Daily Archives: જુલાઇ 22, 2021

ક્યાંક છડેચોક ક્યાંક છાનું

ક્યાંક છડેચોક ક્યાંક છાનું

સોસાયટીના ગેઇટ પાસે ચર્ચા ચાલતી હતી-
“આજે શું બનાવ્યું, ખાવામાં?”
“આ… રોટલી ને શાક, બીજું શું?”
“હવે તો રોજ પૂરું ખવાતુંય નથી.”
“હા, પણ અમારે ત્યાં સવારે દાળ-ભાત તો જોઈએ.”
“અત્યારે તો મુઉ કોરોનામાં જમવાનુંયે નથી ગમતું, પણ બધા ટીવી જોતાં જોતાં કંઈ ને કંઈ નાસ્તો માંગ્યા કરે. એ રોજ શું બનાવીએ બોલો?”
“હાસ્તો વળી.”
“આજે તો મેં મલાઈ કોફતા બનાવ્યા છે. આન્ટી, તમારા ઘરે મોકલું?” પચીસ-છવીસની દેખાતી દિવ્યા એ કહ્યું.
“ના બેટા, અમારે બે જણને કેટલું જોઈએ? ઘરે શાક બને છે તે પણ પૂરું નથી થતું. કોઈ વાર પહેલેથી તને કહીશું, બસ? ”
“હા, સવારનું તો થઈ જાય, પરંતુ સાંજે શું બનાવવું તેની ફિકર હંમેશા હોય છે.”
“હા, બધા જ ઘરનો એ જ સવાલ.”
અમારે ત્યાં તો હાંડવો, ઇદડાં, બટાકાપૌઆ ને વહુ બનાવે એ પાસ્તા ચાલી જાય.”
“ના…રે, અમારે ત્યાં ખાય માંડ દોઢ બે રોટલી , પરંતુ ભાખરી-રોટલી તો જોઈએ જ. આવું કાંઈ પણ બનાવીએ તો કહે આ જમવાનું થોડું છે? તમે તો આમાં સમજાવી મૂકો છો. બોલો!”
“અમારે એમનેય ન ચાલે, અને આમેય બે જણ માટે જુદું જુદું શું બનાવવું? ઘર ભરેલું હતું ત્યારે માણસ એટલી વાનગી બનતી. વરણાગી પણ એટલી, પણ ખાવાવાળા હોય તો મજા આવે. આનંદથી ખાય ને કહે, ‘બા, તારો હાથ અમેરિકા લઈ જવા આપને.’ હવે તો સાંજે એમને જે ભાવે તે બનાવી દઉં.” કેતકી તેની સોસાયટીની પડોશણો સાથે વાતે ચડી હતી. તેઓ ત્રણે માસ્ક પહેરીને સોસાયટીના ગેઇટ પાસે રોટલી પહોંચાડવા ગઈ હતી. આમ તો, કોરોનામાં એકબીજાને મળાતું ન હતું, એટલે ફોનથી મળી લેતી. દર મહિને યોજાતી કિટ્ટીપાર્ટી પણ બંધ હતી. આ સોસાયટીની બહેનો કોરોનાના સમયમાં ઘરે રોટલી બનાવીને બહાર ગેઇટ પર આપી આવતી અને સામાજિક સંસ્થાવાળા ત્યાંથી ભેગી કરીને લઈ જતા. સોસાયટીની બહેનોનું એક વોટ્સએપ ગૃપ હતું. તેમાં રોજ લખાઈ જાય- આજે મારી દશ, આજે મારી પંદર, આજે મારી વીસ…, રોટલી, ભાખરી, પૂરી વગેરે પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને બહાર વોચમેનને આપી આવતી. આમેય, કોરોના સમય ઘરમાં વધુ વખત ફ્રી હોઈએ ત્યારે દસ-બાર રોટલી વધારે કરવામાં કોઈને તકલીફ જેવું લાગતું ન હતું. બીજું તો શું કરી શકાય? આ બહાને સેવા થાય એવું વિચારીને, આ બહેનોએ સ્વેચ્છાએ આ સેવાકીય કાર્ય ઉપાડ્યું હતું. રોટલી આપવા જતી ત્યારે જ એકબીજીને માંડ પાંચ-દસ મિનિટ મળી શકતી. આમ તો, સોસાયટીની બહેનોમાં ખૂબ સંપ હતો. સુખદુઃખના સમયમાં એકબીજાની પડખે રહેતી, પણ હમણાં તો ઘરની બહાર જ નીકળવાનું ન હતું, તેથી થાય શું?
કેતકીબહેન ઘરે આવ્યાં અને શ્રીધરભાઈને કહ્યું, “ચાલો, જમી લઈએ.”
શ્રીધરભાઈ કોઈની સાથે ફોન પર વાતમાં હતા. તેમણે હાથ ઊંચો કરીને ‘હા’ કહી, એટલે કેતકીબહેને ભાણું પીરસ્યું અને બાજુમાં પોતાનું પણ. બે જણ વચ્ચે પાંચેક રોટલી બહુ થઈ રહેતી. શ્રીધરભાઈ બે કે અઢી રોટલી ખાતા. શ્રીધરભાઈનો ફોન લાંબો ચાલ્યો. તેમને આવતા જરા વાર થઈ. કેતકીબહેન વિચારે ચડી ગયાં.
‘હજુ તો દસ-બાર વર્ષ પહેલાંનો સમય. ત્યારે હું કેટલો બધો લોટ બાંધીને રોટલી બનાવતી! ખ્યાલ પણ નહોતો આવતો કે આટલા માણસોમાં કેટલો લોટ જોઈએ. ત્યારે બાને પૂછતી કે, ‘બા, આટલો લોટ?”
અને બા કહેતાં, ‘હજુ બે ચમચા નાખ અથવા તો હજુ આમાંથી દોઢબે ચમચા કાઢી લે.’
અને હું લોટ બાંધતી. છોકરાંઓને સ્કૂલે જવાની અને એમને ઓફિસે જવાની ઉતાવળ હોય. લંચબૉક્સ ભરવાના હોય અથવા તો જમીને સ્કૂલે જવાના હોય, તે મુજબ હું રોટલી વણતી. મારો હાથ ખૂબ જ ઝડપથી ફરતો, સાથે બીજા પણ ઢગલો કામ આટોપવા ના હોય!
બે દીકરીઓ અને એક દીકરો, સાથે ભાણેજ પણ અહીં ભણવા માટે આવ્યો હતો. કેટલી બધી દોડાદોડી! સવાર પડતી ત્યારે ઘણીવાર થતું કે, હું સૂર્યોદય જોવા નીકળું. બાલ્કનીમાં કિરણો આવતા તેમને પકડીને ગૂંથીને રાખી મૂકવાનું મન થતું. સૂરજ તો ક્યારે ઊગે? હું એ પહેલા વહેલી જાગી જતી, અને રાતનો વધ્યો ઘટ્યો અંધકાર ઉલેચી, ઊર્જા ઊંચકીને, છેડે બાંધીને સફાળી કામે વળગી જતી. બહાર સરસ ફૂલો ઉગાડયાં હતાં. મને થતું કે, ફૂલ પરની ઝાકળ જતી રહે તે પહેલાં હું તેને મળી આવું, લીલીછમ લોન પર ખુલ્લા પગે ચાલી આવું, સવારના ઠંડો વાતો પવન ઝીલી લઉં, ટહુકતી કોયલને સાંભળી લઉં, પરંતુ તેનો સમય ક્યાં હતો! હતું કે આ રસોઈ, બાળકોમાંથી જરાક પરવારું એટલે હું ફ્રી. પણ મા કદી નવરી પડે? રસોડામાં રસોઈ કરતાં ફકર ત્રણ બાય બેની બારીમાંથી દેખાતું આકાશ આખું જોવું હતું. ને હા, ભણવામાં આવતી બધી જ કવિતાઓ યાદ આવતી, પરંતુ એ સમયે સમય ક્યાં હતો? ચાનું પાણી મૂકવાથી શરૂ કરીને ભાણું પીરસવાની દોડાદોડ અને વચ્ચે છોકરાંઓ કે પતિદેવને કંઈ મળતું ન હોય. ચાવી, રૂમાલ, મોજાં, બેલ્ટ, પાણીની બોટલ વગેરે શોધીને આપવાની દોડાદોડી કરવી પડતી. બાપુજીને ચા સાથે દવા અને નાસ્તો ને બાના વા વાળા પગે માલિશ. ત્યારે થતું કે એક વ્યક્તિ કેટલી જગ્યાએ પહોંચી વળે? મારા જેવી ગૃહિણીનાં દસબાર રૂપ અને વીસબાવીસ હાથ હોવા જોઈએ!
પરંતુ, કદાચ મને એ જ ગમતું. આમ પરવારતા તો છેક બપોર થઈ જતી. બે ઘડી આડા પડીને કંઈ પુસ્તક વાંચ્યું, ન વાંચ્યું હોય ત્યાં તો ચા નો ટાઈમ થઈ જતો. પછી ફરીથી ઘરની, બાળકોની સ્કૂલની, ચીજવસ્તુઓની, શાકભાજીની ખરીદી, કોઈને મળવું, કોઈના ખબર-અંતર પૂછવાં અને સાંજની રસોઈનો સમય થઈ જતો. ફરી ઘરમાં અવરજવર શરૂ થતી. દોડાદોડી, રમતગમત, અન્ય ક્લાસીસ, દિવસભરની છોકરાંઓની વાત. આ ડાઈનીંગ ટેબલ તો કેટલું ગુંજી ઊઠતું! સાથે મસ્તીતોફાન અને લડાઈઝઘડા, બાપ રે! દિવસ ક્યાં પૂરો થઈ જતો? સરખેસરખા બેઠાં હોય ત્યાં રોટલી ચપોચપ ઊપડી જતી અને મને શોખ હતો ગરમ ઊતરતી રોટલી ખવડાવવાનો. તે લોકો કેટલી બૂમાબૂમ કરતા કે મમ્મી અમારી સાથે જમવા બેસી જાને, પણ હું બેસી જાઉં તો ઊતરતી રોટલી કોણ ખવડાવે? બધાં જમી લેતાં ત્યારે મને હાશ થતી. હું મારા માટે બે રોટલી વણી લેતી.
આજે પણ પોતાના ભાણામાં બે રોટલી મૂકી. શ્રીધરભાઈ ફોન મૂકીને આવી ગયા. શ્રીધરભાઈ રિટાયર્ડ છે પરંતું એમનું માર્ગદર્શન જોઈતું હોય તો એઓ અચૂક ઓફીસ જતા. આખો સ્ટાફ એમને આદર આપતો. કોરોના સમયમાં શ્રીધરભાઈ ઘણું વાંચન કરતા, ટીવી જોતા, ન્યૂઝ જોતા, ફોન પર વાતો કરતા અને ધ્યાન અને પ્રાણાયામ કરતા. તેમનું નિયમિત જીવન હતું. તેમનો સમય ખૂબ સરસ રીતે પસાર થઈ જતો.
શ્રીધરભાઈએ જમી લીધું પછી કેતકીબહેને કહ્યું કે, “તમે આજે તમારા રૂમમાં જ બેસજો. આજે ગામથી મંજુ આવવાની છે. હવે દિવાળીને બહુ વાર નથી એટલે માળિયું સાફ કરાવવાનું છે. ધૂળ ઊડશે.”
“અરે! આવા સમયમાં ક્યાં તું સફાઈમાં પડે છે? આમેય કોરોનામાં છોકરાંઓ આવશે નહીં. જેવું હોય તેવું રહેવા દે. સફાઈ નહીં કરાવે તો ચાલશે.”
કેતકીબહેને કહ્યું, “તમને ખબર ના પડે. મેં મંજુને ખાસ બોલાવી છે. અહીંની કામવાળીઓનો કોઈ ભરોસો નહીં. કોરોનામાં કોઈ ને ભેગા ન કરાય પણ આ તો જાણીતી, ઘરનાં જેવી છોકરી છે, એ કરી દેશે.”
આમ તો કેતકીબહેન વર્ષો સુધી માળિયા પર ચડીને જાતે જ સફાઈ કરતાં હતાં, પરંતુ એકવાર તેમનો પગ ફેક્ચર થયો અને પ્લેટ મૂકવામાં આવી પછી તેઓ આ માળિયા પર ચડીને કામ ન કરી શક્યાં. દીકરીઓ પરણીને સાસરે ગઈ હતી. ભાણેજ પણ ભણીગણીને, પરણીને પોતાના કામમાં નોકરીના સ્થળે રહેતો હતો. એકનો એક દીકરો પણ અહીં સારી નોકરીમાં હતો. પરંતુ હમણાં વર્ષ પહેલાં જ દીકરાને અમેરિકા કોઈ કંપનીમાં અરજી કરી અને ત્યાં તેની નિમણુક થઈ. ત્રણેક મહિના પછી તેણે પત્ની અને બાળકોને પણ અમેરિકા બોલાવી લીધાં. તે પાછો મળવા આવવાનો જ હતો અને કોરોના આવી ગયો. તેમનાં ગયાં પછી તો ઘર સૂનુંસૂનું થઈ ગયું. ઉપરથી, આ કોરોના એ સાવ સૂનકાર ફેલાવી દીધો. હવે કેતકી પાસે ભરપૂર સમય હતો. તે ધારે તો સવારે સૂરજને છેડે બાંધી શકે તેવી મોકળાશ હતી. ફૂલો પરની ઝાકળ હાથમાં ઝીલી લે તેટલો સમય હતો. લીલી લોન પર કલાક સુધી દોડી શકે, મનભરીને આકાશ જોઈ શકે. પરંતુ બધાની યાદમાં એ કોઈ આનંદ માણી શકતી ન હતી.
બપોર પછી મંજુ ઉતાવળે આવી. કેતકીબહેન બોલ્યાં, ”ઘડીક બેસ. ચા નાસ્તો કર.”
પણ મંજુ માથે મોઢે દુપટ્ટો બાંધતી બોલી, “બેન, હું સાંજે જલદી પાછી જવાની છું, એટલે કયુ કામ કરવાનું છે એ કહી દો.”
“સારું, તું માળિયું સાફ કરી દે.”
બધી વસ્તુઓ નીચે ઉતારીને મંજુએ આખું માળિયું વાળ્યું. શ્રીધરભાઈ વચ્ચે પાણી પીવા આવ્યા. તેમણે કહ્યું હતું કે, “બધું જ નકામું કાઢી નાખજે. ફરીફરીને ક્યાં મંજુને બોલાવવી!”
કેતકીબેને કહ્યું, “સારું.”
માળિયામાં કેટલું બધું હતું! બાળકોનાં તૂટેલાં રમકડાં, પીછાંઓ, છીપલાંઓ, લંચબૉક્સ જેનું ઢાંકણું રામ જાણે ક્યાં હતું? અને જુદાંજુદાં રંગની સ્કૂલબેગો. આ ભૂરા રંગ માટે તો બંને દીકરીઓ કેવી લડી પડી હતી! તેમના નવરાત્રિના દાંડિયા, દિવાળીના દીવડા, સાથીયાના રંગો, આભલાં-ટિક્કીઓ, માટીકામ કરતી તેનો સામાન. કેટલું બધું હતું! કેતકીબહેને કહ્યું, “બધું કાઢી નાખીને ફરી સાફ નહીં થાય.”
મંજુ બોલી, “બેન, આ કામનું ન હોય તો હું લેતી જઈશ. મારા છોકરાંઓ રમશે.”
કેતકીબહેને કહ્યું, “હા, આ બધું લઈ જા.”
જૂની શેતરંજીઓ અને પેલી કોતરણીવાળી બાની પેટી. પ્લાસ્ટિકનાં ને લાકડાનાં રમકડાં, પેન્સિલ્સ, ફૂટપટ્ટી, આહાહા કેટલું હતું! દરેક વસ્તુઓ સાથે યાદ જોડાયેલી હતી. તેમને યાદ આવ્યું, “આ લંચબૉક્સ. નાનકી ભૂલી ગઈ હતી, ત્યારે હું નાકા સુધી તેને આપવા દોડી હતી. નાનકી હાથમાં પકડે તે પહેલાં પાછળથી ગાય આવી. નાનકી દોડીને મને વળગી પડી. ત્યારે લંચબૉક્સ હાથમાંથી છટકી ગયું અને એ ગાય એનું ઢાંકણું મોઢામાં લઈને જતી રહી હતી. ત્યારથી એ લંચબૉક્સને ઢાંકણું નહોતું. અને આ છત્રી? ખાસ પિંક કલરની છત્રીમાં ભૂરાં ફુલ. સોનિયા લઈ ગઈ હતી અને કાગડો થઈ જતાં બધાએ તેની મશ્કરી કરી હતી. તેણે આવીને જે તોફાન મચાવ્યું હતું! અને આ રમકડા ને ચોક? ચિન્ટુને ચોક બહુ ગમતા. જ્યાં હોય ત્યાં તે ચોક લઈને લખતો અને મીણિયા કલરથી તો તેણે આખી દીવાલ ભરી દીધેલી.’
મંજુ હાથપગ ધોઈને આવી. બધું એક પ્લાસ્ટિકના મોટા થેલામાં ભર્યું. અને માસ્ક પહેરીને બોલી, “બેન, હું નીકળું.”
કેતકીબેન સામાનને જોતાં જ રહ્યાં. મંજુએ ના પાડી છતાં પણ રૂપિયા ને બાળકો માટે ખાવાનું આપ્યું, અને કહ્યું, “તારે ઘરે તું ખુશ છેને? કોઈ તકલીફ નથીને?”
મંજુનો પતિ બે વર્ષ પહેલાં એને અને બાળકોને છોડી ભાગી ગયેલો. ત્યારથી કેતકીબહેન એને ઘરે બોલાવીને નાનું મોટું કામ આપતાં. એ રીતે મંજુને મદદ કરતાં. હસીને મંજુ બોલી, “બેન, મારી માએ કહેલું કે, દરેકને નાનું મોટું દુઃખ હોયજ. બધું થોડું કહેવાય? ક્યારે છડેચોક કહી દેવું ને ક્યારે છાનું રાખવું એટલું સમજી લઈએ એટલે બેડો પાર. પછી દુઃખ દુઃખ ન લાગે.”
એ થેલો ઊંચકી ચાલવા માંડી. કેતકીબહેનને કંઈક ખ્યાલ આવતાં એ પાછળ દોડ્યાં, “મંજુ, ઊભી રહે, લે આ વધુ રૂપિયા. તારા બાળકોને બધું નવું અપાવજે. આ થેલો મારી પાસે રહેવા દે. મારી નજર સામે જ. હવે માળિયા પર નથી મૂકવો.”

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized