Monthly Archives: સપ્ટેમ્બર 2021

*અરીસાનું આકાશ*


· *અરીસાનું આકાશ*

“આંખો બંધ કર. લે, તારી ગિફ્ટ.” દેવદત્તે અન્યાને કહ્યું.
“દત્તુ, તને ગિફ્ટ લેતાં આવડી પણ ગઈ?”
“શું થાય? તને સરપ્રાઈઝ ગમે છે એટલે માંડ ખરીદી શક્યો.”
“એમાં શું છે?”
“એમાં તને તું જ દેખાય એવું…”
અન્યાને થયું, ‘મારે તો તને જોવો છે.’
“શું વિચારમાં પડી ગઈ? તારે જે જોવું હોય તે દેખાય.” અન્યા ખુશ થઈ અને ગિફ્ટનું રેપર ખોલવા લાગી. રેપર ખોલતાં ખોલતાં મનમાં થયું, ‘આ તો વળી શું ઊંચકી લાવ્યો હશે?” ખોલીને જોયું તો એક કલાત્મક અરીસો હતો. લંબગોળ મજાનો અરીસો. પિત્તળની કારીગરીથી એની કિનાર સજાવી હતી. એને આકર્ષક હેન્ડલ પણ હતું જેથી હાથમાં પણ પકડી શકાય અને દીવાલ પર પણ લટકાવી શકાય. અન્યા જોઈને ખુશ થઈ. તેણે સેલ્ફી લેતી હોય તેમ અરીસો હાથમાં ઊંચો કરીને બંનેની સામે ધર્યો. એમાં અન્યા અને દેવદત્ત બંનેના ચહેરા દેખાયા. તે ખૂબ ખુશ થઈ ને ક્યાંક ખોવાઈ ગઈ. દેવદત્તે હલાવી. “ચાલ, હું જાઉં. મને માફ કરજે, લગ્નમાં હાજર નહીં રહી શકું તે માટે.”
દેવદત્ત તેનો ખૂબ સારો મિત્ર. બંનેના પરિવારો પણ એકબીજાને ઓળખે. બધા ઈચ્છતા હતા કે અન્યા અને દેવદતનાં લગ્ન થાય. દેવદત્તે પણ કહ્યું હતું કે, “જો હું પરણું તો તને જ પરણું,પણ મારે તો લગ્ન જ નથી કરવા. લશ્કરમાં જઈશ અને ભારતમાની સેવા કરીશ.”
અન્યાએ ફરી અરીસામાં જોયું. તેણે દેવદત્તને સમ આપ્યા હતા તે યાદ આવ્યું. “કોઈ લશ્કરમાં હોય તો પણ પરણે તો ખરાને? હું ક્યાં તારી સાથે આવવાની જીદ કરું છું? હું તારી રાહ જોઈશ તું આવે નહીં ત્યાં સુધી.”
“ના મારે કોઈને દુઃખી નથી કરવા. મેં નક્કી કર્યું છે કે, મારે લગ્ન જ નથી કરવા.” અન્યાથી આ જવાબ નહીં સહેવાતા આંસુભરી આંખે દોડી ગઈ.
દેવદત્ત અન્યાનાં લગ્નમાં હાજર ન રહી શક્યો પરંતુ તેણે દિલથી શુભેચ્છા મોકલી હતી. નમ્ર અને અન્યા ધામધૂમથી પરણ્યાં અને મજાની જિંદગી શરૂ કરી. નાનકડા ફલેટમાં બંને જણા રહેવાં ગયાં અને ઘરની સજાવટ કરી. પેલો નયનરમ્ય અરીસો દેવદત્તે જાતે જ બેડરૂમમાં સજાવ્યો. એ હાથમાં પકડીને ઉતારી શકાય એવો હતો, પરંતુ લટકાવેલો રાખ્યો તેથી બે હાથ ખુલ્લા રહે અને માથું પણ ઓળી શકાય. અન્યા રોજ એમાં જોવાનું ચૂકતી નહીં. જ્યારે પણ નવરાશ મળે ત્યારે જોઈ લેતી. એ જોતી ત્યારે પાછળ તેને દેવદત્ત પણ હસતો દેખાતો.આમ તો મોટું ડ્રેસિંગ ટેબલ હતું પરંતુ આંખના મેકઅપ માટે તે આ અરીસામાં જોતી. નમ્ર ઘણીવાર કહેતો પણ ખરો કે, “સાડી પહેરી રહી છે તો આ લાંબા અરીસાનો ઉપયોગ કરને!”
અન્યા કહેતી, “તું જોઈ લે એટલે બસ! અરીસો તારી આંખમાં છે.”
પણ ખરેખર અરીસો અન્યાની આંખમાં હતો. ઘણી વખત તે અરીસામાં જોતી હોય અને પાછળથી નમ્ર આવી ચડે તો તે ગભરાઈ જતી, કારણ કે તેને અરીસામાં દેવદત્ત દેખાતો હોય. નમ્ર અને અન્યાનો સંસાર ખૂબ સરસ ચાલતો હતો. તેઓ એકબીજાની, એકબીજાના મિત્રોની ને પોતાનાં ભૂતકાળની વાતો કરીને ખૂબ હસતાં. અન્યાને એક પ્રકારનો રંજ રહેતો કે, તે દેવદત્તને ભૂલી શકી ન હતી. હવે તે એકલી હોય ત્યારે અરીસામાં જોઈને દેવદત્તને ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે, ‘તું હવે મારી યાદોમાંથી જા. મારાં મન-હૃદય-આંખોમાંથી પણ જા’ પણ એમ કંઈ થોડું જવાય છે? દેવદત્ત હંમેશા સમાયેલો જ રહેતો. દેવદત્ત સાથે વિતાવેલા પ્રસંગો તેને યાદ આવતા અને તે યાદોમાં ખોવાઈ જતી.
એકવાર બંને આંબાના મોરવા ચોરવા ગયાં હતાં. હોળીના દિવસે બંનેએ બધા પર રંગ ભરેલી ડોલો ઢોળી હતી.ઘણીવાર સોસાયટીના ઘરોના બારણાં બહારથી બંધ કરી દેતા.કેટલાય તોફાનો, કેટલીય ધમાલ કરતાં ને બહાર ચોકલેટ્સ મૂકી દેતા.બધે બન્ને સાથે જ હોય. ત્યારે જ અન્યાએ વિચારી લીધું હતું કે તેનો પતિ તો દત્તુ જ હશે.
હવે અન્યાને થતું કે, કદાચ હું નમ્રને અન્યાય કરી રહી છું. ગમે તે રીતે દત્તુને ભૂલવો પડશે. મારે કંઈક કરવું જોઈએ. તેણે અરીસા પર એક સુંદર કપડું લઈ સરસ મજાનો પરદો કરી દીધો. નમ્રએ પૂછ્યું કે, “આ શું કર્યું છે.?
“બા કહે છે કે બેડરૂમમાં અરીસો હોય તો ઉપર પરદો કરી દેવો.”
“તો આ નાના અરીસા પર જ કેમ? મોટા પર પણ કરી દે.”
“હા, એ પણ કરીશ.”
અન્યાના જન્મદિવસ પર નમ્ર સરસ મજાની ગિફ્ટ લઈ આવ્યો. અન્યાના હાથમાં ગિફ્ટ પકડાવીને હરખભેર તેને બેડરૂમમાં ખેંચી ગયો. નમ્રએ વ્હાલથી તેને પોતાની તરફ ખેંચી. અન્યાના બંને હાથ પકડી ઊંચા કરીને નાચવા લાગ્યો. અચાનક તેનો હાથ અરીસા પર લાગ્યો અને અરીસો નીચે પડ્યો. અન્યા ચીસ પાડી ઊઠી. જાણે તેને થયું કે પોતાનું હૃદય તૂટી રહ્યું છે! નમ્રે તરત સોરી કહ્યું, “અરે એમાં રડે છે શું? આપણે એમાં આવો જ અરીસાનો કાચ ફરી નંખાવી દઈશું.”
અન્યાએ વાંકાં વળીને અરીસાના ટુકડા ભેગા કર્યા.નમ્ર પણ મદદ કરવા વાંકો વળ્યો “જો અનુ ટુકડાઓમાં ઘણી બધી અન્યા અને નમ્ર દેખાય છે! સારું થયું ને તૂટ્યો.” અન્યા એમાં દેવદત્તને શોધે એ પહેલાં એક કાચ તેને સહેજ વાગ્યો અને લોહી પણ નીકળ્યું. તે આંગળી પર હાથ ફેરવીને નમ્રએ વહાલથી પટ્ટી બાંધી આપી. અન્યાએ વિચાર્યું કે હવે અરીસો નથી લગાવવો. નમ્રએ ઓફિસ જતી વખતે કહ્યું કે, “મને પેલો અરીસો આપ. હું આવતી વખતે એમાં કાચ નંખાવતો આવીશ.”
અન્યાએ કહ્યું, “ના, કંઈ જ વાંધો નહીં. હવે એ અરીસો જવા દો. નવો અરીસો લાવીએ. કમુએ કહ્યું છે કે,ભાભી આ તો ભંગારમાં જશે. એની ફ્રેમ પિત્તળની છે તો સારા પૈસા આવશે એટલે મેં કમુને આપી દીધો છે.”
નમ્ર ઓફિસે ચાલ્યો ગયો અને અન્યા એકલી પડી. હૃદયમાં ઘણા બધા સવાલજવાબ ચાલતા હતા, પરંતુ સહસા એને કંઇક યાદ આવ્યું ને તેણે ઝડપથી મોબાઈલ ઊંચક્યો. કમુને ફોન કર્યો, “કમુ, પેલો તૂટેલા અરીસો ભંગારમાં વેચતી નહીં.”

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

કાશ…હું હલી હોત!

કાશ…હું હલી હોત!અરે બાપ રે! આ શેનો અવાજ? અરે હા, આ તો સવારે ભરેલા ભીંડા વધાર્યા હતા તે છે. અરે ભૂલી ગઈ? રાઈ તતડી રહી છે. પરવળ વઘારવાના છે. અને સહેજ બીજી બાજુ જોયું ત્યાં એક પાણીનું ટીપું અંદર પડતાં એક રાઈનો દાણો તેના હાથ પર ઊડીને પડ્યો. એ જરા ચમકી પરંતુ હાથ હલાવવાનો ન હતો. ઓહ! હું તો ભૂલી જ ગઈ! હું તો અત્યારે આ મશીનમાં છું. હલીશ તો વધુ વાર લાગે છે. કદાચ એ ફરીથી પૈસા પણ માંગે. આટલા બધા… ચાર હજાર રૂપિયા લાવવા ક્યાંથી? સુમીનો એમ.આર.આઇ. ટેસ્ટ ચાલતો હતો. કેટલાય વખતથી તેના જમણા હાથની આંગળીઓ બરાબર કામ નહોતી કરતી, ઝણઝણાટી થતી હતી. શરૂઆતમાં તેણે બહુ ધ્યાન ન આપ્યું. તેને લાગ્યું કે કદાચ વજન ઉચકાઈ ગયું હશે અથવા એ હાથથી કામ વધુ પડતું કર્યું હશે તો આવું થતું હશે. ધીરેધીરે તેના જમણા પગનો અંગૂઠો પણ વગર કારણે હલતો હતો. તેનું ધ્યાન જતું ત્યારે તેને જોરથી પકડીને દબાવી દેતી અને આજ્ઞાંકિત બાળકની જેમ પગનો અંગૂઠો પણ શાંત થઈ જતો. એકવાર સાણસીમાંથી તપેલી છટકી ગયેલી ત્યારે ઘણું બધું દૂધ ઢોળાઈ ગયું હતું અને તે દાઝી જતાં બચી ગઈ હતી. પછી તેણે અને તેના ઘરનાએ નક્કી કર્યું કે હવે ડૉકટરને બતાવવું. ડૉકટરે ઘણી બધી તપાસ કરી અને અંતે લાગ્યું કે પાર્કિન્સનની શરૂઆતની અસર લાગે છે. તેના માટે મગજનો એમ.આર.આઇ. કરાવવો જરૂરી છે. સુમી તો સાંભળીને ડઘાઈ ગઈ કે, હાથ સાથે મગજને શું લેવાદેવા? પરંતુ સાજા થવું હોય તો કરાવવું જ પડે. સૌથી પહેલાં તો તેની ફી સાંભળીને જ તેને આંચકો લાગ્યો પરંતુ થાય શું? મગજનો એમ.આર.આઇ. કરાવતા તેને ખૂબ ડર લાગતો હતો. ફાઈલ આપીને તે પણ લાઇનમાં બેઠી. આજુબાજુ બે ત્રણ જણા હતા તેમને પણ પૂછ્યું કે, આમાં શું હોય છે? અને શું થાય છે? જેમને અનુભવ હતો તેમણે તેનો અનુભવ કહ્યો, ‘વધુ કંઈ નહીં થાય. તમને સુવડાવીને મશીનમાં મૂકી દેશે અને જુદા જુદા અવાજો આવશે. સુમીને આ સાંભળીને ખરેખર બીક લાગતી હતી. એકવાર મશીનમાં જાઉં અને પાછી આવું જ નહીં તો? વીજળીનો કોઈ પ્રોબ્લેમ થાય અને મશીન મારા પર તૂટી પડે તો? સુમીને જાતજાતના વિચારો આવતા રહ્યા. તેણે તેના પતિ અરુણને કહ્યું, ‘તમે ત્યાં મારી સાથે આવજો.’ તેનો નંબર આવ્યો ત્યારે તેણે અરુણનો હાથ પકડી રાખ્યો. એમ.આર.આઇ. કરનારા ભાઈએ કહ્યું, ‘કોઈ જાતની ધાતુની વસ્તુ પહેરેલી નથી ને? હોય તો કાઢી નાંખો.’ સુમીએ નાકની ચૂની, કાનની બુટ્ટી માંડ કાઢી. ગળામાંથી મંગળસૂત્ર અરુણે કાઢી આપ્યું. તેને થયું કે ખરેખર હવે હું ઉપર ચાલી. સાચી વાત છે… ત્યાં ઘરેણાં પહેરીને થોડું જવાય છે? અંદર જે કપડાં આપ્યાં હતાં તે સુમીએ બદલી લીધાં. સુમીને એવું જ લાગતું હતું કે જાણે ખરેખર તે આ દુનિયામાંથી જઈ રહી છે! અરુણે પણ તેનો હાથ છોડાવીને કહ્યું કે, ડરવાની કોઈ જરૂર નથી. આમાં કશું જ નહીં થાય. ત્યાં મારાથી જોડે ન ઊભું રહેવાય. સુમીનો સહેજ ધ્રુજતો હાથ વધુ ધ્રુજવા માંડ્યો, આખું શરીર ધ્રુજવા માંડ્યું. તે હિંમત કરીને સૂઈ તો ગઈ પણ તેણે પેલા ભાઈને પૂછ્યું, “આમાં કેટલી વાર લાગશે?”પેલા ભાઈએ સ્મિત સાથે કહ્યું, “વીસેક મિનિટ, જો તમે હલશો નહીં તો. જો હલશો તો વધુ સમય લાગી શકે અને ફરીથી એમ.આર.આઇ. કરવો પડે.” સુમી વધુ ગભરાઈ. ફરી કરવો પડે? એટલે કે હું જીવતી રહીશ અને પાછી મશીનમાં જઈશ? તેણે આંખો સજ્જડ બંધ કરી રાખી. આંખો ખોલે તો બીક લાગે ને! જુદાજુદા અવાજોમાં ખોવાઈ ગઈ. અરે બાપ રે! આ તો હું ટ્રાફિકની વચ્ચે ફસાઈ ગઈ. કેટલા બધા હોર્ન વાગે છે? અને આ ગાડી ઊંધી કેમ આવે છે? સુમી ઘરેથી ટિફિન સર્વિસ આપતી હતી. નાસ્તા બનાવીને પણ તે વેચતી હતી, જેથી ઘરના બે છેડા જોડવામાં મદદ કરી શકે. તેનો સામાન લેવા માટે તે ટુ-વ્હીલર પર દોડ્યા કરતી. એને યાદ નથી કે કોઈ દિવસ એક્ટિવા પર સરખી રીતે બેસીને આવી હોય. ડિકી આખી ભરેલી હોય અને બે પગ પહોળા રાખીને માંડ ટેકવાય એટલો સામાન આગળ ભરેલો હોય. મમરા,પૌંઆ, વિવિધ લોટ, શાકભાજી વગેરેથી તેનું એક્ટિવા હંમેશા લદાયેલું રહેતું. આવા ટ્રાફિકના અવાજોથી તે કંટાળી જતી. વચ્ચે એક્ટિવા ઊભું રાખે તો બેલેન્સ માટે એકાદ પગ નીચે મૂકવો પડતો. ઘણીવાર તો ટ્રાફિક ચાલુ થાય ત્યારે લાગતું કે, પગ ત્યાં જ રહી ગયો છે અને પોતે આગળ વધી ગઈ છે. “અરે! જઈ તો રહી છું. પાછળથી કેમ આટલા બધા હોર્ન વાગે છે? અને આ શેનો અવાજ છે? લે, શરણાઈ કેમ ચાલુ થઈ? હા, તે દિવસે ઘર આખું ભરેલું હતું. ભારે કપડાં અને ઘરેણામાં બધાં જ તૈયાર થયાં હતાં અને અરુણ વાજતે ગાજતે મને લેવા આવ્યા હતા. હમણાં જ કાઢ્યું એ મંગળસૂત્ર તેમણે તેમના હાથે મને પહેરાવ્યું હતું. આજે! કાઢી પણ લીધું. હા, પણ તે દિવસથી આજ દિવસ સુધી મારો એ હાથ સદાય કામમાં રહ્યો. બસ હવે મને સાંઠ થવાનાં તો હાથ ઝણઝણે તો ખરો ને! કેટલાં વર્ષો થયાં કદાચ આ હાથને આરામ જ નથી મળ્યો. હું ઊંઘી જાઉં છું માત્ર ત્યારે જ તે નવરા હોય છે. પરંતુ હાથને મગજ સાથે શું લેવાદેવા છે તે હજુ સમજાતું નથી. બસ, આ બધી તપાસ થાય, સારી દવા થાય અને મારો હાથ ચાલતો થઈ જાય એટલું જ ઈચ્છું છું. કોઈના આધારે રહેવું ન પડે અને હું જાતે જ મારાં કામ જિંદગીભર કરતી રહું. અરે હવે શેનો અવાજ આવે છે? આતો ધીમોધીમો સરસ અવાજ છે! ખરરર ખરરર ખરરર… હા, એ બાજુમાં જ સૂતેલા છે. એમનાં નસકોરાં બોલે છે અને હું આખા દિવસનો હિસાબ લખું છું. આ સામાન-ચીજ કેટલાની આવી? કેટલો ખર્ચ થયો? અને આવક કેટલી થઈ? પણ હવે આ હાથ કામ નથી કરતો. મારાથી લખાતું જ નથી. પીન્ટુને કહું ત્યારે તે માંડ લખી આપે. હે ભગવાન! મારો હાથ સારો કરી દે. કામ તો ગમે તે રીતે હું કરી દઈશ પણ લખાતું નથી. લખવાથી લઈને લાફો મારી શકું તેવો હાથ બનાવી દે. અરે… તે દિવસે? હું કંઈ એવી યુવાન પણ ન હતી. પાંત્રીસ-ચાલીસ થયાં હશે. હું સામાન લેવા જતી ત્યાં પેલો પાછળ પાછળ આવતો. ને ખરીદીને પાછી આવતી હતી ત્યારે તેણે મારો દુપટ્ટો ખેંચેલો. મેં બધું મૂકીને તેને કેવો લાફો મારેલો! ત્યારે બધાં ભેગાં થઈ ગયાં હતાં. પણ હવે આ હાથમાં એવી તાકાત નથી. લાફો તો કોઈને નથી મારવો પણ હાથમાં એવી તાકાત તો જોઈએ ને! અરે બાપ રે! આ વળી શેનો અવાજ? પેલા ઉપરવાળાં સવારે ઊઠીને તેમના પ્લેટફોર્મ પર જ આદુ વાટતાં હશે તેનો અવાજ લાગે છે, ઠક ઠક ઠક… એ તો હું વાટતી હોઉં ત્યારે નીચેવાળાને પણ સંભળાતો જ હશે. હવે આ શું? ગ્રાઇડર-મિક્ચર શરૂ થયું? બહુ જલદી ચટણી વટાઈ ગઈ. હજુ તો આદુમરચાં પણ પીસવાના છે. ને આ ચૂરેચૂરા થતો અવાજ શેનો છે? હા, તે દિવસે પાપડપૌંઆ બનાવ્યા એ પાપડ ચૂરવાનો અવાજ. કેટલું બધું કામ થઈ રહ્યું છે! કેવા કેવા અવાજો આવે છે? આ ધબ ધબ ધબ… કોઈ ધોકા મારતું હોય તેવો અવાજ! એ દિવસે બે ચારસા બોળ્યા હતા. એ ઘોકાયા વગર મેલ ન કાઢે તે એનો અવાજ લાગે છે. અરે બાપ રે! આ ઘરઘરાટી શેની છે? હું રોજ વિમાન ઊડતું જોઉં છું. એમાં કદી પણ બેઠી નથી. જિંદગીમાં એકવાર બેસવા મળે તો બસ. આજે જાણે ફરી રહી છું. વિમાનમાં જ… આહાહા… એની ઘરઘરાટીમાં કેવી મજા આવે છે! આકાશની વચ્ચેથી ફંગોળાઈ રહી છું અને બારીમાંથી જોઉં છું, ત્યાં વાદળાં કપાઈ રહ્યા છે ને હું તીરની માફક આગળ વધી રહી છું. અને વરસાદ? લે, વરસાદ તો બારીમાંથી મારી પાસે આવવા જાણે તરસે છે,આ એનોજ અવાજ.બસ, આ વિમાનની મુસાફરીમાં એક વાર જવું છે. હા, હું વિમાનમાં જ છું. આજુબાજુ એરહોસ્ટેસ છે,મને ચોકલેટ્સ આપે છે!કેવું છે ધરતીથી ઉપર બધું! ભલે એકવાર તો એકવાર જવા મળે ને તો બસ. કરરરર કટ, કરરરર કટ… અરે ભાઈ! ઓ પાયલોટ ભાઈ! અરે આ વિમાન બગડી ગયું કે શું? બાપ રે! નીચે તો નહીં જઈ પડે ને? એકદમ અવાજો બંધ કેમ થઈ ગયા? ચાલો બહેન, તમારું એમ.આર.આઇ. પતી ગયું. પેલા ભાઈનો અવાજ આ બધા જ અવાજોથી જુદો પડતો હતો. મને થયું, “અરે! આટલી વારમાં પતી પણ ગયું. બધી વાત કરતા હાથને આરામ હતો, ઝણઝણાટી પણ નહોતી લાગતી. હા, આટલો સમય હાથને કેવો આરામ મળ્યો હતો! અને હું ક્યાંથી ક્યાંય લટાર મારી આવી. આ બધું લાંબુ ચાલ્યું હોત તો કેવી મજા પડત! કાશ… હું હલી હોત!યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

મંગળ-શુક્ર

મંગળ-શુક્ર ધરતી પર પથરાયેલી કેવી લીલાશ! એકવાર નીચે જોઈને ઊંચું જુઓ તો આકાશમાં પણ જાણે લીલું પ્રતિબિંબ દેખાય. લહેરાતા પવનના પણ તરોતાજા તરંગ દેખાય અને આહાહા! આ વહેતાં ઝરણાંની થોડા નજીક જાઓ તો તેની ઝીણી ઝીણી ઝરમર પણ ઊડે અને આપણા મનમગજને આહ્લાદક આનંદની અનુભૂતિ કરાવે કુદરતની મોહક અદા માણીને કીર્તેશભાઈનો પરિવાર ડાંગથી પરત આવી રહ્યો હતો. દૂર રસ્તામાં એક આધેડ માણસ વાંસ ચીરતો હતો. શરીર પર એક ફાટેલું કપડું હતું પણ એ પોતાની મસ્તીમાં પોતાનું કામ કરી રહ્યો હતો. કીર્તેશભાઈને આવા માણસોને મળવાનો, તેમના જીવન વિશે જાણવાનો તેમને મદદ કરવાનો એક શોખ હતો કે એવું વલણ કહી શકો. તેમણે ગાડી ઊભી રાખી. તેમની પત્ની નિશા અને પુત્રપુત્રી અને વ્યોમ અને રીમા પણ ઊતર્યાં. તેઓ એની પાસે પહોંચ્યાં. એ માણસ થોડો સંકોચ પામ્યો. એના પેટનો ખાડો વધારે દેખાયો. કીર્તેશભાઈએ પહેલાં તેને તેનું નામ પૂછ્યું. તે નીચે જોઈ રહ્યો. બે-ત્રણ વાર પૂછ્યું ત્યારે તેણે માંડ ઊંચું જોયું. એ મોઢું ખોલવા પ્રયત્ન કરતો હતો પરંતુ તે ‘આ… આ…’ સિવાય કશું બોલી ન શક્યો. એવામાં એનો દીકરો આવ્યો અને તેણે ઈશારો કર્યો કે તે બોલી શકે તેમ નથી, મૂંગા છે. તેના દીકરાએ તેના બાપુનું નામ ..વિન કહ્યું.કદાચ નવીન કે પ્રવીણ કે એવું કશું હશે પણ સમજાયું નહીં.ફરી તેનો દીકરો તૂટક તૂટક જ બોલ્યો.તે તેના બાપુને કદાચ જમવા માટે બોલાવવા આવ્યો હશે. નિશાએ ગાડીમાં ખાવાનું હતું તે કાઢી આપ્યું. તેણે આભાર વશ ડોકું હલાવ્યું પરંતુ કીર્તેશભાઈને આટલાથી સંતોષ ન હતો. તેમણે વિનના ઘરે જવાની ઈચ્છા દર્શાવી. સંકોચશીલ વિન કશું બોલી ના શક્યો પરંતુ એનો દીકરો વ્યોમનો હાથ પકડીને લઈ ગયો. પડું પડું થતું ઝૂંપડું અને તેમાં પણ પાંચ જણ; વિન, તેની પત્ની, દીકરોદીકરી અને ઘરડાં દાદી. ઘરમાં સામાન જેવું ખાસ કશું નહીં. પત્ની ચૂલા પરથી રોટલા ઉતારતી હતી. કીર્તેશભાઈએ જોયું કે, જેટલા માણસ એટલા જ રોટલા. બેસવા માટે કંઈ સાધન ન હતું. તેથી સૌ ઊભાં જ રહ્યાં. તેમણે રોટલો અને શાક ધર્યું. પરંતુ કીર્તેશભાઈના પરિવારને ખાવું ન હતું.વ્યોમ તો આવું જોઈને જ ચિડાયો.છતાં કીર્તેશભાઈ અને તેની પત્નીએ રોટલાનો ટુકડો ચાખ્યો. તેનો સ્વાદ ખરેખર ખૂબ સરસ હતો. ‘આવો નાગલીની લોટ ક્યાં મળે?’ તેવું પૂછીને કીર્તેશભાઈનો પરિવાર નીકળી ગયો.રસ્તામાં વાત થઈ તે મુજબ બીજી વખત તેઓ ગયા ત્યારે ઘરમાં હતા તે જૂની ચાદરો, કપડાં અને ખાસ તો જૂતાં સાથે લઈને ગયા કેમકે, તેમણે જોયું હતું કે બાળકો ઉઘાડા પગે ચાલતાં હતાં અને તેમના નાજુક પગ કોરાતા હતા. કીર્તેશભાઈ અને પરિવાર ડિકીમાં કોથળો મૂકીને ફરવા ગયો અને પરત ફરતાં એ જ ઝૂંપડીમાં જઈને વિનને બધું આપી દીધું અને સમજાવ્યું કે તમારી આજુબાજુમાં જેને જરૂર હોય તેને પણ પહોંચાડજો. બસ, પછી તો આ એક રૂટીન જેવું થઈ ગયું. ઘણીવાર તેઓ જતા ત્યારે ઘણો સામાન લઈ જતા. પછી તો નિશાબહેને તેમની આજુબાજુની અને ગૃપની બહેનોને પણ વાત કરી કે, જૂનાં કપડાં, વાસણ, રમકડાં વગેરે ફેંકી ન દેશો પરંતુ અમને આપજો અને તેનું અમે થોડું સમારકામ કરીને ત્યાં પહોંચાડીશું.રીમા પણ આ કામમાં જોડાતી પણ વ્યોમને આ બધું નહોતું ગમતું,રીમા એને સમજાવતી. એકવાર રીમાને વિચાર આવ્યો કે, દરવખતે તેઓ જૂનાં કપડાં પહેરે છે. મને નવાં કપડાં પહેરવાનું કેવું ગમે છે! તેવું તેની દીકરીને મન નહિ થતું હોય? કીર્તેશભાઈને આ વાત ગમી. તેઓ બહુ ધનવાન તો ન હતા. તેમને એકાઉન્ટન્ટની નોકરી હતી પરંતુ તેઓ દિલના બહુ ઉદાર હતા. એક વખત તેઓ બધા માટે નવાં કપડાં ખરીદીને લાવ્યાં અને ત્યારે વિન અને તેના પરિવારના ચહેરા પરનો આનંદ કપડાં ખરીદેલાં પૈસા વસૂલ કરી દેતો હતો. આવું થોડાં વર્ષ ચાલ્યું અને કૉરોના આવ્યો. થોડા મહિના કીર્તેશભાઈ ત્યાં જઈ ન શક્યા. તેમને ઘણી ચિંતા થતી હતી પરંતુ તે લોકો પાસે ફોન ન હતો જેથી સંપર્ક થઈ ન શક્યો. દરમિયાન કીર્તેશભાઈ અને તેમના પત્ની પણ કૉરોનાગ્રસ્ત થયાં. શરૂઆતમાં તેઓ ઘરે જ હતાં પરંતુ તકલીફ વધતાં તેમને દાખલ કરવામાં આવ્યાં. રીમા અને વ્યોમ બહુ ચિંતા કરતાં હતાં. નિશાબહેન ઘરે આવી ગયાં પરંતુ કીર્તેશભાઈને ઓક્સિજન ખૂટી પડ્યો. એઓ ન બચી શક્યા. પરિવાર પર આભ તૂટી પડ્યું પરંતુ સૌ લાચાર હતા. કૉરોના વખતે મૃત્યુ થવાથી તેમની કોઈ અંતિમક્રિયા કે દાન કરી શકાયું નહીં. સેકન્ડ વેવ પત્યા પછી વાતાવરણ થોડું સુધર્યું. પછી તેઓ ત્રણેય પપ્પાની યાદમાં નવાં વાસણ, કપડાં વગેરે સામાન લઈને પપ્પાની પાછળ દાન કરવાં ગયાં. વિનનો દીકરોદીકરી, પત્ની, દાદી જાણે નિસહાય બેઠાં હતાં. કદાચ આવા કપરા વાતાવરણે તેઓને વધારે માંદલાં બનાવી દીધાં હતાં. નિશાબહેને તેઓને પૂછ્યું તો જાણવા મળ્યું કે, વિન અને દાદીનું મૃત્યુ થઈ ગયું હતું. તેઓ સમજી ગયા કે કૉરોનામાં આ પરિવારે બે જણને ગુમાવ્યા છે. વિનની પત્નીએ પેટ બતાવીને કહ્યું કે ખાવાનું ન હતું. વિનના દીકરાએ વાત સમજાવી કે તેઓ એકાંતરે ખાલી મંગળ શુક્રએ થોડું થોડું ખાતાં હતાં જેથી બાકીના બધાને વધુ ખાવાનું મળે.એમાંથીય આજુબાજુના ભૂખ્યાં નાના છોકરાંને ખવરાવતા. પરંતુ પછી તો ખાવાનું પણ ખૂટી ગયું.વ્યોમથી બોલ્યા વગર ન રહેવાયું, “સાચી વાત છે. આટલો ભરપૂર ઓક્સિજન મળે તેવા વાતાવરણમાં ઓક્સિજન ક્યાંથી ખૂટે, પરંતુ ખાવાનું ખૂટી પડે. પપ્પા પાસે ખાવાનું ભરપૂર હતું પરંતુ ઓક્સિજન ન હતો.પણ પોતે ભૂખ્યા રહી બીજાને ખવડાવી વિનકાકા સાચેજ વીન થયા.વ્યોમે વિચાર્યું મંગળ-શુક્ર બે દિવસ સાંજે નહીં જમું તો ખોરાક બચે ને કેટલાય વિન જીવી જાય.”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

ક્યાંક છડેચોક ક્યાંક છાનું

સોસાયટીના ગેઇટ પાસે ચર્ચા ચાલતી હતી- “આજે શું બનાવ્યું, ખાવામાં?”“આ… રોટલી ને શાક, બીજું શું?”“હવે તો રોજ પૂરું ખવાતુંય નથી.”“હા, પણ અમારે ત્યાં સવારે દાળ-ભાત તો જોઈએ.”“અત્યારે તો મુઉ કોરોનામાં જમવાનુંયે નથી ગમતું, પણ બધા ટીવી જોતાં જોતાં કંઈ ને કંઈ નાસ્તો માંગ્યા કરે. એ રોજ શું બનાવીએ બોલો?””હાસ્તો વળી.”“આજે તો મેં મલાઈ કોફતા બનાવ્યા છે. આન્ટી, તમારા ઘરે મોકલું?” પચીસ-છવીસની દેખાતી દિવ્યા એ કહ્યું.“ના બેટા, અમારે બે જણને કેટલું જોઈએ? ઘરે શાક બને છે તે પણ પૂરું નથી થતું. કોઈ વાર પહેલેથી તને કહીશું, બસ? ”“હા, સવારનું તો થઈ જાય, પરંતુ સાંજે શું બનાવવું તેની ફિકર હંમેશા હોય છે.”“હા, બધા જ ઘરનો એ જ સવાલ.”અમારે ત્યાં તો હાંડવો, ઇદડાં, બટાકાપૌઆ ને વહુ બનાવે એ પાસ્તા ચાલી જાય.”“ના…રે, અમારે ત્યાં ખાય માંડ દોઢ બે રોટલી , પરંતુ ભાખરી-રોટલી તો જોઈએ જ. આવું કાંઈ પણ બનાવીએ તો કહે આ જમવાનું થોડું છે? તમે તો આમાં સમજાવી મૂકો છો. બોલો!”“અમારે એમનેય ન ચાલે, અને આમેય બે જણ માટે જુદું જુદું શું બનાવવું? ઘર ભરેલું હતું ત્યારે માણસ એટલી વાનગી બનતી. વરણાગી પણ એટલી, પણ ખાવાવાળા હોય તો મજા આવે. આનંદથી ખાય ને કહે, ‘બા, તારો હાથ અમેરિકા લઈ જવા આપને.’ હવે તો સાંજે એમને જે ભાવે તે બનાવી દઉં.” કેતકી તેની સોસાયટીની પડોશણો સાથે વાતે ચડી હતી. તેઓ ત્રણે માસ્ક પહેરીને સોસાયટીના ગેઇટ પાસે રોટલી પહોંચાડવા ગઈ હતી. આમ તો, કોરોનામાં એકબીજાને મળાતું ન હતું, એટલે ફોનથી મળી લેતી. દર મહિને યોજાતી કિટ્ટીપાર્ટી પણ બંધ હતી. આ સોસાયટીની બહેનો કોરોનાના સમયમાં ઘરે રોટલી બનાવીને બહાર ગેઇટ પર આપી આવતી અને સામાજિક સંસ્થાવાળા ત્યાંથી ભેગી કરીને લઈ જતા. સોસાયટીની બહેનોનું એક વોટ્સએપ ગૃપ હતું. તેમાં રોજ લખાઈ જાય- આજે મારી દશ, આજે મારી પંદર, આજે મારી વીસ…, રોટલી, ભાખરી, પૂરી વગેરે પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને બહાર વોચમેનને આપી આવતી. આમેય, કોરોના સમય ઘરમાં વધુ વખત ફ્રી હોઈએ ત્યારે દસ-બાર રોટલી વધારે કરવામાં કોઈને તકલીફ જેવું લાગતું ન હતું. બીજું તો શું કરી શકાય? આ બહાને સેવા થાય એવું વિચારીને, આ બહેનોએ સ્વેચ્છાએ આ સેવાકીય કાર્ય ઉપાડ્યું હતું. રોટલી આપવા જતી ત્યારે જ એકબીજીને માંડ પાંચ-દસ મિનિટ મળી શકતી. આમ તો, સોસાયટીની બહેનોમાં ખૂબ સંપ હતો. સુખદુઃખના સમયમાં એકબીજાની પડખે રહેતી, પણ હમણાં તો ઘરની બહાર જ નીકળવાનું ન હતું, તેથી થાય શું? કેતકીબહેન ઘરે આવ્યાં અને શ્રીધરભાઈને કહ્યું, “ચાલો, જમી લઈએ.”શ્રીધરભાઈ કોઈની સાથે ફોન પર વાતમાં હતા. તેમણે હાથ ઊંચો કરીને ‘હા’ કહી, એટલે કેતકીબહેને ભાણું પીરસ્યું અને બાજુમાં પોતાનું પણ. બે જણ વચ્ચે પાંચેક રોટલી બહુ થઈ રહેતી. શ્રીધરભાઈ બે કે અઢી રોટલી ખાતા. શ્રીધરભાઈનો ફોન લાંબો ચાલ્યો. તેમને આવતા જરા વાર થઈ. કેતકીબહેન વિચારે ચડી ગયાં. ‘હજુ તો દસ-બાર વર્ષ પહેલાંનો સમય. ત્યારે હું કેટલો બધો લોટ બાંધીને રોટલી બનાવતી! ખ્યાલ પણ નહોતો આવતો કે આટલા માણસોમાં કેટલો લોટ જોઈએ. ત્યારે બાને પૂછતી કે, ‘બા, આટલો લોટ?”અને બા કહેતાં, ‘હજુ બે ચમચા નાખ અથવા તો હજુ આમાંથી દોઢબે ચમચા કાઢી લે.’અને હું લોટ બાંધતી. છોકરાંઓને સ્કૂલે જવાની અને એમને ઓફિસે જવાની ઉતાવળ હોય. લંચબૉક્સ ભરવાના હોય અથવા તો જમીને સ્કૂલે જવાના હોય, તે મુજબ હું રોટલી વણતી. મારો હાથ ખૂબ જ ઝડપથી ફરતો, સાથે બીજા પણ ઢગલો કામ આટોપવા ના હોય!બે દીકરીઓ અને એક દીકરો, સાથે ભાણેજ પણ અહીં ભણવા માટે આવ્યો હતો. કેટલી બધી દોડાદોડી! સવાર પડતી ત્યારે ઘણીવાર થતું કે, હું સૂર્યોદય જોવા નીકળું. બાલ્કનીમાં કિરણો આવતા તેમને પકડીને ગૂંથીને રાખી મૂકવાનું મન થતું. સૂરજ તો ક્યારે ઊગે? હું એ પહેલા વહેલી જાગી જતી, અને રાતનો વધ્યો ઘટ્યો અંધકાર ઉલેચી, ઊર્જા ઊંચકીને, છેડે બાંધીને સફાળી કામે વળગી જતી. બહાર સરસ ફૂલો ઉગાડયાં હતાં. મને થતું કે, ફૂલ પરની ઝાકળ જતી રહે તે પહેલાં હું તેને મળી આવું, લીલીછમ લોન પર ખુલ્લા પગે ચાલી આવું, સવારના ઠંડો વાતો પવન ઝીલી લઉં, ટહુકતી કોયલને સાંભળી લઉં, પરંતુ તેનો સમય ક્યાં હતો! હતું કે આ રસોઈ, બાળકોમાંથી જરાક પરવારું એટલે હું ફ્રી. પણ મા કદી નવરી પડે? રસોડામાં રસોઈ કરતાં ફકર ત્રણ બાય બેની બારીમાંથી દેખાતું આકાશ આખું જોવું હતું. ને હા, ભણવામાં આવતી બધી જ કવિતાઓ યાદ આવતી, પરંતુ એ સમયે સમય ક્યાં હતો? ચાનું પાણી મૂકવાથી શરૂ કરીને ભાણું પીરસવાની દોડાદોડ અને વચ્ચે છોકરાંઓ કે પતિદેવને કંઈ મળતું ન હોય. ચાવી, રૂમાલ, મોજાં, બેલ્ટ, પાણીની બોટલ વગેરે શોધીને આપવાની દોડાદોડી કરવી પડતી. બાપુજીને ચા સાથે દવા અને નાસ્તો ને બાના વા વાળા પગે માલિશ. ત્યારે થતું કે એક વ્યક્તિ કેટલી જગ્યાએ પહોંચી વળે? મારા જેવી ગૃહિણીનાં દસબાર રૂપ અને વીસબાવીસ હાથ હોવા જોઈએ!પરંતુ, કદાચ મને એ જ ગમતું. આમ પરવારતા તો છેક બપોર થઈ જતી. બે ઘડી આડા પડીને કંઈ પુસ્તક વાંચ્યું, ન વાંચ્યું હોય ત્યાં તો ચા નો ટાઈમ થઈ જતો. પછી ફરીથી ઘરની, બાળકોની સ્કૂલની, ચીજવસ્તુઓની, શાકભાજીની ખરીદી, કોઈને મળવું, કોઈના ખબર-અંતર પૂછવાં અને સાંજની રસોઈનો સમય થઈ જતો. ફરી ઘરમાં અવરજવર શરૂ થતી. દોડાદોડી, રમતગમત, અન્ય ક્લાસીસ, દિવસભરની છોકરાંઓની વાત. આ ડાઈનીંગ ટેબલ તો કેટલું ગુંજી ઊઠતું! સાથે મસ્તીતોફાન અને લડાઈઝઘડા, બાપ રે! દિવસ ક્યાં પૂરો થઈ જતો? સરખેસરખા બેઠાં હોય ત્યાં રોટલી ચપોચપ ઊપડી જતી અને મને શોખ હતો ગરમ ઊતરતી રોટલી ખવડાવવાનો. તે લોકો કેટલી બૂમાબૂમ કરતા કે મમ્મી અમારી સાથે જમવા બેસી જાને, પણ હું બેસી જાઉં તો ઊતરતી રોટલી કોણ ખવડાવે? બધાં જમી લેતાં ત્યારે મને હાશ થતી. હું મારા માટે બે રોટલી વણી લેતી. આજે પણ પોતાના ભાણામાં બે રોટલી મૂકી. શ્રીધરભાઈ ફોન મૂકીને આવી ગયા. શ્રીધરભાઈ રિટાયર્ડ છે પરંતું એમનું માર્ગદર્શન જોઈતું હોય તો એઓ અચૂક ઓફીસ જતા. આખો સ્ટાફ એમને આદર આપતો. કોરોના સમયમાં શ્રીધરભાઈ ઘણું વાંચન કરતા, ટીવી જોતા, ન્યૂઝ જોતા, ફોન પર વાતો કરતા અને ધ્યાન અને પ્રાણાયામ કરતા. તેમનું નિયમિત જીવન હતું. તેમનો સમય ખૂબ સરસ રીતે પસાર થઈ જતો. શ્રીધરભાઈએ જમી લીધું પછી કેતકીબહેને કહ્યું કે, “તમે આજે તમારા રૂમમાં જ બેસજો. આજે ગામથી મંજુ આવવાની છે. હવે દિવાળીને બહુ વાર નથી એટલે માળિયું સાફ કરાવવાનું છે. ધૂળ ઊડશે.”“અરે! આવા સમયમાં ક્યાં તું સફાઈમાં પડે છે? આમેય કોરોનામાં છોકરાંઓ આવશે નહીં. જેવું હોય તેવું રહેવા દે. સફાઈ નહીં કરાવે તો ચાલશે.”કેતકીબહેને કહ્યું, “તમને ખબર ના પડે. મેં મંજુને ખાસ બોલાવી છે. અહીંની કામવાળીઓનો કોઈ ભરોસો નહીં. કોરોનામાં કોઈ ને ભેગા ન કરાય પણ આ તો જાણીતી, ઘરનાં જેવી છોકરી છે, એ કરી દેશે.”આમ તો કેતકીબહેન વર્ષો સુધી માળિયા પર ચડીને જાતે જ સફાઈ કરતાં હતાં, પરંતુ એકવાર તેમનો પગ ફેક્ચર થયો અને પ્લેટ મૂકવામાં આવી પછી તેઓ આ માળિયા પર ચડીને કામ ન કરી શક્યાં. દીકરીઓ પરણીને સાસરે ગઈ હતી. ભાણેજ પણ ભણીગણીને, પરણીને પોતાના કામમાં નોકરીના સ્થળે રહેતો હતો. એકનો એક દીકરો પણ અહીં સારી નોકરીમાં હતો. પરંતુ હમણાં વર્ષ પહેલાં જ દીકરાને અમેરિકા કોઈ કંપનીમાં અરજી કરી અને ત્યાં તેની નિમણુક થઈ. ત્રણેક મહિના પછી તેણે પત્ની અને બાળકોને પણ અમેરિકા બોલાવી લીધાં. તે પાછો મળવા આવવાનો જ હતો અને કોરોના આવી ગયો. તેમનાં ગયાં પછી તો ઘર સૂનુંસૂનું થઈ ગયું. ઉપરથી, આ કોરોના એ સાવ સૂનકાર ફેલાવી દીધો. હવે કેતકી પાસે ભરપૂર સમય હતો. તે ધારે તો સવારે સૂરજને છેડે બાંધી શકે તેવી મોકળાશ હતી. ફૂલો પરની ઝાકળ હાથમાં ઝીલી લે તેટલો સમય હતો. લીલી લોન પર કલાક સુધી દોડી શકે, મનભરીને આકાશ જોઈ શકે. પરંતુ બધાની યાદમાં એ કોઈ આનંદ માણી શકતી ન હતી. બપોર પછી મંજુ ઉતાવળે આવી. કેતકીબહેન બોલ્યાં, ”ઘડીક બેસ. ચા નાસ્તો કર.” પણ મંજુ માથે મોઢે દુપટ્ટો બાંધતી બોલી, “બેન, હું સાંજે જલદી પાછી જવાની છું, એટલે કયુ કામ કરવાનું છે એ કહી દો.” “સારું, તું માળિયું સાફ કરી દે.”બધી વસ્તુઓ નીચે ઉતારીને મંજુએ આખું માળિયું વાળ્યું. શ્રીધરભાઈ વચ્ચે પાણી પીવા આવ્યા. તેમણે કહ્યું હતું કે, “બધું જ નકામું કાઢી નાખજે. ફરીફરીને ક્યાં મંજુને બોલાવવી!” કેતકીબેને કહ્યું, “સારું.” માળિયામાં કેટલું બધું હતું! બાળકોનાં તૂટેલાં રમકડાં, પીછાંઓ, છીપલાંઓ, લંચબૉક્સ જેનું ઢાંકણું રામ જાણે ક્યાં હતું? અને જુદાંજુદાં રંગની સ્કૂલબેગો. આ ભૂરા રંગ માટે તો બંને દીકરીઓ કેવી લડી પડી હતી! તેમના નવરાત્રિના દાંડિયા, દિવાળીના દીવડા, સાથીયાના રંગો, આભલાં-ટિક્કીઓ, માટીકામ કરતી તેનો સામાન. કેટલું બધું હતું! કેતકીબહેને કહ્યું, “બધું કાઢી નાખીને ફરી સાફ નહીં થાય.” મંજુ બોલી, “બેન, આ કામનું ન હોય તો હું લેતી જઈશ. મારા છોકરાંઓ રમશે.”કેતકીબહેને કહ્યું, “હા, આ બધું લઈ જા.” જૂની શેતરંજીઓ અને પેલી કોતરણીવાળી બાની પેટી. પ્લાસ્ટિકનાં ને લાકડાનાં રમકડાં, પેન્સિલ્સ, ફૂટપટ્ટી, આહાહા કેટલું હતું! દરેક વસ્તુઓ સાથે યાદ જોડાયેલી હતી. તેમને યાદ આવ્યું, “આ લંચબૉક્સ. નાનકી ભૂલી ગઈ હતી, ત્યારે હું નાકા સુધી તેને આપવા દોડી હતી. નાનકી હાથમાં પકડે તે પહેલાં પાછળથી ગાય આવી. નાનકી દોડીને મને વળગી પડી. ત્યારે લંચબૉક્સ હાથમાંથી છટકી ગયું અને એ ગાય એનું ઢાંકણું મોઢામાં લઈને જતી રહી હતી. ત્યારથી એ લંચબૉક્સને ઢાંકણું નહોતું. અને આ છત્રી? ખાસ પિંક કલરની છત્રીમાં ભૂરાં ફુલ. સોનિયા લઈ ગઈ હતી અને કાગડો થઈ જતાં બધાએ તેની મશ્કરી કરી હતી. તેણે આવીને જે તોફાન મચાવ્યું હતું! અને આ રમકડા ને ચોક? ચિન્ટુને ચોક બહુ ગમતા. જ્યાં હોય ત્યાં તે ચોક લઈને લખતો અને મીણિયા કલરથી તો તેણે આખી દીવાલ ભરી દીધેલી.’ મંજુ હાથપગ ધોઈને આવી. બધું એક પ્લાસ્ટિકના મોટા થેલામાં ભર્યું. અને માસ્ક પહેરીને બોલી, “બેન, હું નીકળું.” કેતકીબેન સામાનને જોતાં જ રહ્યાં. મંજુએ ના પાડી છતાં પણ રૂપિયા ને બાળકો માટે ખાવાનું આપ્યું, અને કહ્યું, “તારે ઘરે તું ખુશ છેને? કોઈ તકલીફ નથીને?” મંજુનો પતિ બે વર્ષ પહેલાં એને અને બાળકોને છોડી ભાગી ગયેલો. ત્યારથી કેતકીબહેન એને ઘરે બોલાવીને નાનું મોટું કામ આપતાં. એ રીતે મંજુને મદદ કરતાં. હસીને મંજુ બોલી, “બેન, મારી માએ કહેલું કે, દરેકને નાનું મોટું દુઃખ હોયજ. બધું થોડું કહેવાય? ક્યારે છડેચોક કહી દેવું ને ક્યારે છાનું રાખવું એટલું સમજી લઈએ એટલે બેડો પાર. પછી દુઃખ દુઃખ ન લાગે.”એ થેલો ઊંચકી ચાલવા માંડી. કેતકીબહેનને કંઈક ખ્યાલ આવતાં એ પાછળ દોડ્યાં, “મંજુ, ઊભી રહે, લે આ વધુ રૂપિયા. તારા બાળકોને બધું નવું અપાવજે. આ થેલો મારી પાસે રહેવા દે. મારી નજર સામે જ. હવે માળિયા પર નથી મૂકવો.”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

યાત્રા

બાની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. કેરલા ગયેલા પૌત્ર કવિતને કોનફરન્સમાં બોલાવી લીધો. પણ આવું તો વરસમાં ત્રણ વાર થયું હતું. બા મોતને હાથતાળી દઈ પાછાં આવી ગયાં હતાં. આ વખતે બાની બહુ દયનીય સ્થિતિ હતી. એક એક શ્વાસનો ઘેરાયેલો અવાજ આવતો હતો. ગમે તે ઘડીએ એ અવાજ બંધ થઈ જાય એવી શક્યતા હતી. ડૉક્ટરે પણ છેલ્લી સ્થિતિ ગણાવી હતી.

“ફિકર નહીં કરો, બાએ અઠ્યાસી વર્ષ બહુ સારી જિંદગી જીવી છે. બહુ મહેનત અને પરોપકારનાં કામો કર્યા છે. હવે એમને શાતા જ મળશે. લીલી વાડી જોઈને જ જાય છે. સુકન્યાકાકી એમને માથે હાથ ફેરવતાં બોલ્યાં.

બાને થોડા સમયથી હાર્ટ પ્રોબ્લેમ હતો. વળી, આંખની તકલીફ સાથે અલઝાઇમરની અસર પણ હતી. બાકી તો તેઓ ખૂબ કામગરા, વ્યવહારુ, ચપળ ને હિંમતવાળા, ક્યાંય અન્યાય કે ખોટું ન ચલાવે એવા. કોઈનાય ઝઘડામાં કૂદી પડે. એકવાર તો તેમણે સામેવાળી સુજાતાને ખખડાવી નાખેલી. એનો દીકરો ચીંટુ રોજ બપોરે બા સૂતા હોય ત્યારે ઉપરાછાપરી ડોરબેલ વગાડી જાય, ફૂલો તોડી પાંદડીઓ ત્યાં જ ફેંકી જાય, સાથિયો ભૂસી જાય. પ્રેમપૂર્વક બાએ તેને સમજાવ્યો. પણ તે ન માન્યો તો બાને એની મમ્મી સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યારથી સામેવાળા જોડે બોલવાનું બંધ.
જોકે હવે અલઝાઇમરને કારણે ઘણું ભૂલી જતાં. જમીને દસ જ મિનિટ્સમાં કહે, ‘અલી, બહુ મોડું થયું, ભાણું પીરસી દે.’ કે પછી દેવપૂજા કરી હોય તોય, પાછાં જાતે ફૂલ તોડવા જાય.
અરે, ઘણી વાર તો વર્તમાન ભૂલી જાય ને ભૂતકાળમાં પહોંચી જાય, “ભાભી, તમારી ચૂડીમાં સોનાની ઘૂઘરીઓ હતી એ ક્યાં ગઈ?” વળી તે વખતની ઘરે કામ કરતી સુકલીબેનને કપડામાં સાબુ ઓછો નાખવા સમજાવે. અચાનક દીકરાઓને ને ભત્રીજાઓને તેમનાં બાળપણના લાડકાં નામથી બૂમ પાડે. નાનો પિનાંક શરીરે નબળો ને સ્વભાવે નરમ એને વ્હાલ કરતાં બોલે, “બેટા પિંકુ, તું સૂકલકડી છે તો શું થયું? આમ રોજ માર ખાઈને નહીં આવવાનું. કાલે હું તારી સાથે નિશાળે આવીશ બસ.”

આજે બાનો એ જ દીકરો, બાની પીડા ન સહેવાતા, બાના કાનમાં બોલ્યો, “બા, હવે કોઈનીય ફિકર કર્યા વગર સુખેથી યાત્રાએ જા, પાછી જન્મ લઈ આ જ ઘરે આવજે. રામ… રામ… રામ…’
પણ કદાચ બાના સુકલકડી શરીરનાં કાન અને આંખ કામ કરતાં ધીમા પડી ગયાં હતાં. એક ટકી રહ્યો હતો એ માત્ર અવાજ. બા થોડી થોડીવારે કંઈક ન સમજાય એવું બોલતાં.
ધીમે ધીમે બધાં ભેગાં થઈ ગયાં. સામેવાળી સુજાતાય ઝઘડો ભૂલી બાના આખરી દર્શન કરવા આવી. બાના મૃત્યુ પછી પહેરાવવાનાં, ઓઢાડવાનાં કપડાં, ગંગાજળ વિગેરે બાએ જ અગાઉથી પિનાંકની પત્નીને ચોક્સાઇપૂર્વક આપી રાખ્યાં હતાં. એય તૈયારી બાએ કરી રાખી હતી. પણ બાનો જીવ જતો નહોતો.
અચાનક જ બાએ એમનો કમજોર હાથ માંડ ઊંચો કર્યો, “પિંકુ બેટા…’ પિનાંક બાજુમાં જ હતો, “હા બા…’ પણ બાનો હાથ તો નાના પિંકુનું માથું શોધતો હતો.
“બેટા પિં…કુ…” ફરી બાનું એ જ વર્તન.
બધાની આંખોમાં આંસુ.બાનો નાનો પિંકુ લાવવો ક્યાંથી?
એ જ ઘડીએ મમ્મીને શોધવા આવેલા ચિંટુને સુજાતાએ ત્યાં બેસાડી દીધો. ને બા હાથ ફેરવી વ્હાલથી બોલ્યાં, “બેટા પિંકુ, કોઈથી ખોટ્ટુ ડરવાનું નહીં હંમમમ ને બેટા…ને આપણે પણ કોઈને….”
“બા, હવે કયારેય ડોરબેલ વગાડી તમારી ઊંઘ નહીં બગાડું.”ચિંટુ કાંઈ ન સમજાતા બોલ્યો.
પણ બા તો કોઈ ડોરબેલ ખલેલ ન પહોંચાડી શકે એવી ગાઢ ઊંઘની યાત્રાએ સિધાવી ગયાં હતાં.
યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

બે યુવા હૈયાની પ્રેમ ગાથા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે!
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને, કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર, ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા, ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો, બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા પરથી નાટક બે યુવા હૈયાની પ્રેમ ગાથા-‘ મારે તને મળવું છે’

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

મિલીના ઘર તરફ

મિલીના ઘર તરફ ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફૂર્તિ અનુભવતી પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતું. બંને કિડની કામ ના કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો. સેવ લાઈફ ઈન્સ્ટિટ્યૂટના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડૉનર ડૉ. મિલીના ઇન્ટરવ્યૂ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડૉનેટ કરી રહી હતી?એને પૈસાની કોઈ મોટી જરૂરિયાત હશે કે માનવીય લાગણી?’ શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો.ડૉ. મિલી દોઢેક મહિના પહેલા જ એમ.બી.બી.એસ થઈને ઈન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી.વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એકના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડૉનરની શોધ ચાલી રહી હતી. આમ પણ મોટા બિઝનેસમેન સૌરભને પત્નીની જિંદગી બચાવવા ગમે તેટલા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું.આ બાજુ ખૂબ જ સાધારણ ફેમિલીની ડૉ. મિલી પોતાની માની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેક્ટ મેચ થતા હતા.શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ. મિલી વસી ગઈ હતી.શુભાંગીએ પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી એબોર્શન, કરાવ્યું હતું, એનો એને ભારોભાર રંજ થયો. ‘પોતાની દીકરી હોત તો કદાચ આવડી જ હોત!’ મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડૉનેશનની વાત કરી ન હતી, પરંતુ બાપુને સોગંદ આપીને સમજાવી લીધા હતા. એજ હોસ્પિટલના બાજુના યુનિટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એકની એક દીકરી હતી. હોસ્પિટલના કેમ્પસમાં જ નાચી કૂદી મોટી થઈ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડૉક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. માથુર ખૂબ મહેનત, ધગશ અને લાગણીથી બધાંનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતું. હોસ્પિટલ સ્ટાફના ઘણા ડોકટર્સે મિલીને ભણવામાં મદદ કરી હતી. ઓછું ભણેલા માથુરને દીકરી પર અતૂટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું અને સારું જ હોય એમ એ માનતો.માની હાર્ટ સર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટમેન્ટમાં ખૂબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી. નિયત તારીખે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી.એને જલદી રજા મળી ગઈ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો.શુભાંગીના શરીરે પણ નવી કિડની સ્વીકારી લીધી હતી. તબિયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી.કોણ જાણે કેમ માથુરની ભોળી આંખમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી.થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી,અંકોડી થી ગુંથેલી સફેદ થેલીમાં કેસુડાનાં બે ફૂલ ગુંથ્યા હતાં. આવી થેલી એણે પણ જાતે ડીઝાઈન કરી ગુંથી હતી,ત્યારે સૌરભે ટકોર પણ કરેલી, ‘તને તો કેસરી ભગવો રંગ બહુ ગમે!’ ‘હા બહુ ગમે. આમ તો કામણગારો છતાં ત્યાગ, બલિદાનનો રંગ. વળી કેસુડાને આનાથી વધુ કયો રંગ સોહે?..’ આ વિચારકડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીનીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય,’કિડનીની માફક થેલી પણ નજરે ચડે તો વેચાતી ના લઈ લે! પૈસાદરનું શું કહેવું?’ શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની છતાં સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બન્નેની નજરમાં ક્લિક થઈ ગઈ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ, ખૂબ સંઘર્ષ કરી,એકલે હાથે બિઝનેસ સંભાળતાં હતાં. એમણે શુભાંગીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીનાં હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એકનો એક પુત્ર સૌરભ જ હતો.એની ખુશી માટે અમીર ગરીબના ભેદભાવ વિના, વગર આનાકાનીએ દુર્ગાદેવીએ સૌરભ- શુભાંગીના લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઈચ્છતી,કહો કે, એની પ્રબળ ઇચ્છા હતી એકના એક પુત્રની દાદી બનવાની. વંશવેલો વધારવનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઈની પણ ભાગીદારી વગર એકનો એક પૌત્ર ભવિષ્યમાં બિઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય.વળી દીકરીનાં વડીલોએ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજુર નહોતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી સૌરભને કહી દીધું હતું કે, ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં’ અને એની ઈચ્છા વિરુદ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવા કે વર્તવાનું હતું જ નહીં. શુભાંગીને પ્રથમ પ્રેગનન્સી દરમિયાન ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી દોઢ મહિનામાં જ અબોર્શન કરાવવું પડ્યું હતું.થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્રપ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે,’ વગર પરીક્ષણે કહી આપું કે, ‘દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટું પડતું જ નથી.’ દુર્ગાદેવી આ વખતે શુભાંગીની ખૂબ જ કાળજી રાખતી અને દરરોજ શુભાંગીને મંદિરે લઈ જઈ જ્યોતિષે કહ્યા મુજબની પૂજા કરાવતી. આ ક્રમ છેલ્લા મહિના સુધી જળવાયો. એવામાં જ એક દિવસ પૂજા કરીને સાસુ વહુ મંદિરનાં પગથિયાં ઊતરતા હતાં, ને સાડીનો છેડો પગમાં ભેરવાતા શુભાંગીનો પગ લપસ્યો અને પછી.. દોડાદોડ.. હોસ્પિટલન ને ઇમરજન્સી..દોઢ દિવસ શુભાંગી કોમામાં રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુભાંગી ઉગરી ગઈ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દિવસો આવ્યા. સાસુમાની ઈચ્છા પૂરી થઈ. દીકરો જન્મ્યો. આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ પણ જળવાઈ રહી. ફરી નજર પેલી થેલી તરફ ગઈ ને યાદ આવ્યું કે,’ એ એણે પોતે ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઈ રોજ મંદિરે જતી પરંતુ તે દિવસે પગ લપસતાં સીધા હોસ્પિટલ ભેગા થવું પડયું ત્યારે થેલી મંદિર પાસે જ પડી ગઈ હશે, તે આ થેલી તો ન હોય?’ એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’ માથુર એક ઝાટકે બોલી ઊઠ્યો, ‘ચામડી કહો તો ઉતારી આપું, આ થેલી ન આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની માના ગીરવી રાખેલા ઘરેણાં લેવા જાઉં છું.’શુભાંગીએ ફરી કહ્યું,’ તારી દીકરીએ તો કિડની આપી, તું એક થેલી ન આપી શકે?’ માથુરે થેલીને હૈયા સરસી ચાંપી આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી, એ બાળકને જન્મ આપી શકે એમ ન હતી, મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી હતી, એટલે જ તો એનું નામ મિલી છે.’ છેલ્લું વાક્ય બોલાતું હતું ને ત્યાં જ દુર્ગા ને સૌરભની રુમમાં એન્ટ્રી થઈ. બંને ચોંકીને એકબીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઊઠ્યો, શુભાંગીના પગ પાસે ફસડાઈ પડ્યો. દુર્ગાદેવીના મોઢામાંથી આહ નીકળી ગઈ,’મિલી, મારી જ કૂળદીવડી!’ માથુર કાંઈ ના સમજ્યો પરંતુ શુભાંગીનાં મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક, કચરાપેટી.. ઓહ..ઓહ..!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કિડનીના રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી,’દીકરી! તેં તો જન્મ આપનાર અને પાલક મા, બંને માને જીવતદાન આપ્યું.ધન્ય છે તને!’ ત્યાંજ દુર્ગાદેવીના ઉદગાર સંભળાયા,’ માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું ને એણે દોટ મૂકી, મિલીના ઘર તરફ.

કિડની બચશે તો જીવન બચશે, આજથી જ છોડી દો આ 5 ખરાબ કુટેવો - GujjuRocks |  DailyHunt

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

ન્યુ ઈયર પાર્ટી

ન્યુ ઈયર પાર્ટી ‘હાય દીવા કેવી છે તૈયારી?’કોલેજ કેમ્પસના એન્યુઅલ પરીક્ષાના માહોલમાં દાખલ થતાં તેજસે પૂછ્યું. ‘ઓહ હું ક્યારની તને શોધતી હતી,આ પ્રશ્નનો જવાબ નથી મળતો, પ્લીઝ જલદી સમજાવી દે ને.’ પેપર શરૂ થવાની દસેક મિનિટસ પહેલા દીવાએ કહ્યું. ‘અરે! એક નહીં આવડે તો છોડી દેવાનો, એમાં પણ ઉદારતા હોવી જોઈએ મારી જેમ.’ તિમિર પાછળથી બોલ્યો. તિમિરને જવાબ આપ્યા વિના ઉતાવળથી તેજસ દીવાનો પ્રશ્ન સોલ્વ કરવા લાગ્યો. ‘ઓહોહો સાવ બોચિયા છો બંને, મને તો આવડે નહીં, એવા ગુંચવણભર્યા પ્રશ્નોનું પત્તું જ કાપી નાખું.’ ફરી તિમિર રોફથી બોલ્યો.’જો તિમિર, જે ગાંઠ ઉકેલી શકાતી હોય એ કદી કાપવી નહીં’ તેજસ તિમિરના ખભા પર હાથ મુકતા બોલ્યો.’ચાલ દિવા, વીસ યુ ઓલ ધ બેસ્ટ.’ ‘થેન્ક્સ, સેઈમ ટુ યુ કહી દીવા ગઈ. ‘હાય હાય હાય, મસ્ત છોકરી જોડે મસ્તી કરવાને બદલે એના મગજ જોડે મગજમારી કરે છે!’ ‘એવું ના બોલ દીવાનું સપનું છે, ખૂબ ભણવાનું, ઊંચી ઉડાન ભરવાનું,પાયલોટ બનવાનું. મને ખાતરી છે એ બનશે જ,ખૂબ મહેનતુ છે, આપણે થોડી મદદ કરીએ તો શું…’ ‘દીવાનું દીવાસ્વપ્ન પુરું કરવાને બદલે દીવાનું સ્વપ્ન જોવું શું ખોટું?’ તેજસની વાત કાપતા આંખ મીંચકારી તિમિર બોલ્યો. ‘તોબા તારી આ વાતોથી, ચાલ બેલ પડી ગયો,ઓલ ધ બેસ્ટ.’ ‘ઓ તને જ યાર! મને તો પેપર સિવાયનું જ બધું બેસ્ટ લાગે છે.’ બંને પોતપોતાના એક્ઝામ રૂમમાં ગયા. તેજસ થડ ઈયરનો સ્ટુડન્ટ અને દીવા ફર્સ્ટ ઈયરની,બંને સ્કોલર, બાળપણમાં બંને પાડોશી હતા ત્યારથી મિત્રતા. તિમિર આમ તો હતો તેજસના ક્લાસમાં પણ નાપાસ થતાં થતાં, હવે દીવાના ક્લાસમાં. ધનવાન બાપનો બેટો શોખ ખાતર કોલેજ આંટો મારે ને કોલેજની પરીઓને જોવા જ પરીક્ષા પણ આપવા આવે. આમ પરીક્ષાના પેપરો લખાતાં ગયાં. આખરી પેપર લગભગ લખાઈ ચૂક્યું હતું ત્યારે જ કોલેજ પર તેજસના ઘરેથી નાનાભાઈનો ફોન આવ્યો,’પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, અમે હોસ્પિટલ જઈએ છીએ, તું જલદી આવી જજે.’ તેજસના પગ આંખ મીચીને તીવ્ર ગતિએ દોડવા માંડ્યા. કોઈ કંઈ કહે,પૂછે, રોકે,ત્યાં તો સામે પૂરપાટ ઝડપે આવતી કારમાંથી ચરરર… બ્રેક નો અવાજ આવ્યો એ જ ઘડીએ તેજસ બંનેને ગુમાવી ચૂક્યો હતો. પોતાના પગ અને પપ્પાને… પરીક્ષાનું રિઝલ્ટ ખૂબ જ સારું આવવા છતાં પણ તેજસને કોઈ ઉત્સાહ નહોતો.તેજસના ચહેરા પર ખુશી લાવવાના પ્રયાસમાં દીવા તેજસની વધુ ને વધુ નજીક થતી ગઈ. દુઃખની અંધારી ઘટા વચ્ચે જીવતા તેજસને દીવાનો ઉજાસ ગમતો. એ ઉજાસ પણ ધીરે ધીરે વધુ ઝળહળ થતો ગયો.જેમ જેમ એ દીવાને ચાહવા લાગ્યો તેમ તેમ એ એનાથી દૂર થવા ઇચ્છતો. ‘દીવા, તું મારી સાથે તારો કેટલો સમય બરબાદ કરે છે! હવામાં ઉડવાનું તારું સ્વપ્ન…’ એક દિવસ તેજસે પૂછી જ લીધું. બધાનાં સ્વપ્નો ક્યાં સાચાં પડતાં હોય છે? જો ને તારા પગ! જમીન પર પણ નથી મૂકી શકાતા, ને હું હવામાં ઉડું? ચાલ, આપણે મળીને ટ્યુશન ક્લાસ શરૂ કરીએ. તેજસનો હાથ પકડી દીવા બોલી. તેજસે કંઈ જવાબ નહીં આપ્યો. દીવા મૂક સંમતિ સમજી ખુશ થતી ઘરે ગઈ. તે દિવસે સાંજે તિમિર મળવા આવ્યો.વ્હીલચેર ઘુમાવતા તેજસેકહ્યું, ‘દોસ્ત,તું કંઈક રસ્તો બતાવ, જેથી દીવાને મારા તરફ નફરત થાય. મારા જેવા અપંગ સાથે એ એની આખી જીંદગી ગુજારે એ વાત હું સહી શકતો નથી.’ ‘અરે પણ એને વાંધો નહીં હોય તો, તારે શું? જલસા કર જલસા!’ ‘ના, ના, તિમિર, મજાક નહીં કર, કોઈની જિંદગી બગાડવાનો મને હક નથી. એની પાસે તો આપણે એનો ધ્યેય,એનું સપનું પૂરું કરાવવાનું છે.’ ‘સારું, મને ખબર છે, એ માનવાની નથી, છતાં એને સમજાવાની ટ્રાય કરીશ. પણ તારે સપોર્ટ કરવો પડશે, એ મળવા આવે તો તું પણ બિલકુલ રિસ્પોન્સ આપીશ નહીં, અઘરું છે, છતાં કરવું પડશે.’ ચારેક દિવસ તો દીવા આવી નહીં. ને પછી આવી ત્યારે પણ સવાલો, સવાલોનાં ટોળા લઈને આવી તેજસે મન મક્કમ રાખી ખાસ જવાબો નહીં આપ્યા. અપમાનિત થઈને પાછી ફરી. ‘તેજસને એની ફિઝિયોથેરાપીસ્ટ સાથે ચક્કર છે,’ એવી તિમિરની વાત એને સાચી લાગવા માંડી. પછીના બે-ત્રણ અનુભવો પરથી માન્યતા દ્રઢ બની. દીવા આવતી બંધ થઈ ગઈ. તેજસ અંદરથી કોરાઈ જતો અને ઈચ્છતો કે એ આવે. પણ શું થાય?એકાદ મહિનો પછી સાંજના ટાઇમે ડૉરબેલ વાગ્યો. તેજસને થયું, નક્કી તિમિર જ. નાનાભાઈ એ બારણું ખોલ્યું દીવા આવી હતી. મોરપિચ્છ સાડીમાં બેહદ ખૂબસુરત લાગતી હતી. પરંતુ ચહેરો ઊતરેલો હતો. પાછળ એના મમ્મીપપ્પા પણ હતા. દીવાના મમ્મી બોલ્યાં, ‘આવતા સોમવારે પહેલી જાન્યુઆરીએ તિમિર સાથે દીવાના એંગેજમેન્ટ છે, આપ બધાં જરૂરથી આવજો.’ હજુ તો તેજસ કંઈ બોલે એ પહેલા તો તેઓ પગથિયાં ઉતરી ગયાં. તેજસ દીવાની સાડી પહેરેલી પીઠને તાકી રહ્યો, વિચારવા લાગ્યો,’તિમિરે ન જાણે દીવાને શું સમજાવ્યું?.. ને દીવા, તારે તો ફક્ત મારાથી દૂર જવાનું હતું,તારા ધ્યેયને આંબવા!’પણ હવે શું થાય? દીવા તિમિરનીની સાથે ફરવાં લાગી. બાગમાં, થિયેટરમાં, પાર્ટીઓમાં, મિત્રો સાથે.મોંઘાદાટ કપડા,દાગીના, પર્સ,પરફ્યુમ્સ વિગેરેની ગિફ્ટસ આપીને તિમિરે પ્રેમનો અહેસાસ કરાવતો. પળભર દીવાને પણ થયું, ‘તેજસ સાથે કદાચ આટલી ખુશ ન પણ હોત!’ વળી તિમિરે દીવા સાથે મંદિર,કથા, પૂજા, આરતીમાં પણ હાજરી નોંધાવી સંસ્કારિતાનું પ્રદર્શન કર્યું. દીવાના મમ્મીપપ્પા પણ ખુશ થતા,’ભલે ધનિક બાપનો બેટો, પણ કેવા સંસ્કાર! વળી ન તો અભિમાનનો એકે છાંટો!’ એઓ તિમિર સાથે વધુ ફરવાની છૂટ આપતા. આજે તો ૩૧મી ડિસેમ્બર, ન્યુ ઇયર પાર્ટી તો કેમ ચૂકાય! ખૂબ જ કિંમતી ઇવનિંગ ગાઉન પહેરીને એ ડાન્સ પાર્ટીમાં ગઈ. ડ્રિંક્સ,ડીનર બાદ દીવા પણ નશામાં ઝૂમવા લાગી અને વિવિધ ખભાઓ પર ઝૂકવા લાગી. ડાન્સમાં તિમિરના મિત્રો પણ જોડાતા ગયા. એક.. બે.. ત્રણ..અને પછી નશામાં દીવાને ઉંચકીને હોટેલના રૂમમાં લઈ ગયા અને પછી ન થવાનું થયું. સવાર પડતાં જ અધમૂઈ હાલતમાં દીવાને ઘરે મૂકી ગયા. દીવાને પૂરેપૂરું ભાન આવે અને એ કંઈ સમજે જાણે એ પહેલા તો ઘરવાળા, મહોલ્લાવાળા, સગાવહાલા જાણી ચૂક્યા હતા. સમજી ગયા હતા અને પછી તો સલાહ,સૂચન,શિખામણ, અફસોસ વ્યક્ત કરતા લોકોના દેખાડા. પછી તો પત્રકારો, મહિલા સંમેલન, સામાજિક મંડળો, પોલીસ, જુબાની, કોર્ટ,કચેરી,સામે છેડે પૈસા, લાગવગ, ઓળખાણ, પહોંચનો દુરુપયોગ,આરોપ… દીવા થાકી ગઈ હતી,એક દિવસના બળાત્કાર પછી પણ જાણે દિવસો સુધી અન્ય બળાત્કારો થતા રહ્યા માનસિક રીતે. કહેવાય નહીં ને સહેવાય નહીં જેવી હાલતમાં મમ્મી-પપ્પા પણ એને કોસતા. હવે રડવું પણ આવતું નહોતું. રાત રાતભર પીડાતી રહી વિચારતી રહી, ‘હવે આનો કોઈ ઉપાય નથી!!’ અને એક દિવસ સૂરજ ઊગે એ પહેલા,તિમિરની આપેલી સઘળી ચીજવસ્તુઓ સમેટી ઘરેથી ભાગી ગઈ. ખૂબ તપાસ કર્યા બાદ પણ દીવાનો પત્તો ન મળ્યો તે ન જ મળ્યો. સૌએ આશા છોડી દીધી પણ કોણ જાણે કેમ તેજસે આશાનો તંતુ પકડી રાખ્યો હતો. ‘કદાચ દીવા આમ, કદાચ તેમ, કદાચ અહીં, કદાચ ત્યાં..’ ના પણ દીવા ક્યાંય નહોતી. તિમિર ખરેખર દીવાનું અંધારું કરી ગયો હતો. તિમિરને કામ સોંપવા બદલ એને પારાવાર રંજ થયો એ પોતાને દોષી માનતો. એણે તિમિર સાથે દોસ્તી તોડી, અલબત્ત આ ઘટનાના દિવસથી જ તૂટી ચૂકી હતી. તેજસે લગ્ન ન કર્યા. ‘દીવાનું તેજ’ નામના ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા.સવારે પાંચથી રાત્રે અગિયાર સુધી એમાં રચ્યોપચ્યો રહેતો.એ સિવાય ફક્ત એક જ પ્રવૃત્તિ બધા ન્યુઝ પેપર નો ખૂણેખૂણો વાંચી કાઢતો, કદાચ કોઈ દિવસ દીવાની ભાળ મળે. આ બાજુ દીવા તો ઘરેથી કફન બાંધીને જ નીકળી હતી. મનોમન મક્કમ નિર્ધાર સાથે નીકળી હતી મરવું જ છે,હા, એક દિવસ જરૂરથી મરવાનું છે, પણ એ દિવસની રાહ જોઇશ, એ પહેલાં કંઈક કરી જઈશ. મારું મન કે શરીર ભલે કલંકિત થયું પણ એ જરૂર કોઈ ને કામ લાગશે. શું કામ એમનેમ મરું? મારા લોહી,આંખ, કિડની, હાડકાં, હૃદય શરીરનાં એક એક કોષનો ઉપયોગ કરીશ બીજાને માટે. મમ્મી કહેતી હતી, ‘બેટા, આપણું માથું શરમથી ઝૂકી ગયું છે,કોઈને મોઢું બતાવાય એમ પણ નથી.’ ‘ના, હું બતાવીશ, અરે ગર્વથી બતાવીશ. તેજસ કે તિમિર! હમણાં કોઈ ના જ વિચાર નથી કરવા.’ સાથે લાવેલા ડાયમંડનાં ઘરેણાં, સરસ કપડાં પહેરી લાંબી લાંબી મુસાફરી કરવા માંડી. બસ, રીક્ષા, કાર કે ઇવન ટ્રકમાં લિફ્ટ, ટ્રેઇન..જાણે રાહ જોતી હોય કે ક્યારેય કોઈ એની છેડતી કરે,ને એ જવાબ આપે.હવે એને કોઈ ડર, શરમ કે ગીલ્ટ નહોતાં. લોકો એની તરફ જોતા રહેતા પણ હજુ કોઈએ એને છેડવાની હિંમત કરી નહોતી. ટ્રેનમાં એની નજર એક યુવતી તરફ ગઈ બે-ત્રણ છેલબટાઉ યુવકો એની છેડતી કરી રહ્યા હતા. એણે યુવતીને બોલાવી પાસે બેસાડી,જાણ્યું કે ઘરેથી થયેલા માબાપ સાથેના ઝઘડામાં એ ઘર છોડીને ભાગી હતી. રસ્તામાં આ છોકરાઓ એનો પીછો કરી હેરાન કરતા હતા. દિવાએ છોકરાઓને ધમકાવ્યા અને યુવતીને તે પોતાની સાથે લઈ ગઈ, હોટેલમાં રાખી કેટલીય વાતો કરી, વહાલથી જમાડી. અને માણસને મળેલી અણમોલ જિંદગી વિશે અને મા-બાપ સાથે ક્યારેય ન ઝગડવા વિશે મોટીબહેનની માફક સલાહ સૂચન આપ્યા અને બીજે દિવસે પોતે જ એના ઘરે મૂકવા આવશે એવું જણાવી હાથ ફેરવીને સુવડાવી. સવારે વહેલી ઉઠી, જોયું તો યુવતી હતી નહીં. બાથરૂમમાં જોયું, દરવાજો ખોલી બહાર જોવા ગઈ ત્યાં પગમાં કશુંક લાગ્યું ચિઠ્ઠી પડી હતી, ખોલીને વાંચવા માંડી, ‘દીદી, સોરી. તમે મને નાની બહેનની જેમ ખૂબ વહાલથી રાખી પણ હું એને લાયક નથી. હું પેલા યુવકોના ગેંગની જ છું. તમારી પાસેથી ઘરેણા, પૈસા ચોરવા આવી હતી. એક વખત થઈ ગયું કે, નહીં લઈ જાઉં પણ એમનેમ જાઉં તો મારા સાથીદારો મને મારી નાખશે. એટલે તમારા ઘરેણા,પર્સ ચોરી જાઉં છું.માફ કરજો’ દીવા ચોંકી ગઇ,રૂમની બહાર નીકળી, થયું કે દોડીને વોચમેનને પૂછી આવું, પણ આ શું છે? ડૂચો વાળેલું ટીસ્યુ પેપર ઊંચક્યું. ઉતાવળે એના પર કંઈક લખાયું હોય એમ લાગ્યું,’ દીદી મારું મન નહીં જ માન્યું. બહાર ગઈ પણ તમારો જ ચહેરો દેખાતો હતો. તમારું વહાલ વરસતું હતું.ના, નહીં જ લઈ જઈ શકું આ તમારી અમાનત. બહાર ગાર્ડનમાં બોગનવેલની પાછળ મૂકું છું,આશા છે કે તમને મળી જાય. શક્ય હોય તો તમારી નાની બહેનને માફ કરી દેજો. મારું જે થવાનું હશે તે થશે.’ દીવા દોડી…ઘરેણાંને નહીં,યુવતીને પકડવા, બહાર જોયું તો સૂરજ ઊગે એ પહેલા એક સૂરજ ઊગી ગયો હતો. હવે એ નીકળી પડી આંખ સામે એક ધ્યેય સાથે. પેલી યુવતીને બચાવવી,પેલા યુવકો પાસેથી છોડાવવી. આમને આમ સાત વર્ષ વીતી ગયા. દીવાના મમ્મીપપ્પાએ ડુસકામાં ને તેજસે પ્રતીક્ષામાં વિતાવ્યા. તિમિરે સાત વર્ષ શું કર્યું એ ખબર નથી પણ તેજસ હજુ પણ રોજ સવારે ન્યૂઝપેપરના ખૂણેખૂણાની કિનાર પકડી રાખતો. આજનું ન્યૂઝપેપર પણ એણે વાંચ્યું નિરાશ થયો નિરાશ જ થાયને એણે ખૂણેખૂણો જ વાંચ્યો હતો. પરંતુ ઘડી કરીને મુકવા ગયો ત્યાં નજર પડી ન્યુ ઇયરના પહેલી જાન્યુઆરીના ન્યૂઝ પેપરની હેડલાઈનમાં જ દીવાનું નામ હતું. પહેલા તો માની જ ન શક્યો,પરંતુ સાથે ફોટો હતો, ‘દીવા ચતુર્વેદી’ લેડી આઇ.પી.એસ. ઓફિસરની શહેરમાં ટ્રાન્સફર.જેમણે જુદા જુદા શહેરોમાં અનિચ્છાએ મોકલાયેલી 226 જેટલી યુવતીઓ ને એકલે હાથે બચાવીને, બધી જ યુવતીઓને પોતે સ્થાપેલી સંસ્થા ‘નારી શક્તિ’માં આશરો આપ્યો છે.આ જ નારીશક્તિની કેટલીય યુવતીઓ જુદા જુદા શહેરોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. તેજસે દીવાના ઘરે ફોન ડાયલ કર્યો પણ એંગેજ આવતો હતો. એણે મનોમન દીવાને અભિનંદન આપ્યા. દૂરથી પણ તેજસ દીવાનું તેજ અનુભવતો હતો.યામિની વ્યાસ

68You, Gaurang Vyas, Gargi Desai and 65 others67 CommentsLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized

 જા, જા હોડી,

 

May be an image of 1 person and standing

You’re on my mind today on the 10th anniversary of loved sis’s passing.

જા, જા હોડી, પપ્પાને લઈ આવ. પૂર આવ્યું ત્યારે મિલોની અને સલોનીના ઘરે સગાંસંબંધી તથા પડોશીઓ રહેવાં આવ્યાં હતાં. સોસાયટીમાં ઊંચુ ઘર એમનું હતું.ત્રણ વર્ષની મિલોની અને પાંચ વર્ષની સલોની ચબરાક બહુ ને આખો દિવસ બોલ બોલ કર્યા કરે એટલે બધાનો સમય પસાર થઈ જતો. બંને બહેનો પૂરનું વધતું જતું પાણી કુતૂહલપૂર્વક નિહાળતી અને અનેક પ્રશ્નો પૂછતી. રહેવા આવેલા બાજુવાળા દાદાદાદીએ ‘ઉપવાસ છે’ કહીને આખો દિવસ કંઈ જ ખાધું નહીં. એનું કારણ પણ તેઓ જ જાણી લાવ્યાં હતાં એટલે બંને બહેનોએ તેમના ફ્રિજમાં રાખેલાં ઈંડાં છાનામાના એક એક કરીને બાલ્કનીમાંથી પૂરના પાણીમાં પધરાવી દીધેલાં. પછી મિલોનીએ દાદીને પૂછ્યું હતું, ‘હવે અમાલે ઘલે ખાશોને?’ પાડોશી દાદીએ આંખમાં પાણી સાથે એને ઊંચકી લીધી હતી. આવાં કંઈ કેટલાંયે તોફાનમસ્તી અને વાતોને કારણે બંને બહેનો સહુની લાડલી બની ગઈ હતી. બધા સભ્યો વધતું પાણી જોઈને ચિંતા વ્યક્ત કરતા, જલદી ઊતરી જાય એવી પ્રાર્થના કરતા પણ બંને બહેનો આ પાણી ઘણા દિવસ રહે એવું ઈચ્છતી હતી. એનું એકમાત્ર કારણ હતું, પપ્પા. બધાના પપ્પા ઘરે હોય. મોબાઈલ, કમ્પ્યૂટર, ટીવી કે બિઝનેસમાં હંમેશાં ખૂંપેલા રહેતા પપ્પા એકદમ ફ્રી. બધાના પપ્પા ટેરેસ પર રમાડે, વાતો કરે, વાર્તા કહે, પાના રમે, અંતાક્ષરી રમે, ફક્ત પોતાના પપ્પા નહોતા. તેઓ હતા હોસ્પિટલમાં. હા, એ વખતે સમીર હોસ્પિટલમાં હતો. લગભગ વીસેક દિવસ પહેલાં ઓફિસના કામથી પરત આવતા નડેલા ગંભીર અકસ્માતમાં ઘવાયેલા સમીર પર આઠ આઠ જેટલા નાનાંમોટાં ઓપરેશન થઈ ચૂક્યાં હતાં. જીવલેણ પરિસ્થિતિ આશ્ચર્યજનક રીતે સુધારા પર હતી. ડૉક્ટરો પણ એને મિરેકલ જ માનતા. બસ થોડા દિવસમાં જ રજા મળવાની હતી, એવામાં જ પૂર ફરી વળ્યું. આખો વખત ખડે પગે પતિની સારવારમાં રહેલી પત્ની મિતાલી એ વખતે ઘરે આવી હતી પણ પાણીમાં પાછી જઈ ન શકી. જોકે, ત્યારે સમીરના મોટાભાઈ અને પપ્પા હોસ્પિટલમાં હતા એટલે ફિકર નહોતી. કેટલા વખત સુધી મોબાઈલથી વાતો ચાલુ રહી.એમની ટ્રીટમેન્ટ કરતા ડોકટર પાણીને કારણે ઘરે જઈ શક્યા નહોતા એટલે સતત હાજર હતા, એ સારું હતું. અને સમીરની હાલત સુધારા પર હતી એટલે ચિંતા ઓછી હતી પણ પછી તો ફોન પણ બંધ.કોઈ પણ રીતે સંપર્ક નહોતો.આવી પરિસ્થિતિમાં મિતાલીને ઘરે રોકાયેલા સહુ ક્ષોભ અનુભવતા. અને સમીર જલદી સાજો સારો થઈ ઘરે આવે એવી હૈયા ધરપત આપતાં. મિતાલી કહેતી,”આપ સહુનો તો મને સધિયારો છે ને આપ અહીં છો તો દીકરીઓના મનને પણ સાચવી લો છો.નહીં તો હું એકલી શું કરતે?” રડતી મિતાલીને દાદીએ ગળે વળગાડી. બંને નાનકડી દીકરીઓએ તો બાવીસ દિવસથી પપ્પાને જોયા પણ નહોતા. તેઓ ઈચ્છતી કે પાણી હોય ને પપ્પા ઘરે આવી જાય તો કેવી મજા! મમ્મીને પૂછતી તો મમ્મી કહેતી, “પાણી ઊતરે તો પપ્પા ઘરે આવેને?” પણ પાણી નહીં હોય તો તો પપ્પા ફરી બિઝિ થઈ જાય. આખો વખત અમારી સાથે થોડા રહે? બંને દિવસ મિલોની ને સલોની બાલ્કનીમાં તાકીને પપ્પાની રાહ જોતી અને કાગળની નાનીનાની હોડીઓ બનાવીને પૂરના પાણીમાં તરતી મૂકતી. “જા, જા હોડી, પપ્પાને લઈ આવ.” કદાચ ત્રીજે દિવસે ખરેખર ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. હોસ્પિટલના ગળાડૂબ પાણીમાંથી હોડી ખરેખર પપ્પાને ઘરે લઈ આવી. ફ્લેટમાં નીચે પણ છાતી સમાણું પાણી હતું તોય સમીરને આવકારવા બધા જ નીચે ગયા. નાનકડી મિલોની અને સલોનીને કોણ લઈ જાય? સલોની બાલ્કનીમાંથી તાળીઓ પાડી કૂદીને બૂમો પાડવા માંડી, “પપ્પા… તમને અમાલી હોડી મલી દઈને…જલ્દી આવો,હજુ બોવ બધું પાની છે..બોવ મજા આવશે.” સમીરને ઉપર લાવી દેવાયો હતો. “પપ્પા જુઓને, કેટલું બધું પાની! હજુ વધાલે આવે તો મજા પલે, હેંને પપ્પા? ને ખરેખર વધારે પાણી ધસી આવ્યું, બધાની આંખોમાં. “પપ્પા… કો’ તો ખલા!” પણ પપ્પાને બદલે મમ્મીની એક ચીસે બંનેને ચૂપ કરી દીધી. સુધરી રહેલી સમીરની હાલત અચાનક સીરિઅસ થઈ ગઈ હતી. ઓક્સિજન સિલિન્ડરનો અભાવ અને પાણીમાં ડૂબેલી જનરેટિંગ સિસ્ટમને કારણે ડૉક્ટરોના લાખ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા હતા. કંઈ ના સમજાતાં દીકરીઓ સમીરની છાતીએ વળગી, સમીરના ખિસ્સામાંથી રિપોર્ટસના કાગળની બનાવેલી હોડી સરી પડી…

યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

યાત્રા બાની

“યાત્રા બાની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. કેરલા ગયેલા પૌત્ર કવિતને કોનફરન્સમાં બોલાવી લીધો. પણ આવું તો વરસમાં ત્રણ વાર થયું હતું. બા મોતને હાથતાળી દઈ પાછાં આવી ગયાં હતાં. આ વખતે બાની બહુ દયનીય સ્થિતિ હતી. એક એક શ્વાસનો ઘેરાયેલો અવાજ આવતો હતો. ગમે તે ઘડીએ એ અવાજ બંધ થઈ જાય એવી શક્યતા હતી. ડૉક્ટરે પણ છેલ્લી સ્થિતિ ગણાવી હતી. “ફિકર નહીં કરો, બાએ અઠ્યાસી વર્ષ બહુ સારી જિંદગી જીવી છે. બહુ મહેનત અને પરોપકારનાં કામો કર્યા છે. હવે એમને શાતા જ મળશે. લીલી વાડી જોઈને જ જાય છે. સુકન્યાકાકી એમને માથે હાથ ફેરવતાં બોલ્યાં. બાને થોડા સમયથી હાર્ટ પ્રોબ્લેમ હતો. વળી, આંખની તકલીફ સાથે અલઝાઇમરની અસર પણ હતી. બાકી તો તેઓ ખૂબ કામગરા, વ્યવહારુ, ચપળ ને હિંમતવાળા, ક્યાંય અન્યાય કે ખોટું ન ચલાવે એવા. કોઈનાય ઝઘડામાં કૂદી પડે. એકવાર તો તેમણે સામેવાળી સુજાતાને ખખડાવી નાખેલી. એનો દીકરો ચીંટુ રોજ બપોરે બા સૂતા હોય ત્યારે ઉપરાછાપરી ડોરબેલ વગાડી જાય, ફૂલો તોડી પાંદડીઓ ત્યાં જ ફેંકી જાય, સાથિયો ભૂસી જાય. પ્રેમપૂર્વક બાએ તેને સમજાવ્યો. પણ તે ન માન્યો તો બાને એની મમ્મી સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યારથી સામેવાળા જોડે બોલવાનું બંધ. જોકે હવે અલઝાઇમરને કારણે ઘણું ભૂલી જતાં. જમીને દસ જ મિનિટ્સમાં કહે, ‘અલી, બહુ મોડું થયું, ભાણું પીરસી દે.’ કે પછી દેવપૂજા કરી હોય તોય, પાછાં જાતે ફૂલ તોડવા જાય. અરે, ઘણી વાર તો વર્તમાન ભૂલી જાય ને ભૂતકાળમાં પહોંચી જાય, “ભાભી, તમારી ચૂડીમાં સોનાની ઘૂઘરીઓ હતી એ ક્યાં ગઈ?” વળી તે વખતની ઘરે કામ કરતી સુકલીબેનને કપડામાં સાબુ ઓછો નાખવા સમજાવે. અચાનક દીકરાઓને ને ભત્રીજાઓને તેમનાં બાળપણના લાડકાં નામથી બૂમ પાડે. નાનો પિનાંક શરીરે નબળો ને સ્વભાવે નરમ એને વ્હાલ કરતાં બોલે, “બેટા પિંકુ, તું સૂકલકડી છે તો શું થયું? આમ રોજ માર ખાઈને નહીં આવવાનું. કાલે હું તારી સાથે નિશાળે આવીશ બસ.” આજે બાનો એ જ દીકરો, બાની પીડા ન સહેવાતા, બાના કાનમાં બોલ્યો, “બા, હવે કોઈનીય ફિકર કર્યા વગર સુખેથી યાત્રાએ જા, પાછી જન્મ લઈ આ જ ઘરે આવજે. રામ… રામ… રામ…’ પણ કદાચ બાના સુકલકડી શરીરનાં કાન અને આંખ કામ કરતાં ધીમા પડી ગયાં હતાં. એક ટકી રહ્યો હતો એ માત્ર અવાજ. બા થોડી થોડીવારે કંઈક ન સમજાય એવું બોલતાં. ધીમે ધીમે બધાં ભેગાં થઈ ગયાં. સામેવાળી સુજાતાય ઝઘડો ભૂલી બાના આખરી દર્શન કરવા આવી. બાના મૃત્યુ પછી પહેરાવવાનાં, ઓઢાડવાનાં કપડાં, ગંગાજળ વિગેરે બાએ જ અગાઉથી પિનાંકની પત્નીને ચોક્સાઇપૂર્વક આપી રાખ્યાં હતાં. એય તૈયારી બાએ કરી રાખી હતી. પણ બાનો જીવ જતો નહોતો. અચાનક જ બાએ એમનો કમજોર હાથ માંડ ઊંચો કર્યો, “પિંકુ બેટા…’ પિનાંક બાજુમાં જ હતો, “હા બા…’ પણ બાનો હાથ તો નાના પિંકુનું માથું શોધતો હતો. “બેટા પિં…કુ…” ફરી બાનું એ જ વર્તન. બધાની આંખોમાં આંસુ.બાનો નાનો પિંકુ લાવવો ક્યાંથી? એ જ ઘડીએ મમ્મીને શોધવા આવેલા ચિંટુને સુજાતાએ ત્યાં બેસાડી દીધો. ને બા હાથ ફેરવી વ્હાલથી બોલ્યાં, “બેટા પિંકુ, કોઈથી ખોટ્ટુ ડરવાનું નહીં હંમમમ ને બેટા…ને આપણે પણ કોઈને….” “બા, હવે કયારેય ડોરબેલ વગાડી તમારી ઊંઘ નહીં બગાડું.”ચિંટુ કાંઈ ન સમજાતા બોલ્યો. પણ બા તો કોઈ ડોરબેલ ખલેલ ન પહોંચાડી શકે એવી ગાઢ ઊંઘની યાત્રાએ સિધાવી ગયાં હતાં. યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized