દીવાલ
રેઇનબો રેસિડેન્સીમાં શ્રદ્ધા રહેવા આવી ત્યારે ત્યાં જ રહેતી તેની સહેલી ચિત્રા તેના ઘરે મદદ કરવા આવી હતી. રેઇનબો રેસીડેન્સી એટલે એક નાનકડું અજબ નગર કહોને. ત્યાં મોટેભાગે સિનિયર સિટીઝન્સ રહેતા હતા. હા, શહેરથી થોડે દૂર શાંત અને પ્રકૃતિમય વાતાવરણમાં એમને માટે જ બનાવ્યું હતું. મજાની વાત એ હતી કે, ત્યાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હતી. સાવરણીથી લઈ સાડી કે સોફાસેટ ખૂબ આસાનીથી ખરીદી શકાતાં. સિક્યોરિટી સર્વિસ ખૂબ જ સારી હતી. ખાસ વાત તો એ હતી કે, અહીં એવું એક જ સ્થળ હતું જ્યાં બધા જ ધર્મોના ભગવાન પાસપાસે હતા. અહીં બધા જ ધર્મોના તહેવારો ઉજવાતા. પાર્ટી હોલ, ગાર્ડન, ફુવારો, જિમ, સ્વિમિંગ પૂલ, કોફી શોપ- શું કહીએ કે શું ન કહીએ પણ, અહી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. સંતાનો દૂર વસતાં હોય તો અથવા સ્વતંત્ર રહેવા માંગતા હોય તેવાં વડીલો રેઇનબો રેસીડેન્સીમાં રહેતાં હતાં. આમ તો આ રો હાઉસ નાનું જ હતું પરંતુ ત્યાં એવી સગવડ હતી કે, મહેમાનો માટે હોટલની જેમ સજ્જ રાખેલા એક્સ્ટ્રા રો હાઉસમાં બધી જ સુવિધાઓ મળી રહેતી. બે જણ રહેતા હોય તો સફાઈની વધારે ઝંઝટ નહીં. નોકરો માટે એ જ રેસિડેન્સીમાં સર્વન્ટ ક્વાર્ટર પણ હતાં એટલે મોટેભાગે ઘણા રસોઈવાળા કે ઘરકામવાળા માણસો ત્યાં રહેતા. આ જોઇને લાગે કે આવું અનોખું નગર દરેક શહેરમાં હોવું જોઈએ. ઘણા હોલિડે હોમની જેમ રજાઓમાં આવતા. માબાપને મળવા શનિરવિમાં આવી જતા અને બાળકો અને યુવાનોથી રેઇનબો રેસીડેન્સી ધમધમી ઊઠતી. આ રેસીડેન્સી એટલી જાણીતી હતી કે, કૉલેજના વિદ્યાર્થીઓ અથવા કોઈ એનજીઓ સાથે જોડાયેલા લોકો વારંવાર અહીં મુલાકાત લેતા.
ચિત્રા પહેલેથી અહીંયાં જ રહેતી હતી. એકલવાયી જીંદગી જીવતી રિટાયર્ડ અધ્યાપિકા શ્રદ્ધાને અહીં ઘર લેવા માટે તેણે આગ્રહ કર્યો હતો. દેખાવમાં માંડ પચાસની લાગતી શ્રદ્ધાનું રીટાયર્ડ થયાં પછી પણ અધ્યાપન કાર્ય ચાલુ જ હતું. તેના હાથ નીચે પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીઓ નિયમિત તેને મળવા માટે આવતા. શ્રદ્ધા તેની કૉલેજના વિદ્યાર્થીઓમાં પ્રિય અધ્યાપિકા હતી. આમ તો તે કડક અને શિસ્તમાં માનતી પણ, ભણાવતી ખૂબ રસથી એટલે તેની કૉલેજના તો શું પણ શહેરની અન્ય કૉલેજના વિદ્યાર્થીઓ પણ તેનો ક્લાસ એટેન્ડ કરવા આવતા.
શ્રદ્ધા તેનાં માતાપિતાની એકની એક દીકરી હતી. લગ્ન નહોતા કર્યા. માબાપ ન રહ્યા પછી પણ તેણે એકલા જ રહેવાનું વિચાર્યું. તેની ખાસ સહેલી ચિત્રા તેનું ખૂબ ધ્યાન રાખતી. બંને એક જ સોસાયટીમાં સાથે રહી શકે તે માટે ચિત્રા જ્યાં રહેતી હતી તે રેઈનબો રેસીડન્સીમાં શ્રદ્ધાને ઘર ખરીદાવ્યું. ત્રીજી રોમાં નાકાનું ઘર શ્રદ્ધાને મળ્યું હતું અને ચિત્રા પહેલી રોમાં રહેતી હતી.
“યાર, આ વોલપીસ ક્યાં લગાવવાનું છે? અને આ આ ખુરશી?”
“હા, આ ખુરશી…. પપ્પા કાયમ આ રીતે જ બેસતા… ખુરશી પર. ચાલ, આ અહીં જ ગોઠવી દે.”
શ્રદ્ધાના ઘરે કામ કરવા માટે પણ ચિત્રાએ વ્યવસ્થા કરી હતી. સીતુ પતંગિયા જેવી ઊડાઉડ કરતી છોકરી. સર્વન્ટ ક્વાર્ટરમાં જ રહેતી હતી અને સવારની કૉલેજમાં ભણતી પણ હતી. બાકીના સમયમાં તે કામ કરતી હતી. શ્રદ્ધાને અહીં આવ્યાને અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ તે ઘણાં બધાં કામોમાં અટવાયેલી રહી. હમણાં જ રિટાયર્ડ થઈ હતી એટલે પેન્શનની કાર્યવાહી, મળેલ રકમનું રોકાણ કયાં કરવું? વારંવાર કૉલેજમાં જવું, વિદ્યાર્થીઓના અધૂરા અભ્યાસની ચિંતા, ઘરની ગોઠવણ, સગાંવહાલાંના ફોન વગેરેમાં ખૂબ જ વ્યસ્ત રહી હતી. આજુબાજુ કોણ રહે છે અને કોણ આવે-જાય છે તે જોવાનો તેની પાસે સમય જ ન હતો. વધારે સમય તો પેલી પતંગિયા જેવી સીતુ સાથે જ પસાર થતો. તે આવે ત્યારથી જ બોલબોલ કરતી. શ્રદ્ધાને બહુ ઈચ્છા ન હતી, પરંતુ નવા ઘરમાં ચિત્રાના આગ્રહથી કથા કરાવી. ચિત્રાએ કહ્યું કે, “એક શુભ કાર્ય થવું જોઈએ અને આપણે જાતે જ જઈને પ્રસાદ બધે વહેંચી આવશું. જેથી, બધાની ઓળખાણ થાય.”
બંને સહેલીઓ પ્રસાદ વહેંચવા ગઈ. બધી જ રો પતાવીને આખરે બાજુના રો હાઉસમાં પ્રસાદ આપવા ગઈ. બહાર નામ વાંચ્યું ‘દિવ્ય શર્મા’. શ્રધ્ધાને કંઈક યાદ આવ્યું. ત્યાં તો બારણું ખોલ્યું અને જેણે બારણું ખોલ્યું તેને એકીટશે જોઈ રહી. હા, આ એ જ દિવ્ય છે. દિવ્યએ ‘આવો’ કહ્યું. ચિત્રાને જોઈને તેને ખ્યાલ આવ્યો કે, પડોશમાં રહે છે એ જ છે અને પછી શ્રદ્ધા સામે જોયું. તેની પણ સ્મૃતિ તાજી થઈ. હા, આ તો ‘શ્રદ્ધા દિવાન’! હવે આંખોથી બંનેએ એકબીજાને ઓળખી લીધાં હતાં. બંને એકસાથે બોલી ઊઠ્યાં, “તમે…?”
બંનેના આશ્ચર્ય ઉદગારો સાંભળીને ચિત્રાને નવાઈ લાગી. પરંતુ પછી તેને થયું, હા… આમને કારણે જ તેની સહેલી શ્રદ્ધાએ લગ્ન નહોતાં કર્યાં. ચિત્રાને બધી જ ખબર હતી. બંને ભૂતકાળમાં ખોવાઈ ગયાં.
માંડ એકવીસ-બાવીસની શ્રદ્ધા મોરપીંછ રંગની સાડીમાં અને નેવી બ્લ્યૂ શર્ટમાં દિવ્ય શોભતો હતો. બંનેના વડીલોએ છોકરા-છોકરીને જોવાનું ગોઠવ્યું હતું. શ્રદ્ધા ચા લઈને આવી, એકબીજાને જોયાં અને પહેલી જ નજરે એક બીજાને ગમી ગયાં. બાજુના રૂમમાં વડીલોએ તેમને વાતચીત કરવા માટે મોકલ્યા. એકબીજાને બહુ જ ઓછા પ્રશ્ન પૂછ્યા હતા અને બંનેએ હા પાડી હતી, જાણે પહેલી નજરનો પ્રેમ ન થયો હોય!
બીજા દિવસે દિવ્યના પિતાનો ફોન આવ્યો કે, “અમને તમારી દીકરી ઘણી પસંદ પડી છે, પણ અમે જ્યોતિષને બતાવ્યું હતું. અમે એમાં ખૂબ માનીએ છીએ. તમારી દીકરીના જન્માક્ષરમાં અમારા દિવ્ય સાથે લગ્ન થાય તો વિધવાયોગ થાય છે એવું જ્યોતિષીએ જણાવ્યું છે. હવે તમે જ કહો… શું કરીએ?”
સાચી વાત છે. કોઈપણ દીકરાનાં માબાપ દીકરાનું મોત થાય કે દીકરીનાં માબાપ જમાઈનું મોત થાય એવું ન જ ઈચ્છે. હજુ બંને વચ્ચે કંઈ વાત આગળ નહોતી બધી એટલે બંનેના વડીલોએ સંબંધ આગળ ન વધારવામાં સલામતી સમજી લીધી. દિવ્ય અને શ્રદ્ધા આ સમાચાર જાણીને દુઃખી થયાં. દિવ્યની તો ઈચ્છા પણ હતી કે, હું આગળ કંઈક વાત કરું, પરંતુ વડીલોના અતિ આગ્રહને કારણે ચૂપ રહ્યો. પછી એઓ કદી મળ્યા નહોતા.
શ્રદ્ધાના મનમાં એક ભય પેસી ગયો. દિવ્ય સાથે તો નહીં, પરંતુ કોઈપણ છોકરા સાથે પરણવાની તેણે ના પાડી દીધી. તેને એમ જ હતું કે, હું લગ્ન કરીશ તો પતિ મૃત્યુ પામશે. જોકે, પાછળથી ઘણી બધી વિધિની વાતો થઈ હતી, ઝાડ સાથે લગ્ન કે ઘડા સાથે લગ્ન…. પણ એ બધું ફોક લાગ્યું.
દિવ્ય ભણીને સરકારી અધિકારી તરીકે કાર્યરત હતો. લગ્ન થયા. એક દીકરો જે આર્મીમાં હતો અને પુત્રવધૂ આર્મીમાં ડોક્ટર હતી. વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે? એક અસાધ્ય બીમારીમાં દિવ્યએ પત્ની ગુમાવી અને તે એકલો પડી ગયો. નોકરી હતી ત્યાં સુધી તો તેણે એ જ શહેરમાં નોકરી કરી, પછી દીકરાએ તેને પોતાની પાસે બોલાવી લીધો. દિવ્યને ત્યાં ગમ્યું નહીં, કારણ કે દીકરો અને પુત્રવધૂની વ્યસ્તતા સમજી શકાય. આખરે દીકરાએ દિવ્યની ઇચ્છાનુસાર આ રેસિડેન્સીમાં ઘર બુક કરાવ્યું. એકાદ વર્ષથી દિવ્ય અહીં રહેતો હતો. રજાઓમાં ને વેકેશનમાં દીકરો તેના પરિવાર સાથે અહીં આવી જતો અને ઘર ખીલી ઊઠતું હતું. પછી ફરી દિવ્ય એકલો. તેણે એક કૂતરો પાળ્યો હતો. એક છોકરો જીતુ, બધું જ કામ કરતો હતો.
શ્રદ્ધા તથા દિવ્યએ અરસપરસની વાતો જાણી. ચિત્રાએ પણ સૂર પુરાવ્યો. ‘નાઇસ ટુ મીટ યુ’ કહી પ્રસાદ આપીને બંને નીકળી ગઈ.
શ્રદ્ધા તેના નવા ઘરમાં ધીમે ધીમે ગોઠવાઈ અને મોટાભાગનાં કામ પતી જતાં એ ફ્રી થઈ. તેણે સવારે ચાલવા જવાનું શરૂ કર્યું. ત્યાં તેને ઘણા બધા માણસો મળતા. તેને થતું કે, દિવ્ય કેમ ચાલવા નથી આવતો? સંગીતની શોખીન શ્રદ્ધા રિયાઝ કરતી એ દરમિયાન બાજુમાંથી આવતો કૂતરાનો અવાજ તેને દખલ કરતો છતાં તે કશું કહેતી નહીં. ખાસ કરીને શ્રદ્ધા સીતુને દિવ્ય વિશે ઘણું પૂછતી, કારણ કે સીતુને જીતુ દ્વારા ઘણું બધું જાણવા મળતું. શ્રદ્ધાને ખબર પડી કે, સીતુ અને જીતુ બંને એકબીજાંને ચાહે છે. ઘણીવાર સીતુ તો બાજુમાં જવાનું કારણ જ શોધતી હોય. સીતુના કહેવા મુજબ દિવ્ય સવારે નહીં, પરંતુ સાંજે ચાલવા જાય છે અને કદાચ દિવ્યએ પણ જીતુ દ્વારા જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ એક દિવસ સવારે ચાલવા માટે દિવ્ય પણ ગયો. સવારે ખાસ અલાર્મ મૂકીને ઊઠ્યો હતો. થયું એવું કે, હવે બન્નેએ સમય બદલ્યો એટલે ન મળી શક્યાં. એક બપોરે બંને લાયબ્રેરીમાં મળી ગયાં. ખુશ થયાં. ફરી ભૂતકાળમાં એકવાર મળેલા તે મુલાકાતની યાદ તાજી કરતા બંને કોફી હાઉસમાં બેઠાં. જાણે બંને યુવાન બની ગયાં. વાત શું કરવી એ સૂઝ્યું પણ નહીં. પુસ્તકોની વાતો કરી ઘર સુધી સાથે ગયાં. આ રીતે મળવું લગભગ નિયમિત થતું ગયું અને એકલતા ઊજવાતી ગઈ. પણ એકબીજાને ઘરે એઓ કદી નહીં જતાં. તેઓ વાત કરતાં કે ચીજ વસ્તુની આપ લે કરતાં, તે પણ કમ્પાઉન્ડ વોલ પરથી જ જોઈને.
સીતુ અને જીતુને પણ મજા પડતી. એક સોહામણી સાંજે સીતુએ ખાસ ચા નાસ્તો તૈયાર કર્યો. બહાર લોનમાં ટેબલ પર ગોઠવ્યો અને બાજુવાળા અંકલને બોલાવી લાવી. શ્રધ્ધા વાંચવામાં વ્યસ્ત હતી. દિવ્યને જોઈ નવાઈ લાગી પણ ગમ્યું. પછી ઘણીવાર તેઓ આંગણામાં બેસીને ચાનાસ્તો કરતાં. નોકરીની, સમાજની અને દુનિયાની ઘણી બધી વાતો કરતાં. બંનેનાં હૃદયમાં તો હતું કે, સ્નેહની વાતો કરીએ પરંતુ કોઈએ છેડી ન હતી.
એક દિવસ શ્રદ્ધાએ જોયું કે સીતુ બંને ઘરની કોમન દીવાલ પર હાથથી ઠપકારા મારતી હતી. સામેથી પ્રત્યુત્તર આવતો પણ હતો. સીતુ ઠપ કરે તો સામેથી ઠપ અને ઠપઠપઠપ કરે તો સામેથી ઠપઠપઠપ. તેને ખ્યાલ આવી ગયો કે, આ જીતુનો પ્રત્યુત્તર છે. જ્યારે સીતુ ગઈ ત્યારે શ્રદ્ધાને થયું કે એ પણ ઠપકારો મારે, પરંતુ તે તેમ કરી ન શકી. બીજા દિવસે એ જ સમયે તેણે જોયું તો સીતુ આ જ રીતે જીતુ સાથે વાત કરતી હતી અને પોતાના સ્પંદનો પહોંચાડતી હતી. એક દિવસ તેણે પણ સીતુ અને જીતુના ગયા પછી દીવાલ પર ઠપકારો મારવા એક હાથ ઊંચો કર્યો, પણ પાછો વાળી દીધો.
ચિત્રા અવારનવાર તેના ઘરે આવતી અને તે પણ ચિત્રાના ઘરે જતી. ચિત્રાએ શ્રદ્ધાને દિવ્યના સાથની વાત કરી. અને કહ્યું ‘આટલી વયે જન્માક્ષર વિગેરે યાદ ન કરાય’ પણ શ્રદ્ધાના મનમાં વર્ષોથી એક ડરની દીવાલ ચણાઈ ગઈ હતી. ચિત્રાએ દિવ્ય સાથે દોસ્તી વધારી. તેના પુત્રનો નંબર મેળવીને તેની સાથે વાત કરી. તેઓ પણ પપ્પાજીને સાથે રહેવામાં આવી કંપની મળતી હોય તો તૈયાર હતા. પરંતુ બંનેમાંથી કોઇ રુબરુ આ બાબતે વાત કરતું ન હતું. આખરે સીતુએ એક દિવસ વાત કાઢી. જીતુ પાસેથી એને અંકલની થોડી વાતો ખબર હતી. શ્રદ્ધાએ માંડીને વાત કરી અને વિધવા યોગની પણ વાત કરી. સીતુએ આસાનીથી જવાબ આપી દીધો કે એમાં શું? લગ્ન કરો તો પ્રોબ્લેમ છેને? તમારે તો ફક્ત આ વચ્ચેની આ દીવાલ તોડી નાખવાની. વળી હસતાં બોલી, ‘પછી હું અને જીતુ ભેગા મળીને કામ કરીશું.’
શ્રધ્ધાએ કહ્યું,”સાચી વાત, ‘દીવાલ નહીં, દીવાલો તોડવી છે.” અને જાણે શરૂઆત કરતી હોય એમ ઠપ ઠપકારવા હાથ ઊંચો કર્યો….
યામિની વ્યાસ