસ્તુનો વિચાર કરી જોયો. શું રોગ ઘટી ગયા ? માનવશરીર એકાએક બળવાન બની ગયાં ? ઈશ્વરકૃપાથી એવું તો કંઈ હજુ થયું નથી. ત્યારે શું મારામાં – મારા પોતાનામાં – કંઈ વાંધો છે ? મારા ભેજા સારું તો હું ને મારા એકબે મિત્રો વારંવાર ‘આફ્રીન’ પોકારતા, અને મારી પાસે હજી સુધી એક પણ દર્દી નહોતો આવ્યો એટલે વાંધો લેવાનો કોઈને હક પણ નહોતો મળ્યો. તેમ છતાં – તેમ છતાં પણ, ઓ ઈશ્વર ! મારું દવાખાનું દર્દીવિહોણું શા કાજે ? દવાખાનું પણ મેં ભારી ખર્ચે, મારાં વૃદ્ધ કાકીનાં ઘરેણાના ભોગે, ‘અપ-ટુ-ડેટ’ બનાવી દીધું હતું. હું પણ, શુદ્ધ પાશ્ચાત્ય પોશાકમાં સજ્જ થઈને મારી સુશિક્ષિતા અને સંસ્કારિતાને શોભાવતો. છતાં પણ પાંચપાંચ વર્ષથી મારે દ્વારે એક દર્દી ના પોકારે એમ કેમ ? આખરે મને કારણ જડ્યું. ભગવાન : (આજે જ તને સંભારવો પડ્યો !) તેં રોગ આટલી સારી સંખ્યામાં ઉત્પન્ન કર્યા તે તો જાણે ઠીક, પણ ડૉકટર, વૈદ, હકીમ વગેરે વગેરેને આટલા વિપુલ પ્રમાણમાં શા માટે નિપજાવ્યા ?
કોઈક સ્થળે વાંચેલું કે મહાપુરુષો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સફળતા મેળવે છે. એટલે ‘Nerve Tonic’ ની એકાદ ‘ડોઝ’ લઈને ઈશ્વરને ગાળ દેવાનું કોઈક શુભ અવસર સારું મુલતવી રાખી શા શા ઉપાયો લેવા તેનો વિચાર કરવા માંડ્યો. એમ તો મારું ભેજું ફળદ્રુપ ખરું. મને એટલા તો ઉપાય જડી આવ્યા, કે એ ઉપાયો અજમાવ્યા પછી પણ મારી સ્થિતિ સુધરી કેમ નહિ એ પ્રશ્નનો જ્યારે ઈશ્વરને મારી આગળ જવાબ દેવો પડશે, ત્યારે એ બિચારાને ભોંય ભારી પડી જશે.
‘કંપાઉન્ડર’ તો મેં પહેલેથી રાખી લીધો હતો. તને મેં એની ફરજો સમજાવી દીધી. કોઈ પણ માણસ મળે, અને આને માંદા પડવાની ટેવ પડી ગઈ છે એમ લાગે તો તેની આગળ મારાં પુષ્ક્ળ વખાણ કરવાં. કેવા ભયંકર દર્દેને મેં સાજા કર્યા છે, તે એને કહેવું. દૂધ અને પાણી જેટલી સહેલાઈથી હંસ છૂટાં કરી શકે છે તેનાથી યે વધારે સહેલાઈથી હું રોગયુક્ત શરીરને માણસથી હંમેશ છૂટું કરી શકું છું તે એના મન પર ઠસાવવું. બીજાં કામને અભાવે મારા કંપાઉન્ડરનો કાર્યક્રમ આ મુજબ હતો. જેટજેટલી સભાઓ થતી ત્યાં હું જતો. સભા પૂરી ભરાઈ રહે એટલે મારો કંપાઉન્ડર શેરીના એકાદ છોકરાને બે પૈસા આપી મને તેડવા મોકલતો, અને તે છોકરો પહેલેથી શીખવ્યા પ્રમાણે : ‘સાહેબ, ગંગારામ શેઠની ગાડી કલાક થયાં ઊભી રહી છે. ચાલો ની !’ એવું કંઈક ઘણે મોટે અવાજે મને કહેતો. શહેરના પ્રતિષ્ઠિત, પૈસાદાર મનુષ્યોને ત્યાં દવા મોકલાવતો ને પછી મહોલ્લામાંના બીજા છોકરાને એ મનુષ્યોને ત્યાં મોકલાવી તેની પાસે ખુલાસો કરાવતો. ‘ડૉકટરસાહેબની ભૂલ થઈ ગઈ છે. ‘પ્રેકટિસ’ મોટી એટલે બધે પહોંચી વળાતું નથી. ભૂલમાં તમારે ત્યાં એમનાથી દવા મોકલાઈ ગઈ છે. વાપરી ના હોય તો મહેરબાની કરીને પાછી આપો.’ લોકને પૈસે મોટી સંસ્થાઓ નિભાવનારા પરોપકારી પુરુષોની ટીપમાં ‘સારી જેવી’ રકમ ભરતો. સ્થાનિક પત્રોમાં બીજાના નામથી, મારા પર ચર્ચાપત્ર મોકલતો ને તેનો જવાબ લખી મોકલતો.
આ અને આવા અનેક ઉપાયો બુદ્ધિદેવીના ભંડારના તળિયામાંથી શોધી કાઢી મેં અજમાવ્યા, પણ પરિણામ કંઈ આવ્યું જ નહિ. મારાં કાકી, ઘણીવાર એમની ઉંમરની સ્ત્રીઓની અમારે ત્યાં ચાલુ બેઠકો થતી તેમાં મારું કર્યું કરાવ્યું ધૂળ કરતાં. મેં ઘરેણાં વેચીસાટીને એનું આ – બળ્યું શું કહે છે – પેલું સ્તો ! – ડોબા જેવાં બોલતા કેમ નથી ? અને શું કહે છે ? હં ! દવાખાનું ! મારાં ઘરેણાં વેચીને એનું દવાખાનું કઢાવી આપ્યું; આજ પાંચ પાંચ વરસનાં વહાણાં વાયાં પણ કોઈ ચકલુંય ફરકતું નથી ! રાતી દમડી કમાતો નથી ! ઈત્યાદિ વાક્યો વડે મારી અણમેળવી આબરૂને ધકો પહોંચાડતાં. શું કરીએ, એમના પર કંઈ કેસ મંડાય ?
મને ચોક્કસ યાદ છે. ધનતેરસનો દિવસ હતો. નિત્યના નિયમ પ્રમાણે દશ-સાડાદશ થયા એટલે મારો ‘વિઝીટ’ પર જવાનો, અર્થાત પાછલા ઓરડામાં જઈ આરામ લેવાનો વખત થયો. મેં જતાં જતાં મારા કંપાઉન્ડરને કહ્યું : ‘મણિલાલ, હું જરા પાછળ જાઉં છું. છે તે – કદાચ – આપણે એમ, કે કોઈ આવી ચઢે તો કહેજો કે ‘વિઝિટ’ પર ગયા છે ને મને કહી જજો.
‘સાહેબ, આપ પાંચ વર્ષથી આમ ‘વિઝિટ’ પર જાઓ છો ને કોઈ આવતું નથી. તો આજે વળી એવો કયો નસીબનો બળિયો – ’
‘નસીબનો બળિયો કે ઘાંચીનો બળિયો તે આપણું કામ નથી. પણ દિવાળીના દહાડા છે. કોઈએ ભારે ખાધું હોય ને ને… ક્દાચ અહીં આવી ચઢે.’
‘આવી દુનિયામાં શું નથી બનતું સાહેબ ? એવું પણ બને !’
‘ત્યારે હું જાઉં છું.’ કહી હું ચાલતો થયો. દશેક મિનિટ થઈ હશે એટલામાં મણિલાલ મારી પાસે આવ્યા.
‘કેમ ?’ મેં પૂછ્યું.
‘સાહેબ, કોઈ આવ્યું છે. તમને મળવા માંગે છે –’
‘હેં ?’ કહીને મેં છલાંગ મારી, મણિલાલની પીઠ થાબડી, ને ઓરડામાં સહેજ કૂદ્યો ! લગાર ભાગ આવતાં હું શરમાઈ ગયો ને મેં મણિલાલને પૂછ્યું : ‘કોણ છે ? કેવો છે ? પૈસાદાર છે ? બહુ માંદો દેખાય છે ?’
‘ખબર નથી; હું જાઉં છું; તમે આવી પહોંચજો.’ કહી એણે ચાલવા માંડ્યું.
‘મણિલાલ, અરે મણિલાલ ! સહેજ ઊભા રહો. હું ‘ડ્રેસિંગ’ કરી લઉં.’ મેં બૂમ પાડી કહ્યું.
‘ડ્રેસિંગ’ માં મારે માત્ર કોટ ને હૅટ પહેરવાનાં હતાં. સામે આરસી હતી તેમાં જોઈ કોટ પહેર્યો, પણ હૅટ કંઈ મનગમતી રીતે પહેરાઈ નહિ.
‘મણિલાલ, હું ધારું છું કે હૅટ કરતાં ટૉપી ઠીક લાગશે.’
‘ના, ના હેટ જ સરસ લાગશે.’
‘મને લાગે છે કે ટોપી જ સારી પડશે.
’ ‘ત્યારે ટોપી પહેરો.’
‘ના, ના ઊભા રહો. હું પહેરી જોઉં. એમ ઉડાવવાની વાત ના કરો.’
આખરે ટોપી પહેરીને હું તૈયાર થયો. મણિલાલ પાછા દવાખાનામાં જઈને વિરાજ્યા. થોડી વાર પછી પાછલે બારણેથી હું બહાર પડ્યો. તે વખતની મારી આંતરવૃત્તિનું વર્ણન કરવામાં દવાની જાહેરખબર આપનારની કસાયેલી કલમ પણ હારી જાય એમ હતું. મને લાગ્યું કે, મારા શરીરમાં હું માતો નથી. ક્ષણવારમાં હું વિરાટરૂપ થઈ ગયો. થોડીવાર સુધી તો પાછલે બારણેથી આગલે બારણે જવાનો રસ્તો પણ હું ભૂલી ગયો ! આખરે ગંભીર થવાનો ભગીરથ પ્રયત્ન કરતો હું દવાખાનામાં આવી પહોંચ્યો. બાડી આંખે જોયું તો ખરેખર એક માણસ બેઠો હતો ! બરાબર બે હાથ, બે પગ, એક માથું – માણસ જેવો માણસ ! આખરે એક જણ પણ હાથમાં આવ્યો ખરો ! મહામુશ્કેલીએ આનંદ વૃત્તિ દબાવી બેદરકારીથી હું ખુરશી પર જઈને બેઠો.
‘મણિલાલ, હમણાં ગાડી આવશે. તેમાંથી ‘બૅગ’ ઊતારી લેજો. દિવાળીના દહાડામાં પણ નવરાશ નથી. જાણે શહેરમાં બીજા ડૉકટર હોય જ નહિ તેમ બધા મારી જ પાસે આવે છે ! – કેમ, કોઈ આવ્યું હતું કે ?’
‘હા. રતનચંદ શેઠ તમારી કલાક વાટ જોઈને હમણાં જ ગયા.’ મણિલાલે ટાઢા પહોરની ફેંકી. મારી સંગતિથી એની બુદ્ધિમાં ઘણો વિકાસ થયો હોય એમ મને લાગ્યું.
‘ને પ્રાણશંકર, ખીમશા, અલીમહમદ, સોરાબજી, વજેસિંહ : એ કોઈ આવ્યા હતા ? જેટલાં સૂઝયાં તેટલાં નામ મેં અડાવ્યાં.’
‘એ તો હજી બધા આવવાના જ છે.’ (ખરું પૂછો તો આજે, હજી પણ એ આવવાના જ છે.)
‘હજી બાકી છે ?’
‘હજી તો સાહેબ, અડધા પેશન્ટ પણ નથી આવી ગયા !’
‘હું તો ખરેખર કંટાળી ગયો છું, મને વાતચીત કરવાનો વખત પણ મળતો નથી. હું ‘પ્રેક્ટિસ’ જેમ જેમ ઘટાડવા માંગું છું, તેમ તેમ ઊલટી એ વધતી જાય છે. તેમાં વળી મારે બીજાં લફરાં ઓછાં છે ? અહીંના ‘મેડિકલ એસોસિયેશન’ નો હું પ્રમુખ, ‘આયુવેદોદ્ધારક મંડળ’ નો મંત્રી ! મારે કયાં ક્યાં પહોંચી વળવું ?’
‘ને અમદાવાદ મેડિકલ લીગની પરમ દહાડે સભા છે, તેમાં તમારે જવાનું છે.’
‘હા, એ તો ભૂલી જ ગયો હતો. ને મણિલાલ, એકાદ સારી મોટરની તપાસમાં રહેજો, મોટર વગર હવે ચાલે એમ નથી.’
‘હા, જરૂર તપાસ કરતો રહીશ.’
હવે તો મારા નવા દર્દી પર મારા મહત્વની અસર થઈ હશે એમ ધારીને, તથા નાનપણમાં કાકી કને બોર લેવાને હું પૈસા માગતો ને એ ન આપતાં, તે વેળાં હું એનો અંબોડો તાણતો, ત્યારે એ કહેતાં તેમ, ‘બહુ તાણે તો તૂટી જાય !’ એમ સમજીને મેં નવા આવનાર તરફ જોયું. પણ એટલામાં તો મારાં કાકીનો બુલંદ સૂર ઉપરથી સંભળાયો ને અમારા ત્રણેનું ધ્યાન તે તરફ ખેંચાયું.
‘કોડીની કમાઈ નહિ ને ઘડીની ફુરસદ નહિ ! દિવાળી જેવા સપરમે દહાડે પણ દવાખાનામાં નક્કામો બેસી રહ્યો છે ! કોનાં નસીબ ફૂટ્યાં હોય કે એની પાસે દવા લેવા આવે ?’
માર્યા ઠાર ! ઘડપણમાં બીજાં અવયવો શિથિલ થઈ જાય છે, તેની સાથે જીભ પણ કેમ તેવી થઈ જતી નથી ? આખરે મારી સુક્ષ્મ બુદ્ધિએ આ બગડેલી બાજીને સુધારી.
‘જોયું મણિલાલ ? આ બિચારાં કાકીનો સ્મૃતિધ્વંસનો રોગ હજી પણ મટતો નથી. મારાં કાકી છે –’ નવા આવનાર તરફ ફરીને મેં કહ્યું : ‘પાંચ વર્ષ ઉપર એમને એ રોગ લાગુ પડ્યો છે. તે વેળા મારી ‘પ્રેક્ટિસ’ બહુ સાધારણ હતી. તેથી હજી પણ એવી છે એમ એ માને છે. વારુ, તમારી શી કમ્પલેઈન્સ છે ?’
‘હું તો સાહેબ, અહીંના ‘અનાથાશ્રમ’ નો સેક્રેટરી છું; ને આપ એવી સંસ્થાઓને સારી મદદ કરો છો એમ સાંભળ્યું છે તેથી આપની પાસે આવ્યો છું !’
મારા દવાખાનામાં એક હું જ દર્દી હતો એમ મને લાગ્યું.
તે વેળા અને ત્યાર પછી ઘણી વાર સુધી મારા મનમાં શા વિચારો આવ્યા તે અહીં લખવાની જરૂર છે ?