Daily Archives: જુલાઇ 20, 2021

માઇનસ પોઇન્ટ

માઇનસ પોઇન્ટ

મોલમાં બિલ ચૂકવતી વખતે સ્તવને વૉલેટ કાઢ્યું અને સાથે ખિસ્સામાંથી તેનું વિઝિટિંગ કાર્ડ પાછળ ઊભેલી સારસીના પગ પાસે પડ્યું. સોશિઅલ ડિસ્ટન્સિંગ હોવાથી થોડી દૂર ઊભેલી હોવા છતાં સારસીએ કાર્ડ ઊંચકીને તેના પર લખેલું નામ ‘સ્તવન ડી….’ વાંચતાં વાંચતાં સ્તવન સામે ધર્યું. ‘થેન્ક્સ’ કહીને સ્તવને લઈ લીધું. સારસી તેની સામે જોતી રહી પરંતુ એણે માસ્ક પહેરેલું હતું તેથી ચહેરો ખાસ ઓળખાયો નહીં. એ ગયો પછી સારસી પોતાનું બીલ ચૂકવીને મોલમાંથી જલદી બહાર નીકળી. તેની આંખ પેલા સ્તવન ડી..નામના પુરુષને શોધતી હતી. તેણે જોયું તો તે બહાર મૂકેલી સેનેટાઈઝરની શીશી વડે તે હાથ સાફ કરી રહ્યો હતો. તેણે સ્તવન પાસે જઈને પૂછ્યું, “ઇક્સક્યૂઝ મી, સ્તવન ડી. આપ આપની સરનેઇમ જણાવશો? હું કદાચ આપને ઓળખું છું.” અને પોતાનું માસ્ક ઉતારતાં બોલી, “હું સારસી.”
“ઓહો…! તમે… તું? સારસી? સ્તવને પણ માસ્ક નીચું ઉતાર્યું. બંનેએ એકબીજાને ઓળખ્યાં અને તરત જ માસ્ક ઉપર ચઢાવતાં સારસી બોલી, “તું અહીં ક્યાંથી?”
સ્તવને કહ્યું, “હું એકાદ અઠવાડિયાથી આ શહેરમાં વ્યાવસાયિક હેતુસર આવ્યો છું અને તું?”
“હું તો વર્ષોથી અહીં જ આ શહેરમાં રહું છું. ચાલ, સાંજે ઘરે આવ.”
બંને વાત કરતાં હતાં ત્યાં સ્તવને કહ્યું, “બહુ ગરમી છે. આપણે બાજુના કેફેમાં જઈને બેસીએ.” તેઓ તો વાત કરતાં કરતાં ભૂતકાળમાં સરી પડ્યાં. બંને નાનપણના પાક્કા મિત્રો હતાં. એક જ સોસાયટીમાં સામસામેના ઘરમાં જ રહેતાં હતાં.એ ગલીમાં છોકરીઓ જ વધારે હતી અને છોકરાઓમાં એકલો સ્તવન. એટલા માટે છોકરીઓ સ્તવનને ઘરઘર રમવા ખેંચી લાવતી અને તે બધા મળીને ઘરઘર રમતાં. નાનાંનાનાં વાસણો, કપડાંનાં લીરાં, ઢીંગલાઢીંગલી, રમતગમતનાં સાધનો, ડબ્બાડબ્બી, પીંછાં, છીપલાં જેવી કેટલીય વસ્તુઓ ભેગી કરી રાખી હતી. ઘર માંડીને બેઠા હો તો શું ન જોઈએ? કોઈકવાર સારસી અને સ્તવન મમ્મીપપ્પા બનતાં, કોઈવાર ભાઈ બહેન બનતાં, કોઈવાર દાદાદાદી તો કોઈકવાર કાકાકાકી બનતાં. દરેક પ્રસંગ, દરેક તહેવાર તે લોકોના નાનકડાં ઘરઘરમાં પણ ઉજવાતો. કાગળની રોટલી બનતી અને ફૂલનું શાક બનતું. પાંદડાંનો સલાડ બનતો કે પાણીની ચા બનતી કે લસ્સી બનતી. કોઈકવાર સાચુકલાં સિંગચણા, ચોકલેટ, પીપરમિન્ટ, દાળિયા, મમરા એવું પણ આવી જતું. કોઈક પ્રસંગ બન્યો હોય તો તેના પણ દ્દશ્યો ભજવાતાં પણ રમતા બધા સાથે જ. સારસી ને સ્તવનને એકબીજા વગર બિલકુલ ચાલતું ન હતું.
એક દિવસ સારસી અને તેની બહેનપણીઓએ પૂછ્યું કે,’ આજે ઘરઘરમાં શું રમીએ?’ સ્તવને આઈડિયા આપ્યો, ‘ચાલ, અમે છોકરાવાળા છોકરીને જોવા આવવાનું રમીએ.’ સ્તવનના ઘરમાં એ દિવસે એને એના ફોઈને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા. તે દૃશ્ય તેણે આખું જોયું હતું અને તે જ અહીં ભજવવાનું હતું. સ્તવન છોકરો બન્યો અને બે બહેનપણીઓમાંથી એક સારસીની મમ્મી અને એક પપ્પા બની હતી. સ્તવને સારસીને કહ્યું કે તું ટ્રેમાં ચાનાસ્તો લઈને આવ. સારસી તો ખુશ થઈ ગઈ. દોડતી દોડતી પાણીની ચા અને ફૂલપાંદડાંનો નાસ્તો લઈને આવી. સ્તવન તાળીઓ પાડીને હસવા લાગ્યો, “અરે! છોકરીઓ કંઈ આવી રીતે ના આવે. જા ફરીથી, અને ધીમેધીમે આવ. અને ફ્રોક પર દુપટ્ટો નાખીને આવ.”
સારસીએ સ્તવન એની આજ્ઞાનું બરાબર પાલન કર્યું. અને સ્તવન એને જોઈ બોલ્યો, “મમ્મીપપ્પા, મને છોકરી ગમે છે. હવે તમે પૂછી લો. સ્તવને તેની મમ્મી બનેલી બહેનપણીને ડાયલોગ શીખવાડી રાખ્યો હતો, “અમે સાંભળ્યું છે કે છોકરીને પગ પર સફેદ ડાઘ છે, સાચું?” સારસી તો ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું, “આવું બધા જ પૂછે?
સ્તવને કહ્યું, “મારી ફોઈને હતો. એટલે મારા દાદીએ હા પાડી.”
સારસીએ પૂછ્યું, “પણ સફેદ ડાઘ હોય તો શું?
સ્તવને કહ્યું, “એ કદાચ માઈનસ પોઈન્ટ કહેવાય.”
“તો માઇનસ પોઇન્ટ એટલે?”
સ્તવન બોલ્યો, “એટલે મારા ફોઇને જે છોકરો જોવા આવ્યો હતો તેની એક આંખમાં થોડી ખામી હતી. એટલે મારા ફોઈને એ ચાલી જાય. બંનેને માઈનસ પોઈન્ટ હોય તે પ્લસ થઈ જાય.”
સારસીને બહુ સમજાયું નહીં તોય બધાંની સાથે હસી પડી. અને છોકરીછોકરો જોવાની રમત પતી ગઈ. છેલ્લે તેવું નક્કી થયું કે આવતીકાલે સ્તવન અને સારસીનાં લગ્ન કરીશું. એ રીતે રમતગમતના ઘરઘરમાં લગ્નવાળું દ્દશ્ય પણ ભજવાયું પરંતુ સારસીના મનમાં પ્રશ્ન હતો તે ગયો નહીં. તેણે મમ્મીને પૂછ્યું, “મમ્મી આ સફેદ ડાઘ શું છે? મને છે પરંતુ તેં તો કોઈને કહેવાનીના પાડી છે એટલે મેં કોઈને કહ્યું નથી. આવું ખોટું બોલીએ તો ચાલે?”
સારસીની મા એકવાર ખચકાઈ ગઈ પછી બોલી, “તમે ખોટું ખોટું ઘરઘર રમતાં હો અને ખોટું બોલો તો એમાં ચાલે.” નાનકડી સારસી માની ગઈ.
આવી રમતો રમાતી ગઈ. નવાં નવાં દ્દશ્યો ભજવાતાં ગયાં. એકવાર વૃક્ષારોપણની રમતમાં સ્તવને અને સારસીએ મળીને ટગરી વાવી હતી. બંને રાહ જોતાં કે તેના પર ફૂલ ક્યારે આવે. થોડા સમયમાં ટગરી પર ફૂલ આવવાં લાગ્યાં. બન્ને હરખાતાં. સારસી અને સ્તવન મોટાં થતાં ગયાં પરંતુ હજુ સ્કૂલ પૂરી થાય ત્યાં તો સ્તવનના પપ્પાની બદલી થઈ અને તેઓ બીજા શહેરમાં ચાલ્યા ગયા. એકબીજાને યાદ કરતાં. ફોન પર વાતો પણ થતી.
હવે સારસીએ કૉલેજ પૂરી કરી ને સ્તવન આગળ ભણવા વિદેશ ગયો. બન્ને એકબીજાને ગમતાં, ચાહતાં પણ ક્યારેય પ્રસ્તાવની કે લગ્નની વાત ન થઈ. સારસીને ઘરેથી લગ્ન માટે વાતો થતી ત્યારે એને સ્તવન યાદ આવતો અને માઇનસ પોઇન્ટવાળી વાત પણ યાદ આવતી અને એ અટકી જતી. તેના રૂપ અને ગુણથી છોકરાઓ આકર્ષાતા હતા પરંતુ તેના સફેદ ડાઘને કારણે છોકરાઓના પરિવારમાંથી ના થતી. ત્યારે સરસીને સ્તવનનો એક જ શબ્દ યાદ આવતો ‘માઈનસ પોઈન્ટ’ પણ.
આખરે સોહમ નામના એક યુવાન વિધુર જેને એક નાનો દીકરો હતો તેની સાથે સારસીના લગ્ન થયા. સારસીએ મન મનાવી લીધું. સરસ રીતે તેનું લગ્નજીવન ચાલતું હતું. તેને એક દીકરી પણ જન્મી હતી. બંને ભાઈબહેનને વહાલથી સારસી ઉછેરતી હતી. વર્ષો વીતતાં ગયાં. દીકરો અમેરિકા ભણવા ગયો. ત્યાં જ સારી જોબ પણ મળી અને દીકરીને એના ગમતાં છોકરાં સાથે એંગેજમેન્ટ કરી આપ્યા. બધાં જ ખૂબ ખુશ હતાં. બસ ધામધૂમથી લગ્નની તૈયારી ચાલતી હતી ને એ જ દિવસોમાં એ ઘર પર આભ તૂટ્યું. સોહમનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. સારસી સાવ ભાંગી પડી. સમય જતાં દીકરીને તો પરણાવી પણ તે સાવ એકલી પડી ગઈ. પાપાના મૃત્યુ વખતે આવેલો દીકરો ફરી જલદી આવવાનું પ્રોમિસ કરીને ગયો હતો. પણ મોડું થયું, વળી કોરોનામાં ઓર મોડું થયું હતું પણ હવે એ આવી રહ્યો હતો એટલે સારસી તેની તૈયારી કરતી હતી. તેના માટે છોકરીની શોધ પણ કરતી. તેના માટે ઘર સજાવતી હતી. મોલમાં ખરીદી કરવા ગઈ હતી અને અચાનક સ્તવન મળી ગયો.
“અરે સ્તવન! મેં તારી તો ખબર પૂછી જ નહીં. મને એ કહે તારું ફેમિલી ક્યાં છે?”
સ્તવને કહ્યું, “ભણવામાં ને ભણવામાં ને પછી ધંધામાં ખૂબ જ વ્યસ્ત રહ્યો અને તને ખબર છે હું ખૂબ જ ચૂઝી છું. છોકરીઓ ઘણી જ જોઈ પણ…એ અટકી ગયો. સારસીને અચાનક માઇનસ પોઇન્ટ યાદ આવી ગયો પણ એ યાદ છુપાવતાં હસીને બોલી, “તું કોઈને ન ગમે એ તો શક્ય જ નથી. કદાચ તું કોઈને રિજેક્ટ કરે!”
સ્તવન સારસી સામે જોઈ રહ્યો અને કહ્યું, “છોડ એ વાતો. આપણા બાળપણના દિવસો કેવા સરસ હતા! મહેકતા હતા. યાદ છે, પેલું ટગરીનું ઝાડ વાવ્યું હતું?”
સારસીએ કહ્યું, “હા, હું એકવાર ગઈ હતી. તેને કોઈ રોગ લાગ્યો એટલે મરી ગયું છે. હજુ તેના મૂળિયા હશે.
સ્તવને કહ્યું, “ચાલને, આપણે સાથે જઈએ તે મૂળિયા જોવા.”
સારસીએ કહ્યું, “હા ચોક્કસ મમ્મીપપ્પા પણ તને જોઈ રાજી થશે.”
સાંજે સ્તવન સારસીના ઘરે ગયો. સારસીએ દીકરીને પણ બોલાવી હતી અને દીકરાને વિડીયોકૉલ કર્યો હતો. સ્તવને ત્રણચાર કલાક ત્યાં વિતાવ્યા થોડાક દિવસમાં સારસીનો દીકરો આવી ગયો. સારસીએ છોકરી જોવા માટે કહ્યું.
દીકરાએ કહ્યું, “વાર છે.”
સારસીએ પૂછ્યું, “કેમ?”
“આજે આપણે જઈએ.”
“ક્યાં?
“નાનાનાનીને ત્યાં.”
સારસી પણ ખુશ થઈ એને થયું સ્તવનને પણ સાથે આવવા કહી દઉં? પણ ના દીકરાદીકરીને કદાચ નહીં ગમે! આખરે તેઓ ત્રણ મજામસ્તી કરતા નાનાને ત્યાં પહોંચ્યા. બન્ને છોકરાઓ નાનાનાનીને વળગી પડ્યાં. નાનીએ દીકરાને હેતથી કહ્યું, “ચાલ બેટા, જલદી છોકરી શોધી લે એટલે અમને લગ્ન મહાલવા મળે ને મારી સરસીની જવાબદારી પણ ઓછી થાય.”
દીકરો હસીને બોલ્યો, “અરે! પહેલા તમારી જવાબદારી ઓછી કરીએ. બંને છોકરાઓ મમ્મીને વાડામાં ટગરીના ઝાડ પાસે લઈ ગયાં જ્યાંથી કૂંપળો ફૂટી હતી અને સફેદ ફૂલો આવ્યાં હતાં.
ત્યાં જઈ સારસી આશ્ચર્ય સાથે બોલી, “સ્તવન તું? સ્તવન એક ફૂલ તોડીને એટલું જ બોલ્યો, “મને આ સફેદ રંગનું ફૂલ બહુ ગમે છે.” ને સારસીને આપતા કહ્યું, “મને સફેદ રંગ સામે ક્યાં વાંધો છે કે હતો?”
== યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized