Daily Archives: સપ્ટેમ્બર 4, 2021

ઊજળું

ઊજળુંરાજુને મા ન હતી. તે સ્કૂલમાં જતો પણ તેને લંચબોક્સ કોણ આપે? એટલે તે બહારથી બે રૂપિયાનાં સીંગચણા લઈને ખાતો. તેને જે કાગળમાં સીંગચણા બાંધીને અપાતાં તે વાંચવામાં રસ પડી જાય તો સીંગચણા ખાવાનું બાજુએ રહી જાય. રાજુ આખો વખત વાંચતો જ હોય. રસ્તા પર ચાલતો ચાલતો દુકાનનાં બોર્ડ વાંચતો હોય, ચોપાનિયાં વાંચતો હોય, એટલું જ નહીં, તે લોકોની આંખો અને લોકોનાં મન પણ વાંચતાં શીખી ગયો હતો. રાજુ ધીમે ધીમે લખતા શીખ્યો. મોટો થઈને રાજુ લેખક બન્યો.હવે તે લેખક રાજેશ્વર કહેવાતો.તે પોતાના મિત્રોને પૂછીને એને વાંચવામાં રસ હોય તો જ પુસ્તક ભેટ આપતો. તેનો મિત્ર શ્યામ શહેરમાં રહેતો. શ્યામે તો વળી સામેથી પુસ્તક મગાવ્યું હતું.રાજુ એકવાર ભૂલી ગયો તો ઠપકો મળ્યો હતો,”યાર,પુસ્તક તો આપ મારું નામ લખીને,અમેય વાંચીશું ને ગર્વથી કોલર ઊંચા કરીશું, કે લેખક રાજેશ્વર અમારો મિત્ર થાય.” રાજુ આ વખતે ખાસ યાદ કરી લઈ ગયો. શ્યામએ એ શોકેસમાં ગોઠવ્યું. તેને લાગ્યું કે શોકેશને કારણે પુસ્તક દીપી ઊઠ્યું, પરંતુ રાજુને લાગ્યું કે પુસ્તકને કારણે શોકેશ સુંદર લાગે છે. અવારનવાર સાહિત્યના કામને માટે રાજુ શહેરમાં આવતો અને શ્યામના ઘરે પોતાનું પુસ્તક જોઈને હરખાતો. એકવાર તેણે પૂછ્યું કે તેં પુસ્તક વાંચ્યું કે નહીં? કે પછી શોકેસની શોભામાં વધારો કરવા જ મૂક્યું છે?”શ્યામે કહ્યું, “ના, ના, મારી સાળી, મારા કાકા, મારો મિત્ર, મારા પડોશી એમ કેટલા બધા લોકો વાંચવા લઈ ગયા હતા. જોકે, મેં સખત વોર્નિંગ આપી હતી કે, પુસ્તક બગડવું ન જોઈએ અને તેવું ને તેવું પુસ્તક સાચવીને મૂકી દઉં છું. રાજુએ કહ્યું કે, પુસ્તકને કબાટમાં બંધ ન રાખવું અને ટેબલ પર ખુલ્લામાં મૂકવું. જેના હાથમાં આવે તે વાંચે.ને પુસ્તકપ્રેમી હોય એ સાચવેજ. શ્યામે કહ્યું, “સાચી વાત છે. હવે હું એવું જ કરીશ.”એકવાર જ્યારે રાજુ આવ્યો ત્યારે શ્યામના શોકેસમાં પુસ્તક નહોતું.શ્યામ ત્યારે ઘરે ન હતો. શ્યામની પત્નીએ આગતાસ્વાગતા કરી.તેણે તેની પત્નીને પૂછ્યું કે, “પુસ્તક ક્યાં ગયું? શ્યામ પ્રવાસમાં વાંચવા સાથે લઈ ગયો છે?”શ્યામની પત્નીએ કહ્યું, “ના મારે ત્યાં રસોઈ કરવા જે બહેન આવે છે તેની દીકરી લઈ ગઈ છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. તે પુસ્તક વાંચીને આપી જશે કે તરત પાછું તેના સ્થાને મૂકી દઈશું.”રાજુ ખૂબ ખુશ થયો. “ખૂબ સારું કહેવાય. આ રીતે વાંચવાની તક દરેકને મળે તો ભાષાનો વિકાસ થાય.”સાંજે એકલો પડતા રાજુ શહેરમાં ટહેલવા નીકળ્યો. તેની નજર તો હંમેશા વાંચન તરફ જ હોય. તે પુસ્તકોની દુકાનમાં ફરતો. ચોપાનિયાં, છાપા એમ બધું જ ખૂંદી વળતો. તે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર કેવાં કેવાં પુસ્તકો વેચાય છે તેના પરથી તે શહેરનો તાગ કાઢી લેતો. તે પેપર-પસ્તીવાળા સુધી પણ પહોંચી જતો. ત્યાં તેને એક વાતની નવાઈ લાગી. કેટલાં બધાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાયાં હતાં. એ પસ્તીવાળાભાઈ સાથે રાજુ ને પળમાં દોસ્તી થઈ ગઈ. તે ભાઈએ કહ્યું કે, આમાંથી ઘણાં પુસ્તકો કે બીજા અન્ય પુસ્તકો આવે એ હું રાખું છું અને જેની જરૂર હોય તેને આપું છું. જુઓ, ત્યાં બહાર થપ્પી કરી છે તેમાંથી જેને જે કિંમત આપીને લઈ જવું હોય તે લઈ જાય. પૈસા ન હોય તો એમ ને એમ લઈ જાય અને વાંચીને પાછું આપી પણ જાય.રાજુને પસ્તીવાળા પર ગર્વ થયો કે, આતો એક લાઇબ્રેરી જેવું જ કામ થઈ રહ્યું છે. ત્યાં નાના મોટા સહુ કોઈ આવતા. તેને થયું કે લાવ, બાળકોને પૂછી જોઉં. ત્યાં બે સહેલીઓ વાત કરતી હતી. તેણે પૂછ્યું કે, “તમે શું વાંચો છો?”એક સહેલીએ પુસ્તક તરફ આંગળી બતાવી.તો રાજુએ પૂછ્યું, “પુસ્તક તમે ખરીદી જાઓ છો કે વાંચવા લઈ જાઓ છો?”એક સહેલીએ કહ્યું,”અમે ખરીદી લઈશું. માએ આઈસ્ક્રીમ ખાવા રૂપિયા આપ્યા,એને બદલે સીંગચણા લીધા એટલે બચ્યા.તમને ખરીદવા છે?જેટલા પૈસા આપવા હોય એ આ પેટીમાં નાખી દો.અમે આ ખરીદ્યું જુઓ.” અને પુસ્તક જોતાં જ રાજુની આંખ પહોળી થઈ ગઈ. પોતે શ્યામને જે પુસ્તક આપ્યું હતું તે જ હતું. તેણે પેલી છોકરીને અધીરાઈથી પૂછ્યું, “તારે શા માટે આ પુસ્તક જોઈતું હતું? તેણે કહ્યું, “મારા શેઠાણીને ત્યાં આ પુસ્તક હતું. મને વાંચવાની બહુ ઈચ્છા હતી પરંતુ તેમણે કહ્યું કે તું વાંચવામાં સમય બગાડીશ તો કામ ક્યારે કરીશ? અને તે દિવસે સાહેબે પસ્તીમાં આપી દીધેલું. અને હું અહીં તે લેવા આવું છું.” ત્યારે રાજુને થયું કે, ખરેખર પુસ્તક પર ‘શ્યામ’ નામ છે એટલું જ. બાકી,એના ઘરેથી પુસ્તક નીકળ્યું પછી ખરેખર ઊજળું થઈ ગયું છે!યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized