“ભૂરું લિટમસ એસિડમાં બોળીએ તો કેવું થાય?” પટેલસાહેબે પૂછ્યું. રાજુને આમતેમ જોતો જોઈ સાહેબે ઊભો કર્યો. રાજુને સવાલનો જ ખ્યાલ ન રહ્યો.
રાજુએ પૂછ્યું, “શું?”
એને છૂટ્ટો ચોક મારતા તે બોલ્યા, “ક્યાં છે ધ્યાન તારું? શું કરે છે?” અને પછી પલાશને પૂછ્યું. તેણે તરત જ જવાબ આપ્યો, “લાલ.” લાલ સાંભળતા જ રાજુના ચહેરાનો રંગ ઊડી ગયો. સાહેબે રાજુને છેલ્લી બેન્ચ પર ઊભો કરી દીધો ને પલાશને ‘વેરી ગુડ’ કહી બેસાડી દીધો. તેઓ હંમેશા સવાલ પૂછતા ત્યારે પહેલાં જાણી જોઈને રાજુને જ પૂછતા. મેઘધનુષના સાત રંગ ક્યા? રાજુને આવડતું હતું પણ ‘લા..’ બોલીને અટકી ગયો. સાહેબે એને કલાસ બહાર ઊભા રહેવાની સજા કરી. એને આ સાહેબ પાસે ભણવાનો અપાર કંટાળો આવતો. ઘરેથી પપ્પા મોકલે એટલે માંડમાંડ આવતો. હંમેશા સાહેબ રાજુને ખીજાતા રહેતા; આવો કેવો યુનિફોર્મ છે? ઈસ્ત્રી કેમ નથી? કેટલો ગંદો છે! આ બટન કેમ જુદા રંગનું છે? રાજુ હંમેશા રોજ જ કોઈને કોઈ કારણે સાહેબનો ઠપકો સંભાળવા તૈયાર જ રહેતો. રાજુ કોઈ જવાબ ન આપતો ત્યારે પટેલસાહેબ ખીજાઈને કહેતા કે તારા બાપને જ વાત કરવી પડશે.
રાજુ સ્કૂલના પ્યૂન કનુનો દીકરો હતો. ઘરમાં બાપ અને દીકરો બે જ રહેતા હતા. તેની મા ન હતી. એ માંડ સાત વર્ષનો હશે ને બ્લડ કેન્સરમાં મૃત્યુ પામી હતી. માનો એ ખૂબ લાડકો હતો. એ એને ખૂબ વ્હાલ કરતી હતી. બાપે જ એને માંડમાંડ ઉછેર્યો હતો અને આ સ્કૂલમાં મૂક્યો હતો.
પલાશ પટેલસાહેબનો એકનો એક દીકરો. સરને એમ હતું કે પલાશના બધા જ વિષયમાં માર્ક હાઈએસ્ટ હોવા જોઈએ ને એ માટે મહેનત પણ બહુ કરાવતા પણ જ્યારે રમતગમતનો પિરિઅડ આવતો ત્યારે રાજુ મેદાન મારી જતો. એ બાબતથી સાહેબ એના પર હંમેશાં ચીડ કરતા.
એક દિવસ શરીરવિજ્ઞાન ભણાવતા ભણાવતા સરે પૂછ્યું, “બોલ રાજુ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ શું છે? લોહીના ઘટકો અને એના કાર્ય વિશે બોલ. ગઈકાલે જે હોમવર્ક આપ્યું હતું તે બતાવ.” રાજુ માથું ખંજવાળવા લાગ્યો. એને લોહી અને લાલ શબ્દથી જ નફરત હતી. તેને ચીસ પાડવાનું મન થયું પણ કંઈ કરી ના શક્યો. એની આંખમાં ગુસ્સો જોઈ સાહેબ તાડૂક્યા, મારવાનું જ બાકી રાખ્યું હતું, “આમ આંખો ફાડી શું જોયા કરે છે? શરમ કર? અહીં મગજ છે કે મૂત્રપિંડ? શું કરશે આગળ જઈને? બસ આવા જ ભારતના યુવાનો? ભારતનું ભવિષ્ય? પલાશને જો.” આ સાંભળી રાજુનું લોહી બમણા વેગથી પરિભ્રમણ કરવા લાગ્યું. ક્લાસમાંથી જાતે જ નીકળી ગયો. પટેલસાહેબે કનુને બોલાવી રાજુના વર્તન બાબત પલાશનું ઉદાહરણ આપી ખૂબ સલાહ આપી. કનુએ રાજુને ખૂબ મનાવ્યો પણ પછી એ સ્કૂલે ગયો નહીં. વાર્ષિક પરીક્ષા નજીક હતી એ પણ ન આપી. એવામાં પટેલસરને બઢતી મળી. આચાર્ય તરીકે બીજી સ્કૂલમાં બદલી થઈ, ત્યારબાદ કનુના કેટલા પ્રયત્ને માંડ રાજુ સ્કૂલે ગયો.
આમ ને આમ માંડ પાસ થતો રાજુ ધીમેધીમે આગળ વધવા લાગ્યો. પટેલસાહેબ દીકરા પલાશને પણ પોતાની સાથે નવી સ્કૂલમાં લઈ ગયા. નજર સામે રહે તો વધુ મહેનત કરાવી શકાય. પલાશ અભ્યાસમાંથી એક સેકન્ડ પણ બગાડે એ એમને મંજૂર નહોતું. ફક્ત અને ફક્ત ભણવાનું જ. થયું પણ એવું કે પલાશ બારમામાં સેન્ટરમાં ફર્સ્ટ આવ્યો ને પટેલસાહેબની છાતી ગજગજ ફુલાઈ. સહુને કહેતા, “જુઓ, આનું નામ દીકરો, પિતાનું નામ રોશન કર્યું. અરે ભાઈ! મારું લોહી છે.” અને મોટી પાર્ટી રાખી. પલાશે મેડિકલમાં એડમિશન લીધું અને ડૉક્ટર થયો. આગળ સ્ટડી માટે અમેરિકા ગયો. સર ખૂબ પોરસાતા. તેઓ ખૂબ ખુશ થઈ વટ મારતા. બધાને કહેતા કે, “જુઓ, આવી રીતે ભણાવાય, દીકરાનું કેટલું ધ્યાન રાખ્યું તો તે ભણીગણીને અમેરિકા ગયો આગળ અભ્યાસ માટે.”
પલાશનો એ અભ્યાસ પણ પત્યો પછી પટેલસાહેબે કહ્યું, “પલાશ હવે આવી જા, અહીંયા મોટી હોસ્પિટલ બનાવીએ ને તારી મમ્મીએ છોકરી પણ જોઈ રાખી છે.” પટેલસાહેબને હતું કે દીકરો તો પિતાના નામની જ હોસ્પિટલ ખોલશે. મારું લોહી છે, આખરે એની આ સફળતા પાછળ ઓછી મહેનત થોડી કરી છે!” અને દીકરો ત્યાંથી કહેતો કે બસ હવે થોડી જ વાર છે. એમ કરતાં કરતાં બીજા બે વર્ષ વીતી ગયાં. પછી એક દિવસ પલાશનો ફોન આવ્યો, “મેં અહીં મારી ડૉક્ટર ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધું છે અને અહીં જ સેટલ થઈશ. તમે અહીં આવી જાઓ.”
આ સાંભળીને પટેલસાહેબને આઘાત લાગ્યો, કહોને અટેક જ આવ્યો. લોહી જોરજોરથી પરિભ્રમણ કરવાં લાગ્યું ને એટલા ગુસ્સે થયા જાણે રાજુને ભણાવતા ન હોય! લોહીના ઘટકો શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ… પણ પછી ધીમેધીમે આઘાત જીરવાયો પણ નક્કી કર્યું કે અમેરિકા તો નથી જ જવું. મિત્રોએ પલાશને ફોન કરીકરીને કહ્યું કે તું આવી જા પણ પલાશ ન જ આવ્યો.
પટેલસર રિટાયર્ડ થયા. એજ વર્ષે કોરોના આવ્યો. પટેલસર તો ખૂબ સાચવતા પરંતુ ખબર નહીં કઈ રીતે બીજા વેવમાં ચેપ લાગ્યો. પછી ધીરેધીરે કોરોના વકર્યો. અતિભયંકર સ્વરૂપ લીધું. પહેલાં તો ઘરે જ હતા પરંતુ પછી એડમિટ થવું પડ્યું. ઘરે તેમના પત્ની એકલાં જ હતાં તે પણ ક્વૉરન્ટીન. કરે તો પણ શું કરે? કોઈએ પલાશને ફોન કર્યો. પલાશથી પણ અત્યારે અવાય તેમ ન હતું. ધીમેધીમે પટેલસાહેબની તબિયત બગડવાં માંડી. એમને થયું કે હવે હું નહિ બચું. એમને આખું જીવન યાદ આવવાં લાગ્યું. ‘કઈ રીતે પલાશની કાળજી રાખી, તેને આગળ વધવા માટે કેવા સપનાં સેવ્યાં હતાં! અને કોઈ પણ રીતે કોઈ એનાથી આગળ વધતો દેખાય તો એની સાથે કેવો વ્યવહાર કર્યો હતો? પલાશને ખૂબ ભણાવ્યો પણ કદાચ ગણાવી ન શક્યો. એ જ ડૉકટર દીકરો આજે કામ ના લાગ્યો.’
જોકે ટ્રીટ્મન્ટમાં કોઈ કમી ન હતી. તેમને પૈસાની કોઈ તકલીફ ન હતી. સમયસર ઓક્સિજન મળતાં ધીરેધીરે તેમની તબિયત સુધરવા માંડી. તેમણે ડ્યૂટી પરના ડૉક્ટરને કહ્યું, “આભાર ભાઈ તારો, મારા દીકરાએ તો કશું જ ન કર્યું પરંતુ તે મારું ખૂબ ધ્યાન રાખ્યું.”
તે પણ તેમનો વિદ્યાર્થી જ હતો તેણે કહ્યું, “મારો નહીં, આ રાજુનો આભાર માનો. તેણે તમને પ્લાઝમા ડોનેટ કર્યું છે. તમારું ઓ-નેગેટિવ બ્લડ ગૃપનું પ્લાઝમા ક્યાંય મળતું જ ન હતું. આ રાજુ અત્યારે સ્પોર્ટ્સ ક્લબમાં ટ્રેનિંગ આપે છે અને સેવાનાં કાર્યમાં વ્યસ્ત રહે છે. તેને જ્યારે ખબર પડી કે મારા પટેલસાહેબને અહીં પ્લાઝમાની જરૂર છે તો તે દોડીને આવ્યો. એને પણ કોરોના થયો હતો ને પોતાનું ઓ-નેગેટિવ પ્લાઝમા ડોનેટ કરી તમારો જીવ બચાવ્યો છે. પટેલસાહેબ રાજુને જોઈ રહ્યા અને અનુભવી રહ્યા, એમનામાં ફરતા લોહીના ઘટકોને…
યામિની વ્યાસ