Daily Archives: જુલાઇ 30, 2021

હર્ષદરાય.. આઉટ

“માફ કરજો દાદા” ઘરડાંઘરમાં પીરસનાર છોકરી બોલી. ગાજરનો હલવો પીરસતા સહેજ હર્ષદરાયના હાથ પર પડી ગયો. હર્ષદરાયનું સ્વભાવ મુજબ જરા મોઢું પણ બગડ્યું, પણ એમની નજર એના કાંડાં પરની ગાજર જેવા રંગની બંગડીઓ પર ગયું ને એમને કંચનનો હાથ યાદ આવી ગયો. મારી કંચન પણ આ જ રંગની બંગડીઓ પહેરતી ને વળી વચ્ચે સોનાની એક એક. આ રંગ એનો ફેવરિટ. મને આ રંગ ઓળખતા પણ એણે જ શીખવ્યું હતું. વિવાહ થયા ત્યારે એ માંડ સત્તરની ને હું અઢારનો. વર્ષ પછી લગ્ન થયાં. પહેલવહેલી ગિફ્ટમાં હું લાલચટક સાડી લઈ આવ્યો ત્યારે ફટ બોલી પડેલી, “મને બહુ ગમી પણ ગાજર કલર નહોતો?” ત્યારે મને જરાય ખબર નહોતી એ રંગ વળી કેવો હોય! પણ એ તો સાથે આવી અને દુકાનદાર પાસે મગજમારી કરીને પણ રંગ બદલાવીને જ રહી. મને થયેલું, ‘શું ફેર પડે? રંગ ગાજર હોય કે લાલ. સરખો જ લાગેને. એમાં શું સમય બગાડવો? પણ વાત તો એની સાચી જને, કે ખર્ચો કરીએજ છીએ તો ગમતું કેમ ન લેવું? કંચન એની દરેક વાતમાં સ્પષ્ટ. ગમે તે જ ગમે. વળી કરકસર પણ કરી જાણે. જૂનાં કપડાં પર કઈ રીતે અવનવું ભરતકામ કરીને, કે એને રંગીને નવાં કરવાં એ એનો કસબ. રસોઈમાં પણ ગજબ કુશળતા! વધેલી વાનગીમાંથી ટેસ્ટી નવી વાનગી બનાવી દેતી. હું હસતો, ‘હું જૂનો થઈશ તો?’ ખડખડાટ હસીને એ કહેતી, ‘એકબીજામાં નવું શોધતાં શોધતાં સાથે જૂનાં થઈએ એટલે જૂનાં ન કહેવાઈએ.’
એણે કેટલી ખૂબીથી મારો સંસાર સાચવ્યો! મારે સરકારી નોકરી એટલે વારેવારે બદલીઓ થાય. બે દીકરીઓની સ્કૂલ બદલવાની, ઘર બદલવાનું, ગામ બદલવાનું. મને નવી જગ્યા અને નવા લોકો સાથે ભળતા બહુ વાર લાગે, પણ કંચનને કદી અઘરું નહોતું લાગ્યું. એને તો હંમેશ ઉત્સાહ રહેતો. બધા સાથે પળમાં ભળી જતી.
નવા ઘરે એ સૌથી પહેલાં રસોડાનો સામાન છૂટો પાડી કંસાર રાંધતી. હું કહેતો પણ, ‘આ બધું રહેવા દે. બહારથી ખાવાનું લઈ આવીએ ને માણસો બોલાવી જલદી ઘર ગોઠવાવી લઈએ. મને થોડીવાર પણ અસ્તવ્યસ્ત ગમતું નહીં. પણ એતો ધીમેથી બધો સામાન કાઢી જાતે નવેસરથી ઘર ગોઠવતી. મને તો મારી ચીજ બિલકુલ નક્કી કરેલી જગ્યાએ જ જોઈએ એટલે એને એ સૌથી પહેલાં ગોઠવી દેતી. હું ફક્ત એક કામ કરતો. બહાર મારા નામની નેઇમ પ્લેટ લગાડતો. એની નીચે ઇન…આઉટ..રહેતું જેનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરતો. ઘરમાં હોઉં તો ઇન અને જેવો બહાર નીકળું કે આઉટ થઈ જતું. એમાં મીનમેખ નહીં.
જોકે, આખી જિંદગી એણે મને બહુ સાચવ્યો. મને નહીં, દીકરીઓને ભણાવવા કે એમના માટે મુરતિયા શોધવા કે પરણાવવા જેવી બધી જ જવાબદારી એણે જ લીધી. કદાચ હું ફક્ત એના હાથમાં કમાણી મૂકતો. મને મારા રૂટિનમાંથી કહો કે મારી ઘરેડમાંથી નીકળવું બહુ ગમતું નહીં. જરાય કંઈ ખોરવાય એ ફાવતું નહીં. પછી તો દીકરીઓને ત્યાં બાળકો થયાં. મને ગમતાં પણ તેઓ મારો સ્વાભાવ જાણતી એટલે ઘરે ઓછું આવતી. એમની એક જ ફરિયાદ હોય, “પપ્પાજીને બધું વ્યસ્થિત જોઈએ. બાળકોને કેટલું સમજાવીએ? ડાઇનિંગ ટેબલ પર કેવું શિસ્ત જોઈએ? જમતી વખતે બરાબર પીરસાયેલું જોઈએ ને સહેજ પણ અવાજ કે…” પણ કંચન બધું સાચવી લેતી. મારા સમ આપીઆપીને, આગ્રહ કરીને બોલાવતી ને મને હંમેશ કહેતી કોઈવાર તો અસ્તવ્યસ્ત જીવો.”
કંચન તો કંચન જ. કંચનની સત્તર વર્ષની મુલાયમ ચામડીથી લઈ સિત્તેરની કરચલી પડી ત્યાં સુધી એણે મારી કોઈ વરણાગી પર કરચલી ન પડવા દીધી. એ તો વારે વારે કહેતી, “ભગવાન પાસે મારો ચૂડીચાંદલો અમર રહે એવું માંગ્યું છે, એટલે હું પહેલી જઈશ. ત્યારે તમે મને ગાજર રંગની સાડી ઓઢાડજો. આવી જ મેચિંગ બંગડી ને ચાંદલો. એ તો મારી દીકરીઓ સજાવશે.” ને ખડખડાટ હસતાં હસતાં કહેતી, “હં ને, પછી સ્મશાન પણ ન આવો તો ચાલશે, તમારું રૂટિન અટવાશે.”
હું પણ હળવાશથી કહેતો, “પછી મારો સમય કોણ સાચવશે?”
આમ કંચનને કારણે મજાનું લગ્નજીવન ચાલતું, વળી દીકરીઓ આવી નવા રંગો પૂરી જતી.
એમાં અમને બંનેને આ કોરોના વળગ્યો. હું બચી ગયો પણ કંચનને એ ભરખી ગયો. ઓહ…! હોસ્પિટલથી એમ જ જતી રહી કહ્યા વગર ને ના ઓઢાડી શક્યો તારી ગાજર રંગની સાડી, સૉરી.
“ઓ કંચન, હવે એકલા કેમ રહેવું? તારા વગર ઘર ખાવા દોડે. દીકરીઓ, જમાઈઓ તો ખૂબ આગ્રહપૂર્વક બોલાવે છે પણ મને કોઈના રૂટિન પ્રમાણે તારી જેમ જીવતા ન આવડે. કંચન! આખરે પાડોશી સુરેશભાઈએ સલાહ આપી, ‘હર્ષદ,તારું આટલું સરસ તો પેન્શન આવે છે. સારી ફેસિલિટીવાળા ઘરડાંઘરમાં શિફ્ટ થઈ જો. ત્યાં તારું બધું રૂટિન સચવાઇ જશે ને અહીંથી નજીક તો છે.’
ને હું અહીં આવી ગયો છું કંચન. હવે હર્ષદરાય.. આઉટ”
ફરી પીરસવા આવેલી પેલી નાની છોકરીએ કહ્યું, “દાદા, હજુ હાથ પર હલવો રહેવા દીધો? આમ ચાટી જાઓને.”
હર્ષદરાય એની સામે જોઈ રહ્યા ને ખરેખર આ રીતે ચાટતાં બોલ્યાં, ” અરે વાહ! મજા આવી ગઈ. તું ભણવા નથી જતી? તારું નામ?”
“હું કાજલ, જાઉં છું ને સ્કૂલે… એ તો કોઈની હેપી બર્થડે હોય કે કોઈના સગાનું મરણ થાય તો એની યાદમાં ઘરડાઘરમાં લોકો મીઠાઈ જમાડવા આવે છે. મારી મમ્મી આમ તો ઘરે ટિફિન સર્વિસ આપે છે પણ અહીંનો મિઠાઇનો ઓર્ડર લે છે. આજે રજા છે એટલે હું આવી. મને પીરસવાનું બહુ ગમે. તમારે કોઈ ઓર્ડર હોય તો કહેજો.”
ભોળે ભાવે કાજલ બોલ્યે જતી હતી, એની મમ્મીએ આવી એને રોકી.
હર્ષદરાયે એ બહેનને પૂછ્યું, “તમે રોજ બે ટાઈમ ટિફિન પહોંચાડી શકો? અહીંથી નજીક જ છે.”
ને બીજે દિવસે હર્ષદરાયની આંગળી હર્ષદરાય ‘આઉટ’ પર મુકાઈ, ઈન તરફ ખસેડવા…
– યામિની વ્યાસ S

Leave a comment

Filed under Uncategorized