Daily Archives: જુલાઇ 31, 2021

બેનપણી


આપણને એકબીજા વગર સહેજે ના ચાલતું ત્યારે મા કહેતી, “ગયા જનમમાં સગી બહેનો હશો.”
“ના…રે, બેન કરતાં બેનપણી શું ખોટી? ઝઘડો થાય તો મોઢું મચકોડીને, કિટ્ટા કરીને, તું તારે ઘરે ને હું મારે… પણ બેન હોઈએ તો એક જ ઘરમાં સાથે ને સાથે…” આવું તો તું જ કહી શકતી.
ભણવાનું હોય કે પ્રવૃત્તિઓ પણ તારો બધામાં પહેલો નંબર આવતો. હું એકવાર બોલી પડેલી, “તારે લીધે અમારા જેવાનો નંબર નહીં આવે. પહેલો નંબર આવે તો કેવી મજા પડે!”
તે દિવસે રાખીમેકિંગ સ્પર્ધામાં મારી તૂટેલી રાખડી પ્રથમ વિજેતા થઈ તેનું રહસ્ય ત્યારે જ જાણ્યું જ્યારે ટીચરે ઈનામ આપતી વખતે તારી રાખડી બધાને બતાવી, હેંને મોનિટર? ત્યારે તારી આંખ મોટી થઈને મને ચૂપ રહેવા આજીજી કરતી હતી. એવું તો મારી અજાણતા ઘણીવાર બન્યું પણ એક વાત હું ગૌરવ અને રૂઆબથી તને કહી શકતી કે, “બધામાં જ પ્રથમ આવે એવી મારી બહેનપણી છે, તારી છે?” અરે! હું કોઈવાર લન્સબોક્સ ભૂલી જતી ત્યારે, રીસેસમાં મોઢું બગાડીને “ઓહ આજે મારી મમ્મીએ કેવું બનાવ્યું છે! જરા પણ ભાવતું નથી” કહી લન્ચબોક્સ પકડાવી દે અને મારું લન્ચબોક્સ ભૂલી ગયાનું ભૂલાવી દેતી.
ને મારી વિશ પૂરી કરવા પોતાની પાંપણ ખેરવી મારી હથેળી પાછળ મૂકી ફૂંક મરાવતી.
બિમારી મારી હોય તો નકોરડાં ઉપવાસ કે પગપાળા મંદિર જવાની બાધા તું અવશ્ય રાખતી. સાપસીડીની રમતમાં તું એવી કરામતથી પાસા ફરકાવતી કે તારી કૂકરી સાપના મોઢા આગળ જ પહોંચે. દોસ્ત આગળ હારવાની જાહોજલાલી જ ભવ્ય હોય છે, એવું તો તુંજ કહી શકતી, યાર. ચાર પગલીઓથી આપણાં આંગણાં ધબકતાં. થપ્પો, ઠીકરી, પકડદાવ… આપણે ખુશીઓથી ખિસ્સાં ભરતાં.
રમત પૂરી થાય કે આપણે એકબીજાને ઘરે મૂકવા જતા. તું મને… પછી હું તને… ફરી તું મને… ફરી હું તને… છેવટે કોણ કોને છેલ્લે મૂકવા જાય એની દ્વિધામાં એક જણને ઘરે જ આપણે બંને રોકાઈ જતા.
આવી મસ્તીમાં જ મોટાં થયાં. સદભાગ્યે પરણ્યા પણ એક જ શહેરમાં. તોયે આ વાળાવવાનો સિલસિલો ચાલુ રહ્યો. એકબીજાને ત્યાં જતાં ત્યારે યાદ છે? મન ભરીને મળીએ તોય પાછા જતાં ત્યારે આવજો કહીને પણ બારણે, ઓટલે, આંગણે કે ઝાંપે આપણી વાત પૂરી જ નહોતી થતી. પતિદેવો ને બાળકો પણ કંટાળી જતાં. અરે! વિઈકલ પર સવાર ન થઈએ ત્યાં સુધીની વાતો ને પછી વળગીને બાય કરતાં. અરે! ક્યાંય પણ જવાનું હોય તેનું પ્લાનિંગ પણ કરી લેતાં. એકબીજાને જણાવ્યા વિના ક્યાંય ન જતાં.
પણ આજે? આજે તો તું મને જાણ કર્યા વગર એકલી જતી રહી. સાવ જ છેતરીને? અરે! એવી રીતે ગઈ કે દોસ્ત તને વળાવવા પણ ન આવી શકું ને વળગી પણ ન શકું. અહીં જ અટકી ગઈ છું દોસ્ત, આવજો તો શું કહું?
== યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized