બરાબર જુલાઇ ૨૮ , ૨૦૦૮ થી શરુ થયેલી ‘નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક’ , આજે તેર વર્ષ પૂરાં કરી,‘ચૌદમા’ વર્ષમાં પ્રવેશે છે. એક-એક કરતાં તેર વર્ષ આપ સહુના સ્નેહ અને સાથના પ્રતાપે વીતી ગયાં. શ્રદ્ધા સાથે આ યાત્રા આજ સુધી ચાલુ રાખી છે અને શક્ય બનશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું નિર્ધાર્યું છે.સમય ફાળવીને આપ સહુ રચનાઓ વાંચવા જે રીતે અહીં પધારો છો એ જ રીતે થોડી પળ વધુ કાઢીને આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…
પડતા આખડતાં ભૂલો કરતા, સુધારતા, શીખતા તેર વર્ષ પુરા થયા તેનો સંતોષ છે.અમે, સૌ સર્જકોના, સંપાદન કાર્યમાં સદાયના સહાયક સ્વજનોના અને દેશ વિદેશે પથરાયેલા સૌ ગુજરાતી રસીયા વાચકોના ઋણી છીએ.. આપનો સ્નેહ સાંપડતો રહેશે તેવી અભ્યર્થના ધન્યવાદ
અફસોસ કે કોરોના પ્રકોપે ઘણા મિત્રો આપણી વચ્ચે નથી..

ચૌદ માં વર્ષ પ્રવેશે ગુંજે ચૌદ ભવન – ચૌદ સ્વપ્નો
માડી તારાં નવનવ ખંડે થાણાં
કે ખંડ ખંડ અભરે ભર્યા રે લોલ,
માડી તારી જ્યોતે ઝળકયાં વાણાં
કે વાણલાં મંગળ કર્યા રે લોલ–
સૂરજના સાત સાત રંગોથી રંગેલી
ચૂંદડી તે ઓઢી નિરાળી,
ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતી
ટીલડી તેં ચોડી રૂપાળી,
માડી તારાં નીલમ નમણાં નેણાં
કે નેણલે અમી ઝર્યા રે લોલ
ઘૂઘવતા દરિયાના સૂર સમી ગાજતી
ચેતનવંતી તારી તાળી,
આખું બ્રહ્માંડ એવી તાળીઓના તાલે
તે નાચંતું કીધું નેહ ઢાળી,
માડી તારા કંઠે સૂરની હેલી
કે હેલીએ હૈયાં હર્યા રે લોલ
પાંચ પાંચ તત્ત્વોની માંડવડી લઈ તું
આભ અને ધરતીને ઘેરે,
ત્રણ ત્રણ લોકનાં એક એક કણમાં
તું કીરપાનાં કણકણ વેરે,
માડી તારાં કુમકુમ પગલાં જોયાં
ને જોઈને નયણાં ઠર્યાં રે લોલ
-ભાસ્કર વોરા
*****
(ચૌદ ભવન-ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક વા બ્રહ્મલોક, અતલ,વિતલ, સતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ )
(માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે, તેથી સ્વપ્નો આવે છે. સ્વપ્ન શાસ્ત્ર માં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેના નામ ગજ , વૃષભ કેસરી .લક્ષ્મી પુષ્પની માળા ચંદ્ર, સૂર્ય, ધ્વજ , કુંભ , પદ્મ સરોવર, સમુદ્ર, વિમાન રત્નનો ઢગલો અને પ્રજ્વલિત અગ્નિ.)
