પોસ્ટમોર્ટમ
સવારે ડૉક્ટરકાકા સાયકલ પર વિઝીટે જતા. સરકારી દવાખાનામાં ડૉકટરને રિટાયર્ડ થવાને દોઢ વર્ષ જ બાકી હતું પણ ફરજ પર એમના જેટલા નિયમિત કોઈ નહીં. આટલા વર્ષની નોકરીમાં ભાગ્યે જ રજા લીધી હશે. એમની બધી રજા લેપ્સ જતી. એમને એ બાબત કોઈ પૂછે તો જવાબ આપે, “સામે આખી નદી વહેતી હોય એ બધું પાણી પી થોડું જવાનું હોય! રજાને દિવસે પણ કોઈને જરૂર હોય તો દવાખાનું જાતે ખોલી એને દવા આપે. પટાવાળા કે કમ્પાઉન્ડર તો હોય નહીં. તેઓ પણ સાહેબની અતિ ફરજપરસ્તીથી કંટાળતા ને ડૉક્ટરકાકાના ઘરવાળા પણ. લગ્ન, મરણ કે સામાજિક પ્રસંગે પણ તેઓ જવાનું ટાળતા. એમના પત્ની તો હસવામાં કહેતાં, “પોતાના ખુદના લગ્નમાં હાફ સી.એલ લીધી હતી, બોલો. તો કોઈના લગ્ન માટે તો ક્યાંથી લે? મૃત્યુ માટે તો કાયમ કહે, “એકલા આવ્યા ને એકલા જવાના.” વળી કહેતા, “મરીશ ત્યાં સુધી કામ કરીશ. ડૉકટર કદી રિટાયર્ડ થતા જ નથી.”
એમને એક દીકરો સૌમ્ય. એ પણ એમના જેવો જ. જ્યારે પણ કોઈને જરૂર હોય ત્યારે દોડી જાય. ભણવામાં તે જ એણે પણ મેડીકલમાં એડમિશન લીધું. પપ્પાની જેમ જ સેવા કરવી હતી.
એકવાર ડૉક્ટરકાકાના મિત્ર ખૂબ ધનિક બિઝનેસમેન પરિવાર સાથે ઘરે આવ્યા. તેઓ પણ પતિપત્નીને દીકરો રાજ. વર્ષો પછી બે પરિવારો મળ્યા. ખૂબ આનંદ થયો. ડૉક્ટરકાકાના મિત્રને ડૉક્ટરકાકાની સાદી રહેણીકરણી ખૂબ ગમી ગઈ. સાદું ભોજન અને તનતોડ મહેનત. ડૉક્ટરકાકાના મિત્ર રાજને સૌમ્યનું ઉદાહરણ આપી સમજાવતા. દીકરા આપણે પણ આ રીતે રહેતા શીખીએ. જો કેવું ખડતલ શરીર છે! વળી ડૉક્ટરકાકા બોલ્યા, “યોગ, પ્રાણાયમ, કસરત નિયમિત કરવી જોઈએ. વળી તરવા કે સાયકલ ચલાવવા જેવા વ્યાયામ પણ. બસ કાર લઈ ભગાડવી એ નહીં ને વળી હમણાં તો કેવી કેવી બાઇક નીકળી છે! બાપરે! તે પણ હેલ્મેટ વગર. બેટા, તું હેલ્મેટ તો પહેરે છેને? જરૂર પહેરવી જ.”
ત્યારે રાજના પપ્પા બોલ્યા, “અરે! જીમના કેટલાય રૂપિયા ભરીએ પણ ભાઈ તો…બાઇક લઈ રાજા બની જાય. એ ભગાવે… એ ભગાવે…” રાજને આ વાત ખટકી. અપમાનજનક લાગ્યું. ઊભો થઈ ગયો અને પોતાના ઘરની વાટ પકડી. ડૉક્ટરકાકા ગળગળા થઈ ગયા. એમણે માફી માંગી. એમના મિત્ર બોલ્યા, “અરે! તારી પાસે બહુ શીખવાનું છે, દોસ્ત.” કહી એમણે રજા લીધી. એટલીવારમાં ડૉકટરકાકાના કેટલા પેશન્ટસ આવી ગયા ને તેઓ કામે વળગ્યા. એ જ સમયે એક પોસ્ટમોર્ટમ આવ્યું. પાણીમાં ડૂબેલી ફૂલી ગયેલી લાશ હતી. ડૉકટરકાકા ફક્ત એ કામમાં કંટાળતા. કેટલા દિવસની, કેવી લાશ! મોઢે, નાકે માસ્ક હોય પણ એ ગંધ કેટલા દિવસ સુધી એમને વળગી રહેતી. તેઓ કહેતા, “લોક આ રીતે કેમ મરતા હશે? એ પણ ઓળખાય નહીં એવી લાશ? અરે! જીવન એવું જીવીએ કે પોસ્ટમોર્ટમ સુધીનો વારો ન આવે.”
સાંજે પાછા દવાખાને આવ્યા ત્યારે રાજ ધુંઆપુંઆ થતો આવ્યો અને હેલ્મેટ ટેબલ પર અફાળી કંઈ કેટલુંય ડૉકટરકાકા સાથે લડી ગયો અને એટલી જ સ્પીડમાં ગયો. ડૉક્ટરકાકા જેનું નામ. એ બધું ભૂલી પેશન્ટ તપાસવામાં પરોવાયા. મોડે સુધી એમનું કામ પતાવી ઇન્જેક્શન મુકવા વિઝીટે ગયા અને કામ પત્યાની હાશ માણવા ગયા ત્યાં જ પટાવાળો કહેવા આવ્યો, “સાહેબ, એક પોસ્ટમોર્ટમ છે. ડૉક્ટરકાકાના મોઢા પર અણગમતો ભાવ જોતા કહ્યું, “સાહેબ, લાશ તાજી છે.” ડૉકટરકાકા પહોંચ્યા ને જોયું તો રાજ.” એમનાથી ચીસ પડાઈ ગઈ અને ટેબલ પર અફળાયેલું ઊંધું પડેલું હેલ્મેટ ધીમે ધીમે હલતું હતું.
— યામિની વ્યાસ v
Daily Archives: જુલાઇ 27, 2021
પોસ્ટમોર્ટમ
Filed under Uncategorized