Daily Archives: જુલાઇ 23, 2021

બોલપેન

સવારે કેટલી ભાગદોડ? વળી, આજે પિન્કીની બર્થડે. “મમ્મી, આજે ખ્યાતિમાસી ગુડ્ડુને લઈને આવશેને?” પિન્કી ટહુકી. ખ્યાતિનું નામ પડતાં જ સાગરિકાને ગુસ્સો આવી ગયો, પણ એને કાબૂમાં રાખી કહ્યું, “ના બેટા. ખ્યાતિમાસીને કામ છે એટલે પછી આવશે, હંને!” સાગરિકા અને ખ્યાતિ બંને જીગરજાન બહેનપણીઓ, પણ હમણાં જ એક નાનકડી વાતમાં બંનેની મોટી લડાઈ થઈ ગયેલી. બંનેના ઈગો નડ્યા. કોઈ સૉરી કહેવા તૈયાર નહોતું. “સાગરિકા બબડી, “ઓહ! હમણાં તેં એને ક્યાં યાદ કરી? આજે તો કેટલું કામ છે! ને વળી આજે મને નોકરીમાં પણ રજા ન મળી, તે ન જ મળી.” સાગરિકા હોસ્પિટલની લેબોરેટરીમાં કામ કરતી હતી. જલદી જલદી કામ પતાવીને, લન્ચબોક્સ ભરીને, પર્સ લટકાવીને નોકરીએ જવા નીકળી. કેટલીય ઉતાવળ કરે પણ રોજ સમય થઈ જ જતો. વળી, તડકો કહે મારું કામ! માથેમોઢે ઝડપથી દુપટ્ટો બાંધીને, પર્સ ડીકીમાં નાખીને સાગરિકા એક્ટિવા ભગાડતી. આજે તો વધુ મોડું થયું હતું. વળી, પિન્કી માટેની ગિફ્ટ પણ લાવવાની હતી. અનાથાશ્રમમાં પિન્કીના નામનું દાન પણ આપવાનું હતું. એક્ટિવા સાથે વિચારો પણ બમણી ઝડપે દોડતા હતા. ચાર રસ્તા નજીક આવતા ઓર સ્પીડ વધારી, પણ ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થવાથી બ્રેક મારવી પડી. સાગરિકા અકળાઈ ઊઠી, પણ થાય શું? પાંખવાળું એક્ટિવા લઈ ઊડવાનો વિચાર એને સો ટકા આવી જ ગયો હશે! તે ઊભી હતી ત્યાં જ એક કાકા બોલપેન, પેન્સિલ વગેરે વેચવા આવ્યા. તેમની સાથે એક નાની છોકરી હતી. એનાં હાથમાંય બોલપેનો હતી. “લઈ લો. બેન, ખાલી દસ રૂપિયા. જુઓ, ખૂબ સરસ લખાય છે.” એણે સાથે રાખેલા કાગળ પર લીટા પાડી બતાવ્યા. “આ ભૂરી, આ કાળી ને આ લાલ…” સાગરિકા પોતાના વિચારમાંથી બહાર આવી અને આવા આકરા તાપમાં, પેટ માટે પેન વેચતા કાકા અને તેમની છોકરી પર દયા આવી ગઈ. તેને થયું કે, “બધી જ પેનો લઈ લઉં. મારી સાથે કામ કરતા બધા મિત્રોને આજે બોલપેન આપીશ અને પેન્સિલ્સ પિન્કીના મિત્રો માટે રિટર્ન ગિફ્ટ આપવામાં કામ લાગશે. આ વખતે રિટર્ન ગિફ્ટ પણ મોટી આપીશ. એ જાણીને ખ્યાતિની પણ આંખ પહોળી થઈ જશે. એને તો બતાવી જ દઉં. એના મનમાં સમજે છે શું?”
પણ સાગરિકા એકટીવા પરથી ઊતરે, પર્સ ડીકીમાંથી કાઢે, પૈસા કાઢે, એ પહેલાં તો લીલી લાઈટ થઈ ગઈ. પાછળથી ક્યારના રાહ કોઈ રહેલાં વીહિકલ્સમાંથી એક સાથે હોર્નના અવાજો વધ્યા. આખરે સાગરિકાએ વિચાર પડતો મૂકીને નીકળી જ જવું પડ્યું. આખો દિવસ ગયો. સાંજ પડી. પિન્કીની બર્થડે ધામધૂમથી ઉજવાઈ. પણ સાગરિકાને પેલા ગરીબકાકા પાસેથી પેન ખરીદી ન શકી એનો રંજ રહ્યો. બીજે દિવસે રવિવાર હતો. ત્રીજે દિવસે સાગરિકા નક્કી કરીને ઘરેથી વહેલી નીકળી હતી કે, આજે એ ચાર રસ્તા પર કાકા પાસેથી પેનો ખરીદી લેશે.
એણે છુટ્ટા રૂપિયા પર્સના બહારના ખાનામાં જ રાખ્યા અને પર્સ ખભે લટકાવ્યું, જેથી સિગ્નલ પર સરળતા રહે. એ ત્યાં પહોંચી પણ એ કાકા દેખાયા નહીં. ત્યાં ટ્રાફિક વચ્ચે ઊભા રહેવાય એવું નહોતું. આખરે એ નીકળી ગઈ.
ચોથે દિવસે એક્ટિવા થોડે દૂર પાર્ક કરીને સગરીકાએ ચાર રસ્તા પર બધે નજર કરી. પણ, કાકા દેખાયા નહીં. આમ, એણે આખું અઠવાડિયું એ કાકાને શોધ્યા. એમના વિશે પૂછે પણ કોને? પછીના અઠવાડિયે સાગરિકાની ડ્યૂટીનો સમય બદલાયો. હવે કાકાને શોધવા શક્ય નહોતું. એને રંજ રહ્યો.
એ એના કામમાં પરોવાઈ ગઈ. લેબમાં ટેસ્ટ કરીને એનો રિપોર્ટ લખતી હતી. સેમ્પલ પર દર્દીનો વોર્ડ નંબર અને કેસ નંબર લખ્યો હતો પણ દર્દીનું નામ ઉકેલાતું નહોતું. એણે વોર્ડમાં ફોન કર્યો. જબાવ મળ્યો કે, ‘દર્દીને જડબા પર વાગ્યું છે, તે બરાબર બોલી નથી શકતો પણ કોઈ ભલો માણસ એમને અહીં લાવ્યો છે. એ ચાર રસ્તે બોલપેન વેચે છે, અને હરિ બોલપેનવાળા એમનું નામ છે. તે અઠવાડિયાથી એડમિટ છે. આજે એમનું ઓપરેશન છે.” આ સાંભળી સાગરિકા વોર્ડમાં દોડી ગઈ. તેણે જઈને જોયું તો કોઈ બીજા જ ભાઈ હતા. એ નિરાશ થઈ. પાછી જવા જતી હતી ત્યાં પાછળથી અવાજ આવ્યો, “બેન, બોલપેન લેશો?” સાગરિકાએ ફરીને જોયું તો પેલા જ કાકા. સાગરિકા કંઈ પૂછે તે પહેલાં કાકાએ કહ્યું, “થોડા દિવસ પહેલા આ મારી જેમ બોલપેન વેચતા મારા દોસ્તને કોઈ ગાડીવાળો ટક્કર મારી નાસી ગયો હતો. કોઈએ મદદ ન કરી. હું માંડ એને અહીં લઈ આવ્યો છું. એને એક નાની છોકરી જ છે. એની ઘરવાળી પણ નથી. એ છોકરીને હમણાં હું મારે ઘરે લઈ ગયો છું. મારે ઘરે હું અને મારી ઘરવાળી, છોકરાં નથી. આ રીતે રોટલા રળીએ છીએ. હવે તો આનો ઓપરેશનો પણ ખર્ચ! બહેન, બીજા પણ કોઈને બોલપેન જોઈતી હોય તો કહેજો.”
સાગરિકા કાકાને જોતી જ રહી. તેણે પોતાના સિનિયર્સ તેમજ ડીનને કહીને શક્ય એટલી રાહત અપાવી. બધી જ બોલપેનો ને પેન્સિલ્સ ખરીદી, અને એ જ બોલપેનથી ખ્યાતિને પત્ર લખવો શરૂ કર્યો, “વહાલી ખ્યાતિ, સૌ પ્રથમ તો એક્સટ્રીમલી સૉરી…..
બીજું, તને ખાસ કહેવાનું કે…..

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized