Daily Archives: જુલાઇ 15, 2021

ટ્રુથિનેસ :

ટ્રુથિનેસ : મારી માન્યતા એ જ મારું સત્ય

– શબ્દસંહિતા- પરેશ વ્યાસ

– સત્યની ય કોઈ અવસ્થા હોય? સત્ય પણ ઘન કે પ્રવાહી હોય? સત્યનું ય વાયુમાં ઊર્ધ્વીકરણ થતું હોય?

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,

મારું એ મારી કથાના બોધમાં છે. 

-અનિલ ચાવડા

ત નિષ્કની જાહેરાત આવી અને ગઈ. પણ જતા જતા સોશિયલ મીડિયા ઉપર જાહેર તોફાન મચાવતી ગઈ. પણ જાહેરાતનો સંદેશ સાચો હતો કે ખોટો ? તમે શું માનો છો? સત્ય શું છે? અને શબ્દ આવે છે ટ્રુથિનેસ (Truthiness). 

ટ્રુથિનેસ આમ તો બહુ જૂનો શબ્દ નથી. ‘ટ્રુથ’ એટલે સત્ય. ‘નેસ’ એટલે સ્થિતિ, અવસ્થા, દશા. સત્યની ય કોઈ અવસ્થા હોય? સત્ય પણ ઘન કે પ્રવાહી હોય? સત્યનું ય વાયુમાં ઊર્ધ્વીકરણ થતું હોય? ૨૦૦૫માં અમેરિકન ટીવી શૉ હોસ્ટ સ્ટીફન કોલ્બર્ટે આ શબ્દ ઇજાદ કર્યો. એમણે કહ્યું કે ‘આપણે સત્યની વાત કરતાં નથી. આપણે એની વાત કરીએ છીએ જે આપણને સત્ય જેવું લાગે છે. એવું સત્ય જે આપણે ઇચ્છીએ છીએ કે એ હોય. આ ઈન્ફર્મેશન (માહિતી) ઉપર પેશન (જુસ્સો) અને ઇમોશન(લાગણી)નો ઢોળ  ચઢાવવાની વાત છે.’  આજકાલ સત્યની પાસે પાસે હોય એવાં ઘણાં  શબ્દો આવી ચૂક્યા છે. સત્ય હવે એબ્સોલ્યુટ નથી. સત્ય હવે સંપૂર્ણ, અબાધિત કે બિનશરતી નથી. હવે પોસ્ટ-ટ્રુથ (સત્ય પછીનું સત્ય) પણ છે. હવે અલ્ટરનેટિવ ફેક્ટ (વૈકલ્પિક હકીકત) પણ છે.  ટ્રુથિનેસ શબ્દ પંદર વર્ષ જૂનો છે. એનો અર્થ થાય છે : કોઈ વાત મને સાચી લાગે છે. દેખીતી રીતે સાચી લાગે છે. જરૂરી નથી કે એ સાચી જ હોય. બસ એક સહજ જ્ઞાાન થઈ ગયું, હવે  હું માનું છું એ વાત સાચી છે. મને કોઈ આધાર પુરાવાની જરૂર નથી. તર્ક નદારદ છે. ટ્રુથિનેસ કદાચ સત્ય ન પણ હોઈ  શકે. પણ સત્યની કોને પડી છે? લોકો જે માને છે, એમણે જે જોયું છે, સાંભળ્યું છે એ સત્ય છે. કોઈ પણ આંકડાકીય માહિતી, કોઈ પણ સર્વેક્ષણ, કોઈ પણ સંશોધન મને મારી માન્યતાને ફગાવી શકતું નથી. સંશોધન ય સાલું ગડબડિયું ન હોઈ શકે? માટે મારું સત્ય સત્ય છે. માટે તારું સત્ય મિથ્યા છે. જેણે જાહેરાત બનાવી છે એ કોણ છે? એ કયાં છે? 

આ બધાં સત્ય જેવાં શબ્દો એ આધુનિક યુગની દેન છે. અત્યારે હાલ એ છે કે હાલમાં દુનિયામાં શું બની રહ્યું છે?- એની પળવારમાં ખબર પડી જાય છે. પણ પછી? અને હા, એ પૈકી કેટલીય એવી વાતો છે જે સામાન્ય માણસને કન્ફ્યુઝ કરી નાંખે છે. ફેક ન્યૂઝ હોય છે. ક્યારેક ફેંકું ન્યૂઝ પણ હોય છે. કેટલાંક લોકો ન સમજાય તેવો વિરોધ કરી બેસે છે. જેમ કે શેખ અબ્દુલ્લા બોલ્યા કે અમે ચીનની મદદથી કલમ ૩૭૦ પાછી લાવીશું. લો બોલો! સામાન્ય માણસની પોતાની વિચાર કરવાની ક્ષમતા ઘાસ ચરવા જાય છે. નીરક્ષીર વિવેક આપણે ભૂલી ગયા છીએ. આપણાં મગજ મેનિપ્યુલેટ થઈ ગયા છે.

મેનિપ્યુલેટ એટલે હોશિયારીથી કે ચાલાકીથી કામ લેવું તે. કોઈ આપણને કઠપૂતળી બનાવે છે, દોરીસંચાર કરે છે, નચાવે છે. બધાં જ જૂઠ બોલી રહ્યાં છે. સરકાર, ધંધાર્થીઓ, પ્રસાર માધ્યમો. તેઓ આપણને રમાડે છે. સર્વત્ર કોઈ સાઝિસ ચાલી રહી છે. કેટલાંક તો એવું કહે છે કે આ જાહેરાત બે ધર્મ વચ્ચે તિરાડ પાડી ચૂંટણી જીતી લેવાની કોશિશ છે. જૂઠી વાત પણ.. ટ્રુથિનેસમાં સઘળું શક્ય છે. 

શબ્દ શેષ : 

‘સત્ય હજી તો બૂટ પહેરે તે પહેલાં જૂઠ આખી દુનિયાનો આંટો મારી આવે છે.’

 -અમેરિકન લેખક પત્રકાર સેઠ નૂનકિન 

Leave a comment

Filed under Uncategorized