Daily Archives: જુલાઇ 26, 2021

લાલ

ધીમહિ દોડતી સ્કૂલેથી દોડતી આવી સ્કૂલબેગ ફેંકી એના રૂમમાં ગઈ. યુનિફોર્મ બદલવા ગઈ પણ સ્કર્ટ પર પડેલા લાલ રંગના ડાઘ જોઈને નવાઈ પામી. એણે સ્કર્ટ ફેરવી જોયો.ખુશીથી બોલી ,”હા, આ તો પિન્કીએ કાનમાં કહેલી વાત. ઓ હું પણ આ ગ્રુપમાં આવી ગઈ.”સ્કૂલમાં સહેલીઓ આ બાબતે ગુસપુસ કરતાં ત્યારે ધીમહિ એના અનુભવો શેર ન કરી શકતી.એને થયું,”હા, હવે હું પણ અમારી ગુસપુસ સમિતિની મેમ્બર.” હવે આ વાત પહેલા કોને કહું,એ વિચારે ચઢી.મમ્મી તો જોબ પર ગઈ હતી.દોડતી નાની પાસે સ્કર્ટ લઈને ગઈ.
‘ઓ નાની જો મારામાં..’
‘ઓહ બેટા.. થાય આ ઉંમરે.. તું માથે બેઠી..’
‘ કોના? ઉભી તો છું !’
‘ગુડ્ડુ, હવે ઉછળકૂદ નહી તું મોટી થઈ ગઈ .’
‘એટલે જ જાઉં છું બાસ્કેટબોલ રમવા .’
‘અરે સાંભળ, ઊભી રહે,’લે આ કપડું પહેરી લે તારી મમ્મી આવે પછી પેલું શું કહે છે..?’
‘ અરે સેનેટરી પેડ ..! લઈ આવું છું સામે તો શોપ છે નાની!’
‘ તું લેવા જઇશ જાતે? તને સંકોચ નહીં થાય!’
‘ નાની વારેવારે તને શરદી થાય છે તો તું રૂમાલ નથી ખરીદતી જાતે ?’
‘સારું, ઘરમાં ક્યાંય અડીશ નહીં’
‘વૉટ?’
‘ સારું,માટલે ને પૂજાઘરમાં ન અડીશ ..ને મને પણ નહીં’
‘નાની તને અડવાની ઇમર્જન્સી આવે તો?’
‘તો રેશમી કપડાં પહેરીને અડાય. અમારા વખતમાં નાના બચ્ચાંને મા રેશમી કપડાં જ પહેરાવી રાખતા.’
‘ઓ નાની કપાસ ફૂલ બનાવે એ કોટન કપડાં ના ચાલે.. એ તો પ્યોર વેજ ..પણ કીડો બનાવે એવાં રેશમી કપડાં ચાલે ..નોનવેજ! હેં ને!’
‘અરે અમારા જમાનામાં આવો અડકાબોળો ના ચાલે .અમારે તો કંતાનના ગાદલા પર સૂવાનું, જુદા બેસીને ખાવાનું,પાણી કે ચીજવસ્તુ પણ દૂરથી જ આપે! ‘
‘ઓ વાઉ ..! આમ આઇસોલેટ થઈ ચેટ કરવાની કેવી મજા!
તું નાની આપજે મને મોબાઈલ અનટચ કરીને..’
‘ અરે અમે તો રાહ જોતા ક્યારે ત્રણ દિવસ પૂરા થાય ને માથાબોળ નાહી લઈએ !’
‘એમાં શું નાની ત્રણ દિવસ ટેરેસ પર એકલા ટહેલવાનું?’
‘નારે ..કોઈનાં અથાણાંનાં ચીરીયા કે પાપડ સુકવ્યા હોય તો ઓળા પડે .’
‘એ બધું ના સમજાયું.. પણ નાની તારે તો કથા કે પૂજા બહુ કરવાની હોય,તું તો કહે છે કે ના અડાય તો પિરિયડ હોય તો તમે શું કરતાં?’
‘અરે નકોરડા ઉપવાસ કરતાં.. એક ઉપવાસ એટલે એક દિવસ ઓછો પાળવાનો ને રાત્રે આભમાં તારાને જોઈને તારાસ્નાન કરતાં એટલે શુદ્ધિકરણ થઈ જાય .’
ધીમહિ તરતજ,’તે હું તો રોજ રાત્રે શાવર લઉં છું ને વાળ લૂછતાં બાલ્કનીમાં તારા તો જોઉં છું ..તો હું….!’
‘એવું નહીં બેટા ધીરે ધીરે તને સમજાશે.’
‘ઓકે નાની તારી બધી વાત ધીમે ધીમે સમજવાની ટ્રાય કરીશ.’
‘ને સાંભળ છેલ્લી વાત છોકરાઓથી દૂર રહેજે કંઈ ઊંચનીચ થઈ જાય તો ..’
‘નાની કેમ હવે? પહેલાનું ઊંચનીચ ચાલે?’
‘ હે ભગવાન હવે તને કંઈ કહેવું નથી,તારી મમ્મી આવી તને સમજાવશે.’
‘ઓકે બીજું શું ધ્યાન રાખવાનું?’
‘કોઈનું મૃત્યુ થાય ને તો એના અંતિમ દર્શન કરવા નજીક ના જવાય આવું હોય ત્યારે..’
‘ત્યારે તો એની વિદાય માટે ત્રણ દિવસ રાહ જોવાની ?’
‘અરે ભગવાન આવી તો ઘણી બધી વાતો છે,તું પૂછ પૂછ ના કર.’
‘શું નાની?’
એટલું બધું છે કે, તને કેમ સમજાવું ?હજુ તો….
મારું તો વહેલું ગયું ને એ સારું..’
‘એ જ તો મારામાં આવ્યું નાની !’ બોલતી ધીમહિ સામેની દુકાનેથી નેપકીન્સ ખરીદી લાવી.આવી ત્યારે નાની ભગવાનને પ્રાર્થના કરતાં હતાં,’સાચવજે મારી ફૂલ જેવી દીકરીને, આજના જમાનાની છે,થોડી નાસમજ અને બહુ ભોળી છે!’
ધીમહિ તો અંદર જઈને ખૂબ સરસ તૈયાર થઇને આવી લાલ ડ્રેસમાં.
નાનીને બહુ નવાઈ લાગી,’ઓ દીકરા,બહુ રૂપાળી લાગે છે આ નવા લાલ કપડામાં.’
‘નાની તમે આ રીતે રેડી નહીં થતાં?’
‘બેટા,અમારા જમાનામાં તો જુના કપડાં પહેરી ખૂણામાં બેસી રહેતાં, કોઈને અડકાઈ જાય તો તેણે નાહી લેવું પડે. ખાવાનું પણ ત્યાંજ, અડાય નહીં એ રીતે આપી જાય.ને પોતાના વાસણ જાતેજ માંજવાના ને કપડાં પણ જાતેજ અલગથી ધોવાના.’
‘ને મમ્મી?’
‘તારી મમ્મીને હું થોડી છૂટ આપતી.’
ધીમહિ નાનીને વળગતાં બોલી ‘નાની,તો મને બધી છૂટ હેં ને? જો મોબાઈલ ચાલુ છે આપણી વાત મમ્મી ક્યારની સાંભળે છે અને આવી રહી છે બધાને ભેગા કરીને સેલિબ્રેટ કરવા અડકાબોળો.!!. મારા ફ્રેન્ડસ, ટીચર્સ, રિલેટિવ્સ બધા ..રેડ કોસ્ચ્યુમમાં ..રેડ રોઝ સાથે ..નાચીશું,ગાઈશું,જલસા કરીશું…’
ટીંગટોંગ ..
‘જો બેલ પડયો ..નાની તું બારણું ખોલ.. હું મ્યુઝિક ચાલુ કરું ..સનેડો સનેડો લાલ લાલ સનેડો !’

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized