Daily Archives: સપ્ટેમ્બર 6, 2021

શફલ, રિશફલ…

શફલ, રિશફલ…

કાલકા મેલ ટ્રેન દુર્ઘટનાએ જે વાતને પાટા પરથી ઉતારી નાખી હતી એ બની. પ્રધાનમંત્રી મનમોહનસિંઘે ગંજીપો ચીપ્યો. કેબિનેટ રિશફલ થઇ. પત્તાં બાંટ્યાં. મંત્રીઓના ખાતાં બદલાયાં. કેટલાક નવા મંત્રી ઉમેરાયા. કેટલાક જુનાને જાકારો આપ્યો. અહીં શફલ એટલે બદલવું અને રિશફલ એટલે ફેરબદલ. કેબિનેટ રિશફલથી શક્તિનો પુન:સંચાર થાય, સરકારનો કાયાકલ્પ થાય એવું પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજી માનતા. દર અસલ શફલ શબ્દ મધ્યકાલીન અંગ્રેજીના શબ્દ શોવેલન પરથી આવ્યો, જેનો અર્થ થાય છે પગ ઢસડીને ચાલવું. એવું પણ મનાય છે કે જર્મન ‘સ્કફલેન’ શબ્દ પરથી આવ્યો જેનો અર્થ થાય છે કઢંગી રીતે ચાલવું અથવા સોદામાં છેતરિંપડી કરવી. મૂંઝાયેલા, વ્યાકુળ કે પછી કંટાળેલા હોઇએ અને એટલે પગ ઉંચક્યા વિના ચાલીએ તેને પણ શફલ કહેવાય. કાગળ કે વસ્તુઓ જે રીતે મૂકી હોય એનો ક્રમ બદલી આગળ પાછળ કરી દઇએ તેને પણ શફલ કહેવાય. કોઇને ખ્યાલ ન આવે એ રીતે ઘૂસણખોરીને પણ શફલ કહેવાય. રમવાના પત્તાંને આડાઅવળાં ગમે તેમ મિક્સ કરવાને પણ શફલ કહેવાય. કાળા નાણાંને જુદી જુદી વિદેશી બેંકના જુદા જુદા ખાતામાં મૂકવાની પ્રક્રિયાને રૂપિયા શફલ કર્યા તેવું કહેવાય. ખિસ્સા ફંફોળો કે ડબ્બો ફંફોસો, કશું વીંખો કે ખાંખાખોળા કરો એને ‘શફલ એક્રોસ’ કહેવાય. જેમ ગંજીફો ચીપીએ પણ ધાર્યું પત્તું ન નીકળે એમ એક્સાથે ઘણાં બધાં કામ કરવાનાં હોય ત્યારે કોઇ એક ચોક્કસ કામ સારી અને સાચી રીતે ન કરી શકીએ તો તેને કહેવાય ‘લોસ્ટ ઇન શફલ’. વિલિયમ શેકસપિયરના પ્રસિદ્ધ નાટક હેમ્લેટની જાણીતી એકોક્તિ ‘ટુ બી ઓર નોટ ટુ બી’માં એક શબ્દસમૂહનો ઉલ્લેખ આવે છે ‘શફલ ઓફ ધીસ મોર્ટલ કોઇલ’. મોર્ટલ કોઇલ એક કાવ્યાત્મક શબ્દાવલિ છે જેનો અર્થ થાય છે આ દુનિયાની રોજબરોજની મુશ્કેલીઓ, વિંટબણાઓ, જેનો ભાર આપણે વેંઢારીએ છીએ અને એ બોજ તળે ભાંગી પડીએ ત્યારે મુક્તિનો એક જ માર્ગ છે અને એ મરી જવાનો! શફલ ઓફ ધીસ મોર્ટલ કોઇલ એટલે મૃત્યુ. જો કે આ શબ્દસમૂહ કોઇના મૃત્યુ પ્રસંગે સાંત્વના આપવા માટે નહીં પણ મૃત્યુ વિશે રમૂજ કરવી હોય તેવા બ્લેકહ્યુમર માટે વપરાય છે. જેમ કે હું જ્યારે આ મોર્ટલ કોઇલમાંથી શફલ ઓફ થઇશ ત્યારે મારું મોત પણ સ્ટાઇલિશ હશે. ઘંટારવ થતો હશે, ફૂલોની પથારી હશે અને લાંબી અંતિમક્રિયા હશે જેમાં બધા જ લોકો કંટાળી જશે અને મને યાદ કરીને ગાળો દેશે. ધ શફલ એટલે ડાન્સ પાર્ટીમાં છકી ગયેલા છોરાનું છાકટી છોરી પર લથડીને ગોથું ખાઇ જવું. તમે તમારા એમપીથ્રી પ્લેયર કે આઇપોડને શફલ મોડમાં રાખો એટલે સાવ અણધાર્યા ક્રમમાં ગીત વાગે પણ એવામાં અચાનક જ તમારા મૂડ મુજબનું કે પરિસ્થિતિ પ્રમાણેનું ગીત સંભળાય, જેમ કે ઉદાસ હો અને દુ:ખી મન મેરે સુન મેરા કહેના- સંભળાય તેને ‘શફલ ઇફેકટ’ કહે છે. પૂર્વ ચેસ ચેમ્પિયન બોબી ફિશરે ચેસનું એક વિભિન્ન સ્વરૂપ શોધ્યું હતું, જેમાં પાયદળ સિવાય તમામ મહોરાંને નિયત સ્થાન સિવાય અન્ય સ્થાન પર મૂકવામાં આવે છે. જેમ કે છેવાડે હાથીની જગ્યાએ રાજા પણ હોય અને બાજુમાં ઘોડાના સ્થાને ઊંટ પણ હોય. પછી બાજી તો નિયમ મુજબ જ રમવાની પણ બદલાયેલા ક્રમમાં ખેલાડીની સાચી કાબેલિયતની કસોટી થાય. આ ચેસ વેરિઅન્ટને શફલ ચેસ અથવા ચેસ ૯૬૦ કહે છે. રિશફલ બે અર્થમાં વપરાય છે. જ્યારે રમવાનાં પત્તાં બરાબર ચીપ્યા હોય તેમ છતાં છેતરિંપડી ટાળવા જુગારી ગંજીફો ફરી ચીપવા કહે તેને રિશફલ કહેવાય અને બીજો અર્થ જે વડાપ્રધાને કર્યું એ-એટલે કે પ્રધાનમંડળનું પુનર્ગઠન. શબદ આરતી: માનવ માત્રને પસંદગીની પૂર્ણ સ્વતંત્રતા છે. થયેલી પસંદગીમાં ફેરફાર (Shuffle) કરવાનો અધિકાર ખરો, પણ આપણે જવાબદારીમાંથી છટકી ન શકીએ. જવાબદારીમાં ફેરબદલ (Reshuffle) કરીને દોષનો ટોપલો કુદરત કે ભગવાનના ખભે ન નાખી શકીએ. જવાબદારી આપણી છે, આપણે વહન કરવાની છે.- આર્નોલ્ડ ટોયનબી, અંગ્રેજ અર્થશાસ્ત્રી, ઈતિહાસવિદ્ અને સમાજ સુધારક

 શબદ કીર્તન, પરેશ વ્યાસ

Leave a comment

Filed under Uncategorized