Daily Archives: જુલાઇ 24, 2021

બારી

બારી

“જરા બારી બંધ કરશો, પ્લીઝ? વરસાદના છાંટા આવે છે.” એસટી બસમાં મિહિરની બાજુમાં બેઠેલા યુવકે કહ્યું. મિહિરને બારી ખુલ્લી રાખવી ગમતી હતી. વરસાદના છાંટાની મજા માણવી ગમતી પણ એની જ ઉંમરના બાજુવાળા યુવકે બેત્રણ વાર કહ્યું, અને પાછલી સીટવાળાએ પણ સૂર પુરાવ્યો એટલે તેણે આખરે બારી બંધ કરી. થોડીવાર થઈ અને એ યુવક ઝોંકાં ખાવાં લાગ્યો. આમ પણ રાતનો સમય હતો. ધીરે રહીને તેણે બારી ખોલી ફરી એ મોજ માણી રહ્યો. બારી માટે તો એ નોનએસી બસમાં જતો અને બારીનું કેવું હોય! આખી બારી ક્યાં ભાગે આવે? આગલી સીટ પર અડધી બારી હોય અને આપણી સીટ પર અડધી બારી હોય. એમાંયે કાચ અડધો આમ તેમ ખસેડવાનો હોય. રિઝર્વેશન કરાવતો ત્યારે બારી પાસેની સીટ જ એ લેતો. હમણાં તે આગળ ભણવા માટે જઈ રહ્યો હતો. ત્યાં હોસ્ટેલની રૂમમાં પણ તેણે ખાસ બારીવાળો જ બેડ બુક કરાવ્યો હતો.
એના ઘરનું તો પ્રિય સ્થળ બારી. વળી એને પડદો બિલકુલ નહીં ગમે. એ બાબત મમ્મી એને ટોકતી પણ. જો કદી તડકો આવે તો પપ્પાનું જૂનું પહેરણ લટકાવી દેતો. બારીમાંથી કેટલાં નયનરમ્ય દ્દશ્ય જોઈ શકાતાં. તેના ઘરે જ્યારે કુરિયર આવતું ત્યારે અચૂક બારીમાંથી જ કુરિયર લેતો. ટપાલ કે લાઈટ બિલ બારીમાંથીજ ફેંકાતું. ચાવીની આપલે પણ બારીમાંથી થતી. બારીમાંથી કેટલું બધું થઈ શકે! ગજબ વળગણ હતું તેને બારીનું. બીજી બધી સુવિધા ન હોય તો ચાલે પરંતુ તેને બારી તો જોઈએ જ. જ્યારે ભણવા બેસતો ત્યારે બારીની સામે જ બેસેતો. મમ્મી તેને ટોકતી પણ ખરી કે બારીની સામે બેસીને તો કંઈ ભણાય? પરંતુ એને મન તો બારીમાં એક નવું વિશ્વ ઊઘડતું હોય. બારી ખૂબ નિખાલસ હોય છે. બધું સાચું બતાવી દે. તેને થતું પણ ખરું કે બારી જેવી અદભુત શોધ કોણે કરી હશે? કંઈ કેટલુંય નિહાળી શકાય. અરે! પહેલું કિરણ બારીમાંજ પડે ને લુચ્ચો સૂરજ આભની બારીમાંથી ડોકિયું કરે ત્યારે સામે ઘરે સુરેશકાકા એ તરફ તાંબાનો કળશ લઈ અર્ઘ્ય આપે. પછી સઘળું નજરે પડે; આંગણું છાંટતાં ગીતામાસી કે છોડને પાણી પીવડાવતી લતાદીદી કે પછી ઉતાવળિયો દૂધવાળો, ફળથીય મીઠો ટહુકો કરતી શાકવાળી ને કિલકિલાટ ભરીને સ્કૂલે જતી રિક્ષાઓ.
થોડા દિવસ પહેલાં જ બારીમાંથી વરસાદની સાથે તેણે અદભુત દ્દશ્ય જોયું. સુરેશકાકાની ભત્રીજી પાયલ વરસાદમાં દોડીદોડીને કપડાં લેતી હતી. કપડાંને ભીંજાતા બચાવવા એ એક અદભુત કલા છે. પોતે ભીંજાઈ જાય તો વાંધો નહીં પરંતુ કપડાં ભીંજાય તે ન ચાલે. કેટલી ત્વરાથી કપડાં લઈ લેતી હતી. ક્લિપ કાઢીને ફટાફટ કપડાં તેના ખભે નાંખી દેતી હતી અને પછી તેટલી જ ઉતાવળથી તે ભાગી ત્યારે કર્ણપ્રિય ઘુઘરી રણઝણી. કહેવું મુશ્કેલ હતું કે એ રણઝણ પાયલની પાયલની હતી કે પછી વરસાદની ઝાંઝરીની! આવાં દ્રશ્યો કંઈક અંશે આગ પ્રગટાવવાં પૂરતાં હોય છે ને આજે તે ફાયરનું ભણવા માટે હોસ્ટેલમાં જઈ રહ્યો હતો અને ખાસ ખુશી તો એટલા માટે હતી કે પાયલ આ જ શહેરમાં રહેતી હતી. ફક્ત વેકેશનમાં જ મામાને ઘરે આવતી ત્યારે મળતી. વળી સુરેશકાકાએ એમની બહેનનું સરનામું આપીને કહ્યું હતું, “દીકરા કશું કામ હોય તો ત્યાં જજે.” મિહિર બસમાં બેઠો બેઠો બંધ બારીમાંથી પણ એના ઘરની બારીની કલ્પના કરતો હતો. વારંવાર તેને વરસાદમાં એ ઘૂઘરીઓ સંભળાતી હતી. હવે તો વરસાદ ધોધમાર વરસવા લાગ્યો. એને કાચ ખસેડવો હતો પણ આજુબાજુવાળાને કારણે શક્ય નહોતું. તોયે વચ્ચે વચ્ચે કેટલીયવાર એને બારી ખોલી અને બાજુવાળાના કહેવાથી બંધ કરી. “એને નહીં આવતો હોય કોઈ મધુરો વિચાર!” મિહિરે ધારીને જોયું એના હાથમાં એંગેજમેન્ટ રિંગ હતી. આ ખરેખર એંગેજમેન્ટની હશે કે શોખથી પહેરી હશે કે કોઈના દબાણથી?
મોડી રાત થઈ હતી. વરસાદમાં બસ એક જ સ્પીડે ચાલ્યા કરતી હતી. આખી રાતની મુસાફરી હતી અને રસ્તામાં વચ્ચે એવી નિર્જન જગ્યા પણ આવતી જ્યાં કોઈકવાર ભય પણ રહેતો. તેને થયું કે આવીને કોઈ મારાં સપનાની બારીને નુકસાન તો નહીં કરેને? એવામાં જ અચાનક કાચ તૂટ્યો, જાણે પથ્થર પડ્યો કે શું? બસ બ્રેક મારીને ઊભી રહી ગઈ. ડ્રાઈવરે જોયું તો આગળ લાકડાં મૂકીને રોડ પર આડશ કરી હતી. બસ આગળ જઈ શકે તેમ ન હતી. ધાર્યું હતું તેવી રીતે જ ચારપાંચ લૂંટારૂઓ ધારિયા અને લાકડાંઓ સાથે ઊભા રહી ગયા. ડ્રાઇવરે ફરજિયાત બસ ઊભી રાખવી પડી. કંડકટર અને ડ્રાઇવરે બધા પેસિન્જરને ચૂપ રહેવાનું કહ્યું. ત્યાંજ બારણું તોડી લૂંટારૂઓ અંદર ઘૂસી આવ્યા અને કહી દીધું કે અમારે કોઈને મારવા નથી, ફક્ત ઘરેણાં, રૂપિયા અને તમારો સામાન અમને આપી દો. જો કોઈએ ચૂં કે ચા કરી છે તો…જાનથી ગયા સમજો. સૌ થથરી રહ્યા હતા કારણ કે લૂંટારૂ જો એક જ ધારિયું મારે તો એક ઘા ને બે કટકા થઈ જાય તેમ હતું. પેલા લૂંટારૂઓએ ચેતવણી પણ આપી કે જો કોઈએ પોતાના પૈસા કે દાગીના છુપાવવાનો પ્રયત્ન કર્યો છે તો જીવતા નહીં મૂકીએ. સૌ ડરી ગયા હતા. એકબે જણાએ તો સીટની નીચે ભરાઈ જવાનો પ્રયત્ન પણ કર્યો હતો પણ પેલા લુટારુઓમાંથી એક જણે જોરથી ખેંચીને મારી નાંખવાની ધમકી આપી. તેમણે કહ્યું કે બધા ઝોળીમાં માલ સામાન મૂકીને નીચે ઊતરી જાઓ. સર્વે એ રીતે કર્યું. પોતપોતાનાં ઘડિયાળ, ઘરેણાં, પર્સ, વૉલેટ વગેરે મૂકીને ઊતરી ગયા.
મિહિરની બાજુમાં બેઠેલો યુવક પણ વૉલેટ આપીને નીચે ઊતરી ગયો પરંતુ તેના હાથમાં વીંટી હતી તે તેણે મોઢામાં છુપાવવાનો પ્રયત્ન કર્યો. તે લૂંટારૂઓમાંના એક જણે જોયું અને સીધો જ તેને તમાચો માર્યો. લોખંડનો સળિયો તેના માથા પર મારવા જતો હતો ત્યાં જ મિહિરે તેને અટકાવ્યો. ‘સૉરી, માફ કરજો, તમે લઈ લો. બીજીવાર આવું નહીં થાય.’ અને તેને વીંટી આપી દીધી. માંડમાંડ મિહિરે તેને બચાવ્યો. મિહિરને થયું કે સાચે જ તે તેની એન્ગેજમેન્ટ રિંગ હતી પરંતુ જીવનની સામે બધું જ ધરી દેવું પડે તેમ હતું. એક સ્ત્રીના હાથમાંનું નાનું બાળક ખૂબ જોરથી રડવા માંડ્યું, પેલામાંના એક જણે ગુસ્સાથી દંડો ઉગામ્યો પણ બધાએ હાથ જોડી એને વિનંતી કરી બચાવી લીધું. સ્ત્રી સહેજ પાછળ ફરી છાતીએ વળગાડી દૂધ પીવડાવવા લાગી ને બાળક શાંત થયું. બીજી પેસેન્જ સ્ત્રીઓ એની આજુબાજુ ઊભી રહી ગઈ. સ્ત્રીઓની તરફ કોઈની નજર ન બગડે અને એને હાનિ ન પહોંચે એ રીતે પુરુષ પેસેન્જરો ગોઠવાઈ ગયા. દુઃખદ ક્ષણે પારકા પણ પોતીકા થઈ જતા હોય એનું ઉત્તમ ઉદાહરણ.
પાંચ જ મિનિટમાં લૂંટારૂઓ બધાનો માલસામાન લઈને ચાલ્યા ગયા. નાના બાળકો રડવા માંડ્યાં. બીજા બધા પણ ખૂબ ગભરાઈ ગયા હતા. કંડકટર-ડ્રાઇવરે કહ્યું કે સૌ સલામત છીએ તે સારું છે. તમને નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈએ અને ત્યાં આપણે ફરિયાદ નોંધાવીશું. સૌ માંડમાંડ તૈયાર થયા. ખાતરી થઈ ગઈ કે લૂંટારુંઓ ચાલ્યા ગયા છે પછી તે દિશામાં કોઈએ મોબાઈલની બેટરી મારીને જોયું તો કંઈક સામાન જેવું દેખાયું. લોકોને લાગ્યું કે આ આપણો જ સામાન છે. કન્ડક્ટરે ના પાડી કે ત્યાં જવા જેવું નથી. હજુ જોખમ ઓછું નથી. બધા બેસી ગયા.
ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી પરંતુ બસ સ્ટાર્ટ થઈ નહીં. આગળ ઘણી બધી આડશ હતી તે ખસેડવામાં પેસિન્જર મદદે આવ્યા. આ બધું કરવામાં મળસ્કુ થયું ને થોડું અજવાળું થવાં આવ્યું હતું. ફરીથી દૂર જોયું તો બધાનો સામાન એમ ને એમ જ પડ્યો હતો. સૌને લાગ્યું કે કીમતી સામાન કાઢી ગયા હશે અને કપડાં વગેરે એમ જ પડ્યાં લાગે છે. સૌ એ તરફ દોડ્યા. મિહિર પણ દોડ્યો કારણ કે તેમાં એના પુસ્તકો, કપડાં અને હોસ્ટેલમાં રહેવા માટેની જરૂરી ચીજવસ્તુઓ હતી. મમ્મીએ કેટલો બધો નાસ્તો બનાવી આપ્યો હતો! સ્વાભાવિક છે લૂંટારૂઓને પુસ્તકોની જરૂર ન જ હોય, નહીં તો એ લૂંટારું ન હોય. તેણે જોયું કે તેની બેગ ચિરાઈ ગઈ હતી. પેલા લોકોએ બ્લેડ જેવા કોઈ સાધનથી ઝિપ ખોલવાને બદલે બેગ ચીરી નાંખી હતી. બધા પોતપોતાનો સમાન જોઇને કહેવા લાગ્યા કે મારો આ સામાન ગયો છે, પેલો સામાન ગયો છે.
મિહિરની બેગમાં કપડાં અને ચોપડા એમ ને એમ જ હતાં પણ આભલા ને ટિક્કીથી શણગારેલી એક સરસ મજાની ડબ્બી હતી. પાયલે એને બર્થડેમાં ગિફ્ટ આપી હતી તે પણ ખાસ બારીમાંથીજ. તેમાં મમ્મીએ મુખવાસ ભરીને આપ્યો હતો. તે પેલા લોકો કિંમતી સામાન સમજી લઈ ગયા હતા. ખરેખર કિંમતી જ હતીને! તેને યાદ આવ્યું કે પપ્પા કાયમ કહેતા કે રૂપિયા હંમેશા બેગમાં છૂટાછૂટા રાખવા. બધા વૉલેટમાં ન રાખવા. તેને ખૂબ દુઃખ થયું. દસ હજાર જેટલા રૂપિયા હતા. કદાચ જતા રહ્યા. તે બધો જ સામાન સમેટી લઈને કિંમતી ડબ્બી યાદ કરતો બસમાં બેઠો. તેઓ પોલીસ સ્ટેશન જવાના હતા.
થોડીવારે મમ્મીને ફોન કર્યો. મમ્મીપપ્પા ખુશ થયા કે તેણે આટલો જલદી ફોન કર્યો! પરંતુ તેણે આખી ઘટના જણાવી. મમ્મીપપ્પાએ સાંત્વન આપતાં કહ્યું, “કાંઈ વાંધો નહીં, તું બચી ગયો તે બસ છે. બાકી ફિકર ન કર. તું ત્યાં પહોંચી જા. અમે બીજા રૂપિયા મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ.”
ત્યારે મમ્મી બોલી, “લૂંટારૂઓ તારાં કપડાં ને બધું જ લઈ ગયા છે?”
તેણે કહ્યું, “ના, કપડાં બધા જ છે.”
મમ્મીએ કહ્યું, “મેં તારા પપ્પાનું એક જૂનું પહેરણ એમાં મૂક્યું હતું. તને સમાન લુછવા કામ લાગે એમ વિચારીને, પેલું તડકામાં બારીમાં રાખતાં તે… તે જો અને તેના ખિસ્સામાં રૂપિયા સીવીને મૂક્યા છે.”
મિહિરે કહ્યું, “મેં તેવું કોઈ પહેરણ જોયું નથી. મને તો ખબર પણ નથી કે તેવું પહેરણ છે.” તેણે હાંફળાફાંફળા થઈને બેગમાં જોયું તો પહેરણ હતું. તે ખુશીથી ઝૂમી ઊઠ્યો. એ પહેરણ ક્યાંય ગયું નથી જ્યારે કે બાજુવાળા યુવકનું બધું જ ગયું હતું. વૉલેટમાં જ તેણે બધા રૂપિયા રાખ્યા હતા. તેણે એ યુવકને ધરપત આપી કે તારે જ્યાં જવું છે ત્યાં જવામાં હું તને મદદ કરીશ.
પોલીસની કાર્યવાહી પતાવીને સૌ ફરીથી બસમાં બેઠા. બધાને આઘાત લાગેલો હતો. ફરીથી વરસાદ શરૂ થયો. બાજુવાળો યુવક ટેવવશ “બા…રી…” બોલવા જતો હતો ત્યાં જ તેણે જોયું કે કાચ તો તૂટેલો હતો ને મિહિર બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. યુવક કંઈ બોલ્યો નહીં પરંતુ મિહિર સમજી ગયો. તેણે પેલા પહેરણમાંથી રૂપિયા કાઢી લીધા ને પહેરણ બારી પર લટકાવી દીધું.
હવે મિહિર મનની બારીમાંથી સઘળું જોવા લાગ્યો.
==યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized